નૂર (freight) : જમીનમાર્ગ, રેલમાર્ગ, સમુદ્રમાર્ગ અથવા હવાઈ માર્ગ દ્વારા મોકલેલા માલસામાન(consignment)ની હેરફેર માટેનું ભાડું. મોટરટ્રક, રેલવે એંજિન અને વિમાનની શોધ થતાં અગાઉ જહાજ દ્વારા માલસામાન મોકલવાનું ભાડું નૂર તરીકે ઓળખાતું હતું. હવે મોટર-ટ્રક, રેલવે અને વિમાન દ્વારા માલસામાન મોકલવાનું ભાડું પણ નૂર કહેવાય છે. વાહન કે વાહનનો અંશ ભાડે રાખીને માલસામાન મોકલનાર (consigner) પાસેથી વાહક (carrier), મોકલવાના માલસામાનના વજન અથવા કદના આધારે, નૂર વસૂલ કરે છે. જમીનમાર્ગ, રેલમાર્ગ અને સમુદ્રમાર્ગે જતા મોકલવાના માલસામાનનું નૂર પ્રત્યેક ટન અથવા ઘનમીટર માટે ઠરાવેલા દરે ગણીને બેમાંથી જે વધારે હોય તે દરે અને હવાઈ માર્ગે થતા પ્રેષણનું નૂર પ્રત્યેક કિગ્રા. અથવા પ્રત્યેક 7,000 ઘસેમી. માટે ઠરાવેલા દરે ગણીને બેમાંથી જે વધારે હોય તે દરે વસૂલ કરવામાં આવે છે. જો મોકલવાના માલસામાન કે પ્રેષણ મૂલ્યવાન હોય તો તેનું નૂર વાહનમાં ચઢાવવા સમયે તેની જે કિંમત હોય તે આધારે લેવામાં આવે છે. પ્રેષણના પરિવહન માટે આપવા પડતા નૂરની જે ચિઠ્ઠી વાહક પ્રેષકને આપે છે તે નૂરચિઠ્ઠી (freight note) કહેવાય છે. સામાન્ય પ્રણાલિકા અનુસાર પ્રેષણ પરિવહન માટે સોંપવામાં આવે તે જ સમયે વાહક નૂર વસૂલ કરે છે; પરંતુ અપવાદ રૂપે પ્રેષણ ગંતવ્યસ્થાન (destination) પર પહોંચે ત્યારે મોકલેલો માલ ગ્રહણ કરનાર (consignee) પાસેથી નૂર વસૂલ કરવાનું વાહક કબૂલ રાખે છે. આવી અપવાદરૂપી વસૂલાતને અગ્રવર્તી નૂર (freight forward) કહેવાય છે. વાહનને પ્રેષણ વડે પૂરેપૂરું ભરવામાં પ્રેષક નિષ્ફળ જાય તો તેણે વાહનમાં વપરાયા વગર રહી ગયેલી જગાનું નૂર ભરવું જ પડે છે. આ રકમ અમુક્ત કે અપ્રયુક્ત નૂર (dead freight) કહેવાય છે. પ્રેષકે મોકલેલું પ્રેષણ વાહક ગંતવ્ય સ્થાને પહોંચાડે પરંતુ પ્રેષિતી (consignee) વાજબી સમયમાં પ્રેષણ છોડાવે નહિ તો ગંતવ્ય સ્થાને પ્રેષણનો નિકાલ કરવાનો અથવા પ્રેષણ અન્ય સ્થળે મોકલીને તેનું પરિવહન પશ્ચનૂર (back frieght) વસૂલ કરીને પ્રેષણનો નિકાલ પ્રેષણમાલિકના ખર્ચે અને જોખમે કરવાનો વાહકને ગર્ભિત અધિકાર રહે છે. વાહકને પ્રેષણની સોંપણી કરતી વખતે પ્રેષકે જો નૂર ભરી દીધું હોય તો વાહક ભરતિયા (bill of lading) ઉપર તે પ્રમાણે નોંધ કરે છે અને પ્રેષિતીને પ્રેષણ ગંતવ્ય સ્થાને તરત જ સોંપી દે છે.
જયન્તિલાલ પો. જાની