નિર્મલા દેવી (જ. 15 ઑગસ્ટ 1947) : મુઝફ્ફરપુરની ભુસુરા મહિલા વિકાસ સમિતિનાં પ્રમુખ.
આર્થિક સમસ્યાઓના કારણે તેઓ મૅટ્રિકનો અભ્યાસ પૂરો કરી શક્યાં ન હતાં. બાળપણથી જ તેમને પોતાની માતા પાસેથી પરંપરાગત ‘સુજની કઢાઈ’ (હસ્તકલા) શીખી હતી. સમય જતાં તેમણે આ કળાને જીવંત રાખવાની સાથે હજારો મહિલાઓને આ કળામાં નિપુણ, સ્વરોજગાર અને આત્મનિર્ભર બનાવી તથા મહિલાઓનું મનોબળ વધારવાનું ઉમદા કાર્ય કરેલ છે. સુજની કઢાઈ (ભરતકામ) એક પરંપરાગત હસ્તકલા છે. જેમાં જૂનાં કપડાં પર હાથથી કઢાઈ (ભરતકામ) કરીને સુંદર નકશો, પૌરાણિક દૃશ્યો, દૈનિક જીવનના પ્રસંગો, પ્રકૃતિ અને નારીશક્તિનું પ્રદર્શન અહીં થાય છે. આ કળામાં સંદેશ હોય છે અને જીવનનાં તત્ત્વો પણ છુપાયેલાં હોય છે. શ્રીમતી નિર્મલાદેવીએ મહિલાઓના ઉત્થાન માટે આ કારીગરીના રક્ષણ માટે મહત્ત્વનો ફાળો આપ્યો છે. જે સામાજિક સશક્તીકરણ પ્રત્યેના તેમના સમર્પણનો પુરાવો છે.

નિર્મલા દેવી
ભુસરા મહિલા વિકાસ સમિતિ અંતર્ગત 15થી વધુ ગામની 1000 જેટલી મહિલાઓ સુજની ભરતકામનું કામ કરે છે. અહીં મહિલાઓને માત્ર આ કળામાં તાલીમ જ નથી અપાતી, પરંતુ તેમને વેચાણ માટેના ઑર્ડર મેળવવા અને નિકાસ માટે પણ માર્ગદર્શન અપાય છે. 2007માં નિર્મલા દેવીના કારણે સુજની કળાને GEE ટેગ પણ મળ્યો. જે તેની વૈશ્વિક સાંસ્કૃતિક ઓળખ બની રહી છે. તેમણે સદીઓ જૂની આ કારીગરીમાં રોકાયેલા કામદારોના અધિકારો માટે કામ કર્યું છે. શ્રીમતી નિર્મલા દેવીના પ્રયાસોથી સુજની ભરતકામના નમૂનાઓ બિહાર, મુંબઈ, લંડન, ફ્રાન્સ, અમેરિકા જેવા દેશોમાં યોજાયેલાં પ્રદર્શનોમાં પહોંચ્યા છે.
શ્રીમતી નિર્મલા દેવીનું સન્માન 2003માં દિલ્હી રાજ્યભવનમાં રાષ્ટ્રીય પુરસ્કાર દ્વારા અને 2007માં રાજ્ય પુરસ્કાર દ્વારા થયેલ છે. શ્રીમતી નિર્મલા દેવીને સુજની શિલ્પના સંરક્ષણ અને વૈશ્વિક પ્રચારમાં તેમના અસાધારણ યોગદાન બદલ 2025ના પ્રજાસત્તાક દિને પદ્મશ્રીના પુરસ્કારથી સન્માનવામાં આવ્યાં છે. પદ્મશ્રીથી નવાજ્યાં ત્યારે તેમણે વિનમ્રતાથી કહેલ કે, ‘આ પુરસ્કાર મારી સુજની બહેનો માટે છે.’
શ્રીમતી નિર્મલા દેવીએ આપણી પરંપરાગત હસ્તકળા સુજની કળાને પુનઃજીવિત કરીને હજારો મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે. તેમણે સંસ્કૃતિ, પરંપરા, કળા અને મહિલાશક્તિનું અનોખું જોડાણ સર્જ્યું જે ચિરસ્મરણીય રહેશે.
હિના શુક્લ