નિર્વાસિતો : જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા કે રાજકીય માન્યતાઓને કારણે આચરવામાં આવતા ત્રાસ-જુલ્મથી બચવા માટે દેશવટો કરી ગયા હોય કે જેમને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોય તેવા લોકો. ફ્રેંચ શબ્દ ‘refugie’માંથી ઊતરી આવેલો અંગ્રેજી પર્યાય ‘refugee’ પરથી નિર્વાસિત શબ્દ પ્રચલિત બન્યો. 1658માં રોમન કૅથલિક ફ્રાન્સમાંથી નાસી છૂટેલ પ્રૉટેસ્ટન્ટ હ્યુગેનૉટ્સને દર્શાવવા માટે આ શબ્દનો પ્રયોગ કરવામાં આવતો.
‘વિસ્થાપિત વ્યક્તિ’ એવો શબ્દપ્રયોગ શરૂઆતમાં દ્વિતીય વિશ્વયુદ્ધ તથા તે પછીના કાળ દરમિયાન સ્વદેશમાંથી બળજબરીએ હાંકી કાઢવામાં આવેલા યુરોપિયન નિર્વાસિતો માટે થતો.
સમગ્ર માનવજાતિના ઇતિહાસમાં નિર્વાસિતોનાં જૂથો દેશાન્તર કરતાં જોવા મળે છે, પરંતુ ઓગણીસમી સદીના આખરી ભાગમાં ચોક્કસ સીમાઓ ધરાવતાં રાજ્યોના ઉદભવ પછી નિર્વાસિતો સમસ્યા રૂપે ઊપસી આવ્યા. 1920થી ’30ના દાયકા સુધીમાં તો અંશત: માનવીય યાતનાઓ પ્રત્યેની સંવેદનહીનતા અને વધતી જતી નિર્વાસિતોની સંખ્યાને કારણે અગાઉ રાજકીય આશ્રય આપવાની પરંપરાનું સારા એવા પ્રમાણમાં ધોવાણ થયું.
સદીઓ સુધી નિર્વાસિતોની હિજરતો ધાર્મિક અને જાતીય અસહિષ્ણુતાનું પરિણામ હતી. એકરૂપતા લાદવાના હેતુસર ધાર્મિક કે બિનસાંપ્રદાયિક સત્તાવાળાઓ સમગ્ર જૂથને વિસ્થાપિત કરતા, હાંકી કાઢતા અને દેશનિકાલ કરતા હતા. પંદરમી સદીના અંતભાગમાં સ્પેનમાંથી યહૂદીઓની હકાલપટ્ટી, 1658માં નાન્ટીસના રાજ્યાદેશને રદ કરતાં ફ્રાન્સમાંથી હ્યુગેનૉટ્સનાં ધાડાંને તગડી મૂકવામાં આવ્યાં. 1930ના દાયકા દરમિયાન જર્મની, ઑસ્ટ્રિયા અને ચેકોસ્લોવેકિયામાંથી યહૂદીઓનું બળપૂર્વક વિસ્થાપન જેવી ઘટનાઓ બનતી રહી હતી, પરંતુ રાજકીય રીતે પ્રેરિત નિર્વાસિતોની અવારનવાર થતી હિજરત એ આધુનિક યુગની ઘટના છે. લઘુમતીઓ પર ત્રાસ ગુજારવાની શક્તિ ધરાવતી સરકારોના ઉદભવની સાથે આ પ્રકારની ઘટનાનું પ્રમાણ વધતું રહ્યું છે. લાખો લોકો બેઘર બન્યા હતા. અન્ય દેશોમાં નિર્વાસિત તરીકે તેમને આશ્રય લેવો પડ્યો હતો.
વૈશ્વિક પરિમાણ ધરાવતા નિર્વાસિતોની સમસ્યા એ માત્ર સંખ્યાનો સવાલ નથી; ક્યારેક તો રાજ્યાશ્રય આપતા દેશો પણ નિર્વાસિતોનો અસ્વીકાર કરતા હોય છે. બાકીનો વિશ્વસમુદાય પણ નિર્વાસિતોને તેમના ભાગ્ય પર છોડી દે છે. અમુક દેશો નિર્વાસિતોને સ્વીકારવામાં આનાકાની કરતા હોય છે, કારણ કે નિર્વાસિતોની હાજરી જ્યારે મોટી સંખ્યામાં હોય ત્યારે રાષ્ટ્રનાં મર્યાદિત સાધનોમાં તેઓ ભાગીદાર બને છે અને જાતીય, વંશીય, ધાર્મિક અથવા આર્થિક સંઘર્ષને જન્માવે કે વકરાવે તેવી ભીતિ સેવવામાં આવતી હોય છે. વળી યજમાન દેશ નિર્વાસિતોના દેશ સાથેના તેના સંબંધો પર પ્રતિકૂળ અસર થાય તેમ ઇચ્છતો ન હોય. પરિણામે ઘણા નિર્વાસિતો માટે પોતાની સલામતી શોધવા ભાગી છૂટવાની ઘટના એ યાતનાઓનો અંત નહીં, પરંતુ આરંભ બની રહે છે.
નિર્વાસિતો માટેના સંયુક્ત રાષ્ટ્ર સંઘના હાઈકમિશનનો 1950નો અધ્યાદેશ (statute), 1951માં યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રીય સંમેલન અને 1967નો દસ્તાવેજ નિર્વાસિતોની વ્યાખ્યા બાંધે છે. તે મુજબ એ એવી વ્યક્તિ હોઈ શકે છે કે જે જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા, રાજકીય મત અથવા અમુક સામાજિક જૂથના સભ્યપદને કારણે પોતાના પર ત્રાસ ગુજરાવવામાં આવશે એવી ભીતિના લીધે પોતાનો દેશ છોડી જાય છે અને તે જ કારણે સ્વદેશનો આશ્રય ફરી મેળવવા ઇચ્છતી નથી.
વિશ્વમાં ત્રણ પ્રકારના એવા નિર્વાસિતો પણ જોવા મળે છે, જેમનો સમાવેશ ‘યુનાઇટેડ નૅશન્સ હાઈકમિશનર ફૉર રેફ્યુજીઝ’ (UNHCR) દ્વારા કરવામાં આવેલ વ્યાખ્યામાં થતો નથી : (1) યુદ્ધ, ક્રાંતિ અથવા નાગરિક અશાંતિને લઈને નાસી છૂટેલા લોકો, (2) ત્રાસ, જુલમ કે નાગરિક અશાંતિને કારણે ભાગી છૂટેલા, પણ પોતાના દેશમાં જ નિવાસ કરતા હોય. આ લોકોને રાષ્ટ્રીય નિર્વાસિતો અથવા વિસ્થાપિતો તરીકે ઓળખવામાં આવે છે. (3) સત્વરે નાગરિકતા પ્રાપ્ત થાય એવા દેશોમાં દાખલ થયેલા લોકો.
‘યુનાઇટેડ નૅશન્સ હાઈકમિશનર ફૉર રેફ્યુજીઝ’ની વ્યાખ્યા મુખ્યત્વે દ્વિતીય વિશ્વયુદ્ધ અને ત્યારબાદની ઘટનાઓને કારણે ઉદભવેલ યુરોપીય નિર્વાસિતો સાથે સંબંધિત હતી. આમાંના મોટાભાગના તો રાજકીય ત્રાસ-જુલ્મને કારણે ભાગી છૂટનાર લોકો હતા. 1950 પછી એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકન દેશોમાં જે વિશાળ પાયા પર વસ્તીનું વિસ્થાપન થયું તેનાથી એક નવા જ પ્રકારના નિર્વાસિતોનો વર્ગ ઊભો થયો. આમાંથી મોટાભાગના નિર્વાસિતો યુરોપ કે ઉત્તર અમેરિકામાં સ્થાયી થયેલા છે. સાંસ્કૃતિક દૃષ્ટિએ તેઓ પોતાના યજમાન દેશથી ઘણા જુદા પડે છે, તેમાંથી ઘણા સાંસ્થાનિક માલિકોના દેશમાં આશ્રય લેતા હોય છે. સ્વદેશ પાછા ફરવાની તીવ્ર ઇચ્છા ધરાવતા આવા લોકો યજમાન દેશના લોકો સાથે તન્મયતા સાધી શકતા નથી.
1957માં સંયુક્ત રાષ્ટ્રસંસ્થાએ આવા નિર્વાસિતોને મદદ કરવાના હેતુથી ‘યુનાઇટેડ નૅશન્સ હાઈકમિશન ફૉર રેફ્યુજીઝ’ને નિર્વાસિતોના પુનર્વાસ માટેના કેન્દ્ર તરીકે કામ કરવાની સત્તા પૂરી પાડી છે.
નિર્વાસિતોની હિજરત : વીસમી સદીમાં રાજકીય રીતે પ્રેરિત નિર્વાસિતોની હિજરતની ઘટના અવારનવાર ઘટતી રહી છે. અસ્વીકારવાદી લઘુમતીઓ પર ત્રાસ ગુજારવા માટેની સરકારોની શક્તિ જેમ જેમ વધતી ગઈ તેમ તેમ આ નિર્વાસિતોની હિજરતની ઘટનાઓ પણ વધતી ગઈ. બૉલ્શેવિક ક્રાંતિ (1917) અને આંતરવિગ્રહને કારણે 1917–21 દરમિયાન સામ્યવાદવિરોધી 15 લાખ લોકો નવા રચાયેલા સોવિયેત સંઘમાંથી હિજરત કરી ગયા, જેમાંના 10 લાખ કરતાં વધારે લોકો જર્મની, પોલૅન્ડ અને બાલ્ટિક દેશોમાં ગયા; 2 લાખ લોકો તુર્કસ્તાન ખાતે ભાગી છૂટ્યા તથા દોઢ લાખ ચીન ગયા. તુર્કસ્તાન અને ચીનમાંના મોટાભાગના હિજરતીઓ પાછળથી મુખ્યત્વે ફ્રાન્સ અને જર્મનીમાં સ્થિર થયા. 1915–1923 વચ્ચે 10 લાખ કરતાં વધારે આર્મેનિયનોએ તુર્કિશ એશિયા માયનોર છોડ્યું તથા હજારો સ્પૅનિશ વફાદારોએ સ્પૅનિશ આંતરવિગ્રહને પગલે પગલે નવી રચાયેલી જનરલ ફ્રાંકોની સરકારના ત્રાસમાંથી બચવા માટે ફ્રાન્સનો આશ્રય લીધો. 1917 પછી પૂર્વીય તુર્કસ્તાનમાંથી આશરે 30,000 ઍસીરિયનો ઇરાક અને સીરિયા ખાતે ભાગી છૂટ્યા. 1933માં ઇરાકમાં બ્રિટિશ આધિપત્યનો અંત આવતાં ઘણા લોકો સીરિયા અને લૅબેનોન ખાતે હિજરત કરી ગયા.
1949માં જ્યારે ચીનની મુખ્ય ભૂમિ પર સામ્યવાદી શાસન દાખલ થયું ત્યારે આશરે 20 લાખ લોકો તાઇવાન (ફૉર્મોસા) અને હૉંગકૉંગ ખાતે ભાગી છૂટ્યા હતા. 1950નો દાયકો કોરિયાનું યુદ્ધ (1950-53), હંગેરિયન ક્રાંતિ (1956), ક્યૂબાની ક્રાંતિ (1959) તથા તિબેટ પર ચીનના કબજા જેવી ઘટનાઓથી નોંધપાત્ર બન્યો છે. આ ઘટનાઓના પરિણામે આશરે 10 લાખ લોકો બેઘર અને વિસ્થાપિત થયા હતા. 1945થી 1961 વચ્ચે સામ્યવાદીઓએ બર્લિનની દીવાલ ઊભી કરતાં આશરે 37 લાખ જર્મન નિર્વાસિતોએ પૂર્વ જર્મનીમાંથી પશ્ચિમ જર્મનીમાં આશ્રય લીધો હતો.
