નૂતન વનસ્પતિજ ઔષધો
છેલ્લા બે શતક દરમિયાન વનસ્પતિમાં રહેલા સક્રિય ઘટકોની માહિતી પ્રાપ્ત થવાને કારણે મેળવાયેલાં ઔષધો. આદિ માનવ વનસ્પતિની પેદાશોનો ઉપયોગ આહાર માટે કરતો. તેમાંથી જે વનસ્પતિની ઝેરી કે અવળી અસર થતી તેનો ઉપયોગ તે આહાર માટે ન કરતાં ઔષધ તરીકે કરતો થયો; દા. ત., એરંડાનાં બીજ રેચક અસર કરતાં હોવાથી તેનો ઉપયોગ કબજિયાતમાં કરતો થયો. વનસ્પતિના આવા ગુણધર્મોનું જ્ઞાન પેઢી દર પેઢી ઊતરતું આવ્યું. આયુર્વેદના વિકાસમાં આવી માહિતીનો ઘણો મહત્વનો ફાળો રહ્યો છે.
ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતી આવી વનસ્પતિમાંથી ઓગણીસમી અને વીસમી સદીમાં વૈજ્ઞાનિકોએ વિવિધ રાસાયણિક ઘટકો જુદા પાડ્યા, તેમના બંધારણનો તથા તેમના ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોનો અભ્યાસ કર્યો. આના ફળસ્વરૂપે અત્યારે વનસ્પતિમાંથી ઘણાં નૂતન ઔષધો મળ્યાં છે; જે ગોળી, પાઉડર, સંપુટિકા (capsule), મલમ કે ઇંજેક્શન સ્વરૂપે વપરાય છે. આ ઉપરાંત વનસ્પતિમાંથી મળેલ રસાયણોની સંરચના(structure)માં થોડોક ફેરફાર કરી વધુ અસરકારક અને લાંબો સમય કામ આપે તેવાં ઔષધો શોધાયાં. તે ઉપરાંત તેવી સંરચનાવાળાં ઘણાં ઔષધોનું સંશ્લેષણ પણ કરવામાં આવ્યું છે; દા. ત., વિલોની છાલ દુખાવો મટાડવા માટે વપરાતી હતી. તેમાંથી 1938માં સેલિસિલિક ઍસિડ શોધાયું. તે પછી તેમાં ફેરફાર કરી વધુ અસરકારક એવું એસિટાઇલ સેલિસિલિક ઍસિડ (ઍસ્પિરિન) બનાવ્યું, જે અત્યારે પણ વિપુલ પ્રમાણમાં વપરાય છે.
વનસ્પતિસૃષ્ટિમાંથી અનેક નૂતન ઔષધો બનાવવામાં આવ્યાં છે, તેમાંનાં કેટલાંકને સારણી 1 માં દર્શાવ્યાં છે :
(1) અરડૂસી : અરડૂસી એ આધાતોડા ઝેયનિકા(આધાતોડા વસિકા)નાં પાંદડાં છે, (કુટુંબ–ઍકૅન્થેસી). તેમાં વસિસિન, વસિસિનોન, 6-હાઇડ્રોક્સિ વસિસિન વગેરે કડવાં આલ્કલૉઇડ છે. તે ક્વિનાઝોલિન વ્યુત્પન્નો છે. અરડૂસી કફને પાતળો કરીને બહાર કાઢવા માટે વપરાય છે. વસિસિન ઑક્સિટૉસિન તથા ઇર્ગોમેટ્રીનની માફક ગર્ભાશયને ઉત્તેજિત કરે છે (ઑક્સિટોસિક અસર); તેથી વસિસિન ગર્ભપાત કરાવી શકે છે. વસિસિનની આ અસર તેના દ્વારા પ્રોસ્ટાગ્લેન્ડીનનો સ્રાવ થવાને કારણે છે.
(2) એફેડ્રિન અને સ્યુડોઍફેડ્રિન : એફેડ્રિન એફેડ્રાની જુદી જુદી જાતો(species)માંથી 1887ની સાલમાં મેળવવામાં આવ્યું હતું. તે એક આલ્કોલૉઇડલ એમાઇન છે. હાલ વ્યાપારી ધોરણે તેનું સંશ્લેષણ કરીને તેને મેળવવામાં આવે છે. તે રીતે તે સસ્તું પડે છે. એફેડ્રિન સલ્ફેટ કે હાઇડ્રોક્લૉરાઇડ ગોળી રૂપે, ઇંજેક્શન દ્વારા અથવા નાકમાં નાખવાનાં ટીપાંના સ્વરૂપે વપરાય છે. એફેડ્રિનની ગોળી દમના દર્દીઓને રાહત આપે છે અને ટીપાં શરદીમાં નાકનું નીતરવું બંધ કરે છે. સ્યુડોએફેડ્રિન એ એફેડ્રિનનો ત્રિપરિમાણી સમાવયવી (stereoisomer) છે. તે શરદીમાં નાક બંધ થાય તો ખોલવા માટે મોં દ્વારા લેવાય છે તથા નાકમાં ટીપાં રૂપે પણ નંખાય છે.
એફેડ્રા એ મૂળ ચીનની ઔષધિ છે. ચીનમાં તે એફેડ્રા ઇક્વિસેટીના અને એફેડ્રા સિનિકાના પ્રકાંડમાંથી મેળવાય છે, જ્યારે ભારત અને પાકિસ્તાનમાં તે એફેડ્રા જીરાર્ડીઆના, એફેડ્રા ઇન્ટરમીડિયા, એફેડ્રા મેજર વગેરેમાંથી મેળવવામાં આવે છે.
(3) થિયોફાયલીન : થિયોફાયલીનને 1.3 ડાયમીથાઇલઝેન્થીન પણ કહે છે. તે પ્યુરીનવ્યુત્પન્ન છે અને ચામાંથી મળે છે. કૅફીનમાંથી પણ સંશ્લેષણ કરીને તે મેળવાય છે. તે સફેદ, સ્ફટિકમય પદાર્થ છે. તે શ્વાસનળી અને નસોના અરૈખિક સ્નાયુઓને શિથિલ કરીને તેમને પહોળાં કરે છે. તેને કારણે પેશાબ પણ વધુ પ્રમાણમાં બને છે. તેથી તે દમની સારવારમાં વપરાય છે, પરંતુ તેને કારણે ક્યારેક લોહીનું દબાણ ઘટે છે અને પુષ્કળ પેશાબ થાય છે.
(4) નોસ્કાપીન (નારકોટીન) : નોસ્કાપીન એ બેન્ઝીલ આઇસોક્વિનોલીન વલય ધરાવતો અફીણમાંથી મળતો આલ્કલૉઇડ છે. તે મુખ્યત્વે ખાંસીને શમાવવા માટે વપરાય છે.
(5) અર્ગોટામીન : એ ક્લેવિસેપ્સ પુરપુરિયા નામની ફૂગના જાલાશ્મ(sclerotium)માંથી મેળવવામાં આવે છે. આ ફૂગ રાઇ(Rye)ના છોડના કણસલા ઉપર ઊગે છે. અર્ગોટામીન એ પેપ્ટાઇડ શૃંખલાવાળો ઇન્ડોલ આલ્કલૉઇડ છે. તે પાણીમાં અદ્રાવ્ય છે. આર્ગોટામીન ટાર્ટરેટ આધાશીશી(migrain)માં માથાનો દુખાવો દૂર કરવા વપરાય છે. તેની સાથે જરૂર પડ્યે કૅફીન પણ વપરાય છે. અર્ગોટેમાઇન માથાની નસોનું સંકોચન કરે છે. દવા આપીને દર્દીને શાંત અંધારી જગ્યાએ બે કલાક સૂવાની સલાહ અપાય છે.
(6) અર્ગોટૉક્સિન : અર્ગોટૉક્સિન એ ક્લેવિસેપ્સ પુરપુરિયા નામની ફૂગના જાલાશ્મમાંથી મેળવવામાં આવતા પેપ્ટાઇડ શૃંખલાવાળા ત્રણ ઇન્ડોલ આલ્કલૉઇડનું મિશ્રણ છે. આ મિશ્રણમાં અર્ગોક્રિપ્ટિન, અર્ગોક્રિસ્ટીન અને અર્ગોકોર્નિન છે. અર્ગોટૉક્સિન ઇથેન સલ્ફોનેટ વૃદ્ધ દર્દીઓમાં નસોને પહોળી કરે છે, અને તેથી તેમના મગજનો લોહીનો પુરવઠો વધે છે; પરંતુ તે લોહીનું દબાણ અને હૃદયના ધબકારાનો દર ઘટાડે છે. તેને અગાઉ જીભ નીચે મૂકીને લેવામાં આવતું હતું. હાલ તેનો ખાસ ઉપયોગ રહ્યો નથી.
સારણી : વનસ્પતિમાંથી પ્રાપ્ત કેટલાંક ઔષધો
અ.નં. | ઉપયોગ–જૂથ | ઔષધ | વનસ્પતિ–સ્રોત | સારવારલક્ષી ઉપયોગ કે ખર્ચ |
1 | 2 | 3 | 4 | 5 |
1. | શ્વસનતંત્ર | અરડૂસી છદ્મ (pseudo) એફેડ્રિન | આધાતોડા ઝયનિકા (વસિકા) મૂળ એફેડ્રા જૂથની વનસ્પતિમાંથી મળતું હતું. | કફ પાતળો કરી બહાર કાઢવાનું સુગમ કરતું ઔષધ. શરદી થાય તથા શ્વાસ ચઢતો હોય તો તેની સારવાર. |
થિયોફાયલીન | ચાની પત્તી | શ્વાસોચ્છવાસની તકલીફ અને દમની સારવાર. | ||
નોસ્કાપીન | પોસના ડોડા(અફીણ જૂથનું ઔષધ) | ખાંસી ઓછી કરે છે. | ||
2 | હૃદય અને નસો | અર્ગોટામીન | રાઈના છોડ પર ઊગતી ક્લેવિસેપ્સ પુરપુરિયા નામની ફૂગ | આધાશીશી(migrain)માં માથું દુખતું શમે છે. |
અર્ગોટૉક્સિન | રાઈના છોડ પર ઊગતી ક્લેવિસેપ્સ પુરપુરિયા નામની ફૂગ | લોહીનું દબાણ ઘટાડે છે. (હાલ તેનો વપરાશ નથી.) | ||
અર્ગોમેટ્રિન | રાઈના છોડ પર ઊગતી ક્લેવિસેપ્સ પુરપુરિયા નામની ફૂગ | સુવાવડ પછીના વધુ પડતા રુધિરસ્રાવને ઘટાડે છે. | ||
અસ્ક્લેપિન | અસ્કલેપસ ક્યુરાસાવિયા | ડિજિટાલિસની માફક હૃદયની કાર્યક્ષમતા વધારે છે. (હાલ વપરાશમાં નથી.) | ||
ઓઆબેઇન (ouabain) | સ્ટ્રોફેન્થસ ગ્રેટસ | હૃદયના ધબકારનું બળ વધારે છે. | ||
ક્વિનીડીન | સ્ટ્રોફેન્થસ ગ્રેટસ | હૃદયના ધબકારા નિયમિત કરતું ઔષધ. | ||
ડિગૉક્સિન | ડિજિટાલિસ લેનેટા | હૃદયનાં સંકોચનોનું બળ વધારે છે. | ||
ડિજિટૉક્સિન | ડિજિટાલિસ લેનેટા | હૃદયનાં સંકોચનોનું બળ વધારે છે. | ||
પપાવરીન | પોસના ડોડા (અફીણ જૂથનું ઔષધ) | હૃદય, મગજ કે શિશ્નની નસોને પહોળી કરવા માટે પ્રાયોગિક ધોરણે તેનો વપરાશ. | ||
પેરુવોસાઇડ્સ | થિવેટિયા નેલિફોલિયા (પીળી કરેણ) | ડિજિટાલિસની માફક અગાઉ વપરાતી દવા. | ||
રીસર્પિન | રાઉવોલ્ફિયા સર્પેન્ટિના, રાઉવોલ્ફિયા વોમિટોરિયા, રાઉવોલ્ફિયા ટેટ્રાફાયલા | લોહીના ઊંચા દબાણની સારવાર. | ||
લેનેટોસાઇડ-સી | ડિજિટાલિસ લેનેટા | હૃદયની નિષ્ફળતાનો ઉપચાર. | ||
3. | મગજ અને ચેતાતંત્ર | એટ્રોપિન | સોલેનેસી જૂથની વનસ્પતિ | પરસેવો, લાળ અને પાચકરસો ઘટાડે, આંતરડાનું હલનચલન ઘટાડે, આંખની કીકી પહોળી કરે. હૃદયના ધબકારા વધારે. |
એલ-ડોપા | મ્યુક્યુના પ્રુરિએન્સ | પાર્કિન્સન રોગ(કંપવા)માં વપરાય છે. | ||
કૅફીન | ચાની પત્તી, કૉફી કે કોળાનાં બીજ | શ્વાસ ચઢતો હોય તો ઘટાડે, મગજને ઉત્તેજિત કરે. | ||
કોડીન | પોસના ડોડા | નશાકારક, પીડાહારક ખાંસી રોકનાર, કબજિયાત કરનાર. | ||
ફાયસોસ્ટિગ્મીન | ફાયસોસ્ટિગ્મા વેનેનોસમ | ઝામરના ઉપચાર માટે. | ||
મૉર્ફિન | પોસના ડોડા, પપાવરમ સોમ્નીફેરમ | પીડાનાશક, ઘેનકારક, હૃદયની નિષ્ફળતામાં અકસીર ઉપચાર. | ||
હાયોસાઇન/ સ્કોપોલેમાઇન | ધતુરા ફેસ્ટુ ઓલા આલ્વા | પરાનુકંપી ચેતાતંત્રનું અવદાબન. | ||
હાયોસાયમીન/ એટ્રોપિન | વિવિધ છોડલેપમાંથી | પરાનુકંપી ચેતાતંત્રનું અવદાબન. | ||
4. | જઠર આંતરડાં અને પાચનતંત્ર | સેનોસાઇડ્સ | કેશિયા એક્યુટિફોલિયા, કેશિયા એન્ગ્યુસ્ટીફોલિયા | રેચક (જુલાબ). |
5. | લોહી વહેવાના વિકારો | એસીન | એરક્યુલસ હિમોકાસ્ટેનમ | લોહી વહેતું અટકાવવા ક્યારેક ઉપયોગી. |
રુટીન | રુટા ગ્રેવિયોલેન્સ | લોહી વહેતું અટકાવવા માટે. | ||
6. | કૅન્સર | ટેક્સોલ | ટેક્સસ બ્રેવિફોલિયા | સ્તન, અંડપિંડ અને ફેફસાંના કૅન્સરમાં ઉપયોગી. |
પોડોફાયલોટોક્સિન | પોડોફાયલમ પેલ્ટેટમ | ફેફસાં અને શુક્રપિંડના કૅન્સરમાં, વાપરવા માટે પ્રાયોગિક ઔષધ. | ||
વિન્ક્રીસ્ટીન | કેન્થેરન્થસ રોઝીઅસ (બારમાસી) | લોહીના કૅન્સરની સારવાર. | ||
વિન્બ્લાસ્ટીન | કેન્થેરન્થસ રોઝીઅસ (બારમાસી) | વિવિધ કૅન્સરની સારવાર. | ||
7. | ચેપ | આર્ટેમિસિન | આર્ટેમિનિયા એેન્નુઆ નામની (ચીની વનસ્પતિ) | ફાલ્સિપેરમ મલેરિયામાં વપરાતું ઔષધ |
ઇમેટિન | સેફાલિસ ઇપેકાકુઆન્હા અને સેફાલિસ એક્યુમિનેટા | અમિબાજન્ય રોગની સારવાર. | ||
એરિસ્ટોલોચિક ઍસિડ | એરિસ્ટોલોચિયા ક્લેમાઇટિસ | શરીરના કોષો દ્વારા રોગ કરતા જીવાણુનું ભક્ષણ સરળ કરે. | ||
ક્વિનાઇન | સિંકોનાની છાલ | મલેરિયાની દવા. | ||
ગ્રિસિયોફુલ્વીન | પેનિસિલિયમ ગ્રિસિયોફુલ્વમ નામની ફૂગ | દાદરની સારવાર. | ||
8. | વિટામિન અને પોષક દ્રવ્યો | એસ્કૉર્બિક ઍસિડ | લીંબુ, મોસંબી, સંતરાં, આંબળાં વગેરે | વિટામિન-સી હોઈ કોષોને આધાર આપતી પેશીમાં ઉપયોગી છે. |
થાયામીન | અનાજ, કઠોળ વગેરે | વિટામિન બી-1 છે, ગ્લુકોઝમાંથી શક્તિ મેળવવામાં ઉપયોગી. | ||
વિટામિન-ઈ | વનસ્પતિજન્ય તેલ | પેશી રસાયણોને નુકસાન કરતાં ઑક્સિડન્ટ દ્રવ્યો સામે અસરકારક. કૅન્સર, હૃદયરોગ થતો અટકાવવા માટેનો સંભવિત ઉપયોગ. લૈંગિક ક્ષમતા જાળવવામાં કદાચ ઉપયોગી. | ||
વિટામિન-એ | ગાજરનો પીળો ભાગ | રતાંધળાપણાની સારવાર. | ||
વિટામિન-કે | વનસ્પતિજ તેલ, ટામેટાં | લોહીનું ગંઠાવું. | ||
9. | પ્રકીર્ણ | કોલ્ચીસીન | કોલ્ચીકમ લ્યુટિયમ કોલ્ચીકમ/ઓટોન્નાલે | નજલોની સારવારમાં વપરાય છે. |
ગ્લોદરીઓસા સુપરબાના | રંગસૂત્રોના અભ્યાસમાં ઉપયોગી. | |||
જિન્સેનોસાઇડ | પાનાક્સ જિન્સેન્ગ કિવન્કવી ફોલિયમ વર્ગો | સર્વસામાન્ય ટૉનિક. | ||
ઝેન્થોટૉકિસન | અમી મેજુસ | ચામડીના વિકારો. | ||
થાયમોલ | થાયમસ વલ્ગારિસ કેરમ કોપ્ટિકમ ઓસિમમ ગ્રેટિસિમમ | મોં અને પેઢાંની સફાઈમાં વપરાય છે. | ||
બાવચી | સોરાલિયા કોરીલીફોલિયા | કોઢના ઉપચારમાં વપરાતું ઔષધ. | ||
બીટા-સીટો સ્ટીરોલ | સોયાબીન | કૉલેસ્ટેરૉલ ઘટાડે, પ્રૉસ્ટેટનો સોજો ઘટાડે. | ||
મૅન્થોલ | મૅન્થાપિપરેટા, મૅન્થાઆરવેન્સીસ | વાયુનો પ્રકોપ, દાંતનો દુખાવો વગેરે શમાવે છે. | ||
યીસ્ટ | એકકોષીય ફૂગ | પાચનક્રિયા માટે. | ||
યુજેનોલ | યુજેનિયા કેરિયો ફાયલસ (લવિંગ) | દાંતનો દુખાવો દૂર કરે. |
(7) અર્ગોમેટ્રિન અથવા અર્ગોનોવિન : અર્ગોમેટ્રિન એ ક્લેવિસેપ્સ પુરપુરિયા નામની ફૂગના સ્ક્લેરોશિયમમાંથી મેળવવામાં આવતો પેપ્પટાઇડ શૃંખલા વગરનો ઇંડોલ આલ્કલૉઇડ છે. તે પાણીમાં દ્રાવ્ય છે. આ આલ્કલૉઇડ 1935માં પાંચ સ્વતંત્ર સંશોધન-જૂથોએ લગભગ એકસાથે શોધી કાઢ્યો હતો. તે મુખ દ્વારા કે ચામડી નીચે કે સ્નાયુમાં ઇંજેક્શન દ્વારા ગર્ભાશયનું સંકોચન કરાવીને ખાસ કરીને સુવાવડ ઝડપી કરાવવા માટે વપરાય છે. આ ઉપરાંત અર્ગોમેટ્રિન લોહીની નસોનું સંકોચન કરે છે તેથી તે સુવાવડ પછી વહી જતા લોહીને રોકવામાં પણ ખૂબ ઉપયોગી છે. મિથાઇલ અર્ગોમેટ્રિન મેલિયેટ વધુ અસરકારક છે અને વધુ સમય સુધી કામ કરે છે.
(8) અસ્ક્લેપિન : એ હૃદયનાં સંકોચનોનું બળ વધારતો એક ગ્લાયકોસાઇડ છે. તે ઍસ્ક્લેપીઆસ ક્યુરાસાવિયા(કુટુંબ ઍસ્ક્લેયેડેસી)માંથી મેળવવામાં આવે છે. તે દહેરાદૂનમાં થાય છે. તેની હૃદય પરની અસર ડિગૉક્સિન જેવી છે અને તે હૃદયમાં ડિગૉક્સિન કરતાં ઓછું જમા થાય છે. હાલ તેનો કોઈ ખાસ ઔષધીય ઉપયોગ થતો નથી.
(9) ઓઆબેઇન : ઓઆબેઇન એ કાર્ડિયાકટૉનિક ગ્લાયકોસાઇડ છે. તે સ્ટ્રોફેન્થસ ગ્રેટસના બીજમાંથી તથા એકોકેન્થેરા સ્કીમ્પેરીના લાકડામાંથી મેળવવામાં આવે છે. તેને જી-સ્ટ્રોફેન્થીન પણ કહે છે. તે ખૂબ જ ઝેરી છે. ઓઆબેઇન એ ઝડપી કાર્ય કરતો કાર્ડિયાક્ટૉ ગ્લાયકોસાઇડ છે. તે નસમાં આપી શકાય છે. ઇંગ્લૅન્ડમાં આ ઔષધ ડિજિટાલિસ કરતાં વધુ વપરાય છે. તે પણ હૃદયનાં સંકોચનોનું બળ વધારે છે.
(10) ક્વિનીડીન : ક્વિનીડીન સિંકોનાની છાલમાંથી મળતો ક્વિનીનનો સમઘટક આલ્કલૉઇડ છે. તે છાલમાં ઓછા પ્રમાણમાં હોવાથી ક્વિનીનમાંથી પણ રાસાયણિક પ્રક્રિયા દ્વારા મેળવાય છે. તે ખાસ કરીને હૃદયના ધબકારાની અનિયમિતતાની સારવારમાં વપરાય છે. ખાસ કરીને ક્ષેપકના ધબકારપૂર્વનાં સંકોચનો અને કર્ણકનું વિકંપન (atrial fibrillation).
(11) ડિગૉક્સિન : ડિગૉક્સિન ગ્લાયકોસાઇડ છે, જે ડિજિટાલિસ લેનેટાના પર્ણમાંથી મેળવવામાં આવે છે (કુટુંબ – સ્ક્રોફ્યુલારીઆસી). તે હૃદયનાં સંકોચનોનું બળ વધારે છે. તેથી તે હૃદયની નિષ્ફળતામાં અને હૃદયના ધબકારાની અનિયમિતતામાં સારવાર રૂપે મુખ દ્વારા આપવાથી જલદીથી (1થી 2 કલાકમાં) અસર કરે છે. તેને હૃદબલ્યક (cardiotonic) કહે છે. તેને ઇંજેક્શન દ્વારા પણ અપાય છે. આ દવા શરીરમાં એકઠી થતી હોવાથી તેની અસર ક્રમશ: વધતી રહે છે. અઠવાડિયામાં એક દિવસ તે લેવાનું બંધ રાખવામાં આવે છે.
(12) ડિજિટૉક્સિન : ડિજિટૉક્સિન, ડિજિટાલિસ પુરપુરિયા, ડિજિટાલિસ લેનેટા અને બીજી ડિજિટાલિસ જાતિમાંથી (કુટુંબ સ્ક્રોફ્યુલારીઆસી) મેળવવામાં આવતો હૃદયસ્નાયુનું બળ વધારતો ગ્લાયકોસાઇડ છે. ડિજિટૉક્સિન હૃદયસ્નાયુની નિષ્ફળતામાં તેનું બળ વધારે છે અને હૃદયના ધબકારાની અનિયમિતતામાં પણ ઉપયોગી સારવારરૂપ કાર્ય કરે છે. તેની અસર પણ સંચયી (cummulative) હોવાથી અઠવાડિયામાં એક દિવસ દવા લેવાની હોતી નથી.
(13) પપાવરીન : પપાવરીન અફીણમાંથી મળતો આઇસોક્વિનોલીન જૂથનો આલ્કલૉઇડ છે. તે જઠર-આંતરડાના અરૈખિક સ્નાયુ(smooth musel)ને શિથિલ કરે છે તેથી પેટમાં દુખાવો થતો હોય તો તે તથા ઝાડા બંધ કરવા માટે વપરાય છે. આ ઉપરાંત તે મગજ અને હૃદયની નસોને પહોળી કરવા માટે પણ વપરાય છે. તેને હાલ કેટલાક ચિકિત્સકો નપુંસકતાની સારવારમાં પણ વાપરે છે.
(14) પેરુવોસાઇડ્સ : એ હૃદયના સ્નાયુનું બળ વધારનાર હૃદબલ્ય ગ્લાયકોસાઇડ છે. તે થેવેટિયા નેલિફોલિયા(પીળી કરેણ)માંથી મેળવવામાં આવે છે (કુટુંબ – એપોસાયનાસી). જર્મનીમાં તે ‘એન કોર્ડિન’ના નામે મળે છે. પેરુવોસાઇડ્સ શરીરમાં જલદી શોષાય છે, તેથી જલદી અસર કરે છે તથા સારી રીતે સહન થઈ શકે છે. તે મોં દ્વારા આપી શકાય છે. તે હૃદયમાં ઓછા ભેગા થાય છે. ડિગૉક્સિન કરતાં ચિકિત્સિતાર્થ (therapeutic) સૂચકાંક વધુ છે. તે નબળા હૃદયમાં અને હૃદયની અપર્યાપ્તતા(insufficiency)માં વપરાય છે. હાલ તેનો અભ્યાસ વિષવિદ્યા(toxicology)માં થાય છે.
(15) રીસર્પિન : એ રાઉવોલ્ફિયા સર્પેન્ટિના, રાઉવોલ્ફિયા વોમિટોરિયા, રાઉવોલ્ફિયા ટેટ્રાફાયલા તથા રાઉવોલ્ફિયાની અન્ય જાતિમાંથી મેળવવામાં આવતો ઇન્ડોલ આલ્કલૉઇડ છે (કુટુંબ – એપોસાયનાસી). તેમાંથી તે 0.1 % થી 0.2 % જેટલો મળે છે. રીસર્પિન મુખ્યત્વે લોહીના ઊંચા દબાણને ઓછું કરવા વપરાય છે, ઉપરાંત તે પ્રશાન્તક (tranquilizer) છે.
(16) લેનેટોસાઇડ – સી : લેનેટોસાઇડ – સી એ ડિજિટાલિસ લેનેટાના પર્ણમાંથી મળે છે (કુટુંબ – સ્ક્રોફ્યુલારિયાસી). તે હૃદબલ્ય (cardiac tonic) ગ્લાયકોસાઇડ છે. તે શરીરમાં જલદીથી શોષાય છે અને ઝડપી અસર કરે છે. તેનો ઉપયોગ હૃદયની નિષ્ફળતાની સારવારમાં કરવામાં આવે છે.
(17) એટ્રોપિન : આ આલ્કલોઇડ સોલેનેસી કુટુંબની જ અમુક વનસ્પતિમાં જોવા મળે છે. તે મુખ્યત્વે એટ્રોપા બેલાડોના, એટ્રોપા એક્યુમેનિટા, હાયોસાયામસ મ્યુટિક્સ, ડ્યુબોઇસિયા માયોપોરોઇડ્સ, સ્કોપોલિયા કાર્નિયોલિકા, સ્કોપોલિયા જેપોનિકા વગેરે વનસ્પતિમાં સારા પ્રમાણમાં જોવા મળે છે. આ આલ્કલોઇડ ટ્રોપેન સંરચના ધરાવે છે. તે હાયાસાયામિનનું રેસિમિક સ્વરૂપ છે. તે હાયોસાયામિન કરતાં ઓછું કાર્યશીલ છે.
એટ્રોપિન સલ્ફેટ કોલીનધર્મરોધી તરીકે વપરાય છે. તે પરસેવો, લાળ તથા પાચનતંત્રના સ્રાવો ઘટાડી દે છે. આંખની કીકીને મોટી કરે છે. તે મુખ્યત્વે ઓર્ગેનોફૉસ્ફેટ જંતુનાશક દવાઓના ઝેરમાં તથા અન્ય ઝેરમાં પ્રતિકારક તરીકે વપરાય છે. આંખના કેટલાક રોગોમાં તેનું દ્રાવણ ટીપાં તરીકે વપરાય છે. તે પાર્કિન્સનના રોગ(કંપવા)માં પણ વપરાય છે. તે દર્દીને શસ્ત્રક્રિયા માટે બેભાન કરવાની પ્રક્રિયા વ્યાપક નિશ્ચેતના(general anaesthesia)માં પૂર્વનિશ્ચેતક (pre-anaesthetic) તરીકે વપરાય છે. જઠરના ચાંદા(pepticulcer)માં તથા પેટમાં ચૂંક આવતી હોય તો તેની સારવારમાં પણ તે ઉપયોગી છે.
(18) એલ ડોપા : એ 3, 4 ડાયહાયડ્રૉક્સિ ફિનાઇલ એલેનાઇન છે. તે મ્યુક્યુના પ્રુરિએન્સના બીજમાંથી મળે છે (કુટુંબ – લેગ્યુમિનોસી). તેને ગુજરાતીમાં કૌચાબીજ કહે છે. વિસિયા ફેબાના ફળમાંથી (કુટુંબ – લેગ્યુમિનોસી) પણ તે મળે છે. એલ-ડોપાએ નોર એડ્રેનલિન, ડોપામીન અને 3-મિથૉક્સિ ટ્રિપ્ટામાઇનના શરીરમાં ઉત્પાદનમાં પૂર્વગામી (precurser) તરીકે જરૂરી છે. ઉપર્યુક્ત પદાર્થ ચેતાતંત્રમાં ચેતાસંદેશવાહક તરીકે કાર્ય કરે છે. એલ-ડોપા પાર્કિન્સનના રોગ(કંપવા)માં ઉપયોગી છે.
(19) કૅફીન : એ પ્યુરીન-બેઇઝ છે. તેને 1,3,7 ટ્રાયમિથાઇલ ઝેન્થિન પણ કહે છે. તે ચાની પત્તી (કેમેલિયા સાયનેન્સીસ), કૉફીનાં બીજ (કોફિયા એરાબિકા), કોળાનાં બીજ (કોલા નિટિડ), ગુઆરાના (પાઉલિનિયા ક્યુયાના), મેટ (આઇલેમ્સ પેરામુઆરીએન્સીસ) વગેરેમાંથી 1 %થી 2 % જેટલું મળે છે. તે મોટાભાગે ચા, ચાની ભૂકી, ચાનું કતરણ, કૉફી શેકવાના ભઠ્ઠા વગેરેમાંથી મેળવવામાં આવે છે. તે સફેદ ચમકતો પોચો પદાર્થ છે. તેનું ઊર્ધ્વીકરણ (sublimation) કરી શકાય છે. તે પાણીમાં દ્રાવ્ય છે. તે મગજને ઉત્તેજિત કરવા વપરાય છે.
(20) કોડીન : તેને મિથાઇલ મૉર્ફિન પણ કહે છે. તે અફીણમાં 0.2 %થી 0.7 % જેટલો હોય છે. ફીનાન્થ્રીન વલય ધરાવતો આ બેઝિક આલ્કલૉઇડ 1832ની સાલમાં શોધવામાં આવ્યો હતો. તે સફેદ, સ્ફટિકમય પદાર્થ છે. કોડીન દર્દનાશક, ઘેન લાવનાર અને કફનાશક છે. તે કફ કેન્દ્રનું દાબન કરે છે. મૉર્ફિન કરતાં તે ઓછું વ્યસનકારક છે. તેની આડ અસર રૂપે કબજિયાત થાય છે.
(21) ફાયસોસ્ટિગ્મીન : ફાયસોસ્ટિગ્મીન એ એક ઇંડોલ આલ્કલૉઇડ છે જે ફાયસોસ્ટિગ્મા વેનેનોસમના બીમાં
0.04 % થી 0.3 % હોય છે (કુટુંબ – લેગ્યુમિનોસી). તે મુખ્યત્વે આંખના રોગમાં વપરાય છે. ખાસ કરીને ઝામર(glucoma)માં તથા આંખના સોજા નેત્રકલાશોથ(coryectivitis)માં. આ ઉપરાંત ઍન્ટિકોલીનર્જિક પદાર્થથી થયેલ વિષાક્તતામાં તે ઝેરપ્રતિકારક તરીકે વપરાય છે.
(22) મૉર્ફિન : એ ફીનાન્થ્રીન વલય ધરાવતો આલ્કલોઇડ છે. તે 1816માં અફીણમાંથી મેળવવામાં આવ્યો હતો. અફીણ એ પપાવરમ સોમ્નીફેરમના પાકવા આવેલ ફળમાંથી કાપા મૂકીને મેળવેલ સુકાવેલું દૂધ (લેટેકસ) છે (કુટુંબ – પપાવરાસી). અફીણમાં મૉર્ફિન 8 %થી 12 % જેટલું હોય છે. તે દર્દનાશક અને ઘેન લાવનાર છે. તેથી મોટાભાગે સખત રીતે દાઝી ગયેલા દર્દી માટે કે ગંભીર રીતે ઈજા પામેલા દર્દી માટે ઇંજેક્શન દ્વારા અપાય છે. તે હૃદય ધમનીના રોગમાં ડાબા ક્ષેપકની જીવલેણ નિષ્ફળતામાં સંકટનિવારક સારવાર રૂપે પણ વપરાય છે. મૉર્ફિન કુટેવ પાડનારું વ્યસનકારક ઔષધ હોવાથી તેનો ઉપયોગ સાવધાનીથી કરવામાં આવે છે. જોકે કૅન્સરના અતિશય દુખાવામાં તે વ્યસન કરાવ્યા વગર સફળતાપૂર્વક દુખાવો શમાવે છે. તે માટે તેની ગોળીઓ મોં વાટે અપાય છે.
(23) હાયોસાઇન : વનસ્પતિમાં હાયોસાઇન l- અને d-સ્વરૂપમાં હોય છે. તેના રેસિમિક ફૉર્મને સ્કોપોલામીન કહે છે. તે ટ્રોપેન વલય ધરાવતો આલ્કલૉઇડ છે. તે ધતુરા ફેસ્ટુઓસા આલ્બા અને ધતુરામીટલમાંથી મળે છે (કુટુંબ સોલાનાસી). તે પ્રવાહી છે. હાયોસાઇન હાઇડ્રોબ્રોમાઇડ સ્ફટિકમય પદાર્થ છે. તેનો મુખ્ય ઉપયોગ મુસાફરી દરમિયાન આવતાં ચક્કર અને થતી ઊલટી શમાવવામાં થાય છે. આ ઉપરાંત મૉર્ફિન કે આલ્કોહૉલ બંધ કરવાથી થતા વિકારમાં પણ તે રાહત આપે છે. તે ગુનેગારને સાચું બોલાવવાના દ્રવ્ય તરીકે પણ વપરાય છે.
(24) હાયોસાયામીન : હાયોસાયામીન એ ટ્રોપેન વલય ધરાવતો આલ્કલોઇડ છે. તેમાંનો વામભ્રમણી આલ્કલૉઇડ વધુ અસરકારક છે જ્યારે દક્ષિણભ્રમણી આલ્કલૉઇડ બિલકુલ અસરકારક નથી. રેસિમિક ફૉર્મને એટ્રોપિન કહે છે જે હાયોસાયામીન કરતાં લગભગ અર્ધું અસરકારક છે. હાયોસાયામીન એ હાયોસાયામસ મ્યુટીક્સ, એટ્રોપા બેલાડોના, એટ્રોપા એક્યુમિનેટા, ડ્યુબોઇસિયા માયોપોરોઇડ્સ, સ્કોપોબિયા કાર્નિઓલિકા વગેરેમાંથી મેળવવામાં આવે છે. તેનો ઉપયોગ કોલીનધર્મરોધી (anticolinergic) દવા તરીકે થાય છે. તે મુખ્યત્વે પાર્કિન્સનના રોગ (કંપવા) તથા સકમ્ય પ્રલાપ (delarium tremens)માં વપરાય છે.
(25) સેનોસાઇડ : સેનોસાઇડ એ મીંઢીઆવળ(સોનામુખી)નાં પાન અને ફળમાંથી મળતો ડાયએન્થ્રાક્વિનોન ગ્લાયકોસાઇડ છે. મીંઢીઆવળ એ કેશિયા એન્ગ્યુસ્ટીફોલિયા અથવા કેશિયા એક્યુટિફોલિયાના પર્ણમાંથી મળે છે (કુટુંબ – ફેબેસી). મીંઢીઆવળમાં સેનોસાઇડ એ, બી, સી, અને ડી હોય છે. સેનોસાઇડ બી રેચક છે. સેનોસાઇડનો પાઉડર રેચક તરીકે વપરાય છે.
(26) એસીન : એ બે સેપોનીન ગ્લાયકોસાઇડનું બનેલ મિશ્રણ છે. તે એસ્ક્યુલસ હિપ્પોકાસ્ટેનમના બીજમાંથી (કુટુંબ – હિપ્પોકાસ્ટાનાસી) 13 % જેટલું મળે છે. આ બીજને ચેસ્ટનટ પણ કહે છે. આ દવા ફ્રાન્સમાં મસામાંથી લોહી પડતું હોય તો તેની સારવારમાં વપરાય છે. એસીન આ ઉપરાંત સોજો દૂર કરવા માટે બહારથી પણ લગાવીને કે ઇંજેક્શન દ્વારા અપાય છે તેવી નોંધ મળે છે.
(27) રુટીન : એ વનસ્પતિસૃષ્ટિમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો ફ્લેવોનોઇડ ગ્લાયકોસાઇડ છે. તે 1842માં રુટા ગ્રેવિયોલેન્સ(કુટુંબ – રુટેસી)માંથી મેળવવામાં આવ્યો હતો. વ્યાપારી રીતે તે યુકેલિપ્ટસ મેક્રોરહીન્ચા, યુકેલિપ્ટસ યોમની (કુટુંબ – મીરટાસી), ફેગોપાયરમ ટાર્ટારીકમ, ફેનોપાયરમ એસ્ક્યુલેટમ (કુટુંબ પોલિગોનાસી); સોફોરા જેપોનિકા(કુટુંબ – ફેબેસી)માંથી મેળવવામાં આવે છે. રુટીનને તથા તેના અગ્લાયકોન ક્વેર્સેટીનને વિટામિન પી પણ કહે છે. રુટીન તથા ક્વેર્સેટીન, એસ્કોર્બિક ઍસિડ તથા વિટામિન કેને એકસાથે વાપરીને નસોની બહાર લોહી વહેતું હોય તો તેને રોકી શકાય છે.
(28) ટેક્સોલ : ટેક્સોલ, ટેક્સસ બ્રેવિફોલિયા અને ટેક્સસની બીજી જાતિમાંથી (કુટુંબ – ટેક્સાસી) મેળવવામાં આવતો ડાયર્પિનોઇડ પદાર્થ છે. તે કૅન્સરવિરોધી પદાર્થ છે, જે અંડપિંડ અને સ્તનના કૅન્સરમાં ઉપયોગી છે. આ ઉપરાંત ફેફસાં, માથું અને ગળાના આગળ વધી ગયેલા કૅન્સરમાં પણ તેને વાપરવાના પ્રયોગો થઈ રહ્યા છે.
(29) પોડોફાયલોટૉક્સિન : પોડોફાયલોટૉક્સિન એ પોડોફાયલમ હેકઝાન્ડ્રમ અને પોડોફાયલમ પેલ્ટેટમમાંથી મેળવવામાં આવતું રેઝીન છે (કુટુંબ – બરબેરીડાસી). પોડોફાયલમ હેકઝાન્ડ્રમ ભારતમાં થાય છે, જેમાં 6 %થી 12 % રેઝીન છે જ્યારે પોડોફાયલમ પેલ્ટેટમ અમેરિકામાં થાય છે જેમાં 2 %થી 8 % રેઝીન છે. પોડોફાયલોટૉક્સિન કૅન્સરની ગાંઠમાં ઉપયોગી છે. પોડોફાયલા ટૉક્સિનમાંથી, આંશિક-સંશ્લેષીય રીતે ઇટોપ્સાઇડ બનાવવામાં આવે છે. તે ફેફસાં અને શુક્રપિંડના કૅન્સરમાં વપરાય છે. તે જનન અવયવો પરના વિષાણુજ મસા(warts)માં મલમ કે દ્રાવણ રૂપે લગાવાય છે. પોડોફાયલમના રેઝીન જલદ રેચક તરીકે પણ વપરાય છે.
(30) લ્યુકોવિન્ક્રીસ્ટીન : એ કેથેરન્થસ રોઝીઅસ(બારમાસીનાં ફૂલ)ના છોડમાંથી (કુટુંબ – એપોસાયનેસી) મેળવવામાં આવતો ડાયમેરિક ઇન્ડોલ આલ્કલોઇડ છે. તે છોડમાં 0.0002 % જેટલો હોય છે. લ્યુકોવિન્ક્રીસ્ટીનની રચના વિન્બ્લાસ્ટીન જેવી જ છે. આમાં એન – મિથાઇલ સમૂહને બદલે એન. ફૉર્માઇલ સમૂહ છે. લ્યુકોવિન્ક્રીસ્ટીનનો ઉપયોગ લોહીના કૅન્સરમાં તથા લસિકાતંત્ર(lymphatic system)ના કૅન્સરમાં બીજી દવાઓ સાથે થાય છે.
(31) વિન્કાલ્યુકોબ્લાસ્ટીન : એ કેથેરન્થસ રોઝીઅસના છોડમાંથી 0.002 % જેટલું મળે છે. તે ડાયમેરિક ઇન્ડોલ આલ્કલૉઇડ છે. મુખ્યત્વે તેનો ઉપયોગ લસિકાગ્રંથિના, મૂત્રપિંડના ફેફસાંના, શુક્રપિંડના તથા ચામડીના કૅન્સરમાં કરવામાં આવે છે.
(32) આર્ટેમિસિન : આર્ટેમિસિન એ મલેરિયા માટેની એક ઘણી સારી દવા છે. તે 1971માં ચીનના વૈજ્ઞાનિકો દ્વારા આર્ટેમિનિયા એન્નુઆ(કુટુંબ – એસ્ટેરેસી)માંથી મેળવવામાં આવ્યું હતું. ફૂલ આવતાં પહેલાં વનસ્પતિમાં તેનો જથ્થો વધુ હોય છે. આર્ટેમિસિનનો અર્ક (extract) ક્વિનગાઉસુ ચીનમાં શરદી, ઠંડી, તાવ વગેરેમાં વપરાય છે. આર્ટેમિસિન એ સેસક્વિટર્પિન લેક્ટોન છે. તે ક્લોરોક્વિનની અસરથી મુક્ત થઈ ગયેલા પ્લાસ્મોડિયમ ફાલ્સિપેરમ નામના ઘણા જ જોખમી સૂક્ષ્મજીવો પર ખૂબ જ સારી અસર કરે છે. ફાલ્સીપેરમ મલેરિયાને ઝેરી મલેરિયા અથવા મગજનો મલેરિયા પણ કહે છે. તેની સારવારમાં તે ખૂબ ઉપયોગી ઔષધ છે. વનસ્પતિમાં આર્ટેમિસિન સાથે આર્ટેમિસિટીન, આર્ટેએન્યુઇન – બી અને આર્ટેમિસિનિક ઍસિડ પણ હોય છે. આ ઔષધ મલેરિયાના સૂક્ષ્મ જીવોની દીવાલને તોડવાનું કામ કરે છે. તેના સાંશ્લેષિક-વ્યુત્પન્ન પણ ઘણા જ અસરકારક છે; દા. ત., સોડિયમ-વ્યુત્પન્ન, સોડિયમ આર્ટેસૂનેટ, બેભાન થયેલ દર્દીને જલદીથી ભાનમાં લાવે છે અને મગજના મલેરિયામાં વધુ ઉપયોગી છે.
(33) ઇમેટિન : સેફાલિસ ઇપેકાકુઆન્હા અને સેફાલિસ એક્યુમિનેટા(કુટુંબ – રુબીએસી)ના મૂળ અને ભૂમિગત પ્રકાંડમાંથી ઇમેટિન નામનો આલ્કલૉઇડ મળે છે. ઇપેકાક બ્રાઝીલ, પનામા, ભારત (દાર્જિલિંગ) વગેરેમાં થાય છે. તેમાં 1 % જેટલું ઇમેટિન હોય છે. ઇમેટિન સફેદ, સ્ફટિકમય, સુગંધ વગરનો, કડવો પદાર્થ છે. તે મુખ્યત્વે અમીબાજન્ય રોગમાં વપરાય છે. તેને સ્નાયુમાં ઇંજેક્શન દ્વારા અપાય છે. આ ઉપરાંત ક્યારેક તે ઊલટી કરાવવા માટે (ઝેર ઓકાવવા માટે) પણ વપરાય છે.
(34) એરિસ્ટોલોચિક ઍસિડ : એરિસ્ટોલોચિક ઍસિડ એ ફિનાન્થ્રીન વ્યુત્પન્ન છે. તે યુરોપમાં એરિસ્ટોલોકિયા ક્લેમાઇપ્ટિસમાંથી મેળવવામાં આવે છે. (કુટુંબ – એરિસ્ટોલોકિયેસી). એરિસ્ટોલોચિક ઍસિડ શરીરમાં પ્રવેશેલા સૂક્ષ્મ જીવોને ભક્ષી કોષો ગળી જાય એવી ક્રિયાને ઉત્તેજિત કરે છે તેને કોષભક્ષણ (phagocytosis) કહે છે. તેથી શરીર સૂક્ષ્મ જીવોના ચેપ સામે સારું રક્ષણ મેળવી શકે છે. એરિસ્ટોલોચિક ઍસિડ એરિસ્ટોલોચિક ઍસિડ 1 ને 2નું સરખા પ્રમાણમાં મિશ્રણ છે. તે એરિસ્ટોલોકિયા લન્ગામાં પણ હોય છે. ભારતમાં તે એરિસ્ટોલોકિયા ઇન્ડિકા અને એરિસ્ટોલોકિયા બ્રેક્ટિએટામાં પણ છે. સુદાનમાં એરિસ્ટોલોકિયા બ્રેક્ટિએટા વીંછીના ડંખમાં, રેચક તરીકે તથા કૃમિનાશક તરીકે વપરાય છે. એરિસ્ટોલોચિક ઍસિડને ક્ષય અને કૅન્સરની સારવારમાં વાપરવાનું સૂચન કરાયેલું છે. તે કેટલીક નર-જીવાતને નપુંસક બનાવે છે, ઘરની માખ માટે ઝેરી પુરવાર થાય છે.
(35) ક્વિનાઇન : ક્વિનાઇન સિંકોનાની છાલમાંથી મેળવવામાં આવતો ક્વિનોલીન પ્રકારનો આલ્કલૉઇડ છે. તે સિંકોના સક્સિરુબ્રા, સિંકોના કેલિસાયા, સિંકોના લેજેરિયાના તથા સિંકોનાની અન્ય જાતિમાંથી 2 %થી 5 % જેટલો મળે છે (કુટુંબ – રુબીએસી). સિંકોના મૂળ દક્ષિણ અમેરિકાનું વતની છે, પણ હાલ ભારત, ઇન્ડોનેશિયા, મલેશિયા વગેરે દેશોમાં પણ તેનો વ્યાપારી ધોરણે ઉછેર થાય છે. સિંકોનાની છાલ મલેરિયા તેમજ અન્ય તાવમાં વપરાય છે. તેમાં મુખ્યત્વે ચાર આલ્કલૉઇડ છે : ક્વિનાઇન, ક્વિનીડીન, સિંકોનીન અને સિંકોનીડીન. ક્વિનાઇન 1950ના અરસાની મલેરિયા માટેની અકસીર દવા ગણાતી હતી; પણ ક્લોરોક્વીન, પ્રીમાક્વીન, મેપાક્રિન વગેરે મલેરિયારોધી સંશ્લેષિત ઔષધોની શોધથી ક્વિનાઇનનો ઉપયોગ થોડાંક વર્ષો લગભગ બંધ થઈ ગયો હતો. પણ મલેરિયાના સૂક્ષ્મ જીવો આ સંશ્લેષિત ઔષધોથી અમુક અંશે ઔષધરોધી (resptail) બની જતાં ફરી ક્વિનાઇન વપરાશમાં આવી છે. ખાસ કરીને ફાલ્સીપેરમ પ્રકારના મલેરિયામાં તે ઉપયોગી અને કેટલેક અંશે આવશ્યક પણ બની ગઈ છે. તે વૃદ્ધ વ્યક્તિઓમાં સંભાળપૂર્વક વાપરવાની હોય છે.
(36) ગ્રિસિયોફુલ્વીન : ગ્રિસીઓફુલ્વીન 1939માં પેનિસિલિયમ ગ્રિસિયોફુલ્વમ નામની ફૂગમાંથી મેળવવામાં આવેલ પ્રતિજૈવિક છે. મોં વાટે લેતી વખતે જો સાથે તૈલી પદાર્થ આપવામાં આવે તો તેનું અવશોષણ વધે છે. તે મોટાભાગે ચામડીને અસર કરતી ફૂગના ચેપ(દાદર)માં ઉપયોગી છે.
(37) એસ્કોર્બિક ઍસિડ (વિટામિન-સી) : કુદરતી રીતે એસ્કોર્બિક ઍસિડ તાજાં ફળોમાંથી તથા લીલાં પાંદડાંવાળી ભાજી, ટામેટાં, આમળાં વગેરેમાંથી મળે છે. એલ-એસ્કોર્બિક ઍસિડ જીવશાસ્ત્રીય રીતે સક્રિય છે. તે સફેદ સ્ફટિકમય પદાર્થ છે. તે પ્રબળ અપચયનકારક (reducing agent) છે. વિટામિન-સી સ્કર્વીના રોગમાં વપરાય છે. આ ઉપરાંત સ્નાયુ, હાડકાં તથા દાંતની વચ્ચેની જગ્યા બનાવવામાં તથા જાળવવા માટે, જખમ રૂઝવવામાં તેમજ ખોરાકની જાળવણીમાં પણ ઉપયોગી છે. વધુ માત્રામાં લેવાથી શરદીની સારવારમાં પણ ઉપયોગી થાય છે.
(38) થાયામીન (વિટામિન બી-1) : થાયામીન સફેદ રંગનો સ્ફટિકમય પદાર્થ છે. ગરમીથી જલદીથી નાશ પામતો નથી. તે મુખ્યત્વે આખા અનાજમાં કઠોળ, દૂધ, યીસ્ટ, માંસ, લીવર વગેરેમાં હોય છે. તે કાર્બોહાઇડ્રેટ્સના ચયાપચય(metabolism)માં મદદ કરે છે, જેથી શરીરના અવયવો બરાબર કામ કરે. તે કોએન્ઝાઇમ તરીકે કામ કરે છે. તેની ઊણપથી બેરીબેરી નામનો રોગ થાય છે, જેમાં ભૂખ મરી જવી, થાક લાગવો, સ્નાયુ ઢીલા પડી જવા, માનસિક રીતે ભાંગી પડવું વગેરે થાય છે.
(39) વિટામિન–ઈ : વિટામિન-ઈ એ જુદી જુદી જાતના લિવો (1–) અને રેસિમિક (dl–) તથા આલ્ફા, બીટા, ગેમા અને ડેલ્ટા ટોકોફેરોલ છે. આલ્ફા ટોકોફેરોલ વધુ કાર્યક્ષમ છે. આ વિટામિન ઘઉંના ભ્રૂણના તેલમાં, કપાસના તેલમાં, લીલાં પાંદડાંવાળી શાકભાજી, ઈંડાં, માંસ વગેરેમાં હોય છે. તે કોષના પટલને જોડાયેલ રાખે છે, પણ તે જાતીય તાકાત વધારવામાં, ગર્ભપાત રોકવામાં કે હૃદયના રોગમાં ઉપયોગી હોય તેવું પુરવાર થયું નથી. હાલ તેનો ઉપયોગ પ્રતિ-ઑક્સિડન્ટ દ્રવ્ય તરીકે કરીને હૃદયધમનીરોગ કે કૅન્સર થતું અટકાવવામાં કરી શકાય એવી માન્યતા પ્રચલિત થઈ છે.
(40) વિટામિન–એ : વિટામિન-એ અને નિયોવિટામિન-એ બંને સમઘટકો છે. વનસ્પતિમાંથી મળતા કેરોટીનોઇડને પ્રોવિટામિન-એ કહે છે, જે પ્રાણીના કાળજામાં વિટામિન-એમાં ફેરવાય છે. વિટામિન-એ રોગપ્રતિરોધક છે. તે આંખની જાળવણી કરે છે, આંખને સુકાવા દેતું નથી અને રતાંધળાપણું અટકાવે છે. ચામડીની સાચવણી કરે છે. કેરોટીન, ગાજર, એપ્રીકોટ, લીલાં પાંદડાંવાળી શાકભાજી, શક્કરિયાં વગેરેમાંથી તે મળે છે. વિટામિન-એ માછલીના કાળજાના તેલમાં હોય છે. હાલ હૃદયધમનીરોગ અને કૅન્સરને અટકાવવા માટે તેનો ઉપયોગ પ્રતિ-ઑક્સિડન્ટ તરીકે પણ કરાય છે.
(41) વિટામિન–કે : વિટામિન-કે એ કુદરતમાં બે અવસ્થામાં મળે છે : વિટામિન કે1 અને કે2. તે લોહીની ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે લીલાં પાંદડાંવાળી ભાજી, ટામેટાં, વનસ્પતિજ તેલ, સ્પિનાક વગેરેમાંથી તે મળે છે.
(42) કોલ્ચીસીન : કોલ્ચીકમ લ્યુટિયમ, કોલ્ચીકમ ઑટોમ્નાલે, ગ્લોરીઓસા સુપરબાનાં બીજ અને કંદમાંથી
0.2 %થી 0.6 % જેટલું કોલ્ચીસીન મળે છે (કુટુંબ – લીલીઓસી). કોલ્ચીસીનને આલ્કલોઇડલ એમાઇન અથવા પ્રોટોઆલ્કલોઇડ કહે છે. કારણ કે તેમાં નાઇટ્રોજન વલય(ring)માં હોતો નથી. તે પાણી અને ઈથરમાં દ્રાવ્ય, પીળાશ પડતો અસ્ફટિકમય પદાર્થ છે. તે નજલો(gout)માં (હાડકાના સાંધાના દુખાવામાં) ખૂબ ઉપયોગી છે. વનસ્પતિની જાત સુધારવા માટે પણ તે ખૂબ જ ઉપયોગી છે કારણ કે તેમાં રંગસૂત્ર(chromosomes)ની સંખ્યા વધારે છે.
(43) જિન્સેનોસાઇડ : જિન્સેનોસાઇડ પાનાક્સ જિન્સેન્ગ, પાનાક્સ ક્વિન્કવી ફોલિયમ કે પાનાક્સની અન્ય જાતિમાંથી મેળવવામાં આવે છે. (કુટુંબ – એરાબિયેસી). જિન્સેનોસાઇડ એ ઘણાબધા ટેટ્રાસાયક્લિક અથવા પેન્ટાસાયક્લિક સેપોનીન ગ્લાયકોઇડનું મિશ્રણ છે. તે પ્રોટીનનું વિઘટન ઘટાડે છે અને સંશ્લેષણ વધારે છે એવું મનાય છે. તેને અંગેની અન્ય માન્યતાઓમાં ચરબીનું ચયાપચયન વધારે છે. એથિરોસ્ક્લેરોસીસ -(રક્તવાહિનીઓમાં કૉલેસ્ટેરૉલની જમાવટ) રોકે છે, લોહીની ગતિ વધારે છે, ઑક્સિજનનો વપરાશ ઘટાડે છે, લોહીમાં શર્કરા ઘટાડે છે, યકૃત માટે તે ટૉનિક છે. તે અલ્સર અને કૅન્સર મટાડે છે. શરીરમાં રોગપ્રતિકારક શક્તિ અને યાદશક્તિ વધારે છે એવી વિવિધ માન્યતાઓનો સમાવેશ થયેલો છે; પરંતુ જિન્સેનોસાઇડ કોર્ટિકોસ્ટીરોનનો સ્રાવ વધારે છે. તેથી અનિદ્રા, સોજા તથા લોહીનું દબાણ વધારે છે. તે બંધ કરવાથી બેચેની લાગે છે.
(44) થાયમોલ : થાયમોલ એ ચોક્કસ પ્રકારની સુગંધવાળો, તીખો, ફોનોલિક ઘન પદાર્થ છે. તે થાયમસ વલ્ગારીસ (કુટુંબ – લેમિયેસી) કેરમ કોપ્ટીકમ (કુટુંબ – એપિયેસી), એસિમમ ગ્રેટીસીમમ (કુટુંબ – લેમિયેસી) વગેરેમાંથી મળે છે. કેરમ કોપ્ટીકમને ગુજરાતીમાં અજમો કહે છે. બજારમાં ઉપલબ્ધ થાયમોલ મુખ્યત્વે સંશ્લેષિત હોય છે. તે જંતુનાશક હોવાથી દાંતની બનાવટો, અપચો વગેરેમાં વપરાય છે. તે કૃમિને બહાર કાઢવા માટે પણ વપરાય છે.
(45) બાવચી : બાવચી એ સોરાલિયા કોરીલીફોલિયાનાં ફળ છે (કુટુંબ – ફેબેસી). તેનો સક્રિય ઘટક સોરાલીન છે, જે ફ્યુરાનો કુમારીનવ્યુત્પન્ન છે. સોરાલીન તેમજ બાવચી કોઢ કે શ્વેતડાઘ(leucoderma)ની સારવારમાં વપરાય છે. તે મોં દ્વારા લેવાય છે. ચામડી પર લગાડવામાં આવે છે. ચામડી પર લગાવ્યા પછી સૂર્યપ્રકાશ અથવા અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાજરી જરૂરી છે. બાવચીમાં એન્જેલીસીન નામનો બીજો ફ્યુરાનોકુમારીન પણ હોય છે. તે પણ સક્રિય છે.
(46) બીટા – સીટોસ્ટીરોલ : બીટા સીટોસ્ટીરોલ ઘણીબધી વનસ્પતિમાં હોય છે. તે મુખ્યત્વે સ્થાયી તેલ(fixed oil)ના બિનસાબુનીકરણ(unsaponifiable) ભાગમાં હોય છે. સોયાબીન તેલમાંથી તે સારા પ્રમાણમાં મળે છે. તેને રુધિર-વાહિનીઓમાં કૉલેસ્ટેરૉલનું પ્રમાણ ઘટાડવા માટે વાપરવાનું સૂચન કરાય છે. જર્મનીમાં બીટા-સીટોસ્ટીરૉલ પુર:સ્થ (prostate) ગ્રંથિના સોજામાં કે ગાંઠમાં તથા વા-વિકાર(rheumatism)માં વપરાય છે. ભારતમાં નાગરમોથ સોજા અને દુખાવામાં વપરાય છે. તેનો સક્રિય ઘટક બીટા-સીટોસ્ટીરૉલ છે. તે શરીરનું તાપમાન પણ ઘટાડે છે.
(47) મૅન્થોલ : મૅન્થોલ એ સેચ્યુરેટેડ સાયક્લિક સેકન્ડરી આલ્કોહૉલ છે. તે કુદરતમાં લીવો (l–), ડેકસ્ટ્રો (d–), રેસિમિક (dl –) વગેરે સ્વરૂપમાં મળે છે; પણ લીવો (l –) મૅન્થોલ વધુ ઉપયોગી છે. મૅન્થોલ મૅન્થા પિપરેટા અને મૅન્થા આરવેન્સીસના છોડમાં હોય છે. (કુટુંબ લેમિયેસી). મૅન્થોલને ચોક્કસ સુગંધ છે. સ્વાદ ઠંડો, મીઠો, તાજગીદાયક અને તીખાશ પડતો છે. દવાઓમાં અને ખાસ કરીને સ્થાનિક નિશ્ચેતક (local anaesthetic) તરીકે, માથાનો દુખાવો દૂર કરવાના બામમાં, નાક અને શ્વસનતંત્રમાં, શોથજન્ય સોજો ઘટાડવામાં તથા ટૂથપેસ્ટ, મોં ધોવાનું દ્રાવણ, કૉસ્મેટિક્સ વગેરેમાં ઠંડક, સુગંધ વગેરે માટે વપરાય છે.
(48) યીસ્ટ : યીસ્ટ એ એકજાતની એકકોષીય ફૂગ છે. તે સેકેરોમાયસીસ સેરેવીસીઈ અથવા કૅન્ડિડા યુટીલીસમાંથી મેળવવામાં આવે છે. યીસ્ટ આલ્કોહૉલ અને બ્રેડ બનાવતા ઉદ્યોગોમાં ખૂબ ઉપયોગી છે. યીસ્ટમાં ઝાયમેઝ, ડાયાસ્ટેઝ, ઇન્વર્ટેઝ વગેરે ઉત્સેચકો (enzymes) હોય છે તથા ન્યુક્લોપ્રોટીન ગ્લાયકોજન, વિટામિન બી કૉમ્પલેક્સ (થાયામીન, રીબોફલેવીન, નિયાસીન વગેરે) હોય છે. તેનો મુખ્ય ઉપયોગ પાચન માટે તથા વિટામિન બી જૂથ આપતા પૂરક ઔષધ તરીકે થાય છે.
(49) યુજેનોલ : યુજેનોલ એ ચોક્કસ પ્રકારની સુગંધ ધરાવતો ફીનોલિક પદાર્થ છે. તે યુજેનિયા કેરિયોફાયલસ(લવિંગ)ની કળીમાંથી (કુટુંબ – મિરટેસી) સિન્નામોન તમાલા (કુટુંબ – લોરેસી) તથા ઓસિમમ ગ્રેટીસિમમ (કુટુંબ – લેસિયેસી) વગેરેમાંથી મળે છે. તે લવિંગના તેલમાંથી મુખ્યત્વે મેળવવામાં આવે છે. યુજેનોલ એ પાણી કરતાં ભારે અને બાષ્પશીલ પ્રવાહી છે. તે ખાસ કરીને દાંતનો દુખાવો દૂર કરવા તથા દાંતના પોલાણમાં લગાવવામાં વપરાય છે. આ ઉપરાંત સાબુ, કૉસ્મેટિક્સ, ખોરાક, સોસ વગેરેને સુગંધીદાર બનાવવામાં વપરાય છે.
કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