નિરેખણ-આકૃતિ (etching figures) : સ્ફટિક ફલકો પર અમુક પ્રક્રિયકો (reagents) દ્વારા વિકસાવવામાં આવતા લાક્ષણિક આકારો અને સ્વરૂપોવાળી રેખાકૃતિઓ સહિતના ખાડા. સ્ફટિક ફલકો પર યોગ્ય પ્રક્રિયક લગાડવામાં આવે ત્યારે ફલકસપાટી પર રાસાયણિક પ્રક્રિયા થાય છે, પરિણામે જુદી જુદી દિશાઓમાં જુદા જુદા આકારો અને સ્વરૂપોમાં નાના ખાડા ઉદભવે છે. આવાં સ્વરૂપોને નિરેખણ-આકૃતિ કહે છે. કેટલાક પ્રકારો માટે પાણી તો કેટલાક માટે ખનિજીય તેજાબો વપરાય છે, વળી કેટલાક માટે કૉસ્ટિક આલ્કલી, ઊંચા દબાણ હેઠળ બાષ્પ કે હાઇક્લોરિક ઍસિડનો પણ ઉપયોગ થાય છે. સિલિકેટ ખનિજસ્ફટિકો માટે ખાસ કરીને HF વપરાય છે કારણ કે તે વધુ ક્રિયાશીલ હોય છે. સ્ફટિક ફલકો પર ઉદભવતા ખાડા સ્ફટિકભેદે ભિન્ન ભિન્ન હોય છે. આકારો અને સ્વરૂપોની ભિન્નતા મુખ્યત્વે સ્ફટિકપ્રકાર, સ્ફટિકફલક અને પ્રક્રિયક પર આધાર રાખે છે. મોટાભાગના દાખલાઓમાં તો આ રીતે ઉદભવતી નિરેખણ-આકૃતિઓ ત્રિકોણાકાર કે ચતુષ્કોણાકાર પિરામિડ જેવી કોણીય ખાડા સ્વરૂપની હોય છે. તેમની રૂપરેખા જે તે ફલકની અમુક ધારોને સમાંતર હોય છે, અન્ય સ્ફટિકોમાં તેનાથી પ્રાપ્ત થતી તલસપાટીઓ સ્ફટિક-ફલકોને મળતી આવે છે. વળી તે ચોક્કસ સરળ સ્ફટિક વિભાગો(crystal zones)ને સંગત રહે છે. એક જ પ્રકારના ફલકો પર એક જ સ્વરૂપની આકૃતિ વિકસે છે અને તેથી નજીક નજીકના દેખાવમાં એકસરખા જણાતા ફલકો વચ્ચેનો તફાવત મેળવી આપવામાં સહાયભૂત નીવડે છે; દા. ત., ક્વાર્ટ્ઝ સ્ફટિકોમાં ઉપર નીચે છેડે વિકસેલા એકસરખા જણાતા પિરામિડ જેવા ફલકો ખરેખર પિરામિડ હોતા નથી, પરંતુ +ve અને -ve રૉમ્બોહીડ્રન હોય છે. આ પ્રકારની પ્રક્રિયા દ્વારા તેમને અલગ તારવી શકાય છે. ક્વાર્ટ્ઝ અને ઍરેગોનાઇટ જેવા સ્ફટિકોમાં એકસરખી રીતે વિકસતી મિશ્રયુગ્મતાને પણ નિરેખણઆકૃતિઓ દ્વારા અલગ પાડી શકાય છે. આ જ રીતે ટ્રેપેઝોહેડ્રલ સમમિતિ પ્રકારમાં જોવા મળતા જમણા અને ડાબા ક્વાર્ટ્ઝ સ્વરૂપ પ્રકારો પણ જુદા પાડી શકાય છે.

ભૂસ્તરશાસ્ત્ર
કૅલ્શાઇટ-ડૉલોમાઇટનાં તથા ઍપેટાઇટ-પાયરોમૉર્ફાઇટનાં લક્ષણોને પણ તે સ્પષ્ટ કરી આપે છે. કૅલેમાઇન અને નેફેલાઇટના અર્ધરૂપતાવાળા સમમિતિ પ્રકારોને પણ અલગ તારવી આપે છે. મસ્કોવાઇટ તેમજ અન્ય પ્રકારના અબરખનું મૉનોક્લિનિક પ્રણાલીમાં થતું સ્ફટિકીકરણ તેમનાં જુદાં જુદાં સ્વરૂપો દ્વારા જુદા પાડી આપવામાં મદદરૂપ બની રહે છે.

આકૃતિ 2
આ રીતે નિરેખણ-આકૃતિઓ સ્ફટિકની સમમિતિ જ માત્ર નહિ, તેના પરથી સ્ફટિક-પ્રણાલી પણ નક્કી કરી આપે છે. વિશેષે કરીને જ્યારે કોઈ પણ સ્ફટિક સ્વરૂપ એક જ સ્ફટિક-પ્રણાલીના બે કે વધુ સમમિતિ પ્રકારમાં એકસરખું મળતું હોય ત્યારે આ પદ્ધતિ બંને વચ્ચેના તફાવતો મેળવી આપવામાં સહાયભૂત નીવડે છે; દા. ત., ક્યૂબિક-પ્રણાલીની ગેલેના પ્રકાર, પાયરાઇટ પ્રકાર અને ટેટ્રાહેડ્રાઇટ પ્રકાર સમમિતિમાં મળતા સ્ફટિકોને આ પદ્ધતિ દ્વારા અલગ પાડી શકાય છે. બૉમહોવરે વિકસાવેલી આ પદ્ધતિ સ્ફટિકોની અણુરચના અને તેના પરથી સમમિતિ જાણવા માટે ઘણી મહત્વની બની રહે છે.

આકૃતિ 3
જેમ સ્ફટિકસ્વરૂપો પર જુદા જુદા પ્રક્રિયકની મદદથી તેમની સમમિતિ જાણવા માટે નિરેખણ-આકૃતિઓ કૃત્રિમ રીતે મેળવાય છે, તેમ ક્યારેક સ્ફટિક ફલકો પર કુદરતી રીતે જ વિકસેલી નિરેખણ-આકૃતિઓ પણ મળી રહે છે, તેથી તે પરિણામી પ્રકારની ગણાય છે; દા. ત., હીરાના સ્ફટિકો પરના ઑક્ટાહેડ્રલ ફલકો પર વ્યસ્ત ત્રિકોણાકાર ખાડાઓ ક્યારેક જોવા મળે છે. મૉન્ટાના(યુ.એસ.)માંથી મળેલા કોરંડમ સ્ફટિકો પર જોવા મળેલા રૉમ્બોહીડ્રલ લક્ષણવાળા કુદરતી રીતે વિકસેલા ખાડા નીચેની આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે :

આકૃતિ 4

આકૃતિ 5
કુદરતી નિરેખણ-આકૃતિઓ સહિતના ફ્લોરાઇટના યુગ્મસ્ફટિકોમાં ઝીણા પિરામિડ સ્વરૂપના ખાડાઓ છે, તેની બાજુઓ ટ્રેપેઝોહેડ્રન (311) ફલકોને સમાંતર છે.
ગિરીશભાઈ પંડ્યા