નાયર, સુશીલા (જ. 25 ડિસેમ્બર 1914, કુંજાહ, જિ. ગુજરાન, પશ્ચિમ પંજાબ, હવે પાકિસ્તાનમાં; અ. 3 જાન્યુઆરી 2000, સેવાગ્રામ) : ગાંધીજીનાં તબીબી સલાહકાર, જીવનચરિત્રલેખક અને રચનાત્મક કાર્યકર. ખત્રી કુટુંબમાં જન્મ. પિતાનું લોહીના ઊંચા દબાણથી 1915માં અવસાન થતાં તેમનાથી બે મોટા ભાઈઓ સાથે બાળક સુશીલા માતાના આશ્રયે મોટાં થયાં. 12 વર્ષની વયે તેઓ લાહોર ગયાં અને કોઈ માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવ્યા વિના તેમણે મૅટ્રિકની પરીક્ષા ઘેર ભણીને આપીને ઇન્ટર સાયન્સના વર્ગમાં પ્રવેશ મેળવ્યો. અને તે પછી દિલ્હીની લેડી હાર્ડિજ મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરીને 1937માં એમ.બી.બી.એસ.ની ઉપાધિ મેળવી. 1942માં એમ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી અને તે પછી અમેરિકા જઈને ત્યાંના બૉલ્ટિમોર નગરની જોન હોપકિન્સ યુનિવર્સિટીમાંથી તેમણે 1949-50માં જાહેર આરોગ્યના વિષયમાં એમ. પી. એચ. અને ડૉક્ટર ઑવ્ પબ્લિક હેલ્થની ઉપાધિઓ મેળવી.
સુશીલા ગાંધીજીને પ્રથમ વાર તેમનાં માતા સાથે પંજાબના રોહતક ગામમાં 1921ના ફેબ્રુઆરીની 16મીએ મળ્યાં. તે પ્રસંગે ગાંધીજીની સાથે 1920ના ઑક્ટોબરમાં જોડાયેલા તેમના મોટા ભાઈ પ્યારેલાલ ગાંધીજીની સાથે નહોતા. સુશીલાનાં માતુશ્રી ગાંધીજીને રોહતકમાં મળ્યાં અને ગાંધીજીએ એક અઠવાડિયા પછી એમને લાહોરમાં સરલાદેવી ચૌધરીના નિવાસસ્થાન પર મળવાનો સમય આપ્યો. ત્યાં ગાંધીજીએ નાનકડી સુશીલાને પોતાના ખોળામાં બેસાડી એને ખાદીનાં કપડાં પહેરવાની ભલામણ કરી.
1930માં લાહોર કોંગ્રેસ વખતે મહાદેવભાઈ, દેવદાસભાઈ ઇત્યાદિ કેટલાક ગાંધીજીના સાથીઓ પ્યારેલાલ સાથે સુશીલાનાં માતાજી પાસે જમવા આવ્યા. સુશીલા એનાથી બહુ પ્રભાવિત થયા. ગાંધીજીને દૂરથી જોઈને તેમણે સંતોષ માન્યો. 1937માં તબીબી સ્નાતક થયા પછી સુશીલાબહેન એ વર્ષના ઑક્ટોબરની 26મીએ કોલકત્તામાં શરદચંદ્ર બોઝના નિવાસસ્થાને ગાંધીજીને મળવા આવ્યાં ત્યારે ગાંધીજીને લોહીનું ઊંચું દબાણ હોવાથી તેમની તબીબી સેવા કરવા તેમની સાથે નવેમ્બરની 1લીએ ડૉ. બી. સી. રૉયની હિમાયતથી સેગાંવ ગયાં હતા. 1939માં પાછાં પોતાનો અભ્યાસ પૂરો કરવા કૉલેજમાં ગયા.
1942ના ઑગસ્ટની 8મીએ મુંબઈમાં કોંગ્રેસની મહાસમિતિ મળવાની હતી. સુશીલાબહેન એમ. ