નાયલૉન : પૉલિએમાઈડ વર્ગના સંશ્લેષિત રેસાઓના એક સમૂહનું સામાન્ય નામ. 1930માં ડ્યૂ પોંટ કંપનીના સંશોધન-વિભાગે વૉલેસ કૅરોથર્સના માર્ગદર્શન નીચે સૌપ્રથમ કૃત્રિમ રેસા તૈયાર કર્યા. 1939માં આ કૃત્રિમ રેસાઓમાંથી બનાવેલાં મોજાં બજારમાં મુકાયાં ત્યારે ખૂબ સનસનાટી મચી ગઈ હતી. સ્ત્રીઓનાં કપડાં જે અત્યાર સુધી રેશમમાંથી તૈયાર કરાતાં તે નાયલૉનનાં થવા લાગ્યાં. નાયલૉન રેસાઓને વણી શકાય, ધોઈ શકાય તથા ઝડપથી સૂકવી શકાય છે, તથા તેના તારનું સામર્થ્ય (strength), ટકાઉપણું તેમજ ભેજ સામેના પ્રતિકારને લીધે બીજા વિશ્વયુદ્ધમાં નાયલૉનની હવાઈ છત્રીઓ (parachutes) બનવા લાગેલી. હવે તે ઍરક્રાફ્ટનાં ટાયરોમાં વપરાય છે, જેને પરિણામે ભારે બૉમ્બરો સહેલાઈથી અને સલામત રીતે ઉતારી શકાય છે.
વિશ્વયુદ્ધ પૂરું થતાં જ નાયલૉનના અનેક ઉપયોગો થવા લાગ્યા. વહાણો માટેનાં દોરડાં, તરવાનો પોષાક, બાળકોનાં વસ્ત્રો, અન્ડરવેર વગેરે બનવા માંડ્યાં.
નાયલૉન બનાવવા માટે ડાઇએમાઇન તથા ડાઇકાર્બોક્સિલિક ઍસિડના વિવિધ પ્રકારો વપરાય છે. સામાન્ય રીતે વપરાતું નાયલૉન 6/6 ઍડિપિક ઍસિડ (C6વાળો ઍસિડ) અને હેક્ઝામિથિલીન ડાઇએમાઇન(C6વાળો ડાઇએમાઇન)નું સંઘનન કર્યા બાદ પ્લાસ્ટિક સ્વરૂપે ચાળણીમાંથી પસાર કરીને તાર સ્વરૂપે, તાકાઓ (sheets) સ્વરૂપે અથવા વિવિધ આકારનાં બીબાંઓમાં ઢાળી શકાય છે. કાપડ-ઉદ્યોગ માટે નાયલૉન રેસાઓના અણુઓ એકબીજા સાથે સમાંતરે ગોઠવાઈને શક્તિશાળી તન્ય રેસાઓ બનાવે છે. આ રેસાઓ ઉષ્માનમ્ય (thermoplastic) હોય છે. નાયલૉન બનાવવાની રાસાયણિક પ્રક્રિયાને બહુલીકરણ કહે છે.
દા. ત., નાયલોન-6 કેપ્રોલેક્ટમના બહુલીકરણથી બને છે. નાયલૉન-6/6 એડિપિક ઍસિડ [હેક્ઝેનડાયોઇક ઍસિડ, (CH2)4(COOH)2] અને હેક્ઝમિથિલીનડાઇએમાઇન(1,6 ડાઇએમાઇનનો હેક્ઝેન), (NH2(CH2)6NH2)માંથી બને છે. જ્યારે નાયલોન6/10 ડેકેનડાયોઇક ઍસિડ, (CH2)8(COOH)2 અને 1,6–ડાઇએમાઇનો હેક્ઝેનમાંથી બને છે. અહીં પહેલો આંકડો એમાઇનમાંના કાર્બન પરમાણુઓની જ્યારે બીજો આંકડો ઍસિડમાંના કાર્બન પરમાણુઓની સંખ્યા દર્શાવે છે.
નાયલૉન 6/6 નીચે મુજબ બનાવી શકાય :
H2N(CH2)6NH2 + HOOC(CH2)4COOH → H2N(CH2)6NHCO(CH2)4COOH…. (મધ્યવર્તી).
આ પ્રક્રિયા સતત ચાલુ રહેશે, કારણ કે મધ્યવર્તીમાં પણ મૂળ સંયોજનોની માફક બે ક્રિયાશીલ સમૂહો છે અને વધુ એકલક સાથે અથવા પોતાના જ બીજા અણુઓ સાથે પ્રક્રિયા કરવાને પરિણામે લાંબી રેખીય શૃંખલામાં – NH(CH2)6NHCO(CH2)4CO – એકમ ફરી ફરીને બેવડાયા કરશે. આ પ્રકારના બહુલકોને પૉલિએમાઇડ્ઝ કહે છે તથા તેમને નાયલૉન સામાન્ય નામ આપવામાં આવ્યું છે.
કૅરોથર્સની મૂળ શોધ બાદ સંશ્લેષિત રેસાઓના અનેક પ્રકારો શોધાયા છે. અમેરિકામાં બનતા સંશ્લેષિત રેસાઓમાં 33 % નાયલૉન રેસાઓ હોય છે. લગભગ 80 % જાજમ હવે ઊનને બદલે નાયલૉનની બનાવાય છે. નાયલૉનને કંઈક અંશે મળતા એસિટલ(પૉલિ-ફૉર્માલ્ડિહાઇડ)ના રેસાઓ બનાવાયા છે. નાયલૉન રેસાઓ મજબૂત (tough) પ્રતિકારવાળા હોય છે. ઊંચા તાપમાન સામે 200° સે. સુધી પ્રતિકારશક્તિ ધરાવે છે. તે ભેજગ્રાહી નથી, પરંતુ પારજાંબલી પ્રકાશ સામે પ્રતિકાર કરી શકતા નથી.
જગદીશ જ. ત્રિવેદી