નિસર્ગચિત્ર : કેવળ પ્રકૃતિને વિષય બનાવી ચિત્રાંકન કરવાની કલાશૈલી. વિશ્વમાં નિસર્ગચિત્રની શરૂઆત ચીને કરી, ચોથી સદીમાં ત્યાં નિસર્ગચિત્રને તરત જ પ્રતિષ્ઠાભર્યું સ્થાન મળ્યું. ચોથી સદીનો પ્રથમ જાણીતો થયેલો ચિત્રકાર છે કાઈ–ચીહ. ચીની નિસર્ગચિત્રમાં સ્વાભાવિકતાનું મહત્ત્વ હોવા છતાં તેમાં અન્ય ચીની ચિત્રોની જેમ પરંપરા પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે; જેમ કે, પર્વતોને હંમેશાં સીધા ઢોળાવ અને ઉત્તુંગ શૃંગ હોય છે, ઝાડનાં થડિયાં ગૂંચળા આકારનાં હોય છે અને હંમેશાં જમીન કે જળ પર ઝળૂંબતાં હોય છે. ચીની નિસર્ગચિત્રોમાં માનવી વામણો લાગે એવું વિરાટ પરિમાણ આલેખાયું હોય છે. ચીની નિસર્ગચિત્રો જોતાં એવી લાગણી થાય છે કે આ બ્રહ્માંડમાં માનવીનું અસ્તિત્વ તદ્દન ક્ષુલ્લક છે. તેમાં આલેખાયેલું યથાર્થદર્શન પશ્ચિમી નિસર્ગચિત્રના વાસ્તવિક પ્રત્યક્ષીકરણ કરતાં જુદું હોય છે. ચીની ચિત્રકલામાં નજર અદૃશ્ય બિંદુ તરફ નહિ, પરંતુ પર્વતોના ઢોળાવો, ઝરણાં, ધોધ, નદીઓને અનુસરતી રહીને સાગર તરફ મંડાય છે. છાયા અને પ્રકાશનો ઉપયોગ આ ચિત્રકલામાં નથી થયો.
સુંગકાળ (960–1280) દરમિયાન ચીની નિસર્ગકળા ચરમબિંદુએ પહોંચી. એ દરમિયાન બે શૈલી અસ્તિત્વમાં આવી : ઉત્તર અને દક્ષિણ સુંગ શૈલી. પહેલીમાં ચિત્રની વચમાં ઘેરો, નક્કર પર્વત ચીતરવામાં આવે છે. દક્ષિણ સુંગ શૈલીમાં બૌદ્ધ ધર્મની ધ્યાનપરંપરાની અસર જણાય છે; ચિત્રમાં એકાદ ખૂણે થોડી જમીન ચીતરવામાં આવે છે અને બાકીનો ભાગ આકાશ બની રહે છે. અહીં સપાટ રંગો નથી પૂરવામાં આવતા પરંતુ માત્ર સૂચક બાહ્ય રેખાઓ આલેખવામાં આવે છે. આખી કૃતિમાં રેખાચિત્રની અસર જણાય છે. યુઆનકાળ (1260–1368) દરમિયાન ચાઓ મૅગફૂએ નિસર્ગચિત્રમાં ક્રાંતિ કરી. દક્ષિણ સુંગ શૈલીનાં મોસમચિત્રોના સ્થાને આઠમી સદીના તાંગ કાળની પ્રાથમિક શૈલીને પુનર્જીવિત કરી. આ પ્રાથમિક શૈલીમાં જડ વાસ્તવવાદનું પ્રમાણ વધુ હતું.
આ ઉપરાંત ચીનમાં પુષ્પ અને પંખી તથા વાંસનું નિરૂપણ કરતાં ચિત્રોની પરંપરા છેલ્લાં બે હજાર વર્ષથી ચાલી આવે છે. તે નિસર્ગનો ભાગ હોવાથી તેમને નિસર્ગચિત્રમાં જ સમાવિષ્ટ કરી શકાય.
આછા જળરંગોના નાજુક લસરકાથી ચીની ચિત્રકારો અદભુત અસરો નિપજાવે છે. ચીનમાં ચિત્રકલા હંમેશાં લખાણ સાથે સંકળાયેલી રહી છે. ત્યાંનાં વિવિધ ક્ષેત્રોના વિદ્વાનો, બૌદ્ધ સાધુઓ અને સમ્રાટો મહાન ચિત્રકાર હતા. દાખલા તરીકે સમ્રાટ હુઈ-ત્સુંગ પુષ્પ અને પંખીના ચિત્રકાર હતા.
યુરોપમાં ગ્રીક, રોમન, રોમનેસ્ક, બાઇઝૅન્ટાઇન અને ગૉથિક સમય દરમિયાન નિસર્ગનો ઉપયોગ ચિત્રમાં માનવપાત્રોની પૃષ્ઠભૂમિકા માટે થતો. છેલ્લા ગૉથિક ચિત્રકારોનાં ચિત્રોમાં નિસર્ગ પ્રત્યેની સંવેદનશીલતા વધતી જોવા મળે છે; પરંતુ નિસર્ગચિત્રની સ્વતંત્ર કલાસ્વરૂપ તરીકેની શરૂઆત તો રેનેસાંસ દરમિયાન પંદરમી સદીમાં થઈ.
રેનેસાંસ યુગમાં યુરોપમાં નિસર્ગચિત્રના પ્રથમ પુરસ્કર્તા છે જર્મન ચિત્રકારો આલ્બેખ્ટ ડ્યુરર, ઍટ્ડૉલ્ફર અને પૅટેન્યેય. તેમનાં ચિત્રોમાં પ્રથમ વાર નિસર્ગ ખુદ વિષય બનીને આવે છે. ઍટ્ડૉલ્ફરનાં ચિત્રોમાં યુરોપનાં પાઇનનાં જંગલોની છબી જોવા મળે છે.
ઇટાલિયન ચિત્રકાર અને વિજ્ઞાની લિયૉનાર્દો દ વિન્ચી(1452–1519)એ નિસર્ગચિત્ર માટે જરૂરી સિદ્ધાંતો નક્કી કરી આપ્યા. આ સિદ્ધાંતો તે ઊંડાઈ (depth), (અદૃશ્ય) વિલયનબિંદુ (vanishing point) તથા અંતરના કારણે નીપજતું લાઘવ અને પરિપ્રેક્ષ્ય (perspective). પ્રકાશ અને વાતાવરણની સ્થૂળ પદાર્થો પરત્વેની અસર પૂર્ણતયા સમજનાર પ્રથમ ચિત્રકાર છે લિયૉનાર્દો. વસ્તુ જેમ દૂર હોય તેમ તે કદમાં નાની, ધૂંધળી અને અસ્પષ્ટ દેખાય છે. દૂરનાં પર્વતો અને લીલોતરી ભૂરાં દેખાય છે અને પડછાયામાં પણ ભૂરા રંગની છાંટ જોવા મળે છે. બેલ્જિયમના ચિત્રકાર પીટર બ્રગલ(1525–1569)નાં ચિત્રોમાં નિસર્ગ વિવિધ ઋતુઓ પ્રમાણે અલગ અલગ છટા બતાવે છે : વરસના 12 માસનાં 12 ચિત્રોમાં વાસ્તવવાદ ઉપરાંત દરેકેદરેક માસના વિશિષ્ટ વાતાવરણની પૂરી નોંધ લેવાઈ છે. બ્રગલ અગાઉ યુરોપના કોઈ કલાકારે કુદરત તરફ આટલી ઉત્કટ સંવેદનશીલતા દાખવી નથી. રેનેસાંસના અન્ય ચિત્રકારોનાં ચિત્રોમાં નિસર્ગ માનવપાત્રો સાથે મહત્ત્વની કામગીરી અદા કરે છે. રીતિવાદી (mannerist) ચિત્રકાર એલ ગ્રેકો(1541–1614)નું મહત્ત્વનું નિસર્ગચિત્ર છે ‘ટલેડો’; એમાં સ્પેનનું એ નાનું નગર રાત્રિ સમયે વીજ-ઝબકારના પ્રકાશમાં ચમકતું બતાવ્યું છે. ફ્રેંચ બરોક ચિત્રકાર નિકલસ પૂસેં(1594–1665)નાં ચિત્રોમાં નિસર્ગનું પૌરાણિક પાત્રો તથા પૌરાણિક સ્થાપત્ય સાથે અદભુત સંયોજન થયેલું જોવા મળે છે. ફ્રેંચ બરોક ચિત્રકાર ક્લૉડ લરેન(1600–1682)નાં ચિત્રોમાં પ્રથમ વાર નિસર્ગ પોતાની મિજાજી રંગદર્શી છટા બતાવે છે. પીટર પૉલ બેલ્જિયમના ચિત્રકાર રૂબિન્ઝ(1577–1640)નાં નિસર્ગચિત્રોમાં હોલૅન્ડનાં ગામડાંનું સાંજના કુમળા પ્રકાશમાં આલેખન થયેલું છે. સર્વોત્તમ ડચ ચિત્રકાર રેમ્બ્રાં(1606–1669)નાં નિસર્ગચિત્રોમાં હોલૅન્ડનાં ગામડાં અને ખેતરો ઇમ્પ્રેશનિસ્ટ શૈલીની સ્વયંસ્ફૂર્ત સાહજિકતાથી ચીતરાયેલાં છે. પરંતુ ડચ નિસર્ગ ચિત્રકલાનો સમર્થ નિસર્ગ-કલાકાર તે રેસડાલ (1628/29–1692). હોલૅન્ડના નિસર્ગના તરંગોને અન્ય કોઈ કલાકાર તેના જેટલી તાકાતથી ઝડપી શક્યો નથી. છાયા અને પ્રકાશ એક ક્ષણ માટે પણ સ્થિર રહેતાં નથી તે વાતની પ્રથમ પ્રતીતિ રેસડાલનાં ચિત્રો જોતાં થાય છે. તેનાં ચિત્રોમાં આકાશનાં ઘનઘોર વાદળાંમાંથી પ્રકાશનું એકાદ કિરણ દૂર સરોવર કે જંગલ પર પડતું દેખાય છે. અન્ય ડચ નિસર્ગ-ચિત્રકારોમાં એક તો હર્ક્યુલર સિગર્સ(1589/90–1638)ને ગણી શકાય. તેનાં એકરંગી રંગદર્શી નિસર્ગચિત્રોની અસર રેમ્બ્રાં પર પણ થઈ હતી. બીજો ચિત્રકાર છે ઇસિયાન વાન દ વેલ્દે (1590 ? – 1630). તેનો ફાળો કલ્પનાશીલ ડચ નિસર્ગચિત્રોને વાસ્તવદર્શી અભિગમ બક્ષવામાં છે. તેનું ‘બરફીલું દૃશ્ય’ (Ice Scene) ચિત્ર થીજેલા બરફ પર વિવિધ રમતો રમતા લોકોને આબેહૂબ નિરૂપે છે. આવા બધા ડચ ચિત્રકારોની અસર પાછળથી ઇંગ્લૅન્ડના નિસર્ગચિત્રકારો કન્સ્ટબલ અને ટર્નર પર જોવા મળે છે.
અઢારમી સદીમાં રકોકો ચિત્રશૈલીના પ્રસાર દરમિયાન ફ્રેંચ ચિત્રકારો ઍન્ટની વૉતુ (1684–1721) અને ફ્રૅગૉના(1732–1806)માં નિસર્ગનો શણગાર ઝીણી ઝીણી વિગતો સાથે ખીલી ઊઠે છે અને રકોકો શૈલીનાં ચંચળ માનવપાત્રોને એટલી જ ચંચળ પૃષ્ઠભૂમિકા પૂરી પાડે છે.
અઢારમી સદીમાં ઇટાલિયન ચિત્રકાર કૅનલેટો(1697–1768)નાં ચિત્રોમાં જળનગરી વેનિસનું સૌંદર્ય ખીલી ઊઠે છે. સ્થાપત્ય અને જળ સાથેની પ્રકાશની સંતાકૂકડી અદભુત રીતે તેણે પકડી છે. ગાર્ડી(1712–1793)નાં ચિત્રોમાં પણ મુખ્ય વિષય છે વેનિસનગરી, પણ અહીં ભાર મુકાયો છે વેનિસનાં પ્રકાશ, હવા અને પાણી પર. ઇંગ્લૅન્ડના રકોકો ચિત્રકાર ટૉમસ ગેન્ઝબરો (1727–1788)નાં ચિત્રોમાં ઇંગ્લૅન્ડની પ્રકૃતિ પૂરી કોમળતાથી ખીલી ઊઠે છે.
રંગદર્શી ચિત્રકારોનાં નિસર્ગ ચિત્રોમાં નિસર્ગ એટલું બધું પ્રભાવશાળી બને છે કે મનુષ્ય જાણે પોતાનું અસ્તિત્વ જ ગુમાવી બેસે છે. આંગ્લ ચિત્રકારો જૉન માર્ટીન અને જૉસેફ વિલિયમ ટર્નર(1775–1851)નાં ચિત્રોમાં કુદરતની તાંડવલીલા આલેખાઈ છે. મુક્ત અને જાડા રંગના પહોળા થપેડા-લપેડાથી ચીતરેલા કૅન્વાસ તોફાની વાવાઝોડાં, આંધી, સમુદ્રી તોફાન, સૂર્યાસ્ત, દાવાનળ જેવાં કુદરતનાં વિનાશકારી તત્વોની પ્રતીતિ કરાવે છે. ટર્નર શુદ્ધ રંગો લાલ, પીળો વાદળી વાપરે છે, તેથી ચિત્ર પ્રભાવક બને છે. પરંતુ રંગદર્શી આંગ્લ નિસર્ગચિત્રકાર જૉન કન્સ્ટબલ(1776–1837)નાં ચિત્રોમાં કુદરતનું શાંત સૌમ્ય સ્વરૂપ જોવા મળે છે. છતાં ટર્નરની માફક તે આકાશનો જબરો અભ્યાસુ છે. ટર્નરની માફક કન્સ્ટબલ પણ રંગોના જાડા લપેડા અને લસરકા વાપરે છે અને કૅન્વાસ પર રંગોને મિશ્રિત નથી કરતો.
કાસ્પર ડેવિડ ફ્રીડરિખ (1774–1840) જર્મનીનો મહત્ત્વનો રંગદર્શી નિસર્ગચિત્રકાર છે. તેનાં નિસર્ગચિત્રો ગૂઢ રહસ્યમયતાની બિહામણી લાગણી જન્માવે છે. જંગલની વચ્ચે ખંડેરો, તેમાં કબર, ઉપર ક્રૉસ, ઊડતા કાગડા, શિયાળાની તીવ્ર ઠંડી ભરેલી સાંજ, સમુદ્ર પર થીજી ગયેલો બરફ વગેરે તત્વો નિસર્ગનું વરવું સ્વરૂપ રજૂ કરે છે.
ઓગણીસમી સદીમાં ફ્રાંસની બાર્બિઝોં શૈલીના નિસર્ગચિત્રકારોમાં કૉરો, મિલે અને કુઅબે મુખ્ય છે. જાપાની વુડકટ ચિત્રકલાના સપાટ આકારો અને શુદ્ધ રંગોની અસર ઉપરાંત ઇમ્પ્રેશનિઝમના ફ્રેંચ ચિત્રકારો માને, મોને, સિસ્લી, પિસારો વાન ગોઘ, પર ટર્નર અને કન્સ્ટબલની ચિત્રશૈલીના રંગોના મુક્ત વિનિયોગ અને જોશીલા લપેડાની ઘેરી અસર પડી. પ્રભાવવાદી શૈલીના નિસર્ગચિત્રકારોએ રંગોની શુદ્ધતા પર ભાર મૂક્યો. આ શુદ્ધ રંગો તે પ્રથમ કક્ષાના એટલે કે લાલ, પીળો અને ભૂરો તથા દ્વિતીય કક્ષાના એટલે કે લીલો, જાંબલી, કેસરી. તૃતીય કક્ષાના તટસ્થ રંગો ભૂખરા, કથ્થાઈ, રાખોડી, સિલેટિયાને તિલાંજલિ અપાઈ અને કૅન્વાસ તેજસ્વી રંગોથી ઝગમગી ઊઠ્યો. યુરોપની આબોહવામાં ક્ષણે ક્ષણે પ્રકાશ દ્વારા થતા ફેરફાર કૅન્વાસ પર તેમણે ઉતાર્યા. પણ આ રીતે સમગ્ર ભાર પ્રકાશ પરત્વે મુકાતાં, તેમનાં ચિત્રોમાં કુદરતી આકારોની પ્રબળતા મોળી પડી ગઈ.
ફ્રેંચ ચિત્રકાર સરા(1859–1891)એ ઇમ્પ્રેશનિઝમને આગળ ધપાવી બિંદુલક્ષી ચિત્રશૈલી (pointilism) વિકસાવી. હવે કૅન્વાસ પર રંગોના જાડા પહોળા લપેડાના સ્થાને રંગોનાં ઝીણી ઝીણી માખો જેવાં ટપકાં આવ્યાં અને ઋજુ સંવેદનાનું સ્થાન જડ બુદ્ધિવાદે લીધું. સિન્યેક પણ બિંદુલક્ષી ચિત્રશૈલીનો મહત્ત્વનો નિસર્ગચિત્રકાર છે.
