નારાયણતીર્થ (નારાયણયતિ)

January, 1998

નારાયણતીર્થ (નારાયણયતિ) (1800 આસપાસ) : શંકરાચાર્યની પરંપરામાં થયેલા સંન્યાસી લેખક. તેઓ પરમહંસ પરિવ્રાજકાચાર્ય રામગોવિંદતીર્થ અને વાસુદેવતીર્થ એ બંને સંન્યાસી ગુરુઓના શિષ્ય હતા. શંકરાચાર્યની પરંપરામાં હોવાથી શાંકરવેદાન્તી અથવા કેવલાદ્વૈતવાદી હતા. નારાયણતીર્થનો સમય 1800ની આસપાસનો હતો.

શંકરાચાર્યે રચેલી ‘દશશ્લોકી’ ઉપર મધુસૂદન સરસ્વતીએ શાંકર વેદાન્તના મુખ્ય સિદ્ધાન્તોનું પ્રતિપાદન કરતો ‘સિદ્ધાન્તતત્વબિંદુ’, નામનો ગ્રંથ લખ્યો છે. આ ‘સિદ્ધાન્તતત્ત્વબિંદુ’ ઉપર નારાયણતીર્થે ‘લઘુવ્યાખ્યા’ અને ‘બૃહદ્વ્યાખ્યા’ એમ બે સમજૂતીઓ લખી છે. નારાયણતીર્થના શિષ્ય બ્રહ્માનંદ સરસ્વતીએ ‘સિદ્ધાન્તતત્વબિંદુ’ પર ‘ન્યાયરત્નાવલી’ નામની ટીકા લખી છે. મધુસૂદન સરસ્વતીની શિષ્યપરંપરામાં થઈ ગયેલા શ્રીધર સરસ્વતીના શિષ્ય પુરુષોત્તમ સરસ્વતીએ પણ મધુસૂદનના ‘સિદ્ધાન્તતત્વબિંદુ’ પર ‘બિંદુસંદીપન’ નામની ટીકા લખી છે.

નારાયણતીર્થે યોગદર્શન પર ‘યોગચંદ્રિકા’, સાંખ્યકારિકા પર ‘ચંદ્રિકા’ નામની ટીકા, ન્યાયદર્શનમાં ઉદયનની ‘ન્યાયકુસુમાંજલિ’ પર અને વિશ્વનાથ ન્યાયપંચાનનની ‘ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી’ પર પણ ચંદ્રિકા નામની ટીકાઓ લખી છે. આ ટીકાઓ તેમનું તમામ દર્શનોનું પાંડિત્ય સિદ્ધ કરે છે. મુક્તાવલી પરની ટીકામાં શરીર અને પ્રાણ આત્મા નથી એમ મંડન કરીને મૂળ લેખક વિશ્વનાથનું ખંડન કરવામાં તેમની વિદ્વત્તા ધ્યાન ખેંચે છે.

પ્ર. ઉ. શાસ્ત્રી