નૂતન સૌરાષ્ટ્ર

January, 1998

નૂતન સૌરાષ્ટ્ર : સૌરાષ્ટ્રનું નોંધપાત્ર ગુજરાતી દૈનિક વર્તમાનપત્ર. ભારત સ્વતંત્ર થયું તેના એક વર્ષ પછી રજી સપ્ટેમ્બર, 1948ના રોજ જુગતરામ રાવળે રાજકોટમાં તેની સ્થાપના કરી. શ્રી રાવળ મૂળ સિંધ પ્રાંતમાં (જે હાલ પાકિસ્તાનમાં છે) રહેતા અને ત્યાં 1925ના અરસામાં તેઓ ‘સિંધ સમાચાર’ નામે ગુજરાતી સાપ્તાહિક ચલાવતા. આ સાપ્તાહિક 1931માં દૈનિક થયું, પરંતુ ભારતની સ્વાતંત્ર્યચળવળ દરમિયાન ‘સિંધ સમાચારે’ મુસ્લિમ લીગનું સમર્થન કરવાનો ઇનકાર કર્યો. ત્યારબાદ એક વખત તોફાનો દરમિયાન સિંધ સમાચાર પ્રેસ તોફાનીઓએ સળગાવી મૂક્યું.

ભાગલા પછી જુગતરામ રાવળ ભારત આવ્યા અને રાજકોટમાં ‘નૂતન સૌરાષ્ટ્ર’ શરૂ કર્યું. 1950ના દાયકામાં કાઠિયાવાડમાં ભૂપત બહારવટિયાની ધાક હતી. તે ધાડ પાડતો તેના સનસનાટીભર્યા અહેવાલો ‘નૂતન સોરાષ્ટ્ર’માં છપાતા. કહેવાય છે કે ભૂપતની ટોળકી પણ આ અહેવાલો રસપૂર્વક વાંચતી અને એક લોકવાયકા મુજબ કાળુ વાંક નામે ભૂપતનો એક સાથીદાર તો પોતાની પ્રતિક્રિયા પણ લખીને ‘નૂતન સૌરાષ્ટ્ર’ને મોકલતો. લગભગ એ જ અરસામાં સૌરાષ્ટ્રમાં વેચાણવેરા સામે એક જબરદસ્ત આંદોલન થયું. તેમાં ‘નૂતન સૌરાષ્ટ્ર’ પ્રજાના પક્ષે રહ્યું; એટલું જ નહિ, પરંતુ આંદોલન શમાવવામાં પણ તંત્રી જુગતરામ રાવળે સક્રિય ભૂમિકા ભજવી હતી.

પ્રારંભમાં ‘નૂતન સૌરાષ્ટ્ર’ ચાર પાનાંનું નીકળતું, પછી આઠ પાનાં થયાં. 1955માં જુગતરામ રાવળના પુત્ર હસમુખભાઈ રાવળે વ્યવસ્થા સંભાળી અને ત્યારપછીના દસકામાં ‘નૂતન સૌરાષ્ટ્રે’ સારો વિકાસ કર્યો. એ સમયે તેનો ફેલાવો 26 હજાર નકલ સુધી પહોંચ્યાના ઉલ્લેખો મળે છે. 1959માં ‘નૂતન સૌરાષ્ટ્ર’ ફ્લૅટ બેડ રોટરી યંત્ર પર છાપવાનું શરૂ થયું. તે પહેલાં સિલિન્ડર મુદ્રણયંત્ર ઉપર છપાતું. ત્યારપછી સ્ટીરિયો રોટરી યંત્ર ઉપર પણ છાપકામ શરૂ થયું. ’60ના દસકામાં ‘નૂતન સૌરાષ્ટ્રે’ અન્ય પ્રકાશનો પણ શરૂ કર્યાં. ‘રૂપેરી રંજન’ નામે ફિલ્મ સાપ્તાહિક ઉપરાંત ‘ઝંકાર’ નામનું તેનું અન્ય એક સામયિક પણ ભારે લોકપ્રિય થયું. તેણે ‘અંજલિ’ નામે વાર્તામાસિક પણ ચલાવેલું. જોકે સમય જતાં આ બધાં સામયિકો બંધ થઈ ગયાં.

સૌરાષ્ટ્રમાં દૈનિક પત્રકારત્વને સ્થિરતા આપનારાં વર્તમાનપત્રોમાં ‘જયહિંદ’ પછી ‘નૂતન સૌરાષ્ટ્ર’ની ગણના થઈ શકે.

અલકેશ પટેલ