નારાયણ, વિનીત (જ. 18 એપ્રિલ 1956, મોરાદાબાદ) : ભારતીય પત્રકાર. મુખ્ય તંત્રી, કાલચક્ર સમાચાર ટ્રસ્ટ. કાલચક્ર સમાચાર ટ્રસ્ટના નેજા હેઠળ ‘કાલચક્ર’ નામે અડધા કદનું (tabloid) હિન્દી પાક્ષિક તથા ‘તેજ’ નામે વીડિયો સામયિક પ્રગટ થાય છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં જન્મેલા વિનીત નારાયણે ઉચ્ચ શિક્ષણ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં લીધું. 1974થી ’77ના અરસામાં ખેતમજૂરોનાં વિવિધ સંગઠનોમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું. ત્યારબાદ પત્રકારત્વના વ્યવસાયમાં આવ્યા અને ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’, ‘હિન્દુસ્તાન’ તથા ‘જનસત્તા’ જેવાં રાષ્ટ્રીય કક્ષાનાં હિન્દી દૈનિકોના સંવાદદાતા તરીકે ફરજો બજાવી.
ભારતમાં ટી. વી. પત્રકારત્વનાં પગરણ માંડનારા અગ્રણીઓમાં નારાયણનો સમાવેશ થાય છે. 1986-87માં દૂરદર્શનના રાષ્ટ્રીય કાર્યક્રમોમાં તે વખતના સામાન્ય વાતાવરણથી અલગ અત્યંત વિવાદાસ્પદ સંશોધનાત્મક કાર્યક્રમ ‘સચ કી પરછાંઇ’ તેમણે રજૂ કરેલો. આ કાર્યક્રમમાં નારાયણની હિંમતપૂર્વકની રજૂઆતો સરકારને ગમી નહિ અને તેમને નરમ વલણ અખત્યાર કરવા જણાવાયું; પરંતુ આ દબાણ સામે ઝૂકી જવાને બદલે ટેલિવિઝન સરકારી સંકજામાંથી છૂટી સ્વાયત્ત ના થાય ત્યાં સુધી તેમાં કામ નહિ કરવા નિર્ણય કર્યો. એ નિર્ણયને તેઓ આજ સુધી વળગી રહ્યા છે.
એક પત્રકાર અને જાગ્રત નાગરિક તરીકે તેમણે જૈન હવાલાકાંડને પ્રકાશમાં લાવવાનું જે કામ કર્યું છે તે અત્યંત નોંધપાત્ર છે. જુલાઈ, 1993માં વિનીત નારાયણે આ અભિયાન શરૂ કર્યું અને અનેક રાજકીય પક્ષોના શક્તિશાળી નેતાઓ સામે ભ્રષ્ટાચાર, ફેરા, ટાડા તેમજ આવકવેરા કાયદાઓ હેઠળ કામ ચલાવવાની માગણી કરી ત્યારે કોઈએ આ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લીધી નહિ. શરૂઆતના લગભગ 18 મહિના સુધી તો અન્ય સમૂહમાધ્યમો પણ તેમને સાથ આપતાં અચકાતાં હતાં. હવાલાકૌભાંડ છતું કરવાની દિશામાં આગળ વધતાં અટકવા માટે નારાયણને કરોડો રૂપિયાની લાંચના પ્રસ્તાવો મળ્યા હતા; એટલું જ નહિ, ધાકધમકીઓ પણ મળી હતી. આમ છતાં તેઓ પોતાના અભિયાનમાંથી ડગ્યા નહિ અને છેવટે રૂ. 65 કરોડનું હવાલાકૌભાંડ છતું થયું. સર્વોચ્ચ અદાલતમાં તેમણે કરેલી જાહેર હિતની યાચિકાને પગલે અદાલતે આ કેસમાં વધુ તપાસ કરવા સી. બી. આઈ.ને આદેશ આપ્યો અને ધીમે ધીમે રાજકીય પક્ષોના મોટા મોટા નેતાઓની સંડોવણી છતી થઈ. નારાયણ વિનીત રાષ્ટ્રકક્ષાએ પ્રસિદ્ધ થતા 22 જેટલાં અઠવાડિક પ્રસિદ્ધ થતાં મૅગેઝિનોમાં કૉલમ લેખન કરે છે. તેઓ કાલચક્ર ઇન્વેસ્ટિગેશન ન્યૂઝ બ્યૂરો સાથે ઍસોસિએટ છે. તેઓ પીપલ્સ વિજિલન્સના સ્થાપક સેક્રેટરી છે.
અલકેશ પટેલ