નિષ્પંદ નાડીરોગ (pulseless disease) : હૃદય અને રુધિરાભિસરણતંત્ર લગભગ પૂરતું કાર્ય કરી શકતું હોય છતાં નાડીના ધબકારા ન અનુભવાય તેવો વિકાર. મહાધમની (aorta) અને તેની માથા તથા બંને હાથમાં જતી મુખ્ય શાખાઓનું પોલાણ ઘટેલું હોય ત્યારે ગળામાંની શીર્ષલક્ષી (carotid) ધમની તથા કાંડા આગળની અગ્રભુજાકીય (radial) ધમનીના ધબકારા મંદ હોય છે અથવા સદંતર અનુભવાતા નથી.
મહાધમનીકમાન અને તેની શાખાઓ : હૃદયમાંથી નીકળીને મહાધમની કમાન(arch)આકારે વળીને નીચે પેટ તરફ જાય છે. આ મહાધમની-કમાન(aortic arch)માંથી 3 મોટી શાખાઓ નીકળે છે : (1) જમણી તરફ શીર્ષબાહુ ધમની (innominate or bracheocephalic artery), (2) ડાબી તરફથી શીર્ષલક્ષી ધમની અને (3) હાથમાં લોહી આપતી અવઅરીય (subclavian) ધમની. શીર્ષબાહુ ધમનીના બે ફાંટા પડે છે. એક ફાંટો જમણી શીર્ષલક્ષી ધમની બને છે અને બીજો જમણી અવઅરીય ધમની બને છે. બંને શીર્ષલક્ષી ધમની ગળામાં થઈને માથાને લોહી પહોંચાડે છે અને તેમની નાડીના ધબકારા ગળામાં આંગળી વડે અનુભવી શકાય છે. અવઅરીય ધમનીઓ બગલમાં થઈને બંને હાથમાં લોહી પહોંચાડે છે. તેમની અગ્રભુજાકીય ધમની નામની શાખાની નાડીના ધબકારા કાંડા પાસે અનુભવી શકાય છે. મહાધમની-કમાન અને આ મોટી શાખાઓની દીવાલ જો સોજો કે અન્ય કારણે જાડી થઈ જાય તો તેમનું પોલાણ ઘટે છે અને તેથી ગળા અને કાંડા આગળના નાડીના ધબકારા મંદ થાય છે અથવા સહેજ પણ અનુભવાતા નથી.
મંદ નાડીવાળા વિકારો : ઉપદંશ (syphilis), ક્ષય, મહાકોષી ધમનીશોથ (giant cell arteritis), ગંડિકાવાન બહુધમનીશોથ (polyarteritis nodosa), તથા ટાકાયાસુનું સંલક્ષણ વગેરે વિવિધ વિકારોમાં મહાધમનીકમાન અસરગ્રસ્ત થાય છે અને માથું, મગજ અને હાથમાંનો લોહીનો પુરવઠો ઘટે છે તેને સંયુક્તપણે મહાધમની-કમાન-સંલક્ષણ (aortic arch syndrome) કહે છે.
સતત લાંબા સમયના ધૂમ્રપાનથી પગ તથા હાથમાંની ધમનીઓ સાંકડી થાય છે અને તેમાં લોહી જામી જાય છે. આને કારણે પણ હાથ/પગની નાડીના ધબકારા મંદ પડી જાય અથવા અનુભવાય નહિ. આ રોગને ‘બર્જરનો રોગ’ અથવા અવરોધી રુધિરગઠનશીલ ધમનીશોથ (thromboangitis obliterans) કહેવાય છે. આ રોગના ઉપચારમાં ધૂમ્રપાન બંધ કરવા ઉપરાંત ધમનીઓની અદ્યતન શસ્ત્રક્રિયા મોટો ભાગ ભજવે છે. આવા જ એક બીજા રોગ અને વિકારોનો સમૂહ છે – રેયનૉડનો રોગ અને રેયનૉડની ક્રિયાઘટના (phenomenon). તેમાં ઠંડીને લીધે અચાનક ધમની-સંકોચન થાય છે ને હાથની (કોઈક વાર પગની) નાડીના ધબકારા મંદ પડે અથવા અનુભવાતા નથી. ક્યારેક તે કોઈ જાણીતા કારણ વગર પણ થાય છે. તે સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. તેને સતત સંકોચનશીલ-વાહિનીવિકાર અથવા સંલક્ષણ (vasospastic disorder or syndrome) કહે છે.
મહાધમનીની દીવાલમાં ઊભો ચીરો પડે અને તેમાં વહીને લોહી ભરાય તો તેને મહાધમની દીવાલ દ્વિછેદન (dissection of aorta) કહે છે. તેમાં પણ આ પ્રકારનો નાડીના ધબકારા ન અનુભવી શકાય તેવો વિકાર થાય છે. મહાધમની દીવાલના ઊભા ચીરામાં લોહી ભરાય છે અને તેથી મહાધમનીનું પોલાણ ઘટે છે તથા હાથની ધમનીમાં લોહી વહેતું પણ ઘટે છે.
નિષ્પંદ નાડીરોગનો વિકાર : સૌપ્રથમ જાપાનમાં કેટલીક સ્ત્રીઓમાં શોધી કઢાયેલા અજ્ઞાત કારણોવાળા નાડીના ધબકારા વગરના વિકારને નિષ્પંદ નાડીરોગ કહેવાયો હતો. તેને ટાકાયાસુનું સંલક્ષણ પણ કહે છે. તેમાં પણ મહાધમનીશોથ (aortitis) થાય છે. તેનું કારણ સ્પષ્ટ નથી. શોથ(inflammation)ના વિકારને કારણે મહાધમનીમાં લોહીના કોષોનો ભરાવો થાય છે અને દીવાલ જાડી થાય છે. તેથી મહાધમની અને તેની શાખાઓનું પોલાણ ઘટે છે. અગાઉ મનાતું હતું કે તે ફક્ત મહાધમની-કમાનને જ અસરગ્રસ્ત કરે છે, પરંતુ હવે માલૂમ પડ્યું છે કે તે મહાધમનીના અન્ય ભાગોમાં પણ થાય છે. તેથી હાલ તેના 3 પ્રકાર પડાય છે : (અ) ફક્ત મહાધમની-કમાનમાં વિકાર, (આ) નીચે ઊતરતી અધોગામી મહાધમની(discending aorta)માં વિકાર અને (ઇ) કમાન તથા અધોગામી – બંને ભાગોમાં વિકાર. ઘણી વખત હાથમાં નાડી ન હોવા ઉપરાંત લોહીનું દબાણ પણ વધેલું જોવામાં આવે છે, ત્યારે તેને વિપરીત મહાધમની સંકીર્ણન(reverse coarctation of aorta)નો વિકાર પણ કહે છે. ટકાયાસુ પ્રકારના રોગમાં સ્ટીરૉઇડ પ્રકારની દવાનો ઉપયોગ કરવામાં આવે છે; પરંતુ તેનાથી રોગ અટકાવી શકાતો નથી ને નિદાન થયાનાં પાંચેક વર્ષમાં મૃત્યુ થવાનો સંભવ રહે છે.
શિલીન નં. શુક્લ
શ્રીપ્રકાશ ત્રિવેદી