નિહાલાની, ગોવિંદ (જ. 19 ડિસેમ્બર 1940, કરાંચી) : હિન્દી ચલચિત્રોના દિગ્દર્શક. જન્મ વેપારી કુટુંબમાં. ડાબેરી વિચારસરણી સાથે જોડાયેલા આ સર્જકના પ્રથમ ચલચિત્ર ‘આક્રોશ’થી લઈને બધાં ચલચિત્રોમાં આ વિચારધારા એક યા બીજી રીતે પ્રતિબિંબિત થતી રહી છે. નવા પ્રવાહનાં ચલચિત્રોના આંદોલન સાથે જે કેટલાક સર્જકો સંકળાયેલા છે તેમાં ગોવિંદ નિહાલાનીનું નામ આગળ પડતું છે. 1947માં દેશના ભાગલા પડ્યા ત્યારે નિહાલાની પરિવાર કરાંચી છોડીને પહેલાં રાજસ્થાનના ઉદયપુરમાં ગયો અને પછી દિલ્હી જઈને વસ્યો. બૅંગાલુરુની એસ. જે. પૉલિટૅકનિક કૉલેજમાં 1959–62 દરમિયાન ભણીને ગોવિંદે ચલચિત્રોમાં છબિકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1962થી 1971 દરમિયાન તેમણે ખ્યાતનામ છબિકાર વી. કે. મૂર્તિના સહાયક તરીકે કામ કર્યું. રંગકર્મી સત્યદેવ દુબે જેવાના તેઓ અંગત મિત્ર બન્યા. દુબેનું ‘શાંતતા ! કોર્ટ ચાલુ આહે’ (લેખક : વિજય તેંડુલકર) ગોવિંદ નિહાલાનીનું છબિકાર તરીકે પ્રથમ ચિત્ર હતું. પ્રસિદ્ધ નિર્દેશક શ્યામ બેનેગલનાં પ્રારંભનાં ચલચિત્રોમાં છબિકલા તેમણે કરી અને ખ્યાતિ મેળવી.
ગોવિંદ નિહાલાની દિગ્દર્શનક્ષેત્રે ‘આક્રોશ’(1980)થી આવ્યા. આ પ્રથમ ચલચિત્રથી જ નિર્દેશક તરીકેની પોતાની પ્રતિભાનો તેમણે પરિચય આપી દીધો. ‘આક્રોશ’ ભારતના આઠમા આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં સર્વશ્રેષ્ઠ ચલચિત્રનું માન પામ્યું. એ પછી ‘અર્ધસત્ય’ ચલચિત્રે પણ નિહાલાનીને દેશ-વિદેશમાં ખૂબ ખ્યાતિ અપાવી. સમાજ અને રાજકીય વ્યવસ્થાની ખરાબીઓનું તેમાં ચિત્રણ કરાયું છે. 1984માં શ્રેષ્ઠ ચલચિત્ર ઉપરાંત, શ્રેષ્ઠ દિગ્દર્શન, શ્રેષ્ઠ કથાલેખન, શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ પટકથાલેખનનાં ‘ફિલ્મફેર’ પારિતોષિકો ‘અર્ધસત્ય’ને મળ્યાં. એ જ વર્ષે પ્રતિષ્ઠિત ‘કારલોવી વારી’એ આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં આ ચિત્રના નાયક ઓમ્ પુરીને શ્રેષ્ઠ પુરુષ કલાકાર તરીકેનું પારિતોષિક અપાવ્યું.
1947માં દેશના ભાગલા પડ્યા ત્યારની પરિસ્થિતિનું દારુણ ચિત્રણ તેમણે ટી.વી. શ્રેણી ‘તમસ્’માં કર્યું. એક એક કલાકના પાંચ હપતાવાળી આ શ્રેણીનો પ્રથમ હપતો દૂરદર્શન પર રજૂ થતાં જ ખાસ્સો વિવાદ ખડો થયો હતો અને મામલો અદાલત સુધી પહોંચ્યો હતો. એકનો એક વિષય દોહરાવવામાં ન માનતા નિહાલાનીએ ‘આક્રોશ’ અને ‘અર્ધસત્ય’ ઉપરાંત ‘વિજેતા’ (1982), ‘પાર્ટી’ (1983), ‘આઘાત’ (1985), ‘દૃષ્ટિ’ (1990), ‘દ્રોહકાલ’ (1996) વગેરે ચલચિત્રો અને ‘રુક્માવતી કી હવેલી’ (1991) ટેલિફિલ્મનું નિર્માણ કર્યું. 1982માં સર રિચાર્ડ ઍટનબરોના ઑસ્કર ઍવૉર્ડ વિજેતા ચલચિત્ર ‘ગાંધી’ના દ્વિતીય યુનિટના છબિકાર તરીકે તેમણે કામ કર્યું હતું. 2002માં તેઓ ‘પદ્મશ્રી’થી સન્માનિત થયા છે. તેમણે સૈલાબ મુખરજી અને ગુલઝાર સાથે ‘એન્સાઇક્લોપીડિયા ઑવ્ હિન્દી સિનેમા’ (2003) નામે પુસ્તક લખ્યું છે.
પ્રશિષ્ટ બંગાળી નવલકથાકાર શરદચંદ્ર બોઝની નવલકથા ‘દેવદાસ’ પરથી તેમણે 2004માં ફિલ્મ ‘દેવ’નું દિગ્દર્શન કર્યું. તેમાં અમિતાભ બચ્ચન, ઓમ પુરી, ફરદીન ખાન, કરીના કપૂર અને રતિ અગ્નિહોત્રીએ અભિનય કર્યો છે. ફિલ્મ દેવ માટે 2004માં ફિલ્મફેર ક્રિટીકલ ઍવૉર્ડ ફૉર બેસ્ટ મૂવી એનાયત થયો.
હરસુખ થાનકી