નિખત ઝરીન (જ. 14 જૂન, 1996, નિઝામાબાદ, તેલંગાણા) : બે વખત વિશ્વ ચેમ્પિયન બનનાર ભારતીય મહિલા મુક્કાબાજ. નિખત ઝરીને મુક્કાબાજીના ક્ષેત્રમાં પોતાની મહેનત અને આત્મવિશ્વાસના દમ પર આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા પ્રાપ્ત કરી છે. નિખત ઝરીન બાળવયથી જ રમતગમતમાં રસ ધરાવતાં હતાં. પ્રારંભિક તબક્કે તેમણે ટૂંકી દોડમાં રસ લેવાનું શરૂ કર્યું. જોકે તેમની શાળામાં દોડવીરને તાલીમ આપતા કોચ ન હોવાથી નિખતે આ ક્ષેત્ર આગળ વધવાનો વિચાર માંડી વાળ્યો. નિખતના પિતા મોહમ્મદ જમીલ અહેમદ પોતે ફૂટબોલના અચ્છા ખેલાડી રહી ચૂક્યા હતા. તેથી તેઓ જીવનમાં રમતનું મહત્ત્વ સારી રીતે સમજતા હતા. રમત-ગમત પ્રત્યે નિખતનો લગાવ જોઈને તેમણે પોતાના બૉક્સર મિત્ર પાસે નિખતને મુક્કાબાજીની તાલીમ અપાવવાનું શરૂ કર્યું.
નિખતના માતા-પિતા હંમેશા તેને રમત માટે પ્રોત્સાહિત કરતાં. પરંતુ કુટુંબના અન્ય સભ્યો તથા નિખતની આસપાસના લોકો રૂઢિચુસ્ત વિચારધારા ધરાવતાં હોવાથી તેઓ નિખતની મુક્કાબાજીથી નારાજ થયાં. તેઓ નિખતના પિતાને ડરાવતાં કહેતાં કે જો નિખતના ચહેરા પર ઈજા થશે તો ભવિષ્યમાં તેની સાથે કોઈ લગ્ન નહીં કરે. નિખતના માતા-પિતાએ આ બાબતે સતત ટીકાઓનો સામનો કરવો પડતો. આવા અનેક પડકારો છતાં નિખત અને તેના પિતા પાછળ હટ્યાં નહીં.
નિખતે તેર વર્ષની ઉંમરે મુક્કાબાજીની તાલીમ લેવાનું શરૂ કર્યું. એ વખતે મક્કેબાજી ક્ષેત્રે મહિલા ખેલાડીઓ ન હોવાથી નિખતે પુરુષ મુક્કાબાજો સાથે તાલીમ લેવી પડતી. જોકે આગળ જતા નિખતને પુરુષ ખેલાડીઓ સાથે તાલીમ લેવાનો લાભ એ મળ્યો કે તેને મુક્કાબાજીના મહિલાઓ સાથેના મુકાબલા પ્રમાણમાં સરળ લાગવા લાગ્યા. વર્ષ 2010માં યોજાયેલી સબ જુનિયર નેશનલ બૉક્સિંગ ટૂર્નામેન્ટમાં નિખતે તેની પ્રથમ મોટી જીત હાંસલ કરતાં બૉક્સિંગ ક્ષેત્રનો તેનો પ્રથમ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો. અહીંથી નિખતની રમત ગતિ પકડવા લાગી અને ધીરે ધીરે તે વિવિધ ટૂર્નામેન્ટ જીતવા લાગી.

વિશ્વ બૉક્સિંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક મેળવનાર નિખત ઝરીન
વર્ષ 2011માં 15 વર્ષની નિખત ઝરીને A.I.B.A. વુમન્સ યુથ એન્ડ જુનિયર વર્લ્ડ ચૅમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો અને વર્ષ 2014માં તેણે યુથ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશીપમાં રજત ચંદ્રક મેળવ્યો. આ ઉપરાંત નિખતે બીજી પણ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુક્કાબાજીની સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કર્યો. વર્ષ 2018માં ચાલુ સ્પર્ધાએ હરીફના એક અયોગ્ય મુક્કાથી નિખતના ખભે ગંભીર ઈજા પહોંચી અને તેણે સર્જરી કરાવવી પડી. જેના કારણે તેણે એક વર્ષ રમતથી દૂર રહેવું પડ્યું અને ઘણી સ્પર્ધાઓ ગુમાવવી પડી.
ઈજામાંથી પાછા ફર્યા બાદ તે 2019ની વિશ્વ બૉક્સિંગ ચેમ્પિયનશીપ માટે તૈયારી કરી રહી ત્યારે અચાનક તેને જાણવા મળ્યું કે આ સ્પર્ધા માટે ભારતની શ્રેષ્ઠ મુક્કેબાજ મૅરી કૉમની પસંદગી થઈ છે. અલબત્ત તે મૅરી કૉમને પોતાનો આદર્શ માનતી રહી છે. તેણે રમત-ગમત મંત્રાલયના આ નિર્ણયને પડકાર્યો અને પોતાને એક તક આપવાનો અનુરોધ કર્યો. બાદમાં આ સ્પર્ધા માટે પસંદગી અંગે તેણે મૅરી કૉમ સાથે મુક્કેબાજીની સ્પર્ધાનો પડકાર સ્વીકાર્યો. જેમાં તેનો પરાજય થયો.
વર્ષ 2022 અને વર્ષ 2023માં યોજાયેલી વિશ્વ બૉક્સિંગ ચેમ્પિયનશીપમાં નિખતે સુવર્ણ ચંદ્રક મેળવીને દેશનું ગૌરવ વધાર્યું. વર્ષ 2022માં બર્નિઘહામમાં રમાયેલ કૉમનવેલ્થ ગેમ્સમાં પણ નિખતે પ્રથમ સ્થાન મેળવીને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો. નિખત ફ્લાયવેઇટ કેટગરીમાં રમે છે અને તેઓ મજબૂત ફૂટવર્ક તથા ઝડપી ગતિ માટે જાણીતા છે. તેમની આ સિદ્ધીઓએ તેમને ભારતના સફળ મહિલા મુક્કેબાજ તરીકેનું સન્માન અપાવ્યું છે.
હેમલ જાદવ
