નિરેનબર્ગ, માર્શલ વૉરેન (જ. 10 એપ્રિલ 1927, ન્યૂયૉર્ક સિટી; અ. 15 જાન્યુઆરી 2010, ન્યૂયૉર્ક સિટી) : જનીનીય-સંકેત(genetic code)નું અર્થઘટન અને પ્રોટીનના સંશ્લેષણમાં તેના કાર્ય(function)ને લગતા સંશોધન બદલ 1968ના વર્ષના શરીરક્રિયાશાસ્ત્ર અને તબીબી વિજ્ઞાનના નોબેલ પારિતોષિકના સહવિજેતા. તેમણે 1948માં બી.એસસી.; 1952માં પ્રાણીશાસ્ત્રમાં એમ.એસસી.; અને 1957માં જૈવ રસાયણશાસ્ત્રમાં ફ્લૉરિડા યુનિવર્સિટીની પીએચ.ડી. પદવી મેળવી હતી.
તે જ વર્ષે તેઓ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હેલ્થ, બેથેસ્કા, મેરીલૅન્ડમાં જોડાયા. પ્રોટીન-સંશ્લેષણમાં જનીનીય પ્રક્રિયાઓના તેમના અભ્યાસ દ્વારા તેમણે DNA(deoxyribonuclecic acid)ના બેવડી શૃંખલાવાળા ગૂંચળાનું ઉકેલાવું, તેની એક શૃંખલા પરથી RNA(ribonucleic acid)નું સંશ્લેષણ થવું, આ રીતે સંદેશાનું વહન થવું, mRNA (messenger RNA) પર ત્રણ ઍમિનો ઍસિડના જૂથના બનેલા લિપિઘટકોનું હોવું તથા રીબોઝોમની મદદથી પ્રોટીનનું સંશ્લેષણ થવું વગેરે પ્રોટીન-સંશ્લેષણમાં મહત્વની કડી છે તેમ તેમણે જણાવ્યું. તેમનાં વિસ્તૃત સંશોધનોને કારણે તેમણે 1965માં નૅશનલ મેડલ ઑવ્ સાયન્સ મેળવ્યો હતો. અને 1968માં રૉબર્ટ હૉલી અને હરગોબિન્દ ખોરાના સાથે નોબેલ પારિતોષિક મેળવ્યું હતું.
શિલીન નં. શુક્લ