નિબંધ : સાહિત્યમાં ગદ્યક્ષેત્રે વ્યાપક રીતે ખેડાતા, પ્રમાણમાં જૂના અને મહત્વના પ્રકારોમાંનો એક. આ સાહિત્યપ્રકારના ઉદભવ અને વિકાસનો વિશ્વસનીય અને કડીબદ્ધ કહી શકાય તેવો ઇતિહાસ પ્રાપ્ત થાય છે. ફ્રેન્ચ લેખક મૉન્તેઇન(1533–1592)ને ‘નિબંધના પિતા’ લેખવામાં આવે છે. તેનીયે પૂર્વે પ્લૅટો-સેનેકાનાં લખાણોમાં નિબંધનાં તત્વો અત્રતત્ર જોઈ શકાય; પરંતુ આ પ્રકારની સુરેખ રજૂઆત પ્રથમ વાર મૉન્તેઇનમાં મળે છે. તેના નિબંધોમાં જીવનના વૈવિધ્યપૂર્ણ અનુભવોને રજૂ કરવાનો સર્જનાત્મક પ્રયત્ન છે. આજનો ‘essay’ શબ્દ ફ્રેન્ચ ‘essai’ પરથી ઊતરી આવ્યો છે. તેનો અર્થ ‘પ્રયત્ન’ એવો થાય છે. 1603માં મૉન્તેઇનના નિબંધોનો જૉન ફ્લૉરિયોએ અંગ્રેજીમાં કરેલો અનુવાદ યુરોપમાં બાઇબલની જેમ લોકપ્રિય થયો. લગભગ એ જ અરસામાં 1597માં ફ્રાન્સિસ બૅકને ‘એસેઝ’ શીર્ષકથી પોતાના નિબંધો પ્રકાશિત કર્યા. આ નિબંધો મૉન્તેઇનના નિબંધોથી જુદા છે. મૉન્તેઇન હળવાશથી, આત્મીયતાપૂર્વક એના ભાવકો સાથે જાણે વિશ્રંભવાર્તા કરતો હોય તેવું તો આ બૅકન મુરબ્બીવટથી કંઈક મર્યાદામાં રહીને વાત કરતો હોય તેવું લાગે છે. મૉન્તેઇનના નિબંધોમાં એના વ્યક્તિત્વની ભાવોષ્મા છે, તો બૅકનના નિબંધોમાં ચિંતકનું વિચારજ્ઞાનપ્રેરિત ગાંભીર્ય.
યુરોપમાં મૉન્તેઇન-બૅકન પછી નિબંધ-પ્રકાર તો સતત વિસ્તરતો–વિકસતો રહ્યો છે. સ્ટીલ, એડિસન અને સ્મિથ જેવાનાં લખાણો પછી અને તેમાંય ચાર્લ્સ લૅમ્બનાં લખાણો પછી લગભગ ઓગણીસમી સદીથી નિજી વ્યક્તિત્વના સ્પર્શ–રંગવાળી રચનાઓને ‘નિબંધ’ તરીકે ઓળખાવવાનું વલણ ઉત્કટ બન્યું. આ પ્રકારના વૈયક્તિક સ્પર્શવાળા નિબંધો માટે ‘શુદ્ધ નિબંધ’, ‘નિબંધિકા’ અને પછી જેમાં ડૉ. જ્હૉન્સન નિર્દિષ્ટ ‘લૂઝ સૅલી ઑવ્ માઇન્ડ’ હોય એવી નિબંધાત્મક કૃતિઓ માટે ‘નિર્બંધિકા’ શબ્દ પણ પ્રયોજાયો. વળી મૉન્તેઇન, ચાર્લ્સ લૅમ્બ, હેઝલિટ, એ. જી. ગાર્ડિનર વગેરેના નિબંધોના આધારે જેમાં વૈયક્તિકતા, અંગતતા, અનૌપચારિકતા, સર્જનાત્મકતા, રસાત્મકતા, કલ્પનાશીલતા, લાલિત્ય, હળવાશ, સ્વૈરવિહાર જેવાં લક્ષણોનું પ્રાધાન્ય હોય તેવા નિબંધોને માટે મુખ્યત્વે ‘લલિત’ કે ‘હળવો નિબંધ’ જેવી સંજ્ઞા રૂઢ થઈ. અર્થાત્, અધ્યયન-સંશોધનના પરિપાકરૂપ વિવેચનાત્મક, વિવરણાત્મક કે ચિંતનાત્મક, શાસ્ત્રીય પરિપાટીએ લખાયેલા જ્ઞાન-માહિતીથી સભર નિબંધોનો સમાવેશ ગંભીર કે બિનસર્જનાત્મક પ્રકારમાં થાય છે. અંગ્રેજીમાં ‘આર્ટિકલ’, ‘ટ્રીટાઇઝ’, ‘થીસિસ’ જેવી સંજ્ઞાઓવાળી નિબંધકૃતિઓ આ વર્ગમાં આવે. આ નિબંધોમાં અનુભવવિષયની જ્ઞાનવિચારની તાર્કિક, સમતોલ, સુશ્લિષ્ટ અને સ્પષ્ટ રજૂઆત અપેક્ષિત હોય છે. આ પ્રકારના નિબંધોમાં સાહિત્યક્ષેત્રે સ્વીકાર્ય પ્રશિષ્ટતાનાં ધોરણોને વળગીને ચાલવાનો આગ્રહ હોય છે. તેમાં તેના લેખકના પ્રજ્ઞાતેજનો પ્રભાવ-પ્રસાદ અનુભવાતો હોય છે.
સર્જનાત્મક નિબંધમાં લેખક જાણે લહેરથી લટાર મારતા લાગે તો બિનસર્જનાત્મક નિબંધમાં જાણે શિસ્તબદ્ધ રીતે કૂચ કરતા, આગળ ધપતા લાગે.
નિબંધોમાં સંવેદન, ચિંતન કે મનન; વર્ણન કે કથન; ઉદબોધન, સંબોધન કે સંવાદ; વિવરણ કે વિવેચન જે પાસું પ્રબળ હોય તેના આધારે પ્રકારભેદ થઈ શકે. જેવો નિબંધકાર એવો નિબંધ, જેવા નિબંધકારના વિષય, અભિગમ ને પ્રયોજન એવા તેના પ્રકાર. પ્રકૃતિ, પ્રવાસ, ચરિત્ર જેવા વિષયોને અનુલક્ષતા નિબંધોના અલગ અલગ વર્ગ પણ પાડી શકાય. કેટલાક નિબંધો પ્રેરણાત્મક તો કેટલાક બોધાત્મક પણ હોઈ શકે.
જેમ ગદ્ય તેમ નિબંધ પણ કવિ-લેખકને માટે નિકષરૂપ હોય છે. લેખકનું સંવેદન જેટલું ઉત્કટ, દર્શન જેટલું સ્વચ્છ અને વર્ણન જેટલું ઉત્કૃષ્ટ એટલી નિબંધની ગુણવત્તા. નિબંધમાં સર્જકસંવિતનાં અનેક પાસાંનો સમન્વિત રસાત્મક સામર્થ્યવિશેષ પ્રત્યક્ષીકરણ પામતો હોય છે.
નિબંધ કેટલીક વાર ટૂંકી વાર્તાની તો કેટલીક વાર ઊર્મિકાવ્યની લગોલગ પહોંચી જતો લાગે. કેટલાક નિબંધોમાં પત્ર કે આત્મકથન આદિની રીતિઓ પણ અજમાવાઈ હોય. નિબંધમાં જ્યાં સ્વૈરવિહાર હોય ત્યાં પણ સાદ્યંત ભાવ-સંવેદનનો એક અખંડ તાર – સૂત્રપાત દૃષ્ટિગોચર થાય છે. એ રીતે નિબંધમાં સર્જકપ્રતિભાને બંધન છતાં મુક્તિનો ને મુક્તિ છતાં બંધનનો યુગપદ્ અનુભવ થાય છે. જોકે એ બંનેય નિબંધમાં પરસ્પરને ઇષ્ટપૂરક રૂપે પ્રતીત થતાં હોય છે.
ગુજરાતી નિબંધનો સૂત્રપાત જાગૃતિકાળમાં થાય છે. એક તરફ અંગ્રેજી કેળવણી, અંગ્રેજી નિબંધસાહિત્ય તો બીજી તરફ પ્રજાજીવનમાં સર્વક્ષેત્રીય પરિવર્તનો – એ બંનેને લઈને નિબંધલેખન માટે એક ભૂમિકા બંધાય છે. ધર્મ, નીતિ, દેશોદ્ધાર જેવા વિષયો લઈને સાહિત્યને નિમિત્તે સમાજ પ્રત્યેનું કર્તવ્ય અદા કરવા આ સમયનો લેખક ઉદ્યુક્ત થયો. નર્મદના પ્રયત્નો આ સમયમાં વધુ નોંધપાત્ર રહ્યા છે. ‘મંડળી મળવાથી થતા લાભ’ (1850) જેવો સંક્ષિપ્ત શૈલીનો પ્રથમ કહી શકાય તેવો નિબંધ તે આપે છે. તે પછીની ‘સ્વદેશાભિમાન’, ‘સંપ’ વગેરે તેની અનેક રચનાઓ સારા ગદ્યકારની સંપન્નતા દાખવી બતાવે છે. કટાક્ષ, રૂપક, પ્રશ્નાલંકાર, વક્તૃત્વની છટા વગેરે અનેક યુક્તિઓથી તે વિષયને સચોટતા સાથે સરસતા પણ અર્પે છે. દલપતરામમાં વાત શાલેય નિબંધ કે કોઈક મુદ્દા વિશેના વિસ્તૃત લેખથી આગળ વધી નથી. એ ગાળાના અન્ય લેખકોમાં પણ ઉદ્દેશપ્રધાનતા જ રહી છે. નવલરામની ‘થૉથારિયો હડકવા’ જેવી કોઈક કોઈક રચનામાં નર્મદનો તાર થોડોક જુદી રીતે લંબાતો જણાય છે.
પંડિતયુગમાં પરિસ્થિતિમાં ખાસ્સું પરિવર્તન આવે છે. એક તરફ સ્વાતંત્ર્ય અને દેશોત્કર્ષની ભાવનાનો જુવાળ તો બીજી તરફ વિશ્વવિદ્યાલયોની સ્થાપના અને જ્ઞાનભૂખ – આ બંનેને લીધે ધાર્મિક, રાજકીય, સામાજિક-સાંસ્કૃતિક વિષયો નવી નજરે જોવાવા શરૂ થાય છે. જીવનનો વધુ ગંભીરતાથી વિચાર થાય છે. ગુજરાતી ગદ્ય અને નિબંધ માટે અહીં આમ નવી તકો ઊભી થાય છે. આ સર્વને લઈને અનેકવિધ વિષયો ઉપર લખાય છે, વિદ્વત્તાપૂર્ણ લખાય છે; પણ બહુશ: સર્વનું ધ્યાન ગંભીર લેખન પ્રતિ જ રહ્યું છે. પરિણામે નિબંધ અહીં લગભગ ગંભીર વિચારોના વાહક રૂપે દેખા દે છે. તેનું લલિત, મધુર રૂપ તો ક્યાંક, અપવાદ રૂપે, અમુક માત્રામાં જ મળે છે.
