નિકોટીન : તમાકુનાં સૂકવેલાં પાંદડાંઓમાંથી મેળવાતું પ્રવાહી આલ્કેલૉઇડ. નિકોટિઆના ટેબેકમ તથા નિકોટિઆના રસ્ટિકામાં તે 2 % થી 8 % પ્રમાણમાં સાઇટ્રેટ કે મેલેટ લવણો તરીકે હોય છે. સિગારેટના અવશિષ્ટ(wastes)માંથી તેનું નિષ્કર્ષણ કરી શકાય છે. રાસાયણિક રીતે તે (S) – 3 – (1 – મિથાઇલ – 2 – પાયરોલીડીનાઇલ) પિરીડીન C10H14N2 છે. તેનું બંધારણીય સૂત્ર નીચે દર્શાવ્યું છે :
તે રંગવિહીનથી અંબર રંગનું પ્રવાહી છે તથા ઝડપથી હવામાંથી ભેજ શોષી શકે છે. નિકોટીનની વાસ તીવ્ર તમાકુ જેવી હોય છે. તથા તે સ્વાદે ખૂબ કડવું (bitter) તથા જીભ બળે તેવા સ્વાદવાળું હોય છે. વાતાવરણના દબાણે નિસ્યંદન કરીએ (247° સે.) તો તે ધીરે ધીરે વિઘટન પામે છે; પરંતુ શૂન્યાવકાશમાં તેનું નિસ્યંદન સરળ છે. (ઉ. બિં. 123° થી 125° સે. / 15 થી 20 મિમી. દબાણે 2.0 – 2.7 કિ.પા.). તેનું ઘટત્વ 1.0097 (20° સે.એ) છે. તે વામભ્રમણીય છે.
પાણી, આલ્કોહૉલ, ઈથર, કેરોસીન વગેરેમાં સુદ્રાવ્ય છે. ખનિજ ઍસિડ સાથે તે લવણ બનાવે છે. નિકોટીન સલ્ફેટના સ્ફટિકો ષટ્કોણીય હોય છે, જે પાણીમાં તથા આલ્કોહૉલમાં દ્રાવ્ય છે.
નિકોટીન ખૂબ વિષાળુ છે. તેની વિષાળુ અસરને લીધે ઊલટી થવી, આંતરડાં તથા મૂત્રાશયમાંથી સ્રાવ થવો, માનસિક ધૂંધળાપણું અને આંચકી આવવી વગેરે જોવા મળે છે. તેની મારક માત્રા (મોં વાટે) શરીરના દર કિગ્રા. વજનદીઠ 50થી 60 મિગ્રા. છે.
નિકોટીનિક ઍસિડ તથા નિકોટીનામાઈડ હવે નિકોટીનમાંથી ન બનાવાતાં સંશ્લેષણ દ્વારા બનાવવામાં આવે છે.
તમાકુના ભૂકાને ચૂનાના પાણીમાં ભેળવી નિસ્યંદન કરીને મળતા દ્રાવણનું ઈથર નિષ્કર્ષણ કરી, તેનું નિસ્યંદન કરતાં નિકોટીન મળી શકે.
નિકોટીન મુખ્યત્વે કૃષિવિષયક જંતુઘ્ન તરીકે તથા ધૂમક (fumigant) તરીકે વપરાય છે.
જગદીશ જ. ત્રિવેદી