નિષ્કુળાનંદ સ્વામી (જ. 1766, જામનગર જિલ્લાનું શેખપાટ ગામ; અ. 1848, ધોલેરા) : સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંત-કવિઓમાંના એક. શુક્રતારક સમા તેજસ્વી સંતકવિ. પૂર્વાશ્રમનું નામ લાલજી. પિતા રામભાઈ સુથાર. માતા અમૃતબા. જ્ઞાતિએ ગુર્જર સુથાર. તેમના અંતરમાં જગત પ્રત્યે અત્યંત વૈરાગ્ય હતો છતાં માતાપિતાનું પોતે એક જ સંતાન હોઈ, તેમના આગ્રહને વશ થઈ ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો હતો. તેમનું ગૃહસ્થજીવન ખૂબ જ સુખી અને પ્રતિષ્ઠિત હતું. ધર્મપત્ની કંકુ થકી લાલજીભગતને માધવજી અને કાનજી બે પુત્રરત્નોની પ્રાપ્તિ થઈ હતી. માધવજી પણ સાધુ થયા હતા. તેમનું ગોવિંદાનંદ નામ હતું. ભગવાન સ્વામિનારાયણે આધોઈમાં 1804માં લાલજીભગતને દીક્ષા આપી નિષ્કુળાનંદ સ્વામી બનાવ્યા. વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ રહેવા માટે સૂકા ભાલપ્રદેશમાં ધોલેરાનું મંદિર પસંદ કર્યું હતું. તેમણે ધોલેરાના મંદિરમાં આરસની કલાત્મક બારસાખ અને સુંદર કમાનો, ગઢડામાં અક્ષર ઓરડી અને વરતાલ(વડતાલ)માં ફૂલદોલના ઉત્સવમાં ભગવાન સ્વામિનારાયણને ઝૂલવા માટે બાર બારણાંનો કલાત્મક હીંડોળો બનાવ્યો હતો.
નિષ્કુળાનંદ સ્વામી
નિષ્કુળાનંદ સ્વામીએ ત્રણ હજાર કીર્તનો અને ચોવીસ કૃતિઓની રચના કરી છે. તેમણે રચેલી પ્રથમ કૃતિ ‘યમદંડ’ છે અને અંતિમ કૃતિ ‘ભક્તિનિધિ’ છે. ભગવાન સ્વામિનારાયણના લીલાચરિત્રોનો ગ્રંથ ‘ભક્તચિંતામણિ’ સૌથી મોટી અને મહત્ત્વની રચના છે. ‘ગુણગ્રાહક’, ‘હરિવિચરણ’, ‘અરજીવિનય’, ‘ચિહ્નચિંતામણિ’ અને ‘લગ્નશકુનાવલિ’ – આ પાંચ કૃતિઓ હિન્દીમાં છે; અન્ય ઓગણીસ કૃતિઓ ગુજરાતીમાં છે. બ્રહ્મવૈવર્તપુરાણના આધારે લખાયેલો ગદ્યગ્રંથ ‘શ્રીકૃષ્ણજન્મચરિત્ર’ અદ્યાપિ અપ્રકાશિત છે. આ ગદ્યગ્રંથ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સ્વલ્પ ગદ્યમાં નિષ્કુળાનંદ સ્વામીની અણમોલ ભેટ છે.
નિષ્કુળાનંદ સ્વામીએ રચેલા ચોવીસ ગ્રંથો આ પ્રમાણે છે : 1. યમદંડ, 2. ભક્તચિંતામણિ, 3. પુરુષોત્તમપ્રકાશ, 4. સારસિદ્ધિ, 5. વચનવિધિ, 6. હરિબળગીતા, 7. ધીરજાખ્યાન, 8. સ્નેહગીતા, 9. ચોસઠપદી, 10. હૃદયપ્રકાશ, 11. કલ્યાણનિર્ણય, 12. મનગંજન, 13. ગુણગ્રાહક, 14. હરિવિચરણ, 15. હરિસ્મૃતિ, 16. અરજીવિનય, 17. અવતારચિંતામણિ, 18. ચિહ્નચિંતામણિ, 19. પુષ્પચિંતામણિ, 20. લગ્નશકુનાવલિ, 21. વૃત્તિવિવાહ, 22. શિક્ષાપત્રી પદ્યરૂપા, 23. શ્રીકૃષ્ણજન્મચરિત્ર અને 24. ભક્તિનિધિ.
નિષ્કુળાનંદ સ્વામીને ચાતુર્માસમાં દરરોજ નવાં ચાર કીર્તનપદો રચ્યા પછી અન્ન જમવાનો નિયમ હતો. તેમણે ગુજરાતી, હિન્દી, કચ્છી અને વ્રજભાષામાં કીર્તનો રચ્યાં છે. તેમની અભિવ્યક્તિમાં ઊર્મિની ઉત્કટતા, સચ્ચાઈ અને સચોટતા છે. ‘આનંદ આપ્યો અતિ ઘણો રે’ પદ ઊર્મિકવિની પ્રતિભા પ્રગટ કરે છે. ‘‘સાચે સાચું કહેશું હરિ રાખે તેમ રે’શું રે’’ કથનાર નિષ્કુળાનંદ સ્વામીની વાણીમાં સત્યનિષ્ઠાનું અને પરમાત્મનિષ્ઠાનું બળ હતું. ‘ભક્તચિંતામણિ’, ‘પુરુષોત્તમપ્રકાશ’ અને કીર્તનોમાં પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણની દિવ્ય લીલાઓનો સ્વાનુભૂત આનંદનો ઉલ્લાસ વિલસે છે. ભાષાની ઝડઝમક, અલંકારછટા અને લોકપ્રસિદ્ધ દૃષ્ટાંતોથી ચોટદાર બનેલાં એમનાં અનેક કીર્તનો લોકકંઠે – ભક્તકંઠે ગવાતાં આવ્યાં છે. તેમના ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાય જી’ અને ‘જનની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ્ય જી’ – આ બે કીર્તનો ગાંધીજીને પ્રિય હતાં, તેથી ‘આશ્રમભજનાવલિ’માં સ્થાન પામ્યાં છે.
તેમણે જડભરત કે ગોપીચંદના વૈરાગ્યનું કેવળ ગાણું જ નથી ગાયું; પરંતુ તેઓ ઉચ્ચતમ વૈરાગ્યની સ્થિતિમાં વર્તતા હતા. આથી જ તેમના વૈરાગ્યમય જીવન અને કવનમાં એકરૂપતા સધાઈ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં વૈરાગ્યના ઉચ્ચતમ શિખરે નિષ્કુળાનંદ સ્વામી વિરાજ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંતકવિઓનાં કાવ્યોથી ગુજરાતી સાહિત્યનો અઢારમા શતકનો પૂર્વાર્ધ સવિશેષ સમૃદ્ધ બન્યો છે.
સાધુ રસિકવિહારીદાસ