નારિયેળી : એકદળી વર્ગમાં આવેલા એરીકેસી (પામી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cocos nucifera Linn. (સં. નારિકેલ; હિં. નારિયલ; બં. દાબ, નારિકેલ; મ. નારેલ; નારળી, તે. કૉબ્બારિચેટ્ટુ, ટેંકાયા, તા. ટેન્નામારં, ટેંકાઈ, ક. ટેંગુ, ટેંગિનમારા, મલા, થેન્ના, નારિકેલમ; ફા. જોજહિંદી, અ નારજીલ, અં. કોકોનટ પામ) છે. તે લગભગ 24 મી. કે તેથી વધારે ઊંચાઈ ધરાવતું સીધું તાડ છે. તેની ટોચ પર મોટાં પક્ષવત્ (pinnate) પર્ણોનો મુકુટ ધરાવે છે. તેનું થડ મજબૂત (0.30 – 0.45 મી. વ્યાસ), સીધું કે સ્હેજ વળેલું હોય છે. તંતુઓ જેવા લાંબાં મૂળના સમૂહ વડે આવરિત પહોળા ફૂલેલા તલપ્રદેશમાંથી તે ઉત્પન્ન થાય છે. તેના ઉપર પર્ણોનાં અસ્પષ્ટ ચાઠાં વલયાકારે ગોઠવાયેલાં હોય છે. પર્ણો 1.8–5.4 મી. લાંબાં, પક્ષવત્ નિદર (pinnatisect – પર્ણનું લગભગ મુખ્ય શિરા સુધી અનેક ખંડોમાં છેદન), પર્ણખંડો (પર્ણિકા) 0.6–0.9 મી. લાંબા, સાંકડા અને ટોચેથી ક્રમિક અણીદાર બનતા હોય છે. પર્ણની કક્ષમાં પૃથુપર્ણ (spathe) વડે આવરિત માંસલ કે કાષ્ઠમય શૂકી (= spadix) પ્રકારનો પુષ્પવિન્યાસ જોવા મળે છે.  તે 1.2–1.8 મી. લાંબો, મજબૂત, પીળા ઘાસ જેવા રંગનો કે નારંગી રંગનો અને સરળ શાખિત હોય છે. તે એકગૃહી (monoecious) હોય છે. માદા પુષ્પો પ્રમાણમાં ઓછાં હોય છે. તેઓ  પુષ્પવિન્યાસના નીચેના ભાગમાં હોય છે. નર પુષ્પો અસંખ્ય, નાનાં અને સુરભિત હોય છે. ફળ અંડાકાર, ત્રણ ખૂણાવાળું, 18–36 સેમી. જેટલું લાંબું, એકબીજમય અને રેસામય અષ્ઠિલ (drupe) પ્રકારનું હોય છે. તેનું બાહ્યફલાવરણ લીલા રંગનું, મધ્યફલાવરણ રેસાયુક્ત અને અંત:ફલાવરણ સખત અને કાષ્ઠમય હોય છે. બીજ મોટું, ઘેરા બદામી રંગના બીજાવરણવાળું હોય છે અને પ્રવાહીમય ભ્રૂણપોષ (endosperm) ધરાવે છે.

નારિયેળી : 1. નારિયેળીનું વૃક્ષ, 2. પાન, 3. કોપરાનો વાટકો, 4. નારિયેળનો ઊભો છેદ

વિતરણ : નારિયેળીનું ઉત્પત્તિસ્થાન મલેશિયા અથવા ઇન્ડોનેશિયા માનવામાં આવે છે. નારિયેળનું ઉત્પાદન કરતા સૌથી મહત્વના દેશોમાં ભારત, શ્રીલંકા, મલેશિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને પૅસિફિકમાં આવેલા દક્ષિણ સમુદ્રીય દ્વીપકલ્પોનો સમાવેશ થાય છે. પૂર્વ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને મધ્ય અમેરિકામાં તેનું થોડા પ્રમાણમાં વાવેતર થાય છે. ભારતમાં હાલ આશરે 11 લાખ હેક્ટરના વિસ્તારમાં નારિયેળીનું વાવેતર થાય છે. કુલ વાવેતર હેઠળના વિસ્તારમાં 60 % ઉપરનો વિસ્તાર માત્ર કેરળ રાજ્યમાં આવેલો છે. 1982ના ઋતુ અને પાક અહેવાલ મુજબ ગુજરાત રાજ્યમાં 11,583 હેક્ટર વિસ્તારમાં નારિયેળીનું વાવેતર હતું તથા 81,08,100 ફળોનું ઉત્પાદન થયેલું હતું.

તે ઉષ્ણકટિબંધીય વિભાગમાં વિષુવવૃત્તની બંને બાજુએ 20° અ. ઉ. અને 20° અ. દ.ના પ્રદેશોમાં સારા પ્રમાણમાં થાય છે. 27° અ. ઉ. કે દ. થી વધારે અક્ષાંશે થતું તેનું વાવેતર સફળ હોતું નથી અને તેને ફળ બેસતાં નથી.

આબોહવા : દરિયાકિનારાનું હૂંફાળું તથા ભેજવાળું હવામાન નારિયેળીના પાકને વધારે અનુકૂળ આવે છે. તે મહત્તમ 30° સે. તાપમાને સૌથી ઝડપી વૃદ્ધિ સાધે છે અને 20° સે. થી નીચા તાપમાને ઊગતી નથી. વરસ દરમિયાન સરેરાશ લઘુતમ અને ગુરુતમ તાપમાનમાં તફાવત બહુ જ ઓછો હોવો જરૂરી છે. શિયાળામાં સખત ઠંડી અને ઉનાળામાં સખત ગરમી પડતી હોય તેવા વિસ્તારમાં આ પાક સફળતાપૂર્વક ઉગાડી શકાતો નથી. વાર્ષિક 1,250થી 2,250 મિમી. વરસાદવાળા વિસ્તારોમાં તે સૌથી સારી રીતે થાય છે. વાર્ષિક 1,000 મિમી.થી ઓછો વરસાદ થતો હોય તેવા વિસ્તારમાં જલનિકાસ(drainage)ની મદદથી ઉગાડી શકાય છે.

નબળી નિતારશક્તિ અને ક્ષારીય જમીન હોય તે સિવાયની લગભગ દરેક પ્રકારની જમીનમાં નારિયેળી ઉગાડી શકાય છે. આમ છતાં રેતાળ, કાંપવાળી કે ગોરાડુ જમીન નારિયેળીને વધારે અનુકૂળ આવે છે.

જાતો : નારિયેળીની જાતોને મુખ્યત્વે ત્રણ જૂથમાં વહેંચી શકાય : (1) ઊંચી જાતો, (2) વામન જાતો અને (3) સંકર (hybrid) જાતો.

(1) ઊંચી જાતો : ઊંચી જાતો તેના નામ પ્રમાણે લગભગ 18થી 25 મી. ઊંચી થાય છે. થડ મજબૂત અને નીચેનો ભાગ સાધારણ ફૂલેલો હોય છે. સામાન્ય રીતે આ વૃક્ષ 6થી 8 વર્ષે ફળ આપવાની શરૂઆત કરે છે અને લગભગ 100 વર્ષ સુધી ફળો આપે છે. આ જાતમાં નર અને માદા પુષ્પોની પરિપક્વતાની અવસ્થા, જુદા જુદા સમયે થતી હોઈ, પરપરાગનયન થાય છે. આથી આ જાતમાં ઊંચાઈ, ફળનો રંગ, કદ, આકાર વગેરેમાં ખૂબ જ વૈવિધ્ય દેખાય છે. ફળ બાર માસે પાકે છે અને પાણી તથા કોપરું બંને સારાં હોય છે. વૃક્ષદીઠ સરેરાશ 60થી 80 નારિયેળનું ઉત્પાદન મળે છે. કોપરાનું પ્રમાણ નારિયેળદીઠ 150થી 200 ગ્રામ હોય છે.

(2) વામન જાતો : આ જાતો નામ પ્રમાણે વામન અને વહેલાં, 3થી 3.5 વર્ષે ફળ આપતી જાતો છે. તેનું થડ ઊંચી જાત કરતાં પાતળું તથા એકસરખી જાડાઈવાળું થાય છે. થડની નીચેનો ભાગ ફૂલેલો હોતો નથી. વૃક્ષની ઊંચાઈ 5થી 6મી. સુધી પહોંચે છે. ઉત્પાદનની દૃષ્ટિએ લગભગ 25થી 30 વર્ષ સુધી સારું ઉત્પાદન આપે છે. મોટાભાગે આ જાતનાં ફળો પાણી માટેનાં કાચાં નારિયેળ (ત્રોફા) તરીકે ઉપયોગમાં લેવાય છે, કારણ કે આ જાતમાં કોપરાનું પ્રમાણ ઘણું ઓછું (90 ગ્રામ જેટલું) તથા હલકી ગુણવત્તાવાળું હોય છે.

(3) સંકર જાતો : સંકર જાતો (ટી × ડી અને ડી × ટી) તેનાં પિતૃઓ કરતાં વધારે ચઢિયાતી અને જુસ્સાવાળી હોય છે. 4થી 5 વર્ષે ફળ બેસવાની શરૂઆત થાય છે. ઉત્પાદન પણ વધારે આપે છે. કોપરાનું પ્રમાણ વામન જાત કરતાં વધારે અને સારી ગુણવત્તાવાળું એટલે કે લગભગ ઊંચી જાતના જેવું મળે છે. સંકર જાતો પાણી તથા કોપરા તરીકે બંનેના ઉપયોગમાં વાપરી શકાય છે.

નાળિયેરીની કેટલીક જાતનાં લક્ષણો સારણી 1માં આપવામાં આવ્યાં છે.

સારણી 1 : નારિયેળીની જાતોનાં લક્ષણો

જાત/સ્વરૂપનો પ્રકાર અવલોકન વખતે નાળિયેરીની ઉંમર (વર્ષ) પ્રથમ પુષ્પ નિર્માણે ઉંમર (વર્ષ) થડના તલ ભાગનો ઘેરાવો સેમી. પર્ણોની લંબાઈ સેમી. વર્ષ દરમિયાન તાડદીઠ ફળનો મહત્તમ ઉતારો લીલા ફળમાં પાણીનું પ્રમાણ ઘન સેમી. છાલ સહિત ફળનું વજન ગ્રામ ફળદીઠ કોપરાનું સરેરાશ વજન ગ્રામ કોપરામાં તેલ (ઈથર નિષ્કર્ષ) % તાડદીઠ (extr action) રસનું દૈનિક ઉત્પાદન ઘન સેમી.
  1 2 3 4 5 6 7 8 9 10
વે. ટાઇપિકા 25 10 73 594 80 300 1134 159 71.6 899
ફૉર્મા લોક્ષેડાઇવ 16 4 76 533 160 290 1219 157 72.2 1758
ફૉર્મા પુસિલા 16 6 91 526 400 261 709 60 75.3 1234
ફૉર્મા કાપ્પાડેન 35 894 1929 322 61.7
ફૉર્મા સિયામીઆ 15 10 93 487 59 841 1899 221 74.3 41
ફૉર્મા જાઇજેન્શિઆ 16 8 114 579 35 500 1786 180 67.1 શૂન્ય
પ્રકાર આંદામાન (સામાન્ય) 16 7 91 533 40 377 1701 170 67.1 1339
ફૉર્મા ગિનિયાના 15 7 91 579 93 348 1105 213 65.6 541
ફૉર્મા મલાયેન્સિસ 15 10 91 465 44 609 1616 200 69.0 680
ફૉર્મા કોચીન-ચાઇનૅન્સિસ 15 8 83 609 88 464 1162 140 66.2 758
ફૉર્મા માલદીવિયાના 15 5 71 396 86 348 623 84 66.2 310
વે. સ્પિકેટા 8 4 78 513 25 210 510 141 70.6 શૂન્ય

પ્રસર્જન : નારિયેળનું પ્રસર્જન બીજથી એટલે કે બીજમાંથી ઊછરેલ રોપાથી જ થાય છે. વાનસ્પતિક પદ્ધતિથી પ્રસર્જન થઈ શકતું નથી.

