નાર્થેક્સ : ચર્ચની આગળની લાંબી સાંકડી પરસાળ. તેની રચના સ્તંભો વડે કરાતી. તેનો ઉપયોગ પ્રવેશમંડપ તરીકે પણ થતો. પહેલાંના સમયમાં શિક્ષાર્થી તથા પ્રાયશ્ચિત્ત કરવા આવનારને ત્યાં સુધી જ પ્રવેશ અપાતો. ચર્ચની અંદર જવાની તેમને મનાઈ હતી. ઘણી વાર નાર્થેક્સની સાથે એક અલિંદ પણ બનાવાતો. તેવા સંજોગોમાં નાર્થેક્સ, એક્સો-નાર્થેક્સ તરીકે ઓળખાતી. મુખ્યત્વે ઇટાલીના ચર્ચમાં નાર્થેક્સની રચના જોવા મળે છે. ત્યાંના બાઇઝેન્ટાઇન તથા રોમનેસ્ક સ્થાપત્યશૈલીના ચર્ચમાં તેનો વિકાસ દેખાય છે. ત્યારબાદ ગૉથિક સ્થાપત્યશૈલીમાં તે જોવા નથી મળતી. રેનેસન્સમાં તેનું મહત્વ લુપ્ત થયું હોવા છતાં તેની રચના ફરીથી પ્રચલિત થઈ હતી.

હેમંત વાળા