નારળીકર, વિષ્ણુ વાસુદેવ (જ. 26, સપ્ટેમ્બર 1908, કોલ્હાપુર; અ. 1 એપ્રિલ 1991, પુણે) : ભારતના અગ્રણી વૈજ્ઞાનિક. જન્મ એક સંસ્કારી કુટુંબમાં. મૂળ વતન કોલ્હાપુર પાસેનું પાટગાંવ. પિતા વાસુદેવ શાસ્ત્રી સંસ્કૃતના પંડિત હતા. ભાગવત પુરાણ ઉપર તેમનાં વ્યાખ્યાનો સાંભળવા મોટી મેદની ભેગી થતી. આ સંસ્કારની વિષ્ણુ નારળીકર ઉપર ઘણી અસર હતી અને સર્વ ધર્મના ધાર્મિક ગ્રંથોના વાંચનની ટેવ તેમણે આખી જિંદગી જાળવી રાખી હતી.
માધ્યમિક શિક્ષણ રાજારામ હાઈસ્કૂલ, કોલ્હાપુરમાં લીધું. 1924ની મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષામાં તેમણે ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ગણિત અને સંસ્કૃત તેમના પ્રિય વિષયો હતા. માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા પછી તેઓ મુંબઈ આવ્યા અને એલ્ફિન્સ્ટન કૉલેજ અને રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાંથી ગણિતના મુખ્ય વિષય સાથે 1928માં બી.એસસી. થયા. બી.એસસી.માં ગણિતમાં 96 % માર્ક મેળવી નવો વિક્રમ સ્થાપ્યો અને તાતા ટ્રસ્ટ તરફથી વિદેશ અભ્યાસાર્થે અપાતી મંગળદાસ નથુભાઈ શિષ્યવૃત્તિ અને કોલ્હાપુર રિયાસત તરફથી લોન મેળવી વધુ અભ્યાસ અર્થે કેમ્બ્રિજ ગયા. 1930માં કેમ્બ્રિજની ટ્રાઇપોસ પરીક્ષા ડિસ્ટિંક્શન સાથે પાસ કરી ‘બીસ્ટાર’ રૅંગ્લર (B* wranglar) થયા. આ પરીક્ષામાં ખગોળ-વિદ્યાના પ્રશ્નપત્રમાં તેઓ પહેલા આવ્યા અને તે માટે ‘ટાયસન પદક’ મેળવ્યું.
ટ્રાઇપોસ પાસ થયા પછી તરત જ તેમણે સંશોધનમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. 1930ના જુલાઈમાં તેમણે વિજ્ઞાની લિયોપોનૉવના, પરિભ્રમણ કરતાં પ્રવાહીનાં સમીકરણો ઉકેલતા સંશોધન-પત્રનો અભ્યાસ શરૂ કર્યો. આ પેપર ઉપર તેમણે વિસ્તૃત અવલોકન લખ્યું જેને આધારે તેમને સંશોધન માટેની ‘આઇઝક ન્યૂટન સ્ટુડન્ટશિપ’ મળી અને તેમનું વ્યવસ્થિત વિજ્ઞાન-સંશોધન શરૂ થયું.
મે, 1932માં વૅકેશનમાં ઘેર આવ્યા અને ઑક્ટોબરમાં પાછા કેમ્બ્રિજ જઈ સંશોધનને આગળ વધારવાનો હેતુ હતો; પરંતુ 1931ના ઑગસ્ટમાં પંડિત મદનમોહન માલવિયા સાથે ઇંગ્લૅન્ડમાં તેમની મુલાકાત થઈ અને માલવિયાજીના આગ્રહને વશ થઈ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ગણિત-વિભાગના વડા તથા પ્રોફેસર તરીકે 1932માં જોડાયા. આમ 25 વર્ષની યુવાન વયે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં પ્રોફેસર થયા, જ્યાં 28 વર્ષ શિક્ષણકાર્ય કર્યું. 1951–1954 દરમિયાન તેમણે તે યુનિવર્સિટીનું ઉપકુલપતિનું પદ શોભાવ્યું. 1960માં તેઓ છ વર્ષ માટે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનના ચૅરમૅન રહ્યા. ત્યારબાદ ફરી પાછા 1966થી પુણે યુનિવર્સિટીમાં ઉપયોગાત્મક ગણિતના લોકમાન્ય ટિળક પ્રોફેસરપદે રહી ત્યાંથી 1973માં નિવૃત્ત થયા.
આઇન્સ્ટાઇનના સાપેક્ષતાના સિદ્ધાંત ઉપર ભારતમાં સંશોધન કરવામાં પ્રો. વિષ્ણુ નારળીકર અગ્રણી હતા. ગુરુત્વાકર્ષણ અને બ્રહ્માંડ-વિદ્યાના ક્ષેત્રમાં સંશોધન કરવા માટે દેશભરમાંથી વિદ્યાર્થીઓ બનારસ (અને પાછળથી પુણે) આવવા લાગ્યા. આમ બનારસ યુનિવર્સિટીનો ગણિત-વિભાગ આઇન્સ્ટાઇનના સિદ્ધાંતોના અધ્યયન-સંશોધન માટે એક ધમધમતું કેન્દ્ર બન્યો. અહીં ભૌતિક-વિજ્ઞાન અને ગણિતનાં જે અનેક ક્ષેત્રોમાં સંશોધન થયું તેનું વિભાગીકરણ નીચે મુજબ કરી શકાય :
(1) આઇન્સ્ટાઇનનાં ગુરુત્વાકર્ષણનાં અટપટાં સમીકરણોના સ્પષ્ટ ઉકેલો; (2) આઇન્સ્ટાઇન તથા શ્રોડિંગરનો ગુરુત્વાકર્ષણ વિદ્યુત-વિદ્યાનો સંયુક્ત ક્ષેત્ર સિદ્ધાંત; (3) ગુરુત્વાકર્ષણનાં સમીકરણોમાંથી મેળવાયેલાં ગતિ-સમીકરણો; (4) રિમાન્નીય ભૂમિતિનાં 14 અધિકારી વિધેયો (invariants) અને તેમનું ભૌમિતિક મહત્વ.
1933થી 1937ના ગાળામાં વીસેક જેટલા યુવાનોએ તેમની સાથે સંશોધનમાં જોડાઈ વૈજ્ઞાનિક તાલીમ લીધી. આ બધાને ડૉક્ટરેટ(Ph.D.)ની પદવી તો મળી, પરંતુ તેમાંના ઘણાએ સંશોધનપ્રવૃત્તિ ચાલુ રાખી અને પોતાની આસપાસ નવાં સંશોધનજૂથ રચ્યાં. આમ પ્રો. વિષ્ણુ નારળીકરે બનારસમાં વાવેલાં બીજમાંથી ભારતભરમાં સાપેક્ષતા ઉપરનું સંશોધન વિસ્તર્યું છે. ગુજરાતમાં અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર અને ભાવનગર ખાતે પણ આવાં સંશોધનકેન્દ્રો પ્રસ્થાપિત થયાં છે.
પ્રો. વિષ્ણુ નારળીકર ભારતની ત્રણે વિજ્ઞાન અકાદમીના સ્થાપક ફેલો અને લંડનની રૉયલ ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટીના પણ ફેલો હતા. ભારતની બંને ગણિત પરિષદ – કલકત્તા મૅથેમૅટિકલ સોસાયટી અને ઇન્ડિયન મૅથેમૅટિકલ સોસાયટીના પ્રમુખ હતા. પણ ખાસ તો સાપેક્ષતાના ક્ષેત્રમાં કાર્ય કરતા ભારતના વૈજ્ઞાનિકો માટે તો તેઓ ‘પૂજ્ય નારળીકરદાદા’ હતા.
વૈજ્ઞાનિક તરીકેની કારકિર્દી દરમિયાન તેમણે સંસ્કૃતનું અધ્યયન ચાલુ રાખ્યું હતું. તેમનાં પત્ની સુમતિ નારળીકર પણ સંસ્કૃતનાં વિદુષી હતાં અને તેમણે સંસ્કૃતમાં આપેલાં વ્યાખ્યાનો ‘‘सुमति दर्शनम्’’નામે પ્રગટ થયાં છે. તેમના બે પુત્રો જયન્ત અને અનન્ત પોતપોતાના ક્ષેત્રમાં અગ્રણી વૈજ્ઞાનિકો તરીકે જાણીતા છે.
પ્ર. ચૂ. વૈદ્ય