નારાયણમૂર્તિ, એન. આર. (જ. 20 ઑક્ટોબર 1946, સિદ્દલઘાટ, જિલ્લો કોલાર, કર્ણાટક) : વ્યવસ્થાપનક્ષેત્રના નિષ્ણાત તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ભારતની ઇન્ફોસિસ ટૅકનૉલૉજી સૉફ્ટવેર કંપનીના સ્થાપક ચૅરમૅન. પિતા શાળાના શિક્ષક તથા માતા જમીનદાર પરિવારમાં જન્મેલાં. કુટુંબમાં બે પુત્રો તથા પાંચ પુત્રીઓ; જેમાં નારાયણમૂર્તિ પાંચમું સંતાન. પરિવારનું કદ મોટું, પિતાની માસિક આવક આશરે રૂ. 250; જેને કારણે આર્થિક સ્થિતિ સામાન્ય; જે નારાયણમૂર્તિના ઉચ્ચશિક્ષણના પ્રથમ તબક્કામાં આડે આવી. પિતાને સંતાનોની શૈક્ષણિક કારકિર્દીમાં તથા અન્ય પ્રવૃત્તિઓમાં જરા પણ રસ ન હતો; છતાં શિસ્ત, સાદાઈ, કરકસર, દૃઢનિશ્ચયીપણું તથા સંકલ્પશક્તિ, યોજનાબદ્ધ રીતે કામ કરવાની પદ્ધતિ જેવાં માનવજીવનનાં ઉચ્ચ મૂલ્યો અને સંસ્કારો પિતા પાસેથી સંતાનોને વારસામાં મળ્યાં, જે નારાયણમૂર્તિના ભાવિ જીવનમાં નિર્ણાયક અને પ્રભાવક નીવડ્યાં.
મૅટ્રિકની પરીક્ષામાં સમગ્ર બૉર્ડમાં નારાયણમૂર્તિએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યા પછી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ ટૅક્નૉલૉજી(IIT)માં પ્રવેશ માટે યોજવામાં આવેલી ખુલ્લી અખિલ ભારતીય કસોટી-સ્પર્ધામાં પાસ થયા અને સાથોસાથ શિષ્યવૃત્તિ પણ મેળવી; પરંતુ પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે આઇ.આઇ.ટી.માં પ્રવેશની આ તક ગુમાવવી પડી. વિકલ્પે મૈસૂર યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની સ્નાતક પદવી (B.E.) 1967માં પ્રથમ ક્રમ સાથે પાસ કરી. ત્યારબાદ 1969માં તેમણે કાનપુર આઇ.આઇ.ટી.ની એમ.ટૅક. પદવી સર્વોચ્ચ ગુણવત્તા સાથે સંપાદન કરી.
નારાયણમૂર્તિએ પોતાની વ્યાવસાયિક કારકિર્દી અમદાવાદ ખાતેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ(IIMA)ના કમ્પ્યૂટર-વિભાગમાં ચીફ સિસ્ટિમ્સ પ્રોગ્રામર તરીકે શરૂ કરી હતી; જ્યાં થોડો સમય કામ કર્યા પછી તેઓ એક વિશેષ કામગીરી અદા કરવા માટે ફ્રાન્સ ગયા. ત્યાં પૅરિસ ખાતેના ચાર્લ્સ દ ગૉલ વિમાનમથક પર માલની સમયબદ્ધ હેરફેરનું માળખું તૈયાર કરવાનું કામ જે કેટલાક તજ્જ્ઞોને સોંપવામાં આવ્યું હતું તેમાં નારાયણમૂર્તિનો પણ સમાવેશ થયો હતો. આ કામગીરી સંશોધનપ્રચુર હતી, જે ત્રણ વર્ષમાં પૂર્ણ કર્યા બાદ તેઓ ભારત પાછા ફર્યા. તેઓ પાછા આવતા હતા ત્યારે પ્રવાસ દરમિયાન બનેલા એક બનાવને કારણે તેમની રાજકીય વિચારસરણીમાં પાયાનું પરિવર્તન થયું. અગાઉ સામ્યવાદી વિચારસરણી તરફ તેમનો ઝોક હતો; પરંતુ ભારત પાછા આવવા માટે જ્યારે તેઓ બલ્ગેરિયા તથા યુગોસ્લાવિયાની સરહદ પર ટ્રેનમાં પ્રવાસ કરતા હતા ત્યારે ત્યાં સામ્યવાદી પોલીસના મનમાં તેમના ઇરાદા વિશે શંકા-કુશંકા ઉપસ્થિત થયાં, જેને કારણે તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને એક અપૂરતા હવાઉજાસવાળી કોટડીમાં ત્રણ દિવસ સુધી પૂરી રાખવામાં આવ્યા હતા. આકસ્મિક રીતે આ ‘જેલવાસ’માંથી મુક્ત થયા પછી તેઓને પ્રતીતિ થઈ કે સામ્યવાદી વિચારસરણી કરતાં મૂડીવાદી વિચારસરણી માનવજીવનમાં પ્રગતિ કરવા માટે વધારે ઇષ્ટ અને ઉપકારક છે. અલ્પ સંપત્તિની વધુ લોકોમાં વહેંચણી કરવાથી ગરીબીનું નિર્મૂલન થઈ શકે નહિ, પરંતુ સંપત્તિનું સતત સર્જન કરતા રહેવાથી જ ગરીબી દૂર કરી શકાય છે.
