નારદસંહિતા : નારદોક્ત ભારતીય જ્યોતિષશાસ્ત્રનો ગ્રંથ. આ સંહિતાગ્રંથ જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત, સંહિતા અને હોરા – એ ત્રણેય સ્કંધોને સમાવી લે છે. ‘નારદસંહિતા’ માત્ર સંહિતા નથી, પણ ત્રિસ્કંધ જ્યોતિષસંહિતા છે. મૂળ ગ્રંથ ‘નારદપુરાણ’માં પુરાણના વિષયો સાથે જ્યોતિષશાસ્ત્રનું નિરૂપણ પણ કેટલાક અધ્યાયોમાં જોવા મળે છે. તેમાં ખાસ કરીને અ. 54, અ. 55, અ. 56 પૂર્ણપણે જ્યોતિષશાસ્ત્રને નિરૂપે છે; જ્યારે ‘નારદસંહિતા’માં કુલ 55 અધ્યાયો છે. તે બધા સંહિતાના આધારે માનવજીવન ઉપર થતી અસરો અને જીવનકર્તવ્ય વગેરે દર્શાવી માનવીય સંસ્કારો ક્યારે અને કેવી રીતે કરવા તે અંગેનું માર્ગદર્શન આપે છે.
વેદાંગ-જ્યોતિષમાં નિરૂપાયેલ બ્રહ્મસિદ્ધાંત ગણિતસ્કંધને નિરૂપતો ગ્રંથ છે. આ સિદ્ધાંતગ્રંથ બ્રહ્મદેવે પોતાના મુખે નારદને કહેલો (અ. 67–64) એવી અનુશ્રુતિ મળે છે.
હાલમાં પ્રાપ્ય નારદસંહિતામાંનો સંદર્ભ જોતાં એવું જણાય છે કે જ્યોતિષશાસ્ત્રના ઉપર જણાવેલ ત્રણ સ્કંધો પાછળથી અસ્તિત્વમાં આવ્યા છે. ‘બૃહન્નારદપુરાણ’માંથી ‘નારદસંહિતા’ સંપાદિત થઈ હોય તેમ જણાય છે. ‘નારદપુરાણ’માં નિરૂપિત અ. 54માં નિરૂપ્ય વિષય જ્યોતિષ-ગણિત છે. અ. 55માં ‘જાતક’ સ્કંધનું નિરૂપણ છે. અ. 56માં ‘હોરા’ ફળની સાથે સંહિતાના વિષયો પણ જણાય છે. ગ્રહોના આચારની સાથે વિવિધ પ્રકારના મહોત્પાત વગેરેનું નિરૂપણ થયેલું છે. આમ આ ત્રણ અધ્યાયો ત્રણેય સ્કંધને આવરી લે છે.
આમ ‘નારદસંહિતા’ નારદપુરાણના આ ત્રણ અધ્યાયોનું વિસ્તૃતીકરણ છે. હવે ‘નારદસંહિતા’માં નિરૂપાયેલા વિષયોનું વૈવિધ્ય જોઈએ તો સંવત્સરો અને તેનું ફળ, ઋતુવિચાર, તિથિઓ અને તેમના સ્વામીઓનો વિચાર, નંદા વગેરે સંજ્ઞાઓ, ગ્રહોની ‘ચર’, ‘સ્થિર’ વગેરે સંજ્ઞાઓ, કુલિક, યમઘંટ, હોરાકાલકથન, નક્ષત્રો અને તેના સ્વામીઓનું શુભાશુભ ફળ, વ્યતિપાત વગેરે વિવિધ યોગો, કરણો અને તેના સ્વામીઓ, તેનું ફળ, ભદ્રા અને તેની શુભાશુભ અસરો વગેરે વિષયો નવમા અધ્યાય સુધીમાં છે.
વળી ભૂકંપ, ઉત્પાત, સંક્રાંતિફળ, ગોચર તથા ગ્રહોના વેધનું શુભાશુભ ફળ, નંગ-ધારણવિધિ, મેષાદિ જન્મલગ્નો, ચંદ્રવિચાર, રજસ્વલા-વિચાર, ષોડશ-સંસ્કાર-વિચાર, વાસ્તુવિચાર, યાત્રાફળ, વર્ષાફળ, ઉત્પાત, ઉલ્કાપાતની શુભાશુભ અસરો, ઇન્દ્રધનુષ્યફળ, ગંધર્વનગરદર્શન, સૂર્ય-પ્રતિસૂર્યવિચાર, ભૂકંપ વગેરેનું ઇષ્ટ-અનિષ્ટ ફળ, તિથિશૂન્ય, લગ્ન, મિશ્રપ્રકરણમાં ગ્રહોનાં સ્થાન, તિથિ, માસ વગેરેનું માહાત્મ્ય સમજાવી ગંડાંત લગ્ન, યોગ અને તેનું અનિષ્ટ ફળ વગેરે દર્શાવાયું છે. છેવટે અનિષ્ટ-શાંતિ, શ્રાદ્ધ-વિચાર અને તેના ફળને પણ લોકહિતાર્થે અ. 10થી અ. 55 સુધીમાં સમાવી લેવાયાં છે.
વેદાંગ-જ્યોતિષથી પ્રારંભ કરીને મહાભારતકાળ પર્યંત મેષાદિ રાશિઓ અને વારનું નિરૂપણ પ્રાપ્ત થતું નથી, જ્યારે પ્રાપ્ય ‘નારદસંહિતા’ તેમજ ‘નારદપુરાણ’માં તેનું નિરૂપણ પૂર્ણ રીતે થયેલું છે. તેથી ‘નારદસંહિતા’નું આયોજન, સંકલન વેદાંગ-જ્યોતિષ અને પુરાણકાળમાંના વિવિધ જ્યોતિષ-ગ્રંથોના આધારે થયેલું માની શકાય. તેનો સમય આઠમી સદીથી પૂર્વેનો નથી. આમ હાલમાં જે ‘નારદસંહિતા’ પ્રાપ્ય છે તે આઠમી સદી પછીનું સર્જન છે.
બટુક દલીચા