પ્રાદેશિક વિભાજનને લીધે પણ નિર્વાસિતોની હિજરતની કેટલીક ઘટનાઓ ઘટી છે. બીજા વિશ્વયુદ્ધના અંતે જર્મનીનો પરાજય થતાં ‘પૉટ્સડામ પરિષદે’ (1945) યુરોપના અનેક દેશોમાંથી જર્મન લઘુમતીઓની જર્મની ખાતે પુન: ફેરબદલીને મંજૂરી આપી. આને લીધે આશરે 120 લાખ જર્મનોને પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીમાં ઠાલવવામાં આવ્યા. 1947માં ભારતીય ઉપખંડના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે વિશ્વના ઇતિહાસમાં નોંધાયેલ સૌથી મોટી હિજરતની ઘટના ઘટી. આશરે 1 કરોડ 80 લાખ હિંદુ-મુસ્લિમોએ પાકિસ્તાનમાંથી ભારત ખાતે અને ભારતમાંથી પાકિસ્તાન ખાતે હિજરત કરી. 1971માં બાંગ્લાદેશનું સર્જન થયું તે પૂર્વે આશરે 80 લાખ જેટલા હિજરતીઓ પૂર્વ પાકિસ્તાનમાંથી ભારત આવ્યા હતા.
1948માં પૅલેસ્ટાઇનનું વિભાજન થતાં નવા રચવામાં આવેલ ઇઝરાયલના રાજ્ય અને પડોશી આરબ દેશો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ શરૂ થતાં પૅલેસ્ટાઇનવાસી આરબોએ સામૂહિક હિજરત આદરી.
1960 પછીના ગાળામાં નિર્વાસિતોની વિશાળ સંખ્યા આફ્રિકામાં વિશેષ રૂપે કેન્દ્રિત થયેલી જોવા મળે છે. સદીઓથી આફ્રિકનો સ્વેચ્છાએ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં મુક્ત રીતે જતા આવતા હતા પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળામાં આફ્રિકામાં સાર્વભૌમ રાજ્યો સર્જાતાં તેમની રાષ્ટ્રીય સરહદો આફ્રિકન લોકોના મુક્ત સ્થાનાંતરમાં અંતરાયરૂપ બની રહી. આંતરિક અને બાહ્ય સત્તાસંઘર્ષ તથા જાતિગત વિદ્વેષ અને વૈમનસ્યને લીધે આફ્રિકામાં નિર્વાસિતોની સંખ્યા 8 લાખ 40 હજાર(1968)થી વધીને 40 લાખ જેટલી થઈ (1980). 1975માં દક્ષિણ વિયેટનામનો ઉત્તર વિયેટનામનાં સામ્યવાદી દળો સામે પરાજય થતાં, વિયેટનામી લોકો મોટી સંખ્યામાં નિર્વાસિતો બન્યા હતા.
1980 પછીના ગાળામાં લગભગ 40 જેટલા દેશોમાંથી 160 લાખ લોકો નિર્વાસિતો બન્યા છે. રાજકીય ત્રાસને લીધે 2 લાખ 50 હજાર આર્જેન્ટીનાવાસીઓએ ભાગીને બ્રાઝિલ, સ્પેન અને ઇટાલીમાં આશ્રય લીધો છે. 1980 સુધી 2 લાખ જેટલા યહૂદીઓએ સોવિયેત યુનિયનમાંથી સ્થળાંતર કર્યું હતું. 1978માં અફઘાન આદિવાસીઓએ સામ્યવાદી શાસનનો સામનો કર્યો અને ત્યારબાદ સોવિયેત આક્રમણ અને ગેરીલાઓને કચડી નાખવાની ઘટનાને પગલે આશરે 10 લાખ જેટલા અફઘાનો પાકિસ્તાન અને ઈરાન ખાતે નાસી છૂટ્યા હતા.
ઇથિયોપિયામાંથી બે મોટી નિર્વાસિતોની હિજરતો નોંધાઈ છે. 1867થી એરીટ્રિયન રાષ્ટ્રવાદીઓ ઇથિયોપિયન શાસન સામે લડતા આવ્યા હતા અને આને લીધે આશરે 3 લાખ એરીટ્રિયન નિર્વાસિતોએ સુદાનમાં આશ્રય લીધો હતો. વળી 1977 પછી ઓગેદેન વિસ્તારને માટે ઇથિયોપિયા અને સોમાલિયા વચ્ચે ફાટી નીકળેલ લડાઈને લીધે 15 લાખ ઓગેદેન નિર્વાસિતો સોમાલિયા ખાતે સ્થળાંતર કરી ગયા હતા.
હિંદી ચીનમાંથી ત્રણ તબક્કે હિજરત થઈ. 1975માં આશરે 1 લાખ 85 હજાર વિયેટનામી નિર્વાસિતો ત્યાંથી નાસી છૂટ્યા. આમાંના આશરે 1 લાખ 35 હજાર લોકો અમેરિકામાં સ્થિર થયા. 1975થી 1978 દરમિયાન આશરે 1 લાખ 26 હજાર લાઓસવાસીઓ થાઇલૅન્ડ ખાતે નાસી છૂટ્યા. આમાંના મોટાભાગના મૂળ વિયેટનામના નાગરિકો હતા. 1978થી 1980 સુધીના ગાળામાં વિયેટનામે પોતાના દેશમાં અગાઉ વસેલા વંશીય ચીનાઓને ચીન ખાતે હાંકી કાઢ્યા હતા. પૉલ પૉટ સરકારના જુલ્મમાંથી બચવા માટે આશરે 1 લાખ 50 હજાર કંબોડિયન લોકો વિયેટનામ ખાતે તથા 1 લાખ કરતાં વધારે લોકો થાઇલૅન્ડ ખાતે નાસી છૂટ્યા હતા. 1979માં આશરે 3 લાખ 65 હજાર ઇન્ડોચીની નિર્વાસિતો દક્ષિણપૂર્વ એશિયાની નિર્વાસિત છાવણીમાં હતા તથા 2 લાખ 35 હજાર વંશીય ચીનાઓએ ચીન ખાતે આશ્રય લીધો હતો. કંબોડિયામાંના હજારો નિર્વાસિતો અમેરિકા, ફ્રાંસ, કૅનેડા અને ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે.
નિર્વાસિતો કે વિસ્થાપિતોને પોતાના મૂળ પ્રદેશમાં સહીસલામત રીતે મોકલી શકાય તેવી શક્યતા રહેતી નથી ત્યારે તેમના પુનર્વસવાટ માટે કાયમી સ્વરૂપની છાવણીઓ ઊભી કરવામાં આવે છે. દાખલા તરીકે 1947માં ભારતના ભાગલા પડ્યા પછી પાકિસ્તાનના વિસ્તારમાંથી ભારતમાં હિજરત કરી આવેલા હિંદુઓ(સિંધીઓ)ને વસાવવા માટે ગુજરાતમાં ગાંધીધામ-આદિપુર ખાતે, મધ્યપ્રદેશમાં ભોપાલ નજીક બેરાગડ ખાતે, હરિયાણામાં પાનિપત ખાતે તથા પંજાબમાં કુરુક્ષેત્ર ખાતે ભારત સરકારની સહાયથી કાયમી વસવાટકેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં હતાં.
1997 દરમિયાન ‘યુનાઇટેડ નૅશન્સ હાઈકમિશન ફૉર રેફ્યુજીઝે’ જાહેર કર્યું છે કે સમગ્ર વિશ્વમાં યુદ્ધ, અત્યાચાર અને જુલ્મને કારણે 5 કરોડ લોકો બેઘર બન્યા છે. નેવુના દાયકામાં નિર્વાસિતોની સમસ્યાનું સ્વરૂપ બદલાયું છે. હવે વિસ્થાપિત થતા મોટાભાગના લોકો પોતાના દેશને છોડી દેતા નથી. હકીકતે તો પોતાના દેશને છોડી જનારા નિર્વાસિતોની સંખ્યા 1 કરોડ 82 લાખથી ઘટીને 1 કરોડ 44 લાખની થઈ છે; પરંતુ ઘરઆંગણે વિસ્થાપિત થનાર લોકોની સંખ્યામાં ભારે વધારો થયો છે. આવા લોકની સંખ્યા 1993માં 4 કરોડ 40 લાખની હતી તે વધીને 1997માં 5 કરોડ જેટલી થઈ છે. હાલમાં ‘યુનાઇટેડ નૅશન્સ હાઈકમિશન ફૉર રેફ્યુજીઝ’ 2 કરોડ 70 લાખ લોકોની સંભાળ રાખે છે. 1990માં આ સંખ્યા 1 કરોડ 70 લાખ જેટલી હતી. આ વિસ્થાપનની ઘટના મહદ્-અંશે સોવિયેત યુનિયન અને પૂર્વ યુરોપના યુગોસ્લાવિયા જેવા દેશોના વિઘટનને લીધે ઊભી થઈ છે. કાશ્મીરમાં પાકિસ્તાનપરસ્ત આતંકવાદની વધતી પ્રવૃત્તિઓને લીધે છેલ્લા એક દાયકા (1985-97) દરમિયાન કાશ્મીરમાંથી મોટી સંખ્યામાં હિંદુ પંડિતોએ હિજરત કરી છે અને તેમાંથી મોટાભાગના વિસ્થાપિતોએ જમ્મુ તથા દિલ્હીમાં આશ્રય લીધો છે.
1920 સુધી તો નિર્વાસિતોની સારસંભાળ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ કદમ ઉઠાવવામાં આવ્યું ન હતું. 1921માં ‘લીગ ઑવ્ નૅશન્સે’ નૉર્વેના ફ્રિજોફ નાન્સેનની નિર્વાસિતો માટેના હાઈકમિશનર તરીકે નિમણૂક કરી તથા લીગ ઑવ્ નૅશન્સનો પાસપૉર્ટ બહાર પાડ્યો જે નાન્સેન પાસપૉર્ટ તરીકે ઓળખાય છે.
આ પાસપૉર્ટધારક વ્યક્તિ આંતરરાષ્ટ્રીય સરહદો મુક્ત રીતે પાર કરી શકતી. 1930માં નાન્સેનના મૃત્યુ બાદ નિર્વાસિતોના રક્ષણની જવાબદારી નાન્સેન ઇન્ટરનેશનલ ઑફિસને સોંપવામાં આવી; પરંતુ 1938માં ઑફિસને આપવામાં આવેલ આદેશ સમાપ્ત થાય તે અગાઉ નિર્વાસિતોના પ્રશ્ને કોઈ ગણનાપાત્ર સિદ્ધિ હાંસલ થઈ ન હતી. નિર્વાસિતોને સહાયભૂત થનાર અન્ય સંસ્થાઓમાં ‘ઇન્ટરગવર્નમેન્ટલ કમિટી ઑન રેફ્યુજીઝ’ (1938–47), ‘ધ યુનાઇટેડ નૅશન્સ રિલીફ ઍન્ડ રિહૅબિલિટેશન રેફ્યુજી ઑર્ગેનાઇઝેશન’ (1947–52), ‘ઑફિસ ઑવ્ ધ યુનાઇટેડ નૅશન્સ હાઇકમિશનર ફૉર રેફ્યૂજીઝ’(1950)નો સમાવેશ થાય છે. ઉપરાંત અનેક બિનસરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ નિર્વાસિતોના પુનર્વસવાટ અંગે સંકલન કરવાનું કાર્ય કરે છે. આમાંની પ્રમુખ સંસ્થાઓ છે : ‘ધ વર્લ્ડ કાઉન્સિલ ઑવ્ ચર્ચીઝ’, ‘ધી ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑવ્ વૉલન્ટરી એજન્સીઝ’ તથા ‘ધી અમેરિકન કાઉન્સિલ ઑવ્ વૉલન્ટરી એજન્સીઝ. 1970’ના દાયકાના પાછલા ભાગમાં વિયેટનામી ‘બોટ પીપલ’ પરત્વેના અમેરિકાના વિધેયાત્મક પ્રતિભાવ માટે ‘ઇન્ટરનેશનલ રેસ્ક્યૂ કમિટી’ જવાબદાર હતી. સરકારી સ્તરે ચલાવાતા સહાયકાર્યક્રમો પૂરા થયા પછી આ સ્વૈચ્છિક સંસ્થાઓ લાંબા સમય સુધી નિર્વાસિતોના પ્રશ્નો અને તેમની જરૂરિયાતોની દરકાર સેવતી હોય છે. આ ક્ષેત્રે આફ્રિકન નિર્વાસિતોની બાબતે ‘લ્યુથેરન વર્લ્ડ ફેડરેશન’ તથા હિંદી ચીની નિર્વાસિતો માટે ‘અમેરિકન કાઉન્સિલ ઑવ્ નૅશનાલિટીઝ સર્વિસ’ની કામગીરી નોંધપાત્ર રહી છે.
યુનાઇટેડ નૅશન્સ હાઇ કમિશનર ફૉર રેફ્યૂજીઝના વાર્ષિક અહેવાલ અનુસાર 44 ઔદ્યોગિક દેશોમાંથી આશ્રય માંગતી અરજીઓ આવેલી, તેમણે કરેલા પૃથક્કરણ અનુસાર 2013માં 6,12,700 લોકોએ બીજા દેશોમાં આશ્રય મેળવવા અરજી કરેલી. 2001 પછીની આ સૌથી મોટી માંગ હતી. લાંબા સમયથી આ ક્ષેત્રે પ્રથમ સ્થાને રહેલા અમેરિકાને બાજુ પર ખસેડીને જર્મનીએ વિશ્વભરના 1,27,000 દાવેદારોને આશ્રય આપેલો. સીરિયાની કટોકટીના કારણે તુર્કીમાં પણ મોટા પાયે નિર્વાસિતોના આશ્રયની માંગણી થઈ હતી. 2014ના 18 માર્ચ સુધીમાં તુર્કીમાં 6,40,889 લોકોને આશ્રય મળ્યો હતો. કૅનેડામાં પણ આવી 10,400 અરજીઓ આવેલી અને 2012માં 20,500 અરજીઓ આવી હતી. એશિયા ખંડમાં સૌથી વધુ અરજીઓ જાપાન દેશમાં આવી હતી. ઑસ્ટ્રેલિયામાં પણ ઘણા લોકોએ આશ્રય માંગ્યો હતો. સીરિયા, ઇરાક, સોમાલિયા અને અફઘાનિસ્તાનમાંથી વ્યાપક પ્રમાણમાં એટલે કે 62થી 65 ટકા સુધીની અરજીઓ આવતી હોય છે. આમ પહેલાં યુદ્ધોને કારણે નિર્વાસિતોની સમસ્યા ગંભીર હતી અને 21મી સદીમાં આતંકવાદને કારણે આ સમસ્યા ગંભીર બનેલી છે.
28 જુલાઈ, 1951ના રોજ નિર્વાસિતો માટે એક સંમેલન(કન્વેનશન)નું આયોજન થયું હતું, જેને માન્યતા પણ મળેલી. નિર્વાસિતો બાબતે વિશ્વની પ્રજાઓની જાગૃતિ વધે તે માટે 4 ડિસેમ્બર, 2000ના રોજ યુએનની સામાન્ય સભાએ એક ઠરાવ પસાર કર્યો હતો. તે અનુસાર તેના 50મા વર્ષની ઉજવણી નિમિત્તે 2001થી 20 જૂનને વિશ્વ નિર્વાસિત દિન તરીકે ઊજવવામાં આવે છે. યુનાઇટેડ નૅશન્સ હાઈકમિશનર ફૉર રેફ્યૂજીઝ આવી ઉજવણી માટે તે દિવસનું વિશેષ ધ્યેય (theme) પણ ઘોષિત કરે છે.
નવનીત દવે
રક્ષા મ. વ્યાસ