નારાયણ રેડ્ડી, સી.

January, 1998

નારાયણ રેડ્ડી, સી. (. 29 જુલાઈ, 1931, હનુમાજિપેઠ, જિ. કરીમનગર, આંધ્ર પ્રદેશ) : તેલુગુ કવિ અને વિદ્વાન પંડિત. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘મેન્ટાલુ માનવડુ’ (‘બ્લેઝિઝ ઍન્ડ હ્યૂમન્સ’, 1970) બદલ 1973ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

તેમણે ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી અને તેના તેલુગુ-વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયા. ત્યાંથી રીડર તરીકે સેવાનિવૃત્ત થયા. તેમનો ‘ટ્રેડિશન ઍન્ડ એક્સપેરિમેન્ટ ઇન મૉડર્ન તેલુગુ પોએટ્રી’ પરનો વિવેચનાત્મક અભ્યાસ યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટેનો સંદર્ભગ્રંથ બની રહ્યો.

તેમનાં કાવ્યો લોકમાધ્યમ દ્વારા મધુર અવાજથી ગાવા માટે સૌથી વધુ સાનુકૂળ હોવાથી રેડિયો પર અને ફિલ્મોમાં તે વધુ સફળ રહ્યાં. ફિલ્મો માટે તેમણે 2,000 ઊર્મિકાવ્યો રચ્યાં છે.

તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહોમાં ‘નવ્વાની પવ્વું’ (ધી અનસ્માઇલિંગ ફ્લાવર’, 1953); ‘અજંટા સુંદરી’ (‘ધ ડૅમ્સેલ ઑવ્ અજન્ટા’, 1954); ‘કર્પૂર વસન્ત રાયલુ’, ‘મન્ટાલુ માનવડુ’ (1970); ‘ઉદયમ્ ના હૃદયમ્’ (‘મૉર્નિંગ ઇઝ માય હાર્ટ’, 1973); ‘ભૂમિકા’ (1977); ‘મંથનમ્’ (1978) અને ‘વિશ્વંભર’(1980)નો સમાવેશ થાય છે. ‘વિશ્વંભર’ને અનુલક્ષીને 1988માં જ્ઞાનપીઠ ઍવૉર્ડ એમને અપાયો છે. એ જ વર્ષે એમને શ્રી રાજલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા રાજલક્ષ્મી ઍવૉર્ડ અર્પણ થયો હતો.

તેઓ માનવતાવાદી કવિ ઉપરાંત પ્રકૃતિપ્રેમી કવિ તરીકે પણ ઊભર્યા. તેમણે મીરાંબાઈનાં 50 ગીતોનો તેલુગુમાં અનુવાદ કર્યો. તે ઉપરાંત ખલીલ જિબ્રાનનાં સુવચનો ‘સિખરાલુ લોયલુ’ તરીકે અને સરોજિની નાયડુનાં કાવ્યો ‘મત્યાલા કોકિલા’ (1979) તરીકે તેલુગુમાં અનૂદિત કર્યાં. તેમણે તેલુગુ સાહિત્ય અને સંસ્કૃતિ પર પ્રવચનો આપવા સોવિયેત રશિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, યુ.કે., મલેશિયા અને સિંગાપુરનો પ્રવાસ ખેડ્યો હતો.

તેમની પુરસ્કૃત કૃતિ ‘મન્ટાલુ માનવડુ’ 30 કાવ્યોનો સંગ્રહ છે. તેમાં મધુર કાવ્યતત્વ છે. વ્યથિત હૃદય, અલ્પાધિકારીઓ પ્રત્યે પૂરી સહાનુભૂતિ, સુદૃઢ માનવતાવાદ અને માનવજાતની આધ્યાત્મિક ઉત્ક્રાંતિ માટેની ખોજ અભિવ્યક્ત થાય છે. તેમનાં કાવ્યોમાં મુક્તતા તેમજ લયબદ્ધતાના સવિવેક વિનિયોગથી જે મનોહરતા સધાય છે તે માટે તત્કાલીન તેલુગુ સાહિત્યમાં તેમનું અનન્ય સ્થાન છે.

તેમને સરકાર તથા અકાદમી સંસ્થાઓ તરફથી અનેક સન્માનો પ્રાપ્ત થયાં છે. 1965માં રાજ્ય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1976માં મેરઠ અને 1978માં આંધ્ર યુનિવર્સિટી તરફથી ઑનરરી ડૉક્ટરેટ અને ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ ઍવૉર્ડ એનાયત કરવામાં આવેલાં.

કેન્દ્ર-સરકારે 1992માં પદ્મભૂષણથી એમને સન્માનિત કર્યા હતા. અને 1997માં રાજ્યસભામાં એમની નિયુક્તિ કરી હતી. એમણે તેલુગુ ફિલ્મ ‘ગુલબકવલી કથા’ માટે ગીતો લખ્યાં હતાં. તેલુગુ ફિલ્મોમાં ઉર્દૂ શબ્દો પ્રયોજનાર એ પહેલા કવિ છે.

તેમણે તેમનાં પત્નીના નામે એક ઍવૉર્ડ પ્રસ્તુત કર્યો છે, જે દર વર્ષે અપાય છે.

બળદેવભાઈ કનીજિયા