ફ્રેંચ ચિત્રકાર શૅરબ્રોકર પૉલ ગોગૅં(1848–1903)એ યુરોપની સંસ્કૃતિથી ઉબાઈ જવાથી મૂળ રંગો વડે પ્રશાંત સમુદ્રના ટહીટી ટાપુની ઉષ્ણ અને વૈભવી પ્રકૃતિનું આલેખન કર્યું. સપાટ ભડકીલા રંગો અને જાડી જોરદાર કાળી બાહ્યરેખા તેની ખાસિયત છે. વિન્સન્ટ વૅન ગૉફ(1853–1890)ની અસંતુલિત અને અતિસંવેદનશીલ માનસિક હાલત તેનાં નિસર્ગચિત્રોને અનેરું જોમ બક્ષે છે. રંગોના જાડા લાંબા શક્તિશાળી લપેડામાં આ અસંતુલિત મગજનો જોસ્સો જોવા મળે છે. તેના શુદ્ધ મૂળ રંગો આ જોસ્સામાં ખાસ્સો વધારો કરે છે. તેનાં કેટલાંક ચિત્રો છે ‘સૂરજમુખી’, ‘મકાઈના ખેતર પર ઊડતા કાગડા’, ‘તારલાવાળી રાત્રિ’.
ફ્રેંચ ચિત્રકાર પૉલ સેઝૅન (1839–1906) બુદ્ધિવાદી વિશ્લેષણાત્મક ચિત્રકાર હતો. તેના ઠંડા દિમાગથી ચીતરાયેલ છેલ્લાં નિસર્ગચિત્રોમાં પ્રકૃતિના ઘટકો પ્રાથમિક, ભૌમિતિક આકારોમાં વિઘટન પામતા જોવા મળે છે. આ રીતે તે ઘનવાદનો જનક લેખાય છે.
અભિવ્યક્તિવાદ વીસમી સદીના પૂર્વાર્ધમાં જર્મનીમાં ફૂલ્યોફાલ્યો. અભિવ્યક્તિવાદી ચિત્રકારોમાં ઘણા સંગીતકારો અને લશ્કરના સૈનિકો પણ હતા. એ સૌએ ચિત્રકલાની પદ્ધતિસર તાલીમ પણ લીધી ન હતી; પરંતુ બાહ્ય જગતના તણાવયુક્ત સંઘર્ષને કારણે પેદા થતી આંતરિક જરૂરિયાત(compulsive impulse)ના પરિપાક રૂપે તેમણે ચિત્રો દોર્યાં અથવા, કહો કે, ચિત્રો દોરવાં પડ્યાં ! ઔદ્યોગિક સમાજરચના અને વિશ્વયુદ્ધોની વિપરીત પરિસ્થિતિએ જન્માવેલી વિકૃત માનસિક હાલત તેમનાં નિસર્ગચિત્રોમાં ડોકાય છે. આ ચિત્રોમાં કુદરત તેનું સૌથી વધુ વરવું અને ભેંકાર સ્વરૂપ ધારણ કરે છે. કલાકારનો અહમ્ અહીં ચરમસીમાએ પહોંચે છે. ચિત્રકલાની શિસ્ત અને અભ્યાસનો અભાવ તેમને લાગણીની જોરદાર અભિવ્યક્તિમાં મદદરૂપ બને છે. ઘણા અભિવ્યક્તિવાદી ચિત્રકારો ગાંડપણનો ભોગ બન્યા અને કેટલાકે આપઘાત કર્યો. કેટલાક પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં સમરાંગણમાં જ મૃત્યુ પામ્યા. પદ્ધતિસર કલાશિક્ષણ ન પામ્યા હોવા છતાં મહાન લેખાયેલ ચિત્રકાર રૂસોનાં ચિત્રોમાં પ્રાગૈતિહાસિક કાળની વનશ્રી અને તેમાં વસતાં વિવિધ અજાણ્યાં પશુઓ આલેખાયાં છે. તાલીમનો અભાવ તેમની શૈલીની મર્યાદા નહિ, પણ જમા પાસું લેખાયું છે.