નારિયેળીમાં ફળ બેઠા પછી બાર માસે પાકાં ફળ તૈયાર થાય છે. જ્યારે ફળ બીજ તરીકે વાપરવાનું હોય ત્યારે તેને વૃક્ષ ઉપર પૂરા બાર માસ પાકવા દેવું જરૂરી છે. આવાં તંદુરસ્ત તથા એકસરખાં બીજને ઉતાર્યા બાદ 1થી 2 માસ પછી વાવેતરના ઉપયોગમાં લેવામાં આવે છે.

ક્યારીમાં નારિયેળીનાં ફળને નજીક નજીક ઊભાં તથા આડાં એમ બે રીતે વાવી શકાય છે. બીજને વાવતી વખતે ઉપરનું મોઢું સાધારણ ખુલ્લું રાખવું પડે છે. ક્યારીમાં સમયસર પાણી આપવામાં આવે છે તથા નીંદામણ કરવામાં આવે છે.

જાડા, સીધા અને મજબૂત થડવાળાં, 4થી 6 ઘેરા લીલા રંગનાં પર્ણો ધરાવતા, જુસ્સાદાર, 9થી 12 માસના રોપ વાવેતર માટે પસંદ કરવામાં આવે છે. વાવેતર પહેલાં ઉનાળામાં 1 × 1 × 1 મી. લાંબા, ઊંડા ખાડા તૈયાર કરી ચોમાસું શરૂ થતાં વામન જાતો 6 × 6 મી.ના અંતરે અને ઊંચી તથા સંકર જાતો 7 × 7 મી.ના અંતરે રોપવામાં આવે છે.

ખાતર : બારે માસ તથા લાંબા ગાળા માટે નિયમિત ઉત્પાદન લેવા માટે પ્રમાણસર ખાતરોનો ઉપયોગ જરૂરી છે. રોપના વિકાસ સાથે પ્રતિવર્ષ ખાતરોના પ્રમાણમાં વધારો કરવાનો રહે છે. ખાતરનું પ્રમાણ નીચે  સારણી 2માં આપવામાં આવેલ છે.

સારણી 2 : ખાતરોનું પ્રમાણ

વર્ષ જૂનજુલાઈ માસ દરમિયાન સપ્ટેઑક્ટોબર માસ દરમિયાન
  દેશી ખાતર કિલો એમો. સલ્ફેટ ગ્રામ સુપર ફૉસ્ફેટ ગ્રામ મ્યુરેટ ઑવ્ પૉટાશ ગ્રામ એમો. સલ્ફેટ ગ્રામ સુપર ફૉસ્ફેટ ગ્રામ મ્યુરેટ ઑવ્ પૉટાશ ગ્રામ
પ્રથમ 20 જૂન જુલાઈમાં વાવેતર 0.330 0.330 0.415
બીજું 30 0.330 0.330 0.415 0.330 0.330 0.415
ત્રીજું 40 0.665 0.665 0.830 0.665 0.665 0.830
ચોથું 50 1.000 1.000 1.250 1.000 1.000 1.250
વર્ષ બાદ

પ્રતિવર્ષ

નોંધ : છાણિયું ખાતર પૂરતું ન હોય તો લીલો પડવાશ કરી શકાય. ખાતરો ખામણામાં થડની આજુબાજુ બૅન્ડ પદ્ધતિથી આપવામાં આવે છે.

પિયત : અન્ય બાગાયતી પાકોની સરખામણીમાં નારિયેળીને વધારે પાણીની સતત જરૂર પડે છે. જમીનની જાત, ઋતુ વગેરે બાબતો ધ્યાનમાં રાખી ઉનાળામાં 4–6 દિવસે અને શિયાળામાં 8–12 દિવસે પાણી આપવામાં આવે છે. નીંદામણનો નાશ કરવા માટે વર્ષમાં 2થી 3 આંતર ખેડ કરવી જરૂરી છે.

આંતરપાક : નારિયેળીના પાક સાથે આંતરપાક તરીકે જુવાર, મગફળી, બાજરી, ઘઉં, રજકો, શાકભાજી વગેરે પાકો લેવામાં આવે છે. નારિયેળી સાથે કેળનું વાવેતર ઘણું લાભદાયક નીવડે છે જ્યારે કાયમી પાક તરીકે ચીકુનો પાક ઘણો અનુકૂળ આવે તેમ છે. છાંયાવાળા ભાગ નીચે આદું, હળદર, અળવી, સૂરણ જેવા પાક પણ સારી રીતે લઈ શકાય છે.

નારિયેળીના રોગો : ફૂગ અને વિષાણુઓના ચેપની અસરથી થતા રોગો.