આરંભે મન:સુખરામ પાસેથી સંસ્કૃતમય ભાષ્યશૈલીમાં વિચારતત્વસભર નિબંધો મળે છે. મણિલાલ દ્વિવેદીમાં એ દોર ઘાટો બને છે. તેમણે ધર્મ, સમાજ, રાજકારણ, સંસ્કૃતિ, સાહિત્ય, કેળવણી એમ અનેક વિષયો ઉપર મિતાક્ષરી, ચિંતનગર્ભ અને તેજસ્વી વાક્છટાવાળા ગદ્યમાં ઊંચા પ્રકારની વિચારસામગ્રીવાળા નિબંધો આપ્યા. ગંભીર મનોવૃત્તિવાળા નરસિંહરાવ પણ એ પંક્તિમાં જ બેસે; છતાં તેમનું ‘વિવર્તલીલા’ તેમના આર્દ્ર વ્યક્તિત્વનો સ્પર્શ લઈને આવતું નોંધપાત્ર ગદ્યસર્જન છે. લલિત નિબંધની કેટલીક છટાઓ ત્યાં એના સ્પૃહણીય રૂપે જોવા મળે છે. આ ગાળામાં રમણભાઈ નીલકંઠ અને વિદ્યાગૌરી નીલકંઠ અપવાદ રૂપે ‘હાસ્યમંદિર’માં વિનોદનું નરવું રૂપ પ્રકટાવે છે.
મણિલાલ પછી નિબંધને એના ગંભીર રૂપે ખેડનારાઓમાં આનંદશંકર ધ્રુવ મુખ્ય છે. અનેકવિધ વિષયો ઉપરના તેમના ‘આપણો ધર્મ’માંના નિબંધોમાં વાર્તિક કે વ્યાખ્યાનશૈલીની રચનાઓ જુદી પડે છે. આવી રચનાઓમાં તેમનો ઝોક કંઈક લાલિત્યપૂર્ણ લાગે છે. તેમનું વ્યક્તિત્વ પણ ત્યાં ભાવસભર થઈને ખીલે છે. નરસિંહરાવની ‘વિવર્તલીલા’ પછી, લલિત તરફનો આ ઉલ્લેખનીય ઝોક રહ્યો છે. તે પછી પંડિતયુગના અનેક નિબંધકારો પૈકી ઉત્તમલાલ ત્રિવેદી, બ. ક. ઠાકોર, ન્હાનાલાલ, વા. મો. શાહ, શ્રીમદ્ રાજચંદ્ર વગેરેનાં નામો યાદ કરવાં રહે.
પંડિતયુગ અને ગાંધીયુગના સંધિકાળે અતિસુખશંકર ક. ત્રિવેદીએ ‘નિવૃત્તિવિનોદ’માં કેટલીક ઊર્મિકાવ્યસદૃશ, લલિત નિબંધની લય-લચકવાળી સંક્ષિપ્ત રચનાઓ આપી છે.
ગાંધીયુગમાં એક નવું વાતાવરણ સર્જાય છે. સ્વાતંત્ર્ય માટે દેશવાસીઓની તીવ્ર ભૂખ, તત્પરક આંદોલનો, ગાંધીજીનું સ્વદેશાગમન, ‘સાબરમતી આશ્રમ’ની સ્થાપના, ‘હરિજનબંધુ’ અને ‘નવજીવન’ પત્રોની પ્રવૃત્તિ, વિદ્યાપીઠનો આરંભ, દરિદ્ર પ્રજા તરફનો સમભાવ, ગ્રામજીવન અને તળપદા વાસ્તવ તરફનું ખેંચાણ – આ સર્વ ગુજરાતી નિબંધ માટે પણ અભિનવ ભૂમિકા ઊભી કરે છે. જીવન અને સાથે સાહિત્યના ક્ષેત્રમાં મોટું પરિવર્તન આવે છે. પંડિતયુગની ભારેખમ ભાષાને બદલે સાદી, ધ્યેયલક્ષી શૈલી પ્રચારમાં આવે છે. ગાંધીજીનું વ્યક્તિત્વ અને તેમના લેખનનો પણ મોટો પ્રભાવ આ સમયના જનજીવન તેમ જ સાહિત્ય ઉપર પડે છે. કિશોરલાલ મશરૂવાળા, નરહરિ પરીખ, મહાદેવભાઈ, ચંદ્રશંકર ને પાછળથી મગનભાઈ પ્ર. દેસાઈ વગેરેએ પણ ગંભીર નિબંધો દ્વારા ગુજરાતી ગદ્યસાહિત્યને – ચિંતનસાહિત્યને સમૃદ્ધ કર્યું છે.
અત્યાર સુધી લખાતા આવેલા ગુજરાતી નિબંધને બહુવિધ વિષયોમાં વિહરતો કરવાનું માન આ સમયમાં ગાંધીજી મેળવે છે. ચિંતન ખરું, પણ ભાર વિનાનું. સ્વાતંત્ર્ય, ધર્મ, નીતિ, આરોગ્ય, કેળવણી વગેરે અનેક વિષયો ઉપર તેમણે સચોટ અને સંક્ષિપ્ત શૈલીમાં લખ્યું છે. ગમે તે વિષયની રચનાને તે પોતાના ઋજુ, સત્યનિષ્ઠ વ્યક્તિત્વથી ફોરતી કરી મૂકે છે. તેમના વ્યક્તિત્વ જેવું જ સ્વચ્છ, પારદર્શક ગદ્ય તેમના નિબંધોને આકર્ષક બનાવે છે. ‘કન્યાકુમારીનાં દર્શન’, ‘એને શી ઉપમા દઈએ ?’, ‘પરીક્ષા’, ‘ગં. સ્વ. વાસંતીદેવી’ જેવી રચનાઓ તેમની કલમમાં કેવા ઊંચા બરના નિબંધકારની શક્તિ રહી છે તેની પ્રતીતિ કરાવી જાય છે.
પણ સૌપ્રથમ વાર શુદ્ધ સર્જનહેતુથી પ્રેરાઈને, લલિત નિબંધના સ્વરૂપમાં રહેલી અંત:ક્ષમતાઓને તાગવા–પ્રકટાવવાનું કાર્ય તો આ ગાળામાં કાકાસાહેબના હાથે થાય છે. લલિત નિબંધ સ્વનિર્ભર સાહિત્યસ્વરૂપ તરીકે, પ્રથમ વાર તેમના હાથે પ્રતિષ્ઠિત થાય છે. પૂર્વનાં સંસ્કાર–સંસ્કૃતિના અનેક સંદર્ભોથી ઊભરાતું તેમનું ચિત્ત, સૌંદર્યદર્શી કવિપ્રાણ, શિશુસહજ વિસ્મય, અભિજાત વિનોદ અને રસિકમધુર ઉપમામઢ્યું ગદ્ય તેમના નિબંધોના વિશેષો છે. તેમના નિબંધોમાં લલિત નિબંધનું એક શિખર સર થતું જણાય છે. ‘લુચ્ચો વરસાદ’, ‘સખી માર્કંડી’, ‘મધ્યાહનનું કાવ્ય’ કે ‘સંધ્યારસ’ જેવા અનેક નિબંધો માત્ર તેમનાં જ નહિ, ગુજરાતી નિબંધનાં પણ આભરણ છે. નિબંધને સર્જનની કોટિમાં મૂકી આપે તેવી નમૂનેદાર રસાવહ રચનાઓ વિપુલ પ્રમાણમાં આમ કાકાસાહેબ પાસેથી મળે છે.
ગાંધીજૂથના લેખકોમાં સ્વામી આનંદનું ગદ્ય તળપદી મીઠાશ ને બળકટતાથી જુદું તરી આવે છે. તેમણે ‘માછીનાચ’ જેવી કેટલીક સુંદર રચનાઓ સાથે ધ્યાન ખેંચે તેવા ‘મોનજી રુદર’ જેવા ચરિત્રાત્મક નિબંધો પણ આપ્યા છે. ગાંધીયુગનાં ક. મા. મુનશી, લીલાવતી મુનશી ને વિજયરાય વૈદ્ય નિબંધાત્મક લખાણો આપે છે; પણ વિજયરાય હાસ્ય-કટાક્ષ તરફ તો લીલાવતી ચરિત્રાત્મક રચનાઓ તરફ વળી જાય છે.
તે પછીના તરતના સમયમાં સ્વૈરવિહારમાં રાચતી, અનેક વિષયોમાં આવનજાવન કરતી, કટાક્ષ તરફ ઢળતી, મનનયુક્ત રચનાઓ રામનારાયણ વિ. પાઠક પાસેથી મળે છે. અન્ય લેખકોમાં ધૂમકેતુ, ર. વ. દેસાઈ, મેઘાણી, નવલરામ ત્રિવેદી, જયન્તિ દલાલ વગેરેમાં કટાક્ષપ્રધાન રચનાઓનો તંતુ આગળ લંબાય છે. રતિલાલ ત્રિવેદી, અંબાલાલ પુરાણી, કિસનસિંહ ચાવડા પ્રમાણમાં નિબંધના લલિત રૂપને આગળ કરીને લખનારા લેખકો છે. વિનોદિનીમાં શુદ્ધ નિબંધ આપવાની ગુંજાશ ‘નિજાનંદ’ અને ‘રસદ્વાર’માં વધુ ધ્યાનાકર્ષક રૂપે જોવા મળે છે. રસાત્મક ચિન્તન નિબંધોમાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું નામ પણ સ્મરણીય છે.
લલિત નિબંધનો એક નવો ખૂણો કાઢી બતાવે છે ઉમાશંકર. ‘ગોષ્ઠિ’ આ સંદર્ભમાં વિશેષ રૂપે ઉલ્લેખનીય બને છે. નિબંધ બે વ્યક્તિ વચ્ચેની આત્મીયતાથી દ્રવતી ગોષ્ઠિ છે એ તેમની રચનાઓ વાંચતાં સમજાય છે. ‘વાર્તાલાપ’ કે ‘મિત્રતાની કલા’ જેવા નિબંધો તેનાં સારાં દૃષ્ટાંતો છે. ‘ઉઘાડી બારી’માંના નિબંધોને પણ યાદ કરવા રહ્યા. સુન્દરમ્ ‘દક્ષિણાયન’ના પ્રવાસનિબંધોમાં નિબંધનું લલિત રૂપ પ્રકટ કરી આપે છે. તેમની વિનોદી, વાર્તાલાપી શૈલીનું ‘મદ્રાસની જલપરી’, ‘એક મીઠું પ્રકરણ’ જેવી ‘ચિદમ્બરા’ની રચનાઓમાં સારું પરિણામ આવ્યું છે.
લાલિત્યપૂર્ણ નિબંધનું તાજગીભર્યું રૂપ વધુ તો વીસમી સદીના સાતમા દાયકાથી નીખરતું જણાય છે. બદલાયેલા જીવનની અને સાહિત્યની, આધુનિક સમયમાં, જે નવી જ તાસીર પ્રકટી તેને અભિનવ શૈલીવિધાન દ્વારા સાતમા દાયકાની મધ્યમાં ‘જનાન્તિકે’ (1965) દ્વારા સુરેશ જોષી અને તે પછી તરત ‘દૂરના એ સૂર’ (1970) વડે દિગીશ મહેતા નિબંધમાં ઝીલી બતાવે છે. નિબંધના સર્જન સાથે આ સર્જકોની વધુ સભાન નિસબત રહી છે. સુરેશના હાથે લલિત નિબંધ સમ્યગ્ અર્થમાં ‘જનાન્તિક ઉચ્ચારણ’ બની રહે છે.
