નારાયણ હેમચંદ્ર (જ. 1855, મુંબઈ; અ. 1909, મુંબઈ) : અલગારી સ્વભાવના ગુજરાતી લેખક, અનુવાદક. પ્રકૃતિએ ‘વિચિત્ર પુરુષ’. અમેરિકામાં ‘અસભ્ય પહેરવેશ’ બદલ તેમની ધરપકડ થયેલી. કરસનદાસ મૂળજીનો દેશાટન વિશેનો નિબંધ વાંચી તેમનામાં વાચન-ભ્રમણની ભૂખ ઊઘડી. તેઓ પ્રવાસશોખીન અને જ્ઞાનપિપાસુ હતા. ‘સુબોધપત્રિકા’માં અને ‘જગદારશી’ના નામથી ‘નૂરે આલમ’માં લખતા. દયાનંદ સરસ્વતી જેવા ધર્મસુધારકો તેમજ આર્યસમાજ, બ્રહ્મોસમાજ પ્રેરિત તત્કાલીન સંસ્કારવહેણોના પરિચયમાં આવેલા.
ધર્મ, ઇતિહાસ, નીતિ, સંસારસુધારો, વિજ્ઞાન આદિના તેમનાં 200 જેટલાં પુસ્તકોમાં મૌલિક ઓછાં અને અનુવાદ-ભાવાનુવાદ વિશેષ છે. પ્રવાસ રૂપે લખાયેલી અને જીવનનાં પ્રથમ 35 વર્ષનું બયાન કરતી તેમની આત્મકથા ‘હું પોતે’ (1900) ગુજરાતીમાં પ્રગટ થયેલું પ્રથમ આત્મવૃત્તાંત છે. કલાદૃષ્ટિએ નબળું છતાં લેખકના શ્રદ્ધાળુ, નિખાલસ, સત્યનિષ્ઠ, ઉત્સાહી, વિચિત્ર ને વિલક્ષણ વ્યક્તિત્વનો તેમાં પરિચય છે. તત્કાલીન જીવનસંદર્ભ, તદ્વિષયક જ્ઞાનવિમર્શન, દેવેન્દ્રનાથ ઠાકુર જેવા મહાનુભાવોના ચરિત્રનિર્દેશો ઇત્યાદિથી તે રોચક બનેલ છે. ‘હૃદયવિકાસ’ (1895), ‘દુર્ગેશનંદિની (1896) વગેરે બંગાળી અનુવાદો દ્વારા તેમણે રમેશચંદ્ર દત્ત અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જેવા બંગાળી સર્જકોનો ગુજરાતને પરિચય કરાવ્યો. ‘કાલિદાસ અને શેક્સપિયરની તુલના’ (1900) દ્વારા તુલનાત્મક વિવેચનરીતિનો પ્રારંભિક પુરુષાર્થ કર્યો એમ કહી શકાય. ‘સાહિત્યચર્ચા’ (1895), ‘નાટ્યચર્ચા’ (1895), ‘કવિતાતત્વ’ (1903), ‘નવલકથા વિશે ચર્ચા’ (1904) જેવા ગ્રંથોની વિવેચન-વિચારણા મુખ્યત્વે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પર આધારિત છતાં ક્યારેક પાશ્ચાત્ય વિવેચનવિચારની છાંટવાળી પણ દેખાય છે. તેમણે ‘સંન્યાસી’ (1888), ‘પ્રેમકથા’ (1896), ‘શરતચંદ્ર’ (1896) જેવી સંખ્યાબંધ નવલકથાઓ મહદંશે અનુવાદ રૂપે આપી. ‘સ્નેહમંદિર’ (1896) તથા ‘ફૂલદાની અને બીજી વાર્તાઓ’(1903)માં દેશવિદેશની વાર્તાઓના અનુવાદો આપ્યા. ‘ડૉક્ટર સામ્યુઅલ જૉનસનનું ચરિત્ર’ (1839), ‘જનહિતકારિણી સ્ત્રીઓ’ (1895) જેવા ચરિત્રગ્રંથો અને ‘પુરુવિક્રમ’ (1887), ‘શકુંતલા’ (1893) વગેરે સંસ્કૃત નાટકોના અનુવાદ આપ્યા. તરજુમો આપવાના અતિઉત્સાહમાં તેઓ ભાષા કે વ્યાકરણની દરકાર કરતા નહોતા. તેમની ભાષામાં બંગાળી, મરાઠી જેવી ભાષાનું મિશ્રણ અને કઢંગાપણું છે. સાહિત્ય દ્વારા તેઓ ભારતના જ્ઞાનવારસાને પ્રકાશમાં લાવ્યા. નારાયણ હેમચંદ્રના સાહિત્યમાં જેટલું વૈવિધ્ય છે તેટલી સાહિત્યિક મૂલ્યવત્તા નથી. નરસિંહરાવે ‘કુસુમમાળા’નું અર્પણ આ ‘સાધુપુરુષ’ને કરેલું.
જૉસેફ પરમાર