1. નારિયેળીમાં અગ્રકલિકાનો અને ફળનો સડો : આ રોગ Phyophthora palmivora નામની ફૂગથી થાય છે. આ સડો ઝાડની કોઈ પણ અવસ્થામાં લાગે છે. ફૂગનું આક્રમણ થતાં શરૂઆતમાં ટોચનું કુમળું પાન ચીમળાઈ જાય છે અને તેની વૃદ્ધિ અટકી જાય છે. રોગને લીધે પાન રંગે ભૂરું બને છે અને પાન પર્ણદંડ પાસેથી વળીને ભાંગી પડે છે. રોગની અસર હેઠળ ટોચની કુમળી પેશીઓ અને પાનની દાંડીનો ભાગ સડતાં તેમાંથી દુર્ગંધ ફેલાય છે, જ્યારે અગ્રકલિકા મૃત્યુ પામી સુકાઈ જાય છે. આ રોગ ચોમાસામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે.

આ ફૂગથી કેટલીક વાર નારિયેળીના વિકસતા ફળને પણ સડો લાગતો હોય છે. ફળ પાકતાં પહેલાં અને ત્યારબાદ પણ ફળના ઉપરના ડીચ પાસે ચેપ લાગવાથી તેની પેશીઓ સડી જાય છે અને ફળ ખરી પડે છે. કુમળાં અર્ધ-પરિપક્વ નાળિયેર ખરી પડવાં તે રોગનું મુખ્ય લક્ષણ છે. ક્રમશ: ફળની દાંડી પાસે રંગવિહીન વિસ્તાર પેદા થાય છે, જે ઘેરા લીલા રંગનો અને સમય જતાં બદામી થઈ જાય છે. આ ભાગ પેશીઓના સડાને કારણે પોચો પડી જાય છે અને સપાટી ઉપર ફૂગની સફેદ છારી દેખાય છે. કેટલીક વાર આ સડો છેડા સુધી અને કાચલી સખત ન થઈ હોય તો માવાના પોલાણ સુધી પ્રસરે છે.

અગ્રકલિકાનો રોગ શરૂ થતો દેખાય કે તરત જ સુકાતાં પાનને પૂરેપૂરાં સાફ કરીને તેની આસપાસ આવેલ સારાં પાન કાઢી નાંખી ટોચ ઉપર બોર્ડો પેસ્ટ લગાવવી પડે છે. નવા કુદરતી અંકુર બહાર આવે ત્યાં સુધી પેસ્ટ લગાવેલ ભાગ રક્ષણાત્મક આવરણ વડે ઢાંકવામાં આવે છે.

ફળના સડામાં નિયંત્રણ માટે અગ્રકલિકાનો રોગ ફળ ઉપર ફેલાતો અટકાવવા એક ટકાવાળું બોર્ડો મિશ્રણ ઝાડની અગ્રકલિકામાં અને નારિયેળીની લૂમો ઉપર છાંટવામાં આવે છે. આવો છંટકાવ ચોમાસા પહેલાં ત્રણથી ચાર વાર પંદર પંદર દિવસને અંતરે કરાય છે.

2. થડના રસઝરણનો રોગ : નારિયેળીનો આ રોગ Ceratocystis paradoxa નામની ફૂગથી થાય છે. આ રોગ દક્ષિણ ભારતમાં નારિયેળી અને સોપારીના દરેક બગીચામાં જોવા મળે છે. ગુજરાતમાં પણ કેટલાક બગીચાઓમાં આ રોગનો ફેલાવો જોવા મળે છે.

આ રોગને લીધે થડની બહારની પેશીઓની તિરાડોમાંથી લાલ ઘેરા ભૂરા રંગનો રસ ઝરે છે. ઝાડમાં આ રોગ ધીમે ધીમે પ્રસરે છે. આવા રોગિષ્ઠ ભાગને ફાડી અંદરથી તપાસતાં પેશીઓ પીળા ભૂરા રંગની થયેલી જોવા મળે છે. પરિણામે અંદરની પેશીઓ સડી જાય છે, જેથી આ ભાગ પોલો બને છે. ઝાડની છાલ પર રસ સુકાતાં તે કાળો થઈ, ગુંદર જેવો ચોંટેલો રહે છે. આ રોગને લીધે નવાં ઝાડ એકાદ વર્ષમાં સુકાઈ જાય છે, જ્યારે જૂના ઝાડને સુકાતાં 2થી 3 વર્ષ લાગે છે. દરમિયાન ઝાડની વૃદ્ધિ અટકી જાય છે અને ઉત્પાદન ઘટે છે.

ઝાડ ઉપર ચઢવા માટે કરેલ છેદ/ઘા અથવા થડની તિરાડમાંથી આ ફૂગ પ્રવેશ કરે છે તેથી થડ ઉપર છેદ/ઘા કરવા જોઈએ નહિ. આ છેદ કે તિરાડને લાકડાના વેર અને ડામરથી ભરી દેવાય છે. થડના રોગિષ્ઠ ભાગને ખોતરી નાંખી બોર્ડો પેસ્ટથી બંધ કરી દેવાય છે.

3. પાનનો ભૂખરો ઝાળ : Pestalotia palmarum નામની ફૂગથી થાય છે. આ રોગ કેરળ રાજ્યમાં દર વર્ષે ખૂબ જ નુકસાન કરે છે. પાન ઉપર ફૂગનું આક્રમણ થતાં તેના પર ભૂરા પટ્ટાની કિનારીવાળાં સફેદ ભૂખરાં ટપકાં પેદા કરે છે. તીવ્ર આક્રમણથી પાન પર અસંખ્ય ટપકાં પેદા થાય છે, જેને લીધે પાન ગરમીની ઝાળની હોય એવી અસરવાળું દેખાય છે અને તે કરમાઈ ચીમળાઈ જાય છે.

આ રોગને કાબૂમાં લેવા રોગિષ્ઠ પાનને કાપી બાળી નાશ કરવો પડે છે અને તાંબાયુક્ત ફૂગનાશકથી બેથી ત્રણ વાર 15 દિવસના આંતરે છંટકાવ કરવો પડે છે.

