નિપાત : સંસ્કૃત વ્યાકરણ અનુસાર પદના ચાર પ્રકારોમાંનો એક. યાસ્કે આપેલી તેની વ્યુત્પત્તિ મુજબ વિવિધ અર્થોમાં આવી પડે છે, તેથી તે પદોને નિપાત કહે છે. સત્વવાચી નામ કે ક્રિયાવાચી ધાતુ (આખ્યાત) ન હોય તેવાં પદો નિપાત કહેવાય છે. એમાં જે ક્રિયાપદની પૂર્વે આવે તે ઉપસર્ગ કહેવાય. નામ વગેરેની પૂર્વે આવે તેને પૂર્વગ કહે છે. નામને વિભક્તિના પ્રત્યયો લાગે છે, જ્યારે ધાતુને કાળવાચી પ્રત્યયો લાગે છે. પરંતુ જે પદને પ્રત્યય લાગે જ નહીં, અર્થાત્, એક જ સ્વરૂપમાં કાયમ રહે તેને નિપાત કહેવાય. ત્રણે લિંગમાં, બધી વિભક્તિઓમાં અને બધાં વચનોમાં ફેરફાર પામતો ન હોવાથી નિપાતને અવ્યય પણ કહે છે.
ઋક્પ્રાતિશાખ્ય એમ માને છે કે નિપાતનો પોતાનો કોઈ અર્થ હોતો જ નથી. આચાર્ય યાસ્ક એમ માને છે કે કેટલાક નિપાતો અર્થ ધરાવે છે અને કેટલાક નિપાતો અર્થ વગરના છે. પાણિનિનો મત એવો છે કે નિપાતો અર્થવાળા છે, પરંતુ च વગેરે નિપાતો કોઈ વસ્તુનો અર્થ ન આપે ત્યારે જ નિપાત બને છે. યાસ્ક અનુસાર (1) ઉપમાર્થ, (2) કર્મોપસંગ્રહાર્થ અને (3) પદપૂરણ એમ ત્રણ પ્રકારના નિપાતો છે. જ્યારે ભોજના ‘શૃંગારપ્રકાશ’માં 1,000થી વધુ નિપાતો ગણાવી તેમના (1) વિધ્યર્થ, (2) અર્થવાદાર્થ, (3) અનુવાદાર્થ, (4) નિષેધાર્થ, (5) વિધિનિષેધાર્થ અને (6) અવિધિનિષેધાર્થ એમ છ પ્રકારો આપે છે, જે નોંધપાત્ર છે.
પ્ર. ઉ. શાસ્ત્રી