ભારત પાછા આવ્યા પછી થોડાક સમય માટે તેમણે પટણી કમ્પ્યૂટર્સ સિસ્ટિમની મુંબઈ શાખામાં કામ કર્યું અને ત્યારપછી 1981માં તેમણે પાંચ બીજા સાથીદારોના સહિયારા પ્રયાસથી પુણે ખાતે ઇન્ફોસિસ ટૅક્નૉલૉજી કંપનીની સ્થાપના કરી, તેના તેઓ પ્રથમ ચૅરમૅન બન્યા. આ સહિયારા સાહસમાં શરૂઆતમાં તેમણે માત્ર દસ હજાર રૂપિયાની સહિયારી મૂડીનું રોકાણ કરેલું. આ રકમ પણ તેમાં સામેલ થયેલ છ ભાગીદારોએ પોતપોતાની પત્નીઓ પાસેથી નાણાં ઉછીનાં લઈને ભેગી કરી હતી. 1993માં આ કંપનીનું પબ્લિક લિમિટેડ કંપનીમાં રૂપાંતરણ કરવામાં આવ્યું. વચ્ચેના લગભગ બાર વર્ષના ગાળા(1981–93)માં આ સૉફ્ટવેર કંપનીએ નોંધપાત્ર પ્રગતિ કરી હતી. આ આગેકૂચ ત્યારપછી પણ વણથંભી રહી હતી; દા. ત., 1998માં આ કંપનીની કુલ નાણાકીય ઊથલપાથલ (turnover) રૂ. 260.36 કરોડ જેટલી થઈ હતી અને તે વર્ષે તેણે રૂપિયા 60.35 કરોડ જેટલો ચોખ્ખો નફો મેળવ્યો હતો. 1993માં તેના એક શૅરનો ભાવ માત્ર રૂ. 95 હતો જે 1998માં રૂપિયા 1800 થયો અને 28 ફેબ્રુઆરી, 2005ના રોજ તે રૂપિયા 2237 જેટલી ઊંચાઈ પાર કરી ગયો હતો. હવે આ કંપનીની ગણના દેશમાં સૉફ્ટવેર કંપનીઓમાં સર્વોત્તમ એકમ તરીકે થાય છે. 1981માં આ કંપની પુણે ખાતે સ્થાપવામાં આવી હતી, જે થોડાંક વર્ષો બાદ બૅંગાલુરુ નગરના પરા-વિસ્તારમાં ખસેડવામાં આવી, જ્યાં તે હવે 1,60,000 ચોરસ ફૂટના નક્કર બાંધકામના વિસ્તારમાં કામ કરી રહી છે અને તેમાં આશરે 2600 જેટલા કામદારો અને કર્મચારીઓ કાર્યરત છે. કંપનીની આ પ્રગતિનો જશ મહદ્અંશે એન. આર. નારાયણમૂર્તિની કુનેહ, દૂરંદેશી તથા ઉચ્ચ પ્રકારની વ્યવસ્થાપનક્ષમતાને આભારી છે. ઇન્ફોસિસ એ ભારતમાંની સર્વપ્રથમ કંપની છે, જેનું નામ અમેરિકાના સ્ટૉક-એક્સચેંજની યાદી પર ચઢાવવામાં આવ્યું છે.
નારાયણમૂર્તિએ તેમની વ્યાવસાયિક કારકિર્દી દરમિયાન મહત્વનાં અનેક પદો પર કામ કર્યું છે; દા. ત., 1992–94ના ગાળામાં નૅશનલ ઍસોસિયેશન ઑવ્ સૉફ્ટવેર ઍન્ડ સર્વિસ કંપની(Nasscom)ના પ્રમુખપદે તેમણે કામ કર્યું હતું. તે ઉપરાંત, તેમણે જે અન્ય સંસ્થાઓનાં પદો પર કામ કર્યું છે તેમાં નૅશનલ આઇ. ટી. ટાસ્ક ફૉર્સ ઑવ્ ઇન્ડિયા; દેશના પ્રધાનમંત્રીના વડપણ હેઠળ કામ કરતી વ્યાપાર અને ઉદ્યોગ કાઉન્સિલ; એશિયા સોસાયટીની ઇન્ટરનેશનલ કાઉન્સિલ; અમેરિકાની સાઉથ કૅલિફૉર્નિયા સ્કૂલ ઑવ્ એન્જિનિયરિંગના બૉર્ડ ઑવ્ કાઉન્સિલર્સ; ર્વ્હોટન બિઝનેસ સ્કૂલનું એશિયન એક્ઝિક્યુટિવ બૉર્ડ; રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયાનું બૉર્ડ ઑવ્ ગવર્નર્સ; ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ, અમદાવાદ(IIMA)નું સંચાલક મંડળ વગેરેનો સમાવેશ થાય છે. 2004–05 વર્ષ દરમિયાન તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ, અમદાવાદની ગવર્નિંગ બૉર્ડના ચૅરમૅનપદે કાર્યરત હતા.
