નિષાદ પ્રજા

April, 2024

નિષાદ પ્રજા (આદિ આગ્નેય કે પ્રોટૉ-ઓસ્ટ્રૉલોઇડ) : નિષાદ લોકો પૂર્વ પાષાણયુગના અંતમાં ભૂમધ્ય સમુદ્રના પૂર્વદેશોમાંથી આશરે દશથી આઠ હજાર વર્ષ પૂર્વે ભારતમાં આવ્યા હતા. ઘેરા ભૂરા રંગના, લાંબા માથાવાળા, પહોળા અને ચપટા નાકવાળા, ગૂંચળિયા વાળવાળા અને વળેલા હોઠવાળા આ લોકો કાશ્મીર, ગંગા-યમુનાની અંતર્વેદી, બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ તેમજ દક્ષિણ ભારતમાં ફેલાયેલા હતા. પાછળથી આવેલા આર્યો આ લોકોને નિષાદ કહેતા હતા. તેઓ સમય જતાં નેગ્રીટો(હબસી) અને મૉંગોલોઇડ (કિરાત) જાતિઓ સાથે ભળી ગયા. આજની કોલ, મુંડા, સંથાલ, રાબર, કોટુઆ, ખડિયા, કુરક વગેરે જાતિઓમાં આ લોકોનાં વિશેષ તત્વો મળી આવે છે, જોકે ભારતની અનેક પ્રજાઓમાં પણ એમનાં શારીરિક તત્વો આધારરૂપ જણાય છે.

ભારતીય સભ્યતાના વિકાસમાં આદિ નિષાદ લોકોનો વિશિષ્ટ ફાળો છે. તેમણે અહીં નૂતન પાષાણયુગની સભ્યતાનો વિકાસ કર્યો. માટીનાં વાસણ બનાવવાં, ચોખા, નાળિયેર, કેળાં, કપાસ, શેરડી અને નાગરવેલનાં પાનની ખેતી અને ઉત્પાદનનો પ્રારંભ; સુતરાઉ કપડાં વણવાની શરૂઆત; વસ્તુઓની ગણતરી કોડી(20)ના એકમથી કરવી. લગ્ન તથા ધાર્મિક વિધિઓમાં સિંદૂરનો ઉપયોગ; જાદુ અને ટોણામાં વિશ્વાસ, વૃક્ષ, સાપ અને લિંગની પૂજા; મૃત્યુ પછી આત્માનું અસ્તિત્વ અને આત્માનો બીજી યોનિમાં જન્મ ધારણ કરવો વગેરે બાબતો પર અસ્પષ્ટ વિચારો, કૂર્મ વગેરે અવતારો સંબંધી કથાઓનો પ્રચાર; સૃષ્ટિરચના બાબતની અનેક કલ્પિત કથાઓ (જેમાંના કેટલાક વિચારો ઋગ્વેદના નાસદીયસૂક્ત સાથે મળતા આવે છે); ઈંડામાંથી વિશ્વરચના જેવી કથાઓ અને એવી બીજી કેટલીય વાતો એમની ભેટ છે. એ કથાઓ પાછળથી પૌરાણિક હિંદુ ધર્મમાં અપનાવી લેવામાં આવી અને તે કેટલાંક પરિવર્તન સાથે પૌરાણિક કથાઓ બની ગઈ. શાલ્મલિ (શીમળો), બાલ (માથાના વાળ) અને કંબલ (કામળો) શબ્દો મુંડા-ઉદભવ ધરાવે છે તેવી રીતે કદલી (કેળ), કર્પાસ (કપાસ), તાંબુલ (નાગરવેલનાં પાન), ચાવલ (ચોખા), લકુટ (લાકડી), લિંગ, બાણ, કુડી (કોડી) માતંગ કે ગજ (હાથી), મરકૂ (મરઘો-કૂકડો) જેવા ઘણા શબ્દો પણ નિષાદોની ભેટ ગણાય છે.

પ્રવીણચંદ્ર પરીખ