4. ઝાડનો ફૂગથી થતો સુકારો : આ રોગ Ganoderma lucidum નામની ફૂગથી થાય છે. આ રોગ દક્ષિણ ભારતના કર્ણાટક અને તમિળનાડુમાં બગીચાના ઝાડ પર આક્રમણ કરી વિકસે છે અને ખોરાક, પાણીના વહનમાં અવરોધ કરે છે. તે ઉપરાંત ફૂગની અસર હેઠળ મૂળમાં ઝેરી પ્રવાહી ઉમેરવાથી ઝાડની દેહધાર્મિક ક્રિયાને ખલેલ પહોંચતાં ઝાડ સુકાઈ જાય છે. નબળા ઝાડમાં સહેલાઈથી આ રોગ આક્રમણ કરી શકે છે અને તેની અસર ઝાડની દેહધાર્મિક ક્રિયા પર થતાં ફૂગ ઝડપથી વિકસવાથી તે મૂળને માટે જીવલેણ નીવડે છે. ઝાડ ધીમે ધીમે સુકાઈને મૃત્યુ પામે છે, થડમાં તિરાડ પડે છે અને તેમાંથી ઘેરા ભૂખરા રંગનું પ્રવાહી બહાર આવે છે. આવા ઝાડના થડ ઉપર ફૂગના બીજાણુઓ પેદા થાય છે, પરિણામે રોગનો ફેલાવો થાય છે. રોગિષ્ઠ ઝાડોને બગીચામાંથી ખોદી તેનો નાશ કરવો પડે છે અને તે જગ્યાએ તાંબાયુક્ત કે કાર્બનડાઝીમ જેવી ફૂગનાશક દવાનું દ્રાવણ રેડવું પડે છે, જેથી ફૂગનો ફેલાવો થતો અટકાવી શકાય.

5. વિષાણુથી થતો સુકારો : આ રોગ કેરળ રાજ્યમાં દર વર્ષે તીવ્ર સ્વરૂપ ધારણ કરે છે. આ વિષાણુના આક્રમણથી છોડનાં પાન પીળાં થાય છે અને ઝાડની વૃદ્ધિ અટકી જવાથી તે ઠીંગણાં રહે છે. તેમજ આ રોગની વિપરીત અસરને લીધે બેથી ત્રણ વર્ષમાં ઝાડ મૃત્યુ પામે છે.

નારિયેળીની જીવાત : નારિયેળીના પાકને નુકસાન કરતાં કીટક, ઉંદર અને વાગોળ જેવાં પ્રાણીઓ :

(1) નારિયેળીનો ગેંડો : આ જીવાત નારિયેળીના પાકને સૌથી વધુ ઉપદ્રવ કરનાર ભમરો યાને ગેંડા બીટસ  (Oryctes rhinoceros) છે. ભારતમાં તે સર્વત્ર જોવા મળે છે. તે ખાસ કરીને કુમળા છોડોનો અને ફળની અંદરના કોપરાનો નાશ કરે છે. આ ગેંડાને  લીધે મોટાં વૃક્ષો પણ સડીને સાવ બગડે છે. સામાન્યપણે ગેંડો વૃક્ષના કુમળા એટલે કે પોચા ભાગમાં કાણું પાડીને વૃક્ષની અંદર પ્રવેશે છે અને અંદરના ભાગને કોતરી ખાય છે. આ ગેંડાનો વિકાસ કોહવાતા વૃક્ષ પર અને આસપાસમાં સંઘરેલ ખાતરમાં થાય છે. વૃક્ષની અંદર તેનો વિકાસ થતો હોય તો કાણામાંથી આંકડી જેવા સાધનની મદદથી બહાર કાઢી તેનો નાશ કરાય છે, અને કાણામાં રેતી તેમજ 50 % બી.એચ.સી. પાઉડર પૂરવામાં આવે છે.

(2) Rhynchophorus ferrugineus, ભમરો, સાત વર્ષ સુધીના ઝાડને ઉપદ્રવ કરે છે. તેની માદા વૃક્ષને ઈજા પહોંચી હોય ત્યાં અથવા તો થડમાં કાણું પાડીને ઈંડાં મૂકે છે. તેમના વિકાસથી ઇયળો જન્મતાં તે થડના પોચા ભાગ પર રહે છે. ઉપદ્રવથી પાંદડાં સુકાય અથવા તેમની શિરામાં તડ પડે છે ત્યારે જ ઇયળ દ્વારા થતા નુકસાનની જાણકારી થાય છે. કાણાં દેખાતાં હોય અથવા તો કોઈ એક ભાગને ઈજા પહોંચી હોય, ત્યાં ડામર અથવા તો તેના પર બી.એચ.સી. અને રેતીનો લેપ લગાડવો પડે છે.

(3) કાળા માથાની ઇયળ (Nephantis serinopa) : પાંદડાની નીચેના ભાગમાં તાંતણા અને હગારથી ભોંયરા જેવો માળ બનાવીને, ત્યાં વસવાટ કરે છે અને નીચેના ભાગને કોતરી ખાય છે. તેને પરિણામે પાંદડાં સુકાય છે. આ સંજોગોમાં માડ (નારિયેળી) ફળ ધારણ કરતું નથી. ડી.ડી.ટી. કે બી.એચ.સી.ને છાંટવાથી આ ઇયળનો ઉપદ્રવ ટાળી શકાય છે.

(4) ઊધઈ : ઊધઈને લીધે પણ માડને નુકસાન થાય છે. તે ટાળવા કીટનાશકો છાંટવાં પડે છે.

(5) ઉંદર : તે નાના ફળને ખાય છે. વળી એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદીને વૃક્ષને ઉપદ્રવ કરે છે. ઉંદરના દરમાં ઝેરી વાયુ છોડવાથી અથવા તો તેને લલચાવીને ઝિંક-ફૉસ્ફૉઇડ (ઝેર) ખવડાવવાથી ઉંદરનો ઉપદ્રવ ટાળી શકાય છે.

