નીચા નગર : હિન્દી ચલચિત્ર. નિર્માણવર્ષ 1946; દિગ્દર્શક : ચેતન આનંદ; છબીકલા : વિદ્યાપતિ ઘોષ; સંગીત : રવિશંકર; કલાકારો : રફીક અનવર, ઉમા આનંદ, રફી પીર, કામિનીકૌશલ, હમીદ બટ, એસ.પી. ભાટિયા, મોહન સહગલ, ઝોહરા સહગલ, પ્રેમકુમાર. શ્વેત અને શ્યામ. 122 મિનિટ. ગૉર્કીની પ્રશિષ્ટ કથા ‘ધ લોઅર ડેપ્થ્સ’ ઉપર આધારિત આ ફિલ્મમાં વર્ગભેદ તેની ચરમસીમાએ દેખાય છે. ઊંચા પર્વતીય પ્રદેશમાં અમીર જમીનદારનું નિવાસસ્થાન છે, જ્યારે પર્વતપ્રદેશની ખીણમાં ગરીબ લોકોની ઝૂંપડીઓ છે. પહાડ ઉપરથી આવતા ગંદા પાણીના કારણે ઝૂંપડીઓમાં રહેતા લોકો રોગનો ભોગ બને છે. અંતે જમીનદાર પણ હૃદય બંધ પડવાને કારણે મૃત્યુ પામે છે. ચેતન આનંદના દિગ્દર્શનનું કૌશલ્ય આ ફિલ્મની છબીકલામાં દેખાઈ આવે છે. આ ફિલ્મ દ્વારા રવિશંકરે ફિલ્મોમાં સંગીતદિગ્દર્શનનું કાર્ય આરંભ્યું હતું.
પીયૂષ વ્યાસ