આઠમા દાયકામાં ભોળાભાઈ પટેલ અને ચંદ્રકાન્ત શેઠનાં નામો વિશેષ રૂપે નિબંધક્ષેત્રે ઊપસી રહે છે. ‘વિદિશા’ અને તે પછીના પ્રવાસવિષયક સંગ્રહોમાં ભોળાભાઈ પ્રવાસને નિમિત્તે સૌંદર્યભ્રમણ કરે-કરાવે છે. તેમનું સૌંદર્યક્ષુબ્ધ વ્યક્તિત્વ એ રચનાઓને અનેક પરિમાણોવાળી બનાવે છે. ચંદ્રકાન્ત શેઠ ‘નંદ સામવેદી’માં નિબંધને પ્રથમ વાર અરૂઢપણે આકારવાનું સાહસ કરે છે. અહીં પ્રકૃતિ-સ્મૃતિઓ વગેરેને બદલે માનવીનું આંતરસ્વરૂપ કોઈક ને કોઈક રૂપે પ્રકટે છે. વક્રતાનું તત્વ એને સમુચિત રીતે વળ આપતું રહે છે. તેમણે ‘ધૂળમાંની પગલીઓ’માં સ્મરણાત્મક રચનાઓ આપી છે ને નર્મપ્રધાન રચનાઓના સંગ્રહો પણ આપ્યા છે.
આ સમયમાં લલિત નિબંધને પૂરી રસકીયતાથી સર્જનારા સર્જકોની સંખ્યા ઘણી વધી છે. વિચારકણ કે વિવિધ મૂડને પ્રતિબિંબિત કરતી અને સર્જકના વ્યક્તિત્વનાં અનેક પાસાંને અભિવ્યક્ત કરતી એવી રચનાઓના સંગ્રહો પણ સારી સંખ્યામાં મળે છે. વાડીલાલ ડગલી, ભગવતીકુમાર શર્મા, સુરેશ દલાલ, વિષ્ણુ પંડ્યા, ગુણવંત શાહ, રઘુવીર ચૌધરી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, હરીન્દ્ર દવે, જ્યોતિષ જાની, પ્રવીણ દરજી, મણિલાલ હ. પટેલ વગેરે અનેકોએ વિવિધ ચાલનાવાળા અને આકર્ષક ગદ્ય-છટાઓવાળા નિબંધો આપીને નિબંધક્ષેત્રે તાજગીપૂર્ણ આબોહવા ઊભી કરી છે.
ઉશનસ્ અને જયન્ત પાઠક જેવા આગલી પેઢીના કવિઓએ પણ લલિત નિબંધો આપ્યા છે. ચંદ્રકાન્ત બક્ષી, લાભશંકર ઠાકર, રમણલાલ ચી. શાહ વગેરે પણ ભિન્ન ભિન્ન નિમિત્તે લાલિત્યભર્યા ગદ્યમાં લખતા રહ્યા છે. યશવંત શુક્લ, પ્રકાશ શાહ, જયંત પંડ્યા વગેરે પણ પ્રવર્તમાન ચેતના વિશે ચિંતનબોધ પ્રકટ કરે છે. વિનોદ ભટ્ટમાં હાસ્ય આગળ રહ્યું છે, જ્યારે બકુલ ત્રિપાઠીમાં હાસ્યની સાથે સાથે ક્યારેક ક્યારેક સાદ્યંત લલિત નિબંધ કહી શકાય તેવી રચનાઓ પણ મળી છે. રતિલાલ બોરીસાગરના સ્મિત ફરકાવી રહેતા હાસ્યનિબંધોને પણ અહીં યાદ કરવા રહ્યા.
નવનિધ શુક્લ, પ્રીતિ સેનગુપ્તા, અનિલ જોશી અને વીનેશ અંતાણી વ. નિબંધકારોના નિબંધસંગ્રહોની પણ અહીં નોંધ લેવી ઘટે. જ્યારે રમેશ દવે, યોગેશ જોષી, જૉસેફ મૅકવાન, પ્રફુલ્લ રાવલ, ભગીરથ બ્રહ્મભટ્ટ, યજ્ઞેશ દવે, ભારતી રાણે, ગુલામમોહમ્મદ શેખ, રામચંદ્ર પટેલ, યશવંત ત્રિવેદી, મહેન્દ્રસિંહ પરમાર, ભારતી નાયક વ. અન્ય લેખકોએ પ્રસંગોપાત્ત, કેટલીક સ્મરણીય રચનાઓ આપી છે. લલિત નિબંધનો ઇતિહાસ-ગાળો એ રીતે ગુજરાતી ભાષામાં અન્ય સ્વરૂપોની સરખામણીમાં ટૂંકો છે. પણ આ સ્વરૂપ પ્રત્યેની આજના સર્જકની અભિમુખતા તથા એકાગ્રતા આ સ્વરૂપ માટે શ્રદ્ધા જગવે તેવી છે.
ગુજરાતીમાં ચરિત્રનિબંધ જેવા પ્રકારનું પણ ઓછુંવત્તું ખેડાણ સતત થતું રહ્યું છે. નર્મદે ‘કવિચરિત્ર’ અને ‘મહાપુરુષોનાં ચરિત્ર’ આપી ચરિત્રાત્મક નિબંધલેખનની પહેલ કરી ગણાય. ‘સ્મરણમુકુર’ એ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનો ચરિત્રાત્મક નિબંધસંગ્રહ છે. તેમાં પિતા, ભાઈ, પુત્ર અને પુત્રીથી શરૂ કરીને નર્મદ, નવલરામ, નંદશંકર, મણિલાલ, કાન્ત, રાનડે વગેરેનાં સ્મૃતિચિત્રોનું હળવી અને ચિત્રાત્મક વર્ણનશૈલીમાં આલેખન થયું છે. ક. મા. મુનશીએ ‘કેટલાક લેખો’, લીલાવતી મુનશીએ ‘રેખાચિત્રો’, બ. ક. ઠાકોરે ‘વિવિધ વ્યાખ્યાનો, ગુચ્છ 2’ અને ‘અંબાલાલભાઈ’, કવિ ન્હાનાલાલે ‘આપણાં સાક્ષરરત્નો ભાગ 1-2’, બટુભાઈ ઉમરવાડિયાએ ‘ગુજરાતના મહાજનો’ અને ઉમાશંકરે લખેલ ‘હૃદયમાં પડેલી છબીઓ’ એ સર્વ ચરિત્રાત્મક નિબંધો છે. કિસનસિંહ ચાવડાના ‘અમાસના તારા’માંના નિબંધોને પ્રથમ પંક્તિમાં મૂકવા પડે. આ ઉપરાંત ગુજરાતી નિબંધસાહિત્યમાં યશોધર મહેતાકૃત ‘આનંદધારા’, ઈશ્વર પેટલીકરકૃત ‘ગ્રામચિત્રો’ જયન્તિ દલાલકૃત ‘પગદીવાની પછીતેથી’, મુકુન્દ પારાશર્યકૃત ‘સત્યકથાઓ’ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટકૃત ‘નામરૂપ’, વાડીલાલ ડગલીકૃત ‘થોડા નોખા જીવ’, રઘુવીર ચૌધરીકૃત ‘સહરાની ભવ્યતા’, ધીરુભાઈ ઠાકરકૃત ‘શબ્દમાધુરી’, સ્વામી આનંદકૃત ‘કુળકથાઓ’ તથા ‘સંતોના અનુજ’, રજનીકુમાર પંડ્યાકૃત ‘ઝબકાર’, જૉસેફ મૅકવાનકૃત ‘વ્યથાનાં વીતક’, લાભશંકર ઠાકરનાં માતા-પિતા વિશેનાં ચરિત્રો, વિનોદ ભટ્ટકૃત ‘વિનોદલક્ષી વ્યક્તિચિત્રો’, યોગેશ જોષીકૃત ‘મોટી બા’, પ્રફુલ્લ રાવલકૃત ‘નોખાં-અનોખાં’, ‘માણસ એ તો માણસ’ ગણનાપાત્ર ચરિત્રો અને નિબંધો છે.
પ્રવીણ દરજી