ફોવવાદના ફ્રેંચ ચિત્રકારો માતીસ અને વ્લૅમૅંકે નિસર્ગચિત્રમાં ભડકીલા રંગોને સ્થાન આપ્યું. શુદ્ધ રંગો પ્રત્યેનો લગાવ ફોવવાદનું હાર્દ છે. જાપાનમાં ચિત્રકલા ઉપરાંત વૂડકટ ચિત્રકલામાં પણ નિસર્ગનું નિરૂપણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વૂડકટ એટલે લાકડાના બ્લૉકને કોતરીને તેની લેવાતી છાપ. તેને જાપાની ભાષામાં ‘યૂકીયોયે’ કહે છે.
અઢારમી સદી દરમિયાન વિકસેલી આ કલાની ખાસિયત છે સપાટ, મોહક અને શુદ્ધ રંગો અને પાતળી બાહ્ય રેખા. યુરોપની આધુનિક નિસર્ગકલા પર તેની ઊંડી અસર પડી છે.
ભારતમાં પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં કેવળ પ્રકૃતિને જ વિષય બનાવીને કરાયેલાં નિસર્ગચિત્રોની શૈલી પ્રચલિત થઈ નથી. વધુમાં વધુ સોળમી સદી દરમિયાન જહાંગીરી મુઘલ ચિત્રોમાં ઝિબ્રા, કૂકડા, બાજ, કાબર, દીપડા, ચિત્તા વગેરે પશુપંખીઓને વિષય બનાવી જે ચિત્રો તૈયાર થયાં તેમને કદાચ નિસર્ગચિત્રમાં ખપાવી શકાય. પરંતુ નિસર્ગનું આલેખન સત્તરમી સદીમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની પહાડી ચિત્રકલામાં શરૂ થયું. સત્તરમી સદીમાં કાંગડા, બશોલીની પહાડી શૈલીમાં પૌરાણિક પાત્રોને મનોરમ નૈસર્ગિક વાતાવરણમાં આલેખવામાં આવતાં.
આધુનિક ભારતીય ચિત્રકલામાં અવનીન્દ્રનાથ ટાગોર, ગગનેન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, નંદલાલ બોઝ, દેવીપ્રસાદ રાયચૌધરી, અબ્દુર રહમાન ચુગતાઈ અને તેમનાં શિષ્યવૃંદોએ ચીન અને જાપાનની વૉશ ટૅકનિકથી તથા ડ્રાયબ્રશ ટૅકનિકથી નિસર્ગચિત્રો બનાવ્યાં છે. સ્વતંત્રતા પછી શ્રીધર નારાયણ બેંદ્રે, સૂઝા, આરા, બાક્રે, ગાડે, હેબ્બર, તૈયબ મહેતા, જહાંગીર સાંબાવાલા, પરમજિત સીંઘ વગેરેએ પશ્ચિમના પ્રભાવવાદ, અભિવ્યક્તિવાદ, ફોવવાદ વગેરે શૈલીના મિશ્રણથી તૈલરંગો અને જળરંગોમાં નિસર્ગચિત્રો કર્યાં છે. રશિયન ચિત્રકાર નિકલસ રૉરિક ભારતવાસી બન્યા અને તેમણે હિમાલયનાં ભવ્ય ચિત્રો તેજસ્વી પ્રકાશ ઉપસાવીને તૈલરંગો વડે બનાવ્યાં.
ગુજરાતમાં રવિશંકર રાવળ, સોમાલાલ શાહ, દશરથ પટેલ, નટુ પરીખ, ભાવેશ ઝાલા, છગનલાલ જાદવ, રસિકલાલ પરીખ જેવા ચિત્રકારોએ જળરંગોમાં વૉશ ટૅકનિકથી તમિળનાડુ, ગુજરાત, શ્રીલંકા, કાશ્મીર વગેરે પ્રદેશોની પ્રકૃતિનાં નિસર્ગચિત્રો કર્યાં છે. છગનલાલ જાદવે તૈલરંગના જાડા થપેડા વડે ઘનવાદી અને અભિવ્યક્તિવાદી નિસર્ગચિત્રો પણ કર્યાં છે. શાંતિ શાહે અને દશરથ પટેલે જળરંગો તેમજ તૈલરંગોમાં ગુજરાત, દક્ષિણ ભારત અને યુરોપનાં દૃશ્યો ઝડપીને નિસર્ગચિત્રો કર્યાં છે.
અમિતાભ મડિયા