એન. આર. નારાયણમૂર્તિને અનેક ઍવૉર્ડોથી સન્માનિત કરવામાં આવ્યા છે; દા. ત., 1996–97માં જે. આર. ડી. ટાટા કૉર્પોરેટ લીડરશિપ ઍવૉર્ડ; 1996માં ડેટાક્વેસ્ટ ઇન્ડિયા દ્વારા ‘આઇ. ટી. મૅન ઑવ્ ધ ઇયર’ તરીકે પસંદગી; વર્ષ 1997 માટેનો એફ.આઇ.ઇ. (FIE) ફાઉન્ડેશનનો ‘રત્નભૂષણ ઍવૉર્ડ’; તે જ વર્ષે ‘બિઝનેસ લીડર ઑવ્ ધ ઇયર, 1997’; 1998માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી, કાનપુર દ્વારા ‘ડિસ્ટિંગ્વિશ્ડ ઍલમ્ની ઍવૉર્ડ’; 1998, 1999 તથા 2000 – આ ત્રણે વર્ષ દરમિયાન ‘વન્ ઑવ્ ધ સ્ટાર્સ ઑવ્ એશિયા ઍવૉર્ડ’; 1999માં ‘બિઝનેસ વીક’ દ્વારા ‘બિઝનેસ મૅન ઑવ્ ધ ઇયર ઍવૉર્ડ’; વર્ષ 2000–01 માટે ‘ધ ઇકૉનૉમિક ટાઇમ્સ બિઝનેસ પર્સન ઑવ્ ધ ઇયર ઍવૉર્ડ’; 2001માં ‘ધ મૅક્સ શ્મિધીની ઍવૉર્ડ’ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જૂન, 2000માં ‘એશિયા વીક’ દ્વારા જાહેર કરવામાં આવેલ પચાસ સર્વાધિક પ્રતિભાસંપન્ન વ્યક્તિઓની યાદીમાં ઉપર્યુક્ત વર્ષના સર્વોચ્ચ પ્રતિભા ધરાવતા વ્યવસ્થાપક તરીકે નારાયણમૂર્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભારત સરકારે 2000માં ‘પદ્મશ્રી’ અને 2008માં ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત કર્યા છે. 2008માં લિજિયન ઑફ ઓનર્સ પ્રાપ્ત થયું હતું. ‘અ બેટર ઇન્ડિયા : અ બેટર વર્લ્ડ’ નામે પુસ્તક પ્રકાશિત કર્યું છે.
તેમનાં પત્ની સુધા મૂર્તિ હાલ નારાયણમૂર્તિની જગ્યાએ ઇન્ફોસિસ સૉફ્ટવેર ફાઉન્ડેશનના પ્રમુખપદે કાર્ય કરી રહ્યાં છે. તેઓ પોતે એમ. ટૅક્. હોવા ઉપરાંત કન્નડ અને અંગ્રેજી ભાષામાં તેમના લેખો તથા ગ્રંથો પ્રકાશિત થયા છે. તેમને પણ ‘કમ્પ્યૂટર વર્લ્ડ ઍવૉર્ડ’; ‘ઇકૉનૉમિક ટાઇમ્સ ઍવૉર્ડ’; ‘મિલેનિયમ મહિલા શિરોમણિ ઍવૉર્ડ’ જેવા પુરસ્કારોથી નવાજવામાં આવ્યાં છે. સાદાઈ અને કરકસર એ તેમના પારિવારિક જીવનવ્યવહારની લાક્ષણિકતા ગણાય છે. આજે તેઓ રૂ. 2,500 કરોડની મિલકતના સ્વામી હોવા છતાં માત્ર બે શયનખંડ ધરાવતા મકાનમાં પોતાના બે પુત્રો સાથે નિવાસ કરે છે.
તેમના વ્યક્તિત્વ-ઘડતર પર ત્રણ વ્યક્તિઓનો વિશેષ પ્રભાવ પડ્યો છે. સ્વપ્નદ્રષ્ટા જે. આર. ડી. ટાટા, તપસ્વી મહાત્મા ગાંધી અને સિંગાપુરનો કાયાપલટ કરનાર લી ક્વાન યૂ.
એન. આર. નારાયણમૂર્તિ ત્રણ બાબતો પર ખાસ ભાર મૂકતા હોય છે : કામની ઉચ્ચ ગુણવત્તા, નવોત્પાદન તથા કઠોર પરિશ્રમ. આ ત્રણેયનો તેમના જીવનમાં સુભગ સમન્વય થયેલો હોવાથી વ્યવસ્થાપન-ક્ષેત્રના વિચક્ષણ શિલ્પી તરીકે તેમની ગણના થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે