નિક્રોમ : વીજતાપકો(electric heaters)ના તાર માટે વપરાતી નિકલ-ક્રોમિયમ મિશ્રધાતુઓના સમૂહ માટે વપરાતો શબ્દ. આ મિશ્રધાતુઓનો વિદ્યુત-અવરોધ ઘણો વધારે હોય છે. તેમનું ઉપચયન સહેલાઈથી થતું નહિ હોવાથી તે ઇસ્ત્રી અને ટોસ્ટર જેવાં ગૃહઉપયોગી સાધનોમાં તથા ઔદ્યોગિક ભઠ્ઠીઓમાં વપરાય છે. તે ખાણ અને દરિયાનાં પાણી તેમજ સલ્ફ્યુરસ વાતાવરણમાં પણ ટકી રહે છે. આ મિશ્રધાતુઓ પૈકી બે અગત્યની અને પ્રમાણભૂત છે. ‘ક્રોમેલ સી’ (chromel C) તરીકે ઓળખાતી (નિક્રોમ) મિશ્રધાતુમાં 60 % નિકલ (Ni), 16 % ક્રોમિયમ (Cr) અને 24 % આયર્ન (Fe) તેમજ 0.1 % સુધી કાર્બન હોય છે. તેની અવરોધકતા 112.1 μΩ સેમી. હોય છે. અને તે 1000° સે. સુધી કામ આપે છે. ‘નિક્રોમ V’માં 80 % Ni, 19.5 % Cr, વધુમાં વધુ 2.5 % Mn, 1 % Si, અને 0.25 % C હોય છે. તેની વિદ્યુત અવરોધકતા 107.9 μΩ સેમી. જેટલી હોય છે. તે 1.150° સે. તાપમાન સુધી વાપરી શકાય છે.
જ. દા. તલાટી