નીલશિર (Mallard) : ભારતમાંનું શિયાળુ મુલાકાતી યાયાવર પંખી. તેનું શાસ્ત્રીય નામ Anas platyrhynchos છે. તેનો સમાવેશ Ansariformes વર્ગ અને Anafidae કુળમાં થાય છે. મોટે ભાગે તેનો વસવાટ યુરોપ, એશિયા, આફ્રિકા અને ઉત્તર અમેરિકામાં જોવા મળે છે.

આ પંખી ગયણાના જેવું જ આકર્ષક રંગવાળું બતક છે. નરનું કદ 61 સેમી. અને માદાનું 53 સેમી.નું હોય છે. નરનું માથું અને ડોક ચળકતા ઘેરા લીલા રંગનાં હોય છે, જ્યારે છાતી કથ્થાઈ રંગની હોય છે, જે બજરિયા લાલ ઘેરા મલમલ જેવી લાગે છે. આ બંને રંગને જુદા પાડતો ગળે પાતળો સફેદ કાંઠલો હોય છે. પીઠ રાખોડી અને પેટ સફેદ હોય છે. પૂંછડીનાં વચલાં બે પીંછાં કાળાં અને ઉપરની બાજુએ ગોળ વળેલાં હોય છે. પાંખમાં વાદળી પટો અને તેની આગળ-પાછળ કાળા અને સફેદ ઊભા પટા હોય છે, જે ખાસ કરીને ઊડતી વખતે દેખાય છે. ચાંચ પીળી અને પગ નારંગી રંગના હોય છે. શિયાળામાં વાયવ્ય ભારત અને મુંબઈ સુધીના ભાગોમાં જોવા મળે છે. આસામ બાજુ જોવા મળતું નથી. આ બતકની જાત મૂળ ઉત્તરધ્રવુ પ્રદેશનું પક્ષી છે. ક્યારેક કાશ્મિરમાં કાયમી જોવા મળે છે.

નીલશિર

નીલશિર શિયાળામાં વાયવ્ય ભારત અને મુંબઈ સુધીના ભાગોમાં જોવા મળે છે, આસામ બાજુ જોવા મળતું નથી. આ બતક મૂળ ઉત્તર ધ્રુવ પ્રદેશનું પક્ષી છે. ક્યારેક કાશ્મીરમાં કાયમી જોવા મળે છે.

માદા બદામી રંગની હોય છે. તેના ઉપરના ભાગે કાળાશ પડતા ડાઘ અને ડોકે તથા ગળે બદામી રંગમાં કાળાશ પડતી ઊભી રેખાઓ હોય છે. આંખની આરપાર ઘેરા રંગની રેખા હોય છે. તેના પગ નારંગી અને ચાંચ પીળાશ પડતી હોય છે. આ પંખી પાણીમાંથી સીધું હવામાં ઊડી શકે છે; જમીન પર સારી રીતે ચાલી શકે છે.

પ્રજનનકાળ જુલાઈ પહેલાં હોય છે. પ્રજનનઋતુ બાદ જુલાઈ–ઑગસ્ટમાં નરનો રંગ માદા જેવો થઈ જાય છે. જલાશયના કાંઠે ઊગતી નજીકની વનસ્પતિમાં માળા કરી તે 10થી 12 ઈંડાં મૂકે છે. તેને 28 દિવસ સુધી માદા સેવે છે. તેનો મુખ્ય ખોરાક વનસ્પતિ, બીજ, કૂંપળો, અનાજના દાણા, પાંદડાં વગેરે હોય છે.

બળદેવભાઈ કનીજિયા

રા. ય. ગુપ્તે