નારાયણ તૈલ : આયુર્વેદિક ઔષધિ. અશ્વગંધા, બલામૂળ, બીલીનું મૂળ, કાળીપાટ, ઊભી ભોંરિંગણી, બેઠી ભોંરિંગણી, ગોખરુ, અતિબલા, લીમડાની છાલ, શ્યોનાકનું મૂળ, સાટોડીનાં મૂળ, પ્રસારિણીનું મૂળ તથા અરણીનું મૂળ – આ દરેક ઔષધ સરખા પ્રમાણમાં લઈ અધકચરું ખાંડીને સોળગણા પાણીમાં ઉકાળી ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે ઉતારી ગાળી લે છે. પછી તેમાં ચોથા ભાગ જેટલું તલનું તેલ, તેલ જેટલો જ શતાવરીનો રસ તથા ચારગણું ગાયનું દૂધ નાંખી તેમાં કઠ, એલચી, સુખડ, મોરવેલ, ઘોડાવજ, બાલછડ, સિંધવ, અશ્વગંધા, બલામૂળ, રાસ્ના, વરિયાળી, દેવદાર, શાલીપર્ણી, પૃગ્નિપર્ણી, મુડ્ગપર્ણી, માષપર્ણી અને તગરનો કલ્ક તેલથી ચોથા ભાગના પ્રમાણમાં નાખી તેલ સિદ્ધ કરાય છે. આ તેલ નાકમાં ટીપાં પાડવામાં, માલિસ કરવામાં, પીવામાં તથા બસ્તિકર્મમાં વપરાય છે. આ તેલનો ઉપયોગ કરવાથી પક્ષાઘાત, ઋતુસ્તંભ, મન્યાસ્તંભ, ગલગ્રહ, કુબ્જત્વ, બહેરાશ, કટિગ્રહ, ગાત્રશોષ, ક્ષય, અંગવૃદ્ધિ, શિરોગ્રહ, પાર્શ્વશૂલ, ગૃધ્રસી વગેરે મટે છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા