નીતિ આયોગ : ભારત સરકારની નીતિઓ માટેની ‘થિન્ક ટૅન્ક’. પૂર્વેના આયોજન પંચના વિકલ્પે રચવામાં આવેલી સંસ્થા. તેનું નામ અંગ્રેજીમાં રાખવામાં આવ્યું છે : ‘નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા’. આ નામના અંગ્રેજી શબ્દોના આદ્યાક્ષરો લઈને તેને ‘નીતિ’ આયોગના નામે ઓળખવામાં આવે છે. પહેલી જાન્યુઆરી, 2015ના રોજ આયોજન પંચને નાબૂદ કરીને તેના સ્થાને નીતિ આયોગની રચના કરવામાં આવી. તેની પહેલી બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળી. પ્રથમ બેઠકમાં આયોજન પંચને નાબૂદ કરીને તેની જગ્યાએ નીતિ આયોગની રચના પાછળનું કારણ તત્કાલીન નાણાપ્રધાન જેટલીએ આ શબ્દોમાં દર્શાવ્યું હતું : ‘પાંસઠ વર્ષ જૂનું આયોજન પંચ અનાવશ્યક બની ગયું હતું. એ આદેશોથી ચાલતા આયોજિત અર્થતંત્ર માટે ઉપયોગી હતું પણ હવે તે ઉપયોગી રહ્યું નથી. ભારત વૈવિધ્યપૂર્ણ દેશ છે, તેનાં રાજ્યો વિકાસના વિભિન્ન તબક્કામાં રહેલાં છે, તેમની પોતાની કેટલીક શક્તિ અને નિર્બળતાઓ છે. આ સંદર્ભમાં પ્રત્યેક માટે સમાન આયોજનનો અભિગમ કાલગ્રસ્ત થયો છે. તે આજના વૈશ્વિક અર્થતંત્રમાં ભારતને સ્પર્ધાત્મક ન બનાવી શકે.’
ઉદ્દેશો : નીતિ આયોગના 14 ઉદ્દેશો મુકરર કરવામાં આવ્યા છે. એ ઉદ્દેશોને સરળ ભાષામાં અને સંક્ષેપમાં અહીં રજૂ કરીશું. તે સારા શાસન માટે, ન્યાયી અને ટકાઉ વિકાસ માટે ઉત્તમ નીતિઓ આપશે, અમલ થઈ રહ્યો હોય એવા કાર્યક્રમોનું મૂલ્યાંકન કરશે, લાંબા ગાળાની નીતિ અને વ્યૂહરચના ઘડશે, વિકાસનો પૂરતો લાભ નહિ મેળવી શકનારાઓ પર ધ્યાન આપશે. સરકારની ‘થિન્ક ટૅન્ક’ તરીકે કાર્ય કરશે. તે રાજ્યો અને કેન્દ્ર સરકારોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા મુદ્દાઓ પર વ્યૂહાત્મક અને ટૅકનિકલ સલાહસૂચન કરશે.
આયોગનું માળખું : વડાપ્રધાન, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ – જેમની નિમણૂક વડાપ્રધાન કરે છે, ચાર પ્રધાનો હોદ્દાની રૂએ, ચાર પ્રધાનો ખાસ આમંત્રિત તરીકે, પૂરા સમયના પાંચ સભ્યો, બે ખંડ સમયના સભ્યો – આ સાત સભ્યો વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોમાંથી પસંદ કરવામાં આવે છે. વહીવટી વડા, વહીવટી કાઉન્સિલ, જેમાં તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ, આંદામાન-નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નર અને ખાસ આમંત્રિતોનો સમાવેશ થાય છે. આની સાથે રાજ્યોમાં મુખ્ય મંત્રીના અધ્યક્ષપદે પ્રાદેશિક કાઉન્સિલની રચના પણ કરવામાં આવી છે.
કેટલીક કામગીરી : આયોગે 15 વર્ષનો રોડમૅપ, સાત વર્ષનું ‘વિઝન’, વ્યૂહરચના અને કાર્યઆયોજન તૈયાર કર્યાં છે. તબીબી શિક્ષણમાં સુધારા સૂચવ્યા છે. ખેતપેદાશોના વેચાણ અંગેના કાયદામાં સુધારા સૂચવ્યા છે. રાજ્યોમાં કરવામાં આવતા ખેડૂતોને ઉપયોગી સુધારાનો સૂચક તૈયાર કરવામાં આવ્યો છે, જેના આધાર પર રાજ્યોને ક્રમ આપવામાં આવે છે. એ જ રીતે આરોગ્ય, શિક્ષણ અને જળસંચાલનના ક્ષેત્રે રાજ્યોની કામગીરીનું માપન કરવામાં આવે છે. વૈશ્વિક સ્તરે નામાંકિત નિષ્ણાતોના જ્ઞાનનો લાભ લેવા માટે નીતિ-વ્યાખ્યાન વાર્ષિક ધોરણે યોજવામાં આવે છે.
રમેશ ભા. શાહ