નાસા (National Aeronautics and Space Administration – NASA)
January, 1998
નાસા (National Aeronautics and Space Administration – NASA) : અમેરિકાના વિવિધ અંતરિક્ષ કાર્યક્રમોનું સંચાલન કરવાના હેતુથી ઑક્ટોબર, 1958માં સ્થાપિત કરવામાં આવેલી સંસ્થા. તેના જુદા જુદા અંતરિક્ષ કાર્યક્રમોનું સંચાલન નીચેની સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે :
(1) મુખ્ય કાર્યાલય, વૉશિંગ્ટન ડી.સી. (છ પેટાકાર્યાલયો દ્વારા વિવિધ અંતરિક્ષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે).
(2) નાસા એઈમ્સ ડ્રાયડેન ફ્લાઇટ રિસર્ચ ફૅસિલિટી તથા એડ્વડર્ઝ ઍરફોર્સ બેઈઝ, કૅલિફૉર્નિયા (વૈમાનિક સંશોધન, કમ્પ્યૂટરવિજ્ઞાન, અંતરિક્ષ-જીવવિજ્ઞાન).
(3) ગૉડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટર, ગ્રીનબેલ્ટ, મૅરીલૅન્ડ (હવામાનવિજ્ઞાન, સંદેશાવ્યવહાર તથા વૈજ્ઞાનિક સંશોધન માટેના ઉપગ્રહો).
(4) જેટ પ્રૉપલ્ઝન લૅબોરેટરી, પાસાડેના, કૅલિફૉર્નિયા (આંતરગ્રહીય અંતરિક્ષયાનો).
(5) જૉનસન સ્પેસ સેન્ટર, હ્યુસ્ટન, ટેક્સાસ (સમાનવ અંતરિક્ષ ઉડ્ડયન, અંતરિક્ષયાત્રીઓની તાલીમ).
(6) કૅનેડી સ્પેસ સેન્ટર, ફ્લોરિડા (પ્રમોચન સુવિધા).
(7) લૅન્ગલી રિસર્ચ સેન્ટર, હૅમ્પટન, વર્જિનિયા (ઉચ્ચ વૈમાનિકી તથા દ્રવ્યવિજ્ઞાન અંગે સંશોધન).
(8) લુઈ રિસર્ચ સેન્ટર, ક્લીવલૅન્ડ, ઓહાયો (અંતરિક્ષ વિદ્યુત-ઊર્જા, પ્રમોચનતંત્ર અંગે સંશોધન).
(9) માર્શલ સ્પેસ ફ્લાઇટ સેન્ટર, હન્ટ્સવિલા, આલાબામા (પ્રમોચન વાહનોનો વિકાસ, અંતરિક્ષવિજ્ઞાન).
(10) સ્ટેનિસ સ્પેસ સેન્ટર, મિસિસિપી (ભારે પ્રમોચન-વાહનોનું સ્થિર પરીક્ષણ).
(11) વૉલપ્સ ફ્લાઇટ ફૅસિલિટી, વૉલપ્સ ટાપુ, વર્જિનિયા (પરિજ્ઞાપી રૉકેટ માટે પ્રક્ષેપણ સુવિધા, વૈજ્ઞાનિક હેતુ માટે બલૂન-પ્રયોગોની સુવિધા).
(12) વ્હાઈટ સૅન્ડ્ઝ ટેસ્ટ ફૅસિલિટી, ન્યૂ મેક્સિકો (ઈંધણ અને રૉકેટ એન્જિનોનું પરીક્ષણ).
પરંતપ પાઠક