નીમ દે પત્તે (1968) : પંજાબી લેખક શ્રવણકુમાર શર્માનો વાર્તાસંગ્રહ. આ વાર્તાઓથી પંજાબી સાહિત્યમાં આધુનિકતાનો પ્રવેશ થયો. એ વાર્તાઓ મોટેભાગે મનોવૈજ્ઞાનિક છે અને એમાં આંતરચેતનાપ્રવાહની શૈલીનો પંજાબી વાર્તામાં પ્રથમ વાર ઉપયોગ થયો છે. એ ઉપરાંત અસ્તિત્વવાદ તથા અતિવાસ્તવવાદ, તેમજ ફ્રૉઇડનો પ્રભાવ પણ પ્રથમ વાર આ વાર્તાઓમાં દૃષ્ટિએ પડે છે; જેમ કે, એમાં ‘સવેર-સાર’ વાર્તા આંતરચેતનાપ્રવાહની શૈલીએ લખાઈ છે. એક યુવક એક સવારે ઊંઘમાંથી ઊઠે છે; પલંગમાં પડ્યા પડ્યા એને જે વિચારો આવે છે એ વિચારોની શૃંખલાથી વાર્તા બને છે. એમાં ઘટનાનું તિરોધાન છે. સંગ્રહમાં યૌનસંબંધની કેટલીક વાર્તાઓ છે, જેને કારણે એ સમયે ઘણો ઊહાપોહ મચેલો અને પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની માગણી થયેલી. એ પુસ્તક માટે પંજાબ સરકાર તરફથી લેખકને પુરસ્કાર પ્રાપ્ત થયેલો ત્યારે પણ ઘણી ચકચાર ચાલી હતી.
ચન્દ્રકાન્ત મહેતા