નિસાર હુસૈન ખાન

January, 1998

નિસાર હુસૈન ખાન (જ. 1909, બદાયૂં-ઉત્તરપ્રદેશ; અ. 1992, કૉલકાતા) : રામપુર ઘરાણાના એક અગ્રણી ગાયક. પાંચ વર્ષની વયથી પ્રારંભિક શિક્ષા તેમના પિતા ફિદાહુસૈન પાસેથી શરૂ કરી. ત્યારબાદ તેમણે ઉસ્તાદ હૈદર ખાન પાસેથી કંઠ્ય સંગીતમાં મુખ્યત્વે કરીને ખ્યાલ-તરાના-ગાયકીની તાલીમ લીધી. તરાના-ગાયકીમાં તેઓ ઘણા સમય સુધી મોખરે રહ્યા.

વડોદરા રાજ્યમાં તેઓ એક ગાયક તરીકે 1945 સુધી રહ્યા. મહારાજા સયાજીરાવના અવસાન પછી ખાંસાહેબ પોતાના વતન બદાયૂં જતા રહ્યા.

ખ્યાલ ગાયકીની અટપટી તાનો માટે તેમની ગાયકી પ્રસિદ્ધિ પામી હતી. માલકંસ, દેશી તથા ગૌડ સારંગ તેમના પ્રિય રાગ હતા. દેશનાં સંગીતસંમેલનોમાં ગાયન પ્રસ્તુત કરતા. આકાશવાણી પર પણ તેમના કાર્યક્રમો અવારનવાર થતા હતા. જીવનનાં અંતિમ વર્ષોમાં તેઓ કૉલકાતાની સંગીત રિસર્ચ એકૅડેમીમાં રામપુર ઘરાણાની ગાયકોની તાલીમ આપવા માટે ગવૈયા ઉસ્તાદ તરીકે રહ્યા હતા.

તેમના પ્રમુખ શિષ્યોમાં હાફિઝ એહમદ ખાન, ગુલામ મુસ્તફા ખાન, ગુલામ અકબર ખાન તથા પુત્ર સરફરાઝ હુસૈન ખાન ગણાય છે.

તેમણે ગવૈયા તરીકે નેપાળમાં પ્રવાસ કર્યો હતો.

1971માં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ ખિતાબ એનાયત કર્યો હતો. ઉપરાંત, હૈદરાબાદના ગાંધર્વ મહાવિદ્યાલય મંડળે તેમને ‘સંગીત-મહામહોપાધ્યાય’ની ઉપાધિથી સન્માન્યા હતા. સંગીત નાટક અકાદમીએ તેમને તામ્રપત્ર અર્પણ કર્યું હતું.

હૃષીકેશ પાઠક