નિકોસિયા : ભૂમધ્ય સમુદ્રના પૂર્વ ભાગમાં મધ્યમાં આવેલા સાયપ્રસ ટાપુના પ્રજાસત્તાક રાજ્યની રાજધાની અને સાયપ્રસનું સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 35° 10’ ઉ. અ. અને 33° 22’ પૂ. રે.. તે પેડીકોસ નદી પર સમુદ્રની સપાટીથી 150 મીટરની ઊંચાઈએ પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલા મેસાઓરિયાના વૃક્ષહીન સપાટ મેદાનમાં આવેલું છે. તેનું પ્રાચીન નામ લેડ્રે (Ledrae) હતું. લેડ્રે એ લેફકોસિયાનું અપભ્રંશ નામ છે. ગ્રીકો તેને લેબકોસિયા અને તુર્કો તેને લેફકોઝા નામથી ઓળખતા. લેડ્રેનો સર્વપ્રથમ ઉલ્લેખ 7મી સદીમાં થયેલો હોવાનું જાણવા મળે છે. આ શહેરની ઉત્તરે કાયરેનિયા પર્વત અને દક્ષિણે 1,952 મીટર ઊંચો ટ્રુડોસ પર્વત આવેલો છે.
તેની આબોહવા ભૂમધ્ય સમુદ્રને કાંઠે આવેલા અન્ય દેશો જેવી જ છે. શિયાળા ઠંડા અને ભેજવાળા, જ્યારે ઉનાળા ગરમ, સૂકા અને લાંબા હોય છે. વાર્ષિક વરસાદનું પ્રમાણ 525 મિમી. જેટલું રહે છે. અહીં ઓક, મેપલ જેવાં ખરાઉ પાનવાળાં વૃક્ષો જોવા મળે છે. કૃષિપેદાશોમાં મુખ્યત્વે ઘઉં, જવ, ઑલિવ, બદામ તમાકુ અને ખાટાં ફળો ઉગાડાય છે. આસપાસના મેસાઓરિયાના મેદાની પ્રદેશની પેદાશો માટેનું તે મુખ્ય વ્યાપારી મથક બની રહ્યું છે.
અહીં યાંત્રિક સાધનો, કાપડ અને સૂતર, બ્રાંડી, હળવાં પીણાં, સિગારેટ, માટીનાં વાસણો, ચામડાની ચીજવસ્તુઓ, સાબુ, ઈંટો વગેરે જેવા હળવા ઉદ્યોગોનાં કારખાનાં છે. પ્રવાસન-ઉદ્યોગ પણ અહીં વિકસ્યો છે.
આ શહેર પાકા રસ્તાઓ દ્વારા ટાપુનાં અન્ય શહેરો સાથે જોડાયેલું છે. ફામેન્ગુસ્ટા બંદર તેની સાથે રેલમાર્ગે જોડાયેલું છે અને આ બંદરેથી આયાત-નિકાસ થાય છે. અહીં આંતરરાષ્ટ્રીય વિમાનમથક પણ છે, પરંતુ ગ્રીકો અને તુર્કો વચ્ચેના આંતરવિગ્રહને કારણે નિકોસિયાથી અગ્નિખૂણે 21 કિમી. અંતરે આવેલા લારનાકા ખાતે નવું આંતરરાષ્ટ્રીય વિમાની મથક બાંધવામાં આવ્યું છે.
ઇતિહાસ : નિકોસિયાનો પ્રથમ ઉલ્લેખ ઈ. સ. પૂર્વે સાત સૈકા જેટલો પ્રાચીન છે. ચોથી સદીથી સાયપ્રસના સ્વાયત્ત ગ્રીક ઑર્થોડૉક્સ ચર્ચનું તે મથક છે. ઈ. સ. 330–1191 દરમિયાન તે બાયઝેન્ટીન રાજ્ય અંતર્ગત હતું. 1192–1489 દરમિયાન લુસીગનન રાજાઓ અહીં રાજ્ય કરતા હતા. તેરમી સદીમાં તેમણે શહેરને ફરતો કોટ બંધાવ્યો હતો, સેન્ટ સોફિયાના દેવળનું બાંધકામ પણ હાથ ધરાયું હતું, જે 1325માં પૂર્ણ થયું હતું. તુર્ક શાસન દરમિયાન સુલતાન સલીમના સમયમાં 1571માં તે મસ્જિદમાં ફેરવાયું હતું. 1373માં જેનોઆ(ઇટાલી)એ અને 1426માં મામલુક વંશના સુલતાને નિકોસિયા પર ચડાઈ કરી હતી. 1489થી 1571 સુધી તે વેનિસને તાબે હતું. તેના શાસન દરમિયાન પંદરમી સદીમાં શહેરને ફરતા કોટનું વિસ્તરણ કરવામાં આવેલું. 1571થી 1878 સુધી તે તુર્કોના કબજામાં હતું. 1878માં તુર્કો પાસેથી બ્રિટિશ સરકારે સાયપ્રસનો કબજો મેળવ્યો હતો અને 1960 સુધી તે બ્રિટિશ સત્તા હેઠળ રહેલું. 1960માં તે સાયપ્રસના સ્વતંત્ર રાજ્યનું પાટનગર બન્યું. 1974માં તુર્કસ્તાનની દરમિયાનગીરીને કારણે સાયપ્રસના ભાગલા પડ્યા. નિકોસિયાનો ઉત્તર તરફનો ભાગ અને આંતરરાષ્ટ્રીય વિમાની મથક યુનાઇટેડ નેશન્સના નેજા નીચે છે. તુર્ક હકૂમતના ઉત્તર ભાગમાંથી 35,000 ગ્રીક નિર્વાસિતોએ નિકોસિયામાં આશ્રય લીધેલો છે.
નિકોસિયામાં પ્રાચીન અવશેષો ધરાવતું સંગ્રહસ્થાન, પ્રાચીન મસ્જિદ, શહેર ફરતો કોટ, કિલ્લો વગેરે પ્રવાસીઓ માટેનાં આકર્ષણ સ્થળો છે. 2020 મુજબ આ શહેરની વસ્તી 2.44 લાખ જેટલી હતી. તેમ જ સાઉથ કેપિટલ સીટીની વસ્તી 55,014; નૉર્થ કેપિટલ સીટીની વસ્તી 61,378; સાઉથ અર્બનની વસ્તી 2,44,200 જ્યારે નૉર્થ અર્બનની વસ્તી 82,539 (2020) હતી.
નિકોસિયા નામનું બીજું એક નગર ભૂમધ્ય સમુદ્રના મધ્યભાગમાં ઇટાલીના સિસિલી ટાપુમાં આવેલું છે. ભૌગોલિક સ્થાન : 37° 45´ ઉ. અ. અને 14° 24´ પૂ. રે..
શિવપ્રસાદ રાજગોર