નિસ્યંદિત (distilled) પાણી : નિસ્યંદન દ્વારા જેમાંના ઓગળેલા ક્ષારો અને અન્ય સંયોજનો દૂર કરવામાં આવ્યાં હોય એવું શુદ્ધ પાણી. નિસ્યંદિત પાણી અતિશુદ્ધ પાણી છે. તે મેળવવા પ્રથમ આલ્કલાઇન પરમૅન્ગેનેટયુક્ત સાદા પાણીને નિસ્યંદિત કરવામાં આવે છે. પરમૅન્ગેનેટ પાણીમાંના કાર્બનિક દ્રવ્ય અને કાબૉર્નિક ઍસિડને દૂર કરે છે. આ રીતે મળેલા પાણીને સલ્ફ્યુરિક કે ફૉસ્ફૉરિક ઍસિડયુક્ત બનાવી ફરીથી નિસ્યંદન કરવામાં આવે છે. આથી એમોનિયમ આયન જેવા બાષ્પીય આલ્કલી દૂર થાય છે. પાણીમાં હવા ન ઓગળે માટે શૂન્યાવકાશમાં નિસ્યંદન કરવામાં આવે છે. સાદા કાચનાં પાત્રોમાંથી આલ્કલી પાણીમાં દાખલ ન થાય તે માટે કલાઈ-ખંડોના અથવા ક્વૉર્ટ્ઝના શીતકો (condensers) વાપરવામાં આવે છે. હવામાં રહેલા કાર્બન-ડાયૉક્સાઇડ સાથે સમતોલનમાં રહેલા પાણીની વિદ્યુતવાહકતા 0.8 106 S. સેમી.1 (અથવા મ્હો/સેમી.) હોય છે. 1894માં કૉલરૉશ અને હેડવીલરે પાણીને 42 વખત નિસ્યંદિત કરી તેને અત્યંત શુદ્ધ રૂપે મેળવ્યું હતું, જેની વાહકતા 18° સે.એ 0.043 × 10–6 S.સેમી.–1 હતી. આ પાણીને વાહકતા જળ (conductivity water) પણ કહે છે. પાણીની આ સીમિત (limiting) વાહકતા તેના સ્વયં આયનીકરણને આભારી છે.
H2O ⇄ H+ + OH
0°સે.એ નિસ્યંદિત પાણીની વાહકતા
0.038 × 10–6 S. સેમી.–1 હોય છે.
જ. દા. તલાટી