નીલ દર્પણ (1860) : દીનબંધુ મિત્ર (1832-73) લિખિત બંગાળી ભાષાનું અને સમગ્ર ભારતનું અંગ્રેજોની વિરુદ્ધનું ક્રાંતિકારી નાટક. તેમાં ગળીનાં ખેતરોના ખેડૂતો કામદારો અને તેમની ઉપર જુલમ ગુજારતા અંગ્રેજ જમીનદારો વચ્ચેના સંઘર્ષનું આલેખન છે. ગોલોકચન્દ્ર બાસુ ગળીનું વાવેતર કરતો મધ્યમ વર્ગનો ખેડૂત છે જ્યારે સાધુચરણ સમૃદ્ધ જમીનદાર છે. પ્રથમ અંકમાં ગોલોક પર જુલમ ગુજારાતો દર્શાવાયો છે. પરિણામે એની વિદ્રોહી વૃત્તિ શી રીતે જન્મી તે તેના પાત્રાલેખન દ્વારા બતાવ્યું છે. આફતોમાં ઘેરાયેલો સાધુચરણ પણ ચિંતાગ્રસ્ત છે. બીજા અંકમાં અંગ્રેજ માલિકોના ષડ્યંત્રને પરિણામે ગોલોકને કારાવાસમાં ત્રાસ વેઠતો દર્શાવાયો છે. ત્રીજા અંકમાં લોકોનો પક્ષ લઈને ગોલોકનો પુત્ર નવીન માધવ અત્યાચાર સામે વિદ્રોહ કરે છે. વિદ્રોહની સાથે સાથે શોષણ વધતું જાય છે. ચોથા અંકમાં સંઘર્ષની કરુણ પરિસ્થિતિ ગોલોકની આત્મહત્યાના બનાવ દ્વારા રજૂ કરવામાં આવી છે. છેલ્લા અંકમાં ગોલોક તથા સાધુચરણના પરિવારોના વિનાશથી કરુણરસની પરાકાષ્ઠા દર્શાવી છે.
આ નાટકની રજૂઆતના સંદર્ભમાં ફેલાયેલી ઉશ્કેરણીથી બ્રિટિશ સરકારને તપાસપંચ નીમવાની ફરજ પડી હતી. અંગ્રેજોની વ્યાપારનીતિ અને શોષણનીતિ ઉપર પ્રહાર કરીને તેમાં બ્રિટિશ સામ્રાજ્યને પરોક્ષ રીતે પડકારવામાં આવ્યું હતું.
આ નાટક પર પ્રતિબંધ મુકાયેલો, પણ પ્રજાના ઉશ્કેરાટ અને વિરોધને લીધે ટૂંકસમયમાં પાછો ખેંચવો પડેલો. ગળીના ખેતરના કેટલાક અંગ્રેજ માલિકોએ બદનક્ષી અંગેનો દાવો દાખલ કરેલ. તે અનુસાર નાટક માટે જવાબદાર વ્યક્તિને દંડની સજા થયેલી. આ નાટકનો અંગ્રેજી અનુવાદ રેવરન્ડ જેમ્સ લાગે પ્રસિદ્ધ કર્યો એ બદલ એમને એક માસની સજા કરવામાં આવી હતી. આ નાટકે લોકોમાં અને અખબારી માધ્યમમાં ભારે ઉત્તેજના ફેલાવી હતી. આ નાટકની અસર તળે દક્ષિણચરણ ચટ્ટોપાધ્યાયે ચાના બગીચાઓના કામદારો વિશે લખેલા ‘ચાકર દર્પણ’ (1874) જેવાં નાટકોના સંસ્થાનવાદવિરોધી અભિગમને પરિણામે અંગ્રેજોએ ‘ધ ડ્રામેટિક પરફૉરમન્સ ઍક્ટ’ (1876) દ્વારા નાટક ઉપર સેન્સરશિપ લાદવાનો કાયદો કરેલો. બંગાળમાં પ્રથમ રાષ્ટ્રીય રંગભૂમિના ઉદઘાટન-સમયે 1872માં આ નાટકની રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત 1994-95માં આ નાટકમાંના કેટલાક અંશો દિલ્હીમાં રાષ્ટ્રીય નાટ્યસંસ્થાએ પ્રસ્તુત કરી અંગ્રેજ સંસ્થાનવાદ અને પ્રતિબંધક સેન્સરશિપનો વિરોધ તાજો કર્યો હતો.
ચન્દ્રકાન્ત મહેતા
હસમુખ બારાડી