નાલગોંડા : દક્ષિણ ભારતના તેલંગાણા રાજ્યનો જિલ્લો, જિલ્લામથક અને શહેર.
ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 17 ઉ. અ. અને 79 પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેની પૂર્વે સૂર્યાપેટ, અગ્નિએ આંધ્રપ્રદેશ રાજ્ય, દક્ષિણે નાગરકૂર્નુલ, પશ્ચિમે રંગારેડ્ડી અને વાયવ્યે યાદારીભુવનગિરિ જિલ્લા સીમા રૂપે આવેલ છે. આ જિલ્લાની દક્ષિણે વહેતી નદીઓમાં કૃષ્ણા નદી અને પૂર્વે સૂર્યાપેટ જિલ્લાની સીમા રૂપે વહેતી મૂસી નદી મુખ્ય છે. આ સિવાય અલેરુ, પેડ્ડાવાગુ, ડીંડી, હલીઆ અને પેલેરુ છે. સમુદ્રની સપાટીથી આ જિલ્લો સરેરાશ 400 મીટરની ઊંચાઈ ધરાવે છે.
અર્થતંત્ર : આ જિલ્લાની મોટા ભાગની જમીન લાલ રંગની, પરંતુ કાંપવાળી, રેતાળ અને ફળદ્રૂપ છે. સમુદ્રકિનારાથી આ જિલ્લો અંતરિયાળ હોવાથી આબોહવા પ્રમાણમાં ખંડસ્થ કહી શકાય. મે માસમાં મહત્તમ તાપમાન 46 સે. જ્યારે જાન્યુઆરીમાં લઘુતમ તાપમાન આશરે 17 સે. રહે છે. જ્યારે વર્ષાઋતુમાં સરેરાશ વરસાદ 1000 મિમી. જેટલો પડે છે.
મોટે ભાગે અહીં લોકોનો મુખ્ય ધંધો ખેતી છે. અહીં ખેતીનો આધાર નદીઓ, સરોવરો, તળાવ અને કૅનાલ ઉપર અવલંબિત છે. વરસાદ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય તો ખેતીને વધુ પ્રોત્સાહન મળે છે. ખેતી સાથે પશુપાલન પ્રવૃત્તિ પણ નભે છે. અહીં મુખ્યત્વે ડાંગર, કપાસ, શેરડી, મગફળી, બાજરી અને હલકાં તૃણધાન્યોની ખેતી થાય છે. જિલ્લાની દક્ષિણે નાગાર્જુનસાગર ડૅમ આવેલો છે, જેને પરિણામે તેના પાણીનો ઉપયોગ કૅનાલ દ્વારા થતી ખેતી માટે થાય છે. કેટલાક વિસ્તારમાં કૂવા દ્વારા ભૂગર્ભજળ મેળવીને ખેતી કરવામાં આવે છે. શહેરોની નજીકના વિસ્તારમાં શાકભાજીની પણ ખેતી લેવાય છે.
ગ્રામ્ય વિસ્તારોમાં હૅન્ડલૂમ કાપડ, ખાદી વગેરેને લગતા કુટિરઉદ્યોગો પણ કાર્યરત છે. 2006ના વર્ષમાં આ જિલ્લાને તેલંગાણા રાજ્યનો સૌથી પછાત જિલ્લો ગણાતો હોવાથી કેન્દ્રસરકાર તરફથી ‘Backward Regions Grand Fund Programme’ હેઠળ આર્થિક સહાય મળી હતી.
પરિવહન : અહીં રાજ્યપરિવહનની બસો અને ખાનગી બસોની સુવિધા છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 565 અને 65 પસાર થાય છે. તેમજ રાજ્ય ધોરી માર્ગ નં. 2 અને 18નો પણ લાભ મળ્યો છે. નાલગોંડા શહેર ખાતે નાલગોંડા રેલવેસ્ટેશન આવેલું છે.
વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 7,122 ચો.કિમી. છે. જ્યારે વસ્તી (2011 મુજબ) 16,18,416 છે. સાક્ષરતાનું પ્રમાણ 65.05% છે, જ્યારે સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 978 છે. પછાત જાતિ અને આદિવાસી જાતિની ટકાવારી અનુક્રમે જોઈએ તો 18.10% અને 12.93% છે. મોટે ભાગે અહીં મહત્તમ બોલાતી ભાષામાં તેલુગુ 81.75% છે. આ સિવાય લંબાડી 11.91% અને ઉર્દૂ 5.51% બોલાય છે. હિન્દુઓનું પ્રમાણ 92.70% છે. તે સિવાય મુસ્લિમ 5.82% અને ક્રિશ્ચિયનો 1.04% પણ વસે છે.
વહીવટી સાનુકૂળતા માટે આ જિલ્લાને 31 મંડળોમાં વહેંચેલ છે. જે રાજ્યમાં સૌથી વધુ મંડળો છે. મુખ્ય શહેરો નાલગોંડા અને મીરયાલાગુડા (Miryalaguda) છે. નગરોની સંખ્યા ચાર છે. જિલ્લામાં વીજળીની સુવિધા રહે તે માટે તેલંગાણા સ્ટેટ પાવર પ્લાન્ટ ઊભો કરાયો છે. વીરાપાલેમ ખાતે 4000 મૅગાવૉટની ક્ષમતા ધરાવતો તાપવિદ્યુત પ્રકલ્પ ઊભો થઈ રહ્યો છે.
અહીં જોવાલાયક સ્થળોમાં કુરમાગીરી નરસિમ્હા સ્વામી ટેમ્પલ, લતીફસાહેબ હિલ, શ્રી ચાપા સોમેશ્વર ટેમ્પલ, ઉદય સમુદ્રમ્ (Lake), ચેરુવુગટ્ટુ શિવાલયમ્ અને દેવરાકોન્ડા ફોર્ટનો સમાવેશ થાય છે.
નાલગોંડા (શહેર) : નાલગોંડા જિલ્લાનું જિલ્લામથક અને શહેર.
તે 17 5´ ઉ. અ. અને 79 2´ પૂ. રે. પર આવેલું છે. સમુદ્રની સપાટીથી 260 મીટરની ઊંચાઈએ છે. તેનો વિસ્તાર 105 ચો.કિમી. જ્યારે વસ્તી (2011 મુજબ) 1,65,328 છે. ઉનાળામાં સરેરાશ તાપમાન 41 સે., શિયાળાનું સરેરાશ તાપમાન 30 સે. જેટલું રહે છે. વર્ષાઋતુમાં વરસાદ 700 મિમી. જેટલો પડે છે. આ શહેરના દક્ષિણ ભાગમાં હલીઆ નદી વહે છે.
ખેતપેદાશોનું મુખ્ય બજાર છે. ડાંગર છડવાની અને તેલીબિયાં પીલવાની મિલો આવેલી છે. દૂધ અને દૂધની આડપેદાશોનું મુખ્ય વેચાણકેન્દ્ર છે. અહીં કમ્પ્યૂટર અને IT ક્ષેત્રના એકમો ઊભા થઈ રહ્યા છે.
આ શહેર પાકા રસ્તા અને રેલમાર્ગોનું કેન્દ્ર છે. જિલ્લાનાં શહેરો અને મંડળોને સાંકળતા રસ્તામાર્ગો આવેલા છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ 565, 65 આ શહેરને સાંકળે છે. રાજ્યના ધોરી માર્ગો નં. 2 અને 18 શહેરમાંથી પસાર થાય છે. તેલંગાણા રાજ્ય પરિવહનની બસો જિલ્લા અને રાજ્યનાં અન્ય જિલ્લામથકોને સાંકળે છે. ખાનગી બસોની પણ સગવડ છે. દક્ષિણ મધ્ય રેલમાર્ગ વિભાગનું આ મહત્ત્વનું સ્ટેશન છે. આ સ્ટેશન ગુંટુર રેલ વિભાગમાં આવે છે.
અહીં જોવાલાયક સ્થળોમાં મારુતિ મંદિર, કોલાનુપાકા મંદિર, જૈન મંદિર છે. આ સિવાય નાગાર્જુન સાગર ડૅમ, ગોવાથમા બૌદ્ધ મ્યુઝિયમ, ભુવાનાનગિરિ ફોર્ટ, પનાગાલુ સોમેશ્વર મંદિર તેમજ અનેક મુસ્લિમ સ્થાપત્યો અહીં આવેલાં છે. આ શહેરથી 65 કિમી. દૂર યાદગિરિગુટ્ટા નામનું પ્રવાસનધામ આવેલું છે.
મોટે ભાગે અહીં વસવાટ કરતી વસ્તીમાં હિન્દુઓનું પ્રમાણ અધિક છે. સાક્ષરતાનું પ્રમાણ 86.83% છે. પુરુષોનું પ્રમાણ 92.41% જ્યારે મહિલાઓનું પ્રમાણ 80.73% છે.
અહીં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનું કેન્દ્ર છે. જેઓ તેલુગુ, ઉર્દૂ અને અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપે છે. આર્ટ્સ, કૉમર્સના વિષયોનું શિક્ષણ આપતી કૉલેજો આવેલી છે. તદુપરાંત એન્જિનિયરિંગ, મેડિસિન, ફાર્મસી કૉલેજો અને વ્યવસાયલક્ષી શિક્ષણ આપતી સંસ્થાઓ આવેલી છે. રાજ્યસરકાર દ્વારા સંચાલિત શાળા/કૉલેજો આવેલી છે. નાગાર્જુન ગવર્નમેન્ટ ડિગ્રી કૉલેજ, કામેનેની ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ, મહાત્મા ગાંધી યુનિવર્સિટી, ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ પણ આવેલી છે.
પ્રાચીન સમયના એટલે કે પથ્થરયુગના લોકોનાં વપરાશી હથિયારો અહીં પ્રાપ્ત થયાં છે. ઈ. સ. પૂર્વે 230-218ના સમયમાં મૌર્યોનું શાસન હતું. ઈ. સ. 227-306ના સમયમાં ઇક્ષ્વાકુનું સામ્રાજ્ય હતું, ત્યારબાદ અહીં પલ્લવાસ અને યાદવોનું શાસન હતું. આશરે ચોથી સદીમાં ગુપ્તવંશના રાજવીઓનું સામ્રાજ્ય હતું. છઠ્ઠી સદીમાં તેમની પડતી થઈ. ત્યારબાદ ચાલુક્યનું સામ્રાજ્ય સ્થપાયું. 14મી સદીમાં તઘલકનું સામ્રાજ્ય સ્થપાયું. 1455માં જલાલખાને પોતાને નાલગોંડાના રાજા તરીકે જાહેર કર્યા. 1687માં કુતુબશાહીએ પ્રભુત્વ સ્થાપ્યું. 200 વર્ષ સુધી નિઝામે તેલંગાણા પર વર્ચસ્વ ટકાવ્યું હતું.
ગિરીશ ભટ્ટ
નીતિન કોઠારી