નિકોલે, ચાર્લ્સ જુલ્સ હેન્રી

January, 1998

નિકોલે, ચાર્લ્સ જુલ્સ હેન્રી (જ. 21 સપ્ટેમ્બર 1866, ફ્રાન્સ; અ. 28 ફેબ્રુઆરી 1936, ટ્યૂનિસ) : ફ્રેન્ચ તબીબ અને સૂક્ષ્મજીવવિદ (microbiologist). ‘ટાયફસ’ નામના રોગના અભ્યાસ માટે તેમને 1928નું તબીબી વિદ્યા અને શરીરક્રિયાશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. તેઓ 1903–1932 સુધી ટ્યૂનિસની પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટના નિયામક હતા. તેમણે રૉ (Roux) સાથે પૅરિસમાં કામ કર્યું હતું. તેમણે ટાયફસ ઉપરાંત ઉટાંટિયું, ઓરી, નેત્રખીલ (trachoma) તથા ઇન્ફ્લુએન્ઝા પર પણ કામ કર્યું હતું. તેઓ ટાયફસના તાવના રોગચાળા-(epidemic)નો અભ્યાસ કરીને નોબેલ પારિતોષિક વિજેતા થયા હતા.

ચાર્લ્સ જુલ્સ હેન્રી નિકોલે

ટાયફસ રિકેટ્શીઆ પ્રકારના ચેપકારક સૂક્ષ્મજીવોથી થાય છે અને તેનાથી થતા મૃત્યુનું તે સમયે પ્રમાણ 10 % થી 70 % હતું. રિકેટ્શીઆના સૂક્ષ્મજીવો જીવાણુ(bacteria)થી નાના હોય છે, પરંતુ વિષાણુ (virus) કરતાં તે મોટા હાય છે. તેથી તેમનું ઓળખાવાનું અઘરું હતું. તેમણે દર્શાવ્યું કે આ રોગના દર્દી હૉસ્પિટલમાં દાખલ થાય તે પહેલાં ચેપી રહેતા, પરંતુ દાખલ થયેલા દર્દી બીજાને ચેપનો ફેલાવો કરતા નથી. તેમણે તેના પરથી તારણ કાઢ્યું કે જ્યારે પહેરવાનાં કપડાંને બદલી નાખીને તેમને સાફ કરવામાં આવતાં ત્યારે ચેપ ફેલાવાની પ્રક્રિયા અટકી જતી. તેને આધારે શરીર પરની જૂ આ ચેપનું વહન કરે છે તેવું એમણે તારણ કાઢ્યું. તેમણે વાંદરા પરના પ્રયોગો પરથી દર્શાવ્યું કે જૂ લોહી પીવા ડંખ મારે ત્યારપછી જ ચેપવાહક બને છે, અને તેના મળ (વિષ્ટા) દ્વારા ચેપ ફેલાય છે. 1909ના આ સંશોધન પછી જૂ અને તેના દ્વારા ટાયફસના નિયંત્રણનો વ્યાપક કાર્યક્રમ અમલમાં આવ્યો. ટાયફસ, ઓરી અને ઇન્ફ્લુએન્ઝાના રોગમાંથી મુક્ત થયેલાઓના શરીરમાં તે રોગ સામેનાં પ્રતિદ્રવ્યો (antibodies) હોય છે અને કેટલીક વ્યક્તિઓ ત્યારબાદ તે રોગના સૂક્ષ્મજીવો કાયમી રીતે ધારણ કરે છે, તેને આધારે તેમણે પ્રતિરક્ષા (immunity) અંગેની સમજ અને ચેપધારકતા (carrier state) વિશે ઉપયોગી માહિતી આપી હતી.

શિલીન નં. શુક્લ