નાસર, જમાલ અબ્દેલ (જ. 15 જાન્યુઆરી 1918, ઍલેક્ઝાન્ડ્રિયા; અ. 28 સપ્ટેમ્બર 1970, કૅરો, ઇજિપ્ત) : ઇજિપ્શિયન મુત્સદ્દી, ઇજિપ્શિયન રાષ્ટ્રવાદના અગ્રણી અને આરબ રાષ્ટ્રવાદના સૌથી વધુ પ્રભાવક સમર્થક. ફેલાહીન (ખેડૂતો) સાથેના સંબંધને ઉપસાવવા માટે સરકારી પ્રકાશનોમાં નાસરનો જન્મ બેની મૂર ખાતે થયો હતો તેમ દર્શાવવામાં આવતું રહ્યું. બેની મૂર નાસરના વડવાઓનું ગામ હતું. નાસરના પિતા ઍલેક્ઝાન્ડ્રિયાની સ્થાનિક પોસ્ટ-ઑફિસનો વહીવટ સંભાળતા હતા. નાસરે પ્રાથમિક શિક્ષણ અલખતાતિબાહ ખાતે મેળવ્યું. ત્યારબાદ તે કૅરો ખાતે પોતાના કાકા સાથે રહેવા ગયા.
શિક્ષકો – મુખ્યત્વે બ્રિટિશ શિક્ષકો સાથે સતત સંઘર્ષમાં આવતા નાસરે અનેક બ્રિટિશવિરોધી પ્રદર્શનોમાં ભાગ લીધો. આવા એક પ્રદર્શનમાં નાસરને કપાળ પર ઈજા થઈ જેનો ડાઘ આજીવન રહ્યો હતો. માધ્યમિક શાળા પછી તે કાયદાની કૉલેજમાં અને ત્યાંથી ‘રૉયલ મિલિટરી એકૅડેમી’માં દાખલ થયા (1938). અહીંયાં તેઓ ‘સેકન્ડ લેફ્ટનન્ટ’ તરીકે સ્નાતક થયા.
સુદાનમાં ઇજિપ્શિયન સેનાની સેવા દરમિયાન નાસરની મુલાકાત ત્રણ સાથી અધિકારીઓ સાથે થઈ : ઝકરિયા મોહિયુદ્દીન (યુનાઇટેડ આરબ રિપબ્લિકના પ્રમુખ), અબ્દેલ હકીમ અમેર (ફિલ્ડમાર્શલ) અને અનવર સાદાત, જે પ્રમુખ તરીકે નાસરના અનુગામી બન્યા. ત્રણેએ ‘ફ્રી ઑફિસર્સ’ નામના ગુપ્ત ક્રાંતિકારી સંગઠનની યોજના કરી (1948). આ સંગઠનની રચનાની જાણકારી માત્ર નાસરને જ હતી. આ સંગઠનનો હેતુ સાંસ્થાનિક અવશેષ જેવાં બ્રિટિશ આધિપત્ય અને ઇજિપ્શિયન રાજાશાહીને નાબૂદ કરવાનો હતો. 1948માં નાસરને ઇઝરાયલના નવા રાજ્ય વિરુદ્ધ નિષ્ફળ યુદ્ધ લડવા માટે નેગીવ મોકલવામાં આવ્યા હતા. અહીંયાં ‘ફ્રી ઑફિસર્સ’ની પ્રથમ બેઠક યોજી.
23 જુલાઈ, 1952ના રોજ નાસર અને 89 ‘ફ્રી ઑફિસરો’એ લોકપ્રિય જનરલ મહમંદ નજીબને નેતા તરીકે આગળ રાખીને રક્તહીન બળવો કર્યો અને રાજાશાહીને નાબૂદ કરી. સાદાતનો મત રાજા ફારૂકનો જાહેરમાં શિરચ્છેદ કરવાનો હતો. પરંતુ નાસરે તેનો ઇન્કાર કરીને રાજા ફારૂક તથા અન્ય લોકોને દેશ છોડી જવાની પરવાનગી આપી. નાસરના નેતૃત્વ નીચે 11 સભ્યોની રેવૉલ્યૂશનરી કમાન્ડ કાઉન્સિલે દેશનો કારોબાર સંભાળી લીધો. જનરલ મહંમદ નજીબને રાજ્યાધ્યક્ષ બનાવવામાં આવ્યા, પરંતુ લશ્કરી શાસનમાં વર્ચસ્ તો નાસરનું જ હતું. નાસરે પોતાની સાચી ભૂમિકાને એવી તો ગુપ્ત રાખી હતી કે વર્ષ સુધી વિદેશી પત્રકારોને પણ તેની ગંધ ન આવી. 1954માં અનેક આંટીઘૂંટીવાળા કાવાદાવાઓને પગલે નજીબને પદભ્રષ્ટ કરવામાં આવ્યા. નાસર વડા પ્રધાન બન્યા. આ જ વર્ષે ઍલેક્ઝાન્ડ્રિયા ખાતે એક જાહેર સભાને સંબોધતા નાસર પર એક ઝનૂનીએ હુમલો કર્યો. ‘મુસ્લિમ બ્રધરહુડ’ નામના આતંકવાદી આરબ ધાર્મિક સંગઠને આ હુમલા માટેનો હુકમ કર્યો હતો તેવું તપાસમાં બહાર આવતાં નાસર ‘મુસ્લિમ બ્રધરહુડ’ પર તૂટી પડ્યા.
જાન્યુઆરી, 1956માં નાસરે ઇજિપ્તના સમાજવાદી બંધારણની જાહેરાત કરી, જેના અન્વયે ઇજિપ્ત એકપક્ષીય રાજ્યપ્રથા તથા ઇસ્લામને સત્તાવાર ધર્મ તરીકે ધરાવતું સમાજવાદી આરબ રાજ્ય બન્યું. જૂન, 1956માં 50,00,000 ઇજિપ્શિયન મતદારોએ નાસરને પોતાના પ્રમુખ તરીકે ચૂંટ્યા. આ ચૂંટણીમાં નાસર એકમાત્ર ઉમેદવાર હતા. 99.8 % મતદારોએ બંધારણ પર મંજૂરીની મહોર મારી.
નાસરના હાથમાં વાસ્તવિક અંકુશ આવતાં ઇજિપ્તનું ભાવિ ઉજ્જ્વળ લાગ્યું. યુદ્ધસામગ્રી માટે ચેકોસ્લોવાકિયા સાથે ગુપ્ત સમજૂતી સાધવામાં આવી. આસ્વાન બંધના પ્રથમ તબક્કા માટે બ્રિટન અને ફ્રાન્સે નાણાકીય મદદની ખાતરી આપી. પરંતુ 20 જુલાઈ, 1956ના રોજ અમેરિકન સેક્રેટરી ઑવ્ સ્ટેટ્સ જૉન ફૉર્સ્ટર ડલેસે અમેરિકન પ્રસ્તાવ રદ કર્યો. બીજા દિવસે બ્રિટન આને અનુસર્યું. આના પ્રત્યાઘાત રૂપે નાસરે સૂએઝ નહેરનું રાષ્ટ્રીયકરણ કર્યું અને જાહેર કર્યું કે પાંચ વર્ષના ગાળામાં ઉઘરાવવામાં આવનાર લાગાની રકમમાંથી આસ્વાન બંધનું કાર્ય પૂરું થશે. 29 ઑક્ટોબરના રોજ પુત્રની જન્મતિથિ ઊજવતા નાસરને ઇઝરાયલી સેનાએ સિનાઈ દ્વીપકલ્પ પર હુમલો કર્યો છે એવા સમાચાર મળ્યા. બે દિવસ પછી ઇંગ્લૅન્ડ તથા ફ્રાન્સનાં લડાયક વિમાનોએ ઇજિપ્તનાં હવાઈ મથકો પર હુમલા કર્યા. આ યુદ્ધમાં ઇઝરાયલે સિનાઈ વિસ્તારો કબજે કર્યા તથા ઇજિપ્શિયન હવાઈ દળનો ખાતમો બોલાવી દીધો. આમ છતાં આ ટૂંકા યુદ્ધે નાસરની પ્રતિભાને ઝાંખી ન પાડી. તે સમગ્ર આરબ જગતના નેતા બની રહ્યા.
‘ફિલૉસૉફી ઑવ્ ધ રેવૉલ્યુશન’ (1954) નામના પોતાના પુસ્તકમાં નાસરે કરોડો આરબો, આફ્રિકનો અને મુસલમાનોના નેતા બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. 1958માં ઇજિપ્ત તથા સીરિયાએ સંયુક્ત આરબ પ્રજાસત્તાકની સ્થાપના કરી. આની પાછળ નાસરને એવી અપેક્ષા હતી કે ભવિષ્યમાં તેમાં તમામ આરબ રાષ્ટ્રો જોડાશે, પરંતુ કમનસીબે 1961માં સીરિયા આ જોડાણમાંથી ખસી ગયું. આમ છતાં ઇજિપ્તે પોતાને સંયુક્ત આરબ પ્રજાસત્તાક તરીકે ઓળખાવવાનું ચાલુ રાખ્યું. નાસરની સ્વપ્નસિદ્ધિની આ મહત્તમ સીમા હતી.
નાસરની અન્ય સિદ્ધિઓમાં આસ્વાન બંધની પરિપૂર્ણતાનો સમાવેશ થાય છે. સોવિયેત મદદથી પૂરો થયેલો આસ્વાન બંધ 1968માં કાર્યાન્વિત થયો. ઘણાં ગામો આધુનિકતાનો ઓપ પામ્યાં. ઔદ્યોગિકીકરણની માત્રામાં વધારો થયો. જમીનસુધારણાને લીધે કોઈ પણ વ્યક્તિ 100 ફેદાન (420.888 ચોકિમી.) કરતાં વધારે જમીન ધરાવી શકતી નહીં. વધારાની (2,428.2 ચોકિમી.) જમીન જમીનદારો પાસેથી આંચકી લઈને જરૂરિયાતવાળા ખેડૂતોને આપવામાં આવી. ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમુક અંશે સફળ ગણાય એવી ચળવળ પણ શરૂ કરવામાં આવી હતી. સ્ત્રીઓને વધુ અધિકારો બક્ષવામાં આવ્યા. અગાઉ ઇજિપ્તમાં ઇટાલિયનો, ગ્રીકો, ફ્રેંચો અને બ્રિટિશરો મહત્વનાં રાજકીય અને આર્થિક સ્થાનો ધરાવતા હતા તે સ્થાનો હવે દેશના મધ્યમ વર્ગના લોકોને હસ્તક આવ્યાં. સહુ વિદેશીઓને નાસરે દેશ છોડી જવા પ્રોત્સાહિત કર્યા. વિરોધીઓ, સામ્યવાદીઓ, યહૂદીઓ, જૂના રાજકીય પક્ષો, પ્રતિસ્પર્ધી લશ્કરી ટોળકીઓ, જમીનદારો તથા નજીબના ટેકેદારોની સંયુક્ત શક્તિ સામે ઇજિપ્તમાં 18 વર્ષ સુધી મહત્વના રાજકીય નેતા તરીકે ટકી રહેવું એ જ નાસરની મોટી સિદ્ધિ ગણાય. મે, 1962માં નાસરે ઇજિપ્ત માટેના રાજકીય, આર્થિક અને સામાજિક વિકાસની યોજના જાહેર કરી. આ વિકાસ ‘આરબ સમાજવાદ’ના સિદ્ધાંતોને આધારે હાંસલ કરવાનો હતો, જેના અન્વયે ધર્મનો સત્તાવાર રીતે સ્વીકાર કરવામાં આવ્યો. જોકે અર્થતંત્રમાં વિશાળ જાહેર ક્ષેત્રની જોગવાઈ રાખવામાં આવી હતી, પરંતુ તેને લીધે ઉત્પાદનનાં તમામ સાધનોનું રાષ્ટ્રીયકરણ જરૂરી ન હતું.
નાસરના શાસનની નકારાત્મક બાજુઓનો ઉલ્લેખ કરીએ તો નાસરે ઇજિપ્તને એક પોલીસ રાજ્ય બનાવી દીધું હતું, જેમાં ટપાલો ખોલવામાં આવતી, આમ પ્રસારનાં સાધનો પર ચુસ્ત અંકુશ અને શિસ્ત લાદવામાં આવેલાં હતાં. મુખ્ય વર્તમાનપત્રોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. ટેલિફોન ટૅપ કરવામાં આવતા તથા મુલાકાતીઓના ઓરડાઓની તપાસ કરવામાં આવતી હતી. પાશ્ચાત્ય અર્થમાં ઇજિપ્તમાં રાજકીય લોકશાહી અસ્તિત્વ ધરાવતી ન હતી. હોદ્દાઓ માટે એક જ પક્ષના ઉમેદવારોની વરણી નાસર દ્વારા કરવામાં આવતી. રાજકીય હરીફો અને વિરોધીઓને રણમાં ઊભી કરવામાં આવેલ છાવણીઓમાં ધકેલી દેવામાં આવતા. સામાન્ય ખેડૂતો(ફેલાહીન)ની જીવનની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો ન હતો. ઊંચો જન્મદર જીવનસ્થિતિ સુધારવાના પ્રયાસોને નાકામયાબ બનાવી દેતો હતો.
વિદેશનીતિના ક્ષેત્રે નાસરે યુગોસ્લાવિયાના માર્શલ ટીટો તથા ભારતના પંડિત જવાહરલાલ નેહરુ સાથે હાથ મિલાવીને ‘બિનજોડાણની અથવા વિધેયાત્મક તટસ્થતા’ની નીતિનું સમર્થન અને પ્રબોધન કર્યું. 1955માં એશિયા અને આફ્રિકાના દેશોની બાન્ડુંગ પરિષદે નાસરને આંતરરાષ્ટ્રીય નેતાની હરોળમાં બેસાડી દીધા.
અલબત, નાસરનું જાહેર જીવન સંકુલ અને ક્રાંતિકારી હતું, તોપણ તેમના ખાનગી જીવનમાં તેઓ રૂઢિચુસ્ત અને સાદા હતા. સત્તાના એકાકીપણાથી તેઓ પરિચિત હતા. તેમનું વ્યક્તિત્વ હૂંફાળું અને આનંદદાયી હતું. આધુનિક યુગના કોઈ પણ અન્ય આરબ નેતાએ નાસર જેટલી લોકચાહના પ્રાપ્ત કરી નથી. ઇજિપ્ત માટે વિનાશકારી પરિણામો લાવનાર બે યુદ્ધોમાં થયેલા પરાજય છતાં આ સંમોહક વ્યક્તિત્વ ધરાવતા આરબ નેતાની જાહેર છબી ધૂંધળી બની ન હતી. આમ છતાં તમામ આરબ દેશોને એક કરવાની તેમની મહેચ્છા અધૂરી રહી.
નાસરે ઇઝરાયલ સાથે શાંતિસંધિની અમેરિકાની કામચલાઉ યોજના સ્વીકારી હતી. આ સમયે (1970માં) હૃદયરોગના હુમલાનો તેઓ ભોગ બન્યા.
નવનીત દવે