નીસ, જોસેફ નાઇસફોર (જ. 7 માર્ચ 1765, ફ્રાન્સ; અ. 3 જુલાઈ 1833, ફ્રાન્સ) : ફ્રેન્ચ સંશોધક અને છબીકલાના અગ્રણી સંશોધક. સાધનસંપન્ન કુટુંબના પુત્ર. નાદુરસ્ત તબિયતને કારણે લશ્કરમાંથી ફારેગ થયા પછી, માદરે વતન ચૅલૉન-સર-સૅઑનમાં કાયમી વસવાટ સ્વીકારી જીવનના અંતકાળ સુધી શોધખોળમાં વ્યસ્ત રહેલા.
1807માં તેમના ભાઈ ક્લૉદની મદદથી પ્રાણવાયુ સાથે અન્ય વાયુના મિશ્રણના આંતરિક દહન(internal combustion)થી ચાલતું એંજિન બનાવ્યું. તેનું નામ પાયરેલોફેર આપ્યું. ઉપરાંત, તેમણે પિસ્ટન અને સિલિંડરની રચનાની શોધ કરી; પાછળથી તે વીસમી સદીના ગૅસોલિન સંચાલિત એંજિનને મળતી આવતી શોધ નીવડી.
1813માં તે વખતની છાપકામની નવી નવી ટૅકનિક અંગેના પ્રયોગોમાં તે વ્યસ્ત થઈ ગયા. કોઈ પણ લખાણનું સ્વયં બિંબ મળી આવે તે શોધી કાઢવા તેમણે અનેક પ્રયોગો કર્યા. તેમણે મિશ્ર ધાતુના પતરા ઉપર હળવા છતાં પ્રકાશગ્રાહી પદાર્થોનું અસ્તર ચડાવી તે ઉપર કોતરાયેલા અક્ષરોની પ્રતિકૃતિ તડકામાં ઊપસી આવે તેમ કર્યું. આમાંથી 1816ના એપ્રિલમાં ફોટોગ્રાફી માટે નવા પ્રયોગો કરી હિલિયોગ્રાફીની શોધ કરી. આ એક પ્રકારના કૅમેરા સાથેનું સાધન હતું. પછી તો ફોટો પાડવા માટે પ્રકાશની તત્કાળ અસર ઝીલનારો કાગળ બનાવવા અને પ્રકાશની મદદથી તેના પર કોઈ પણ પદાર્થનું પ્રતિબિંબ અંકિત થાય તે માટે ભિન્ન ભિન્ન પદાર્થો પર તેમણે અનેક પ્રયોગો કર્યા. 1822માં તેમને આ પ્રયોગમાં સફળતા મળી. 1826માં કૅમેરાનો ઉપયોગ કરી, પોતાની પ્રયોગશાળામાં બારી બહાર દેખાતા એક દૃશ્યને પ્યૂટર પ્લેટ પર આબેહૂબ ઝીલ્યું. આમાંથી કોતરેલા પતરા કે શિલા પરથી આકૃતિને છાપવાની કલા વિકસતી ગઈ. આમ નીસે પ્રાકૃતિક દૃશ્યોને પ્રકાશની મદદથી હૂબહૂ પ્રતિબિંબિત કરી બતાવ્યાં; એટલું જ નહિ, પરંતુ સાથે સાથે તેમણે સ્વયંસંચાલિત કાગળ પર ફરી વાર નીપજતાં પ્રતિબિંબની શોધ પણ કરી. જોકે પોતાની શોધખોળ સંપૂર્ણ સિદ્ધિને વરે તે પહેલાં નીસનું અવસાન થયું; પરંતુ તેમણે કરેલા પ્રયોગો વધુ ઊંડાણપૂર્વક ચાલુ રાખતાં ડેગ્વેર કાળક્રમે સફળ થયા. તેમણે પ્રતિબિંબને ઝીલવા માટેનો સમય અતિશય ટૂંકાવી નાંખ્યો. આમ હિલિયોગ્રાફીની શોધના મૂળ જનક નીસ ગણાય છે. જોકે નીસનું નામ પશ્ચાદભૂમિકામાં ઠેલાઈ ગયું છે અને ડેગ્વેરનું નામ મોખરે રહ્યું છે.
વિ. પ્ર. ત્રિવેદી