નિગો દિન્હ દિયમ (જ. 3 જાન્યુઆરી 1901, હુઈ, ક્વાંગ બિન પ્રાંત; અ. 2 નવેમ્બર 1963, ચો લોન, દક્ષિણ વિયેટનામ) : દક્ષિણ વિયેટનામના અગ્રણી રાજકીય નેતા તથા તે દેશના પ્રથમ પ્રમુખ. તેઓ રોમન કૅથલિક ધર્મના અનુયાયી તથા ચુસ્ત રાષ્ટ્રવાદી હતા. તેમના પૂર્વજોએ સત્તરમી સદીમાં કૅથલિક સંપ્રદાય અપનાવ્યો હતો. યુવાનીમાં તે શાહી કુટુંબ સાથે મૈત્રીભર્યા સંબંધો ધરાવતા હતા. શિક્ષણ પૂરું કર્યા પછી તેઓ અમલદાર બન્યા અને થોડાક સમય પછી સમ્રાટ બાઓ દાઈના મંત્રી તરીકે તેમણે સેવાઓ આપી. દેશમાં રાજકીય સુધારા કરવાની તેમણે ફ્રેન્ચ શાસકો સમક્ષ માગણી મૂકી જે નકારી કાઢવામાં આવતાં તેમણે રાજીનામું આપ્યું. બીજા વિશ્વયુદ્ધ (1939) દરમિયાન તેઓ જાપાનના રક્ષણ હેઠળ સાય ગામમાં રહ્યા. 1945માં સામ્યવાદી નેતા હો ચી મિન્હનાં દળોને હાથે પકડાઈ ગયા બાદ હો ચી મિન્હે દિયમને ઉત્તરમાંની સ્વતંત્ર સરકારમાં જોડાવાનું ઇજન આપ્યું જેથી કરીને રોમન કૅથલિકોનો ટેકો મળી રહે; પરંતુ દિયમે આ આમંત્રણ પાછું ઠેલ્યું અને દેશ છોડી વિદેશ ચાલ્યા ગયા.
દિયમ વિયેટનામમાંના રાજકીય પ્રવાહો અને આંદોલનોથી અલિપ્ત રહ્યા. 1954માં દિયેન બિયેન ફૂ ખાતે સામ્યવાદીઓના વિજય પછી દિયમ અમેરિકા-સમર્થિત દક્ષિણ વિયેટનામની સરકારનું પ્રધાનમંત્રી તરીકે નેતૃત્વ સંભાળવા સ્વદેશ પાછા ફર્યા. જુલાઈ, 1954માં થયેલ જિનીવા કરાર હેઠળ વિયેટનામના ભાગલા પાડવામાં આવ્યા અને દિયમ દક્ષિણ વિયેટનામની સરકારના વડા બન્યા. 1956માં તેમણે દક્ષિણ વિયેટનામમાંથી રાજાશાહી શાસનવ્યવસ્થા રદ કરી દેશને પ્રજાસત્તાક ઘોષિત કર્યું અને પોતે દેશના પ્રમુખ બન્યા (1956–63). પોતાના પ્રમુખપણા હેઠળ દક્ષિણ વિયેટનામમાં તેમણે આપખુદી ઢબે શાસન કર્યું. કૅથલિકો પ્રત્યેના તેમના પક્ષપાતને લીધે તેઓ બહુમતી બૌદ્ધોમાં અપ્રિય બન્યા. જમીનસુધારણા અંગે ખેડૂતોને આપેલા વચનનું તેઓ પાલન કરી શક્યા નહિ. અને તેમના શાસન દરમિયાન સામ્યવાદી પ્રભાવ અને સામ્યવાદપ્રેરિત નૅશનલ લિબરેશન ફ્રન્ટ(વિયેટકૉંગ)ના સમર્થકોની સંખ્યામાં ધરખમ વધારો થયો.
તેમણે સામ્યવાદીઓના ટેકેદાર ગણાતા ઘણા બૌદ્ધોને કેદ કરાવ્યા હતા અથવા મોતને ઘાટ ઉતાર્યા હતા. અમેરિકાએ દિયમને અગાઉ આપેલ ટેકો 1963માં પાછો ખેંચી લીધો તે પછી દેશમાં થયેલ લશ્કરી બળવા દરમિયાન લશ્કરના અધિકારીઓએ તેમની તથા તેમના ભાઈની હત્યા કરી.
નવનીત દવે