ફળવાગોળ (flying fox) : તે ફળમાં કાણું પાડીને અંદરનું પાણી ચૂસે છે. વાગોળને ટાળવાનો કોઈ ખાતરીલાયક ઉપાય નથી.

ઉત્પાદન : કાચાં નારિયેળ પાણી માટે વેચવાનાં હોય તો છથી સાત માસે અને કોપરાં એટલે કે પાકાં નારિયેળ માટે 11થી 12 માસે ઉતારવામાં આવે છે. સારા બગીચામાં 1થી 1.5 માસના અંતરે પાકાં નારિયેળ ઉતારી શકાય છે, પરંતુ સામાન્ય રીતે 2થી 3 માસના અંતરે પાકાં નારિયેળ ઉતારવામાં આવે છે. ઊંચી જાત વૃક્ષદીઠ 60થી 80 ફળો, વામન જાત વૃક્ષદીઠ 70થી 80 ફળો અને સંકરજાત વૃક્ષ દીઠ 100થી 125 ફળો સામાન્ય રીતે મળે છે.

રાસાયણિક બંધારણ : નારિયેળને સૂકવી તેનું નિપીડન(pressing) કરવાથી કોપરેલ પ્રાપ્ત થાય છે. કોપરામાં લગભગ 64.5 % તેલ અને 6.5 % પાણી હોય છે. કોપરેલ રંગહીનથી માંડી આછું બદામીપીળું હોય છે. સમશીતોષ્ણ આબોહવામાં તે ચીકણી, કેટલેક અંશે સ્ફટિકી, સફેદથી પીળા રંગની ઘન ચરબી સ્વરૂપે હોય છે. તેના કેટલાક ભૌતિક-રાસાયણિક ગુણધર્મો આ પ્રમાણે છે : વિ. ગુ. 0.918825° સે. વક્રીભવનાંક (nD)25° સે. 1.4530-1.4560, સાબૂકરણ આંક 251–263, આયોડિન આંક 8.0–9.6, ફૅટી ઍસિડોનો અનુમાપાંક (titre) 20.40 –23.50, શુદ્ધગતિક શ્યાનતા (kinematic viscosity) 28.58 – 29.79 (37.7° સે.) અને 5.83–6.06 એન્ટીસ્ટોકસ (98.8° સે.).

ઘન અને પ્રવાહીમય કોપરાનું રાસાયણિક બંધારણ નીચે સારણી 3માં આપવામાં આવેલ છે.

સારણી 3 : 100 ગ્રા. ઘન અને પ્રવાહીમય કોપરાનું રાસાયણિક બંધારણ

ઘન કોપરું પ્રવાહીમય કોપરું
ઊર્જા 354 કિ.કૅ./100 ગ્રા. 19 કિ.કૅ./100 ગ્રા.
કાર્બોદિતો 24.23 ગ્રા. 3.71 ગ્રા.
આહારી રેસો 9.0 ગ્રા. 1.1 ગ્રા.
લિપિડ 33.49 ગ્રા. 0.2 ગ્રા.
પ્રોટીન 3.33 ગ્રા. 0.72 ગ્રા.
પાણી 47 ગ્રા. 95 ગ્રા.
થાયેમિન (વિટા. બી1) 0.066 મિગ્રા. 0.03 મિગ્રા.
રાઇબૉફ્લેવિન (વિટા. બી2) 0.02 મિગ્રા. 0.057 મિગ્રા.
નાયેસિન (વિટા. બી3) 0.54 મિગ્રા. 0.08 મિગ્રા.
પૅન્ટોથેનિક ઍસિડ (વિટા. બી5) 1.014 મિગ્રા.
(વિટા. બી6) 0.05 મિગ્રા. 0.032 મિગ્રા.
વિટામિન ‘સી’ 3.3 મિગ્રા. 2.4 મિગ્રા.
કૅલ્શિયમ 14 મિગ્રા. 24 મિગ્રા.
લોહ 2.43 મિગ્રા. 0.29 મિગ્રા.
મૅગ્નેશિયમ 32.0 મિગ્રા. 25.0 મિગ્રા.
ફૉસ્ફરસ 113 મિગ્રા. 20.0 મિગ્રા.
પોટૅશિયમ 356 મિગ્રા. 20.0 મિગ્રા.
જસત 1.1 મિગ્રા. 0.1 મિગ્રા.

કોપરેલમાં અન્ય તાડના તેલની જેમ લૉરિક અને મિરિસ્ટિક ઍસિડ વધારે પ્રમાણમાં હોય છે. તેમાં રહેલા ફૅટી ઍસિડનું પ્રમાણ સારણી-4માં આપેલ છે.

સારણી 4 : કોપરેલમાં રહેલા ફૅટી ઍસિડનું પ્રમાણ %માં

ફૅટી ઍસિડ ટકાવારી
કૅપ્રોઇક ઍસિડ 0.20.5
કૅપ્રિલિક ઍસિડ 5.49.5
કૅપ્રિક ઍસિડ 4.59.7
લૉરિક ઍસિડ 44.151.3 સંતૃપ્ત ફૅટી ઍસિડ
મિરિસ્ટિક ઍસિડ 13.118.5 લગભગ 91.0 %
પામિટિક ઍસિડ 7.510.5
સ્ટીઅરિક ઍસિડ 1.03.2
ઍરેકિડિક ઍસિડ 01.5
ઑલિક ઍસિડ 5.08.2 અસંતૃપ્ત ફૅટી ઍૅસિડ
લિનોલીક ઍસિડ 1.02.6 લગભગ 9.0 %

કોપરેલમાં ગ્લિસરાઇડોનું અત્યંત ગાઢ મિશ્રણ હોય છે. તેઓ માત્રાત્મક રીતે અલગ પાડી શકાતા નથી. પૂર્ણ સંતૃપ્ત ગ્લિસરાઇડો ધરાવતા કોપરેલમાં લગભગ 84, મૉનો-ઓલીઓ ડાઇસેચ્યુરેટેડ ગ્લિસરાઇડોથી માંડી 12 અને ડાઇઓલીઓ-મૉનોસેચ્યુરેટેડ ગ્લિરાઇડો લગભગ 4 % જેટલા હોય છે. કોપરેલમાં રહેલા મિશ્રિત ગ્લિસરાઇડોમાં સૌથી વધુ પ્રમાણ કેપ્રીલોલૉરોમિરિસ્ટિનનું હોય છે; તે પછી અનુક્રમે ડાઇલૉરૉમિરિસ્ટિન, લૉરોડાઇમિરિસ્ટિન, ડાઇમિરિસ્ટોપામિટિન અને ડાઇપામિટોસ્ટીઅરિનનું પ્રમાણ હોય છે. છેલ્લા બે પ્રકારના ગ્લિસરાઇડોનું પ્રમાણ અતિઅલ્પ પ્રમાણમાં હોય છે. કોપરેલની વાનસ્પતિક તેલોમાં સાબુનીકરણ આંક સૌથી વધારે અને આયોડિન આંક સૌથી ઓછો હોય છે. વ્યાપારિક અપરિષ્કૃત કોપરેલમાં મુક્ત ફૅટી ઍૅસિડનું કેટલુંક પ્રમાણ હોય છે. અસાબુનીકૃત દ્રવ્ય (આશરે 0.25 %) ફાઇટોસ્ટેરૉલ (ગ.બિં. 121.5–123.8° સે.) અને સ્ક્વેલીન ધરાવે છે.

ઉપયોગો : નારિયેળીનો દરેક ભાગ મનુષ્યની અગત્યની જરૂરિયાત સંતોષવામાં મહત્વનો ભાગ ભજવે છે તેથી તેને ‘કલ્પવૃક્ષ’ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્યત્વે આડપેદાશો નીચે પ્રમાણે છે :

(1) કોપરું : 1000 કિલો કોપરું મેળવવા માટે આશરે 6200 પાકાં નારિયેળની જરૂર પડે છે એટલે કે 6થી 7 નારિયેળમાંથી 1 કિલો કોપરું નીકળે છે.

(2) તેલ (કોપરેલ) : કોપરામાં 66 %થી 72 % જેટલું તેલનું પ્રમાણ હોય છે જે અન્ય તેલીબિયાં પાકો કરતાં વધારે છે. દુનિયાના તેલ તથા ચરબીના કુલ ઉત્પાદનમાં કોપરેલ 10 % સ્થાન ધરાવે છે.

(3) ખોળ : કોપરામાંથી તેલ કાઢ્યા બાદ 32 %થી 40 % જેટલો ખોળ મળે છે. તેનો ઉપયોગ પશુ તથા મરઘાંબતકાંના ખોરાક તરીકે થાય છે.

(4) કાથી : પાકા નારિયેળમાંથી 35 %થી 40 % રેસા મળે છે. તેને કાથીના નામે ઓળખાય છે.

(5) કાચલી : કોપરાની બહારનું સખત પડ કાચલી તરીકે ઓળખાય છે. તેમાંથી વાસણો, સંગીતનાં સાધનો, રમકડાં તેમજ અન્ય આકર્ષક વસ્તુઓ બનાવી શકાય છે.

(6) પાન : નારિયેળીનાં પાન ઝૂંપડાના છાપરા તરીકે, સાદડી બનાવવા, સળીઓ કાપી સાવરણા બનાવવા અને વચ્ચેની દાંડીઓ નજીક નજીક બાંધીને પાર્ટિશન તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

(7) થડ : પુખ્ત ઉંમરના પાકી ગયેલ ઝાડનું લાકડું સસ્તા અને મજબૂત બાંધકામ માટે, મકાનો અને છાપરામાં વાપરી શકાય છે. જો પાણી ન લાગે તો આ લાકડું ઘણો લાંબો સમય ટકે છે. ડુંગળીના સંગ્રહ માટે મેડા બનાવવા થડનો વ્યાપક ઉપયોગ થાય છે.

(8) ઔષધીય ઉપયોગો : ખોરાકમાં કોપરેલનો ઉપયોગ કરવાથી ઊર્જા અને અંત:સ્રાવો સમતુલન પ્રાપ્ત થાય છે. તથા થાઇરૉઇડ ગ્રંથિ ઉત્તેજાય છે. કોપરેલનો લોહીમાં કોલેસ્ટરૉલનો ઘટાડો કરવાનો ગુણધર્મ થાઇરૉઇડના કાર્યને ઉત્તેજવાની ક્ષમતા સાથે સીધેસીધો સંકળાયેલો છે. તે ચયાપચય (metabolism)નો દર વધારે છે. તેથી ઊર્જા મુક્ત થવામાં સહાય મળે છે; કોપરેલમાં મધ્યમશૃંખલિત ફૅટી ઍસિડો આવેલા હોવાથી બીજા સંતૃપ્ત ફૅટીઍસિડો ધરાવતાં વાનસ્પતિક તેલોથી જુદું પડે છે. આ ફૅટી ઍસિડો સૂક્ષ્મજીવરોધી(antimicrobial) ગુણધર્મ ધરાવે છે. સૌથી સક્રિય ફૅટી ઍસિડો લૉરિક અને કૅપ્રિક ઍસિડ છે; જે કોપરેલના લિપિડ દ્રવ્યનો 50 % જેટલો ભાગ બનાવે છે. કોપરેલમાં રહેલો લૉરિક ઍસિડ HDL(high-density lipoprotein) અને LDL(low-density lipoprotein)નું પ્રમાણ વધારે છે; પરંતુ તે બંનેના ગુણોત્તર ઉપર નકારાત્મક અસર થતી નથી. કોપરેલની હૃદયની તંદુરસ્તી પર થતી લાભદાયી અસર વિવાદાસ્પદ છે.

કોપરેલ શુષ્ક અને હાનિગ્રસ્ત ત્વચા, કાપ અને ઉઝરડામાં ઉપયોગી છે. તે રૂઝવવાની ક્રિયા ઝડપથી કરે છે; જેથી ચેપ ન લાગે. તે ત્વચામાં ભેજ જાળવી રાખવા રક્ષણાત્મક પડ રચે છે. વળી, ત્વચામાં ઊંડે સુધી પ્રવેશી સંયોજક પેશીઓને દૃઢ રાખે છે અને ત્વચા લવચીક(supple)  બને છે. તે ત્વચામાં સહેલાઈથી પ્રવેશી સૂક્ષ્મ રેખાઓ અને કરચલીઓ ઘટાડે છે. કોપરેલ સાથે બર્ગમૉટ(citrus aurantium var. bergamia)ના બાષ્પશીલ તેલનાં થોડાંક ટીપાં ઉમેરી શિયાળામાં ફાટેલા હોઠ પર કે ઠંડીથી ચામડી પર પડતા ચીરાઓ પર લગાડવામાં આવે છે. તે ત્વચાના મૃતકોષોના સ્તરોનું અપશલ્કન (exfoliation)  કરે છે. કોપરેલ સૂકા અને હાનિગ્રસ્ત વાળની ચિકિત્સામાં વપરાય છે. તે નૈસર્ગિક ક્ષાલકો (shampoos) અને સાબુના ફીણના ઘટક તરીકે ઉપયોગી છે.

આયુર્વેદ અનુસાર તે ગુરુ, સ્નિગ્ધ, મધુર, શીતવીર્ય, મધુરવિપાક, વાતપિત્તશામક, અનુલોમક, સંકોચક, હૃદ્ય, બસ્તિશોધક, બલ્ય, પૌષ્ટિક, કફકારક શૂલપ્રશમક છે અને તૃષા, દાહ, રક્તદોષ, ક્ષત-ક્ષય, જ્વર વગેરેમાં તેનો ઉપયોગ થાય છે.

નારિયેળનું પાણી વર્ણ્ય, દાહશામક, રેચક, શીતળ, અગ્નિદીપક રક્તશોધક અને હેડકીનિવારક છે. તે પિત્તવિકાર, મૂત્રકૃચ્છ્, વમન, મૂર્ચ્છા, પિત્તજ્વર, વિષમજ્વર આદિ રોગોમાં ઉપયોગી છે.

પરિણામશૂલમાં નારિકેલ લવણ ખૂબ અકસીર ઉપાય છે. પાણીવાળા પાકા નારિયેળની આંખમાં કાણું પાડી અને તેમાં મીઠું જેટલું ભરી શકાય એટલું ભરવામાં આવે છે. પછી તેને સારી રીતે કપડપટ્ટી કરી અને સુકાયા બાદ 4થી 5 છાણાંની ભઠ્ઠી અપાય છે. અગ્નિ આપવાથી ગોળો ફાટી જાય છે. પછી તેને ખરલમાં વાટી નાખી તેનો પાઉડર પીપર સાથે આપવાથી પરિણામશૂલ મટે છે. આ ફળદાયી ઇલાજ છે. પેશાબમાં રેતી જતી હોય તો તેનાં પુષ્પનું સૂક્ષ્મ ચૂર્ણ દહીં સાથે આપવાથી થોડા દિવસોમાં આ ફરિયાદ દૂર થાય છે. પિત્ત-વાત-જન્ય શિર:શૂલમાં તેનું પાણી પિવડાવાય છે. નારિયેળનું તેલ (કોપરેલ) જૂનું હોય તો વ્રણને જલદી રૂઝવે છે. તેનું પાણી સાકર, મધ અને પીપર નાંખીને પીવાથી ઊલટી મટે છે.

નારિકેલખંડ પાક ક્ષયરોગનું પ્રશસ્ત ઔષધ છે. કોપરાની કાચલીમાંથી ચૂવો પાડવાથી કાળો ડામર જેવો ચીકણો રસ નીકળે છે. તે ખરજવા દાદર વગેરે પર લગાડવાથી ચમત્કારિક પરિણામ લાવે છે.

નારિયેળનું પાણી સ્વાસ્થ્ય માટે ઉત્તમ પીણું છે. કોપરેલ તેલ ઘીની અવેજીમાં વાપરવાયોગ્ય છે. કોપરેલમાં એટલા મોટા પ્રમાણમાં પૌષ્ટિક તત્વો છે કે જેથી કેટલાક ચિકિત્સકોએ ક્ષયની ચિકિત્સામાં કૉડલીવર ઑઇલ કરતાં ઉત્તમ ગણ્યું છે.

કાચા નારિયેળનું પાણી જંતુરહિત છે. આંતરડાના કૃમિનો નાશ કરે છે. નારિયેળની મલાઈ મૂત્રલ અને પૌષ્ટિક છે.

ભિલામા ઊઠે તો કોપરું ખવડાવવામાં આવે છે. તેથી ખંજવાળ મટી જાય છે. કોપરું ભિલામાનું સારું મારણ છે.

ઊલટી થતી હોય કે હેડકી થતી હોય તો નારિયેળની ચોટલી ચલમમાં મૂકીને તેનું ધૂમ્રપાન કરવામાં આવે છે અથવા ચોટલીને બાળી તેની ભસ્મને વાટી મધમાં ચટાડવામાં આવે છે.

જ. પુ. ભટ્ટ

આદિત્યભાઈ છ. પટેલ

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ

પરબતભાઈ ખી. બોરડ

બળદેવભાઈ પટેલ