નૂન, (સર) ફીરોજખાન

January, 1998

નૂન, (સર) ફીરોજખાન [. 7 મે 1893, હામોકા, પૂર્વ પંજાબ, હવે પાકિસ્તાન; . 9 ડિસેમ્બર 1970, નૂરપૂર નૂન, પંજાબ (પાકિસ્તાન)] : સ્વાધીનતા પૂર્વેના પંજાબના અગ્રણી મુસ્લિમ નેતા તથા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન. તેમના પૂર્વજો મૂળે રાજસ્થાનના અને મુઘલ શાસનની શરૂઆતનાં વર્ષોમાં સ્થાનાંતર કરીને પંજાબ ગયેલા. પ્રસિદ્ધ સંત શેખ ફરીદના હસ્તે તેમણે ઇસ્લામ ધર્મનો અંગીકાર કર્યો હતો. પિતાનું નામ મલિક મોહમ્મદ હયાતખાન, જેઓ કમિશનરના પદ પરથી નિવૃત્ત થયા હતા (1931). સરકારી હોદ્દા અને વિશાળ સંપત્તિની માલિકીને લીધે નૂન કુટુંબ ઓગણીસમી સદીમાં પંજાબ પ્રાંતમાં ગૌરવશાળી પરિવાર ગણાતું હતું.

ઘરઆંગણે રૂઢિગત ધાર્મિક શિક્ષણ મેળવ્યા પછી ઔપચારિક શિક્ષણ 1902માં શરૂ થયું. 1905થી 1912 ઍચિસન કૉલેજ (લાહોર) ખાતે તેમણે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ ઇંગ્લૅન્ડ ગયા અને ઇતિહાસ વિષયમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી તથા લંડન યુનિવર્સિટીની કાયદાની ઉપાધિ મેળવી હતી. 1917માં તેઓ સ્વદેશ પાછા ફર્યા. ત્રણ વર્ષ તેમણે સરગોધા ખાતે વકીલાત કરી. 1920માં પંજાબ લેજિસ્લેટિવ ઍસેમ્બ્લીની ચૂંટણીમાં વિજય મેળવ્યો. પંજાબની યુનિયનિસ્ટ સરકારમાં તેમણે સ્થાનિક સ્વરાજ્ય અને સ્વાસ્થ્યમંત્રી અને પાછળથી શિક્ષણમંત્રી તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ લંડન ખાતે હિંદના હાઈકમિશનર તરીકે નિયુક્ત થયા (1936–41). 1941–42 દરમિયાન તેમણે ભારતના ગવર્નર જનરલની કારોબારી સમિતિમાં શ્રમખાતાના સભ્ય અને 1942–45 દરમિયાન સંરક્ષણખાતાના સભ્ય તરીકે કામ કર્યું હતું.

વાટાઘાટો અને સમજૂતીઓ દ્વારા હિંદને સ્વાધીનતા મળે એના તેઓ હિમાયતી હતા. કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે કોઈ સમાધાન શક્ય નથી તેવું પ્રતીત થતાં તેમણે હિંદનું પાંચ ભાગોમાં વિભાજન સૂચવ્યું હતું : (1) બંગાળ અને આસામ, (2) સેન્ટ્રલ પ્રૉવિન્સ, યુનાઇટેડ પ્રૉવિન્સ અને બરાર, (3) ચેન્નાઈ, (4) મુંબઈ અને (5) પંજાબ, બલૂચિસ્તાન, સિંધ અને વાયવ્ય સરહદ પ્રાન્ત.

વીસમી સદીના ત્રીસીના દાયકામાં ભારતમાં મુસ્લિમ પક્ષ બળવાન બને તે હેતુથી તેમણે યુનિયનિસ્ટ પાર્ટીની પુનર્રચના હાથ ધરી હતી. તેમાં સફળતા ન મળતાં તેમણે મુસ્લિમ લીગ સાથે જોડાણ કર્યું. 1946માં પક્ષની સર્વોચ્ચ નેતાગીરીના આદેશને અનુસરીને તેમણે પોતાને મળેલા ઇલકાબો કે.સી.એસ.આઈ (1933) અને કે.સી.આઈ.ઈ.(1937)નો ત્યાગ કર્યો. 1947માં મહંમદઅલી ઝીણાના ખાસ દૂત તરીકે તેમણે મધ્યપૂર્વના દેશોનો પ્રવાસ ખેડ્યો હતો.

અલગ પાકિસ્તાનની રચના (1947) પછી તેમણે પાકિસ્તાનની બંધારણ પરિષદ અને પંજાબ ધારાસભાના સભ્ય તરીકે કામગીરી કરી હતી (1947–50). 1950–53 દરમિયાન તેઓ પૂર્વ પાકિસ્તાન(હવે બાંગ્લાદેશ)ના ગવર્નર, 1953–55 દરમિયાન પંજાબના મુખ્યમંત્રી, 1955–57 દરમિયાન દેશના વિદેશમંત્રી અને 1957 ડિસેમ્બરથી 1958 ઑક્ટોબર દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાનપદે રહ્યા હતા.

તેમનાં પ્રકાશનોમાં ‘કૅનેડા ઍન્ડ ઇન્ડિયા’ (1939), ‘ઇન્ડિયા ઇલસ્ટ્રેટેડ’ (1940), ‘વિઝ્ડમ ફ્રૉમ ફૂલ્સ’ બાળપુસ્તિકા (1940) તથા ‘ફ્રૉમ મેમરી : ઍન ઑટોબાયૉગ્રાફી’(1966)નો સમાવેશ થાય છે.

નવનીત દવે