નારાયણશતકમ્

January, 1998

નારાયણશતકમ્ (પંદરમી શતાબ્દી) : તેલુગુ કાવ્ય. મધ્યયુગમાં પૌરાણિક કથાઓને તેલુગુમાં કાવ્યદેહ આપનાર કવિ પોતના બમ્મેર પ્રારંભમાં શિવભક્ત હતા. એમણે શિવભક્તિનાં સંખ્યાબંધ કાવ્યો રચ્યાં છે. પાછળથી એ વિષ્ણુભક્ત બન્યા. એમનો વ્યવસાય ખેતીનો હતો. એમનું પૌરાણિક ગ્રંથોનું જ્ઞાન પ્રશસ્ય હતું. એમણે શ્રીમદભાગવતને આધારે વિષ્ણુના અવતારો વિશે આ મુક્તકો રચ્યાં છે. એમાં મત્સ્ય, કચ્છ, વરાહ તથા કલ્કિ એ દરેક વિશે માત્ર ત્રણ મુક્તકો છે, જ્યારે અન્ય અવતારો વિશે વધુ મુક્તકો છે. કૃષ્ણાવતાર તથા રામાવતાર વિશે અનુક્રમે 26 તથા 24 મુક્તકો છે. આ કાવ્ય આજે પણ આંધ્રપ્રદેશમાં ગવાય છે. વામનાવતાર વિશે ઓછાં મુક્તકો હોવા છતાં એમણે ‘પ્રહલાદચરિત્ર’ કાવ્ય રચ્યું છે, જેમાં નરસિંહ અવતાર વિશે વિસ્તારથી નિરૂપણ કર્યું છે. તેમજ વામનચરિત્રમાં વામનાવતારની વાત વિસ્તારથી આલેખી છે. હિન્દીમાં જે સ્થાન તુલસીનું તથા સુરદાસનું છે તેવું જ સ્થાન તેલુગુમાં ‘નારાયણશતકમ્’ના કવિ પોતનાનું મનાય છે.

ચન્દ્રકાન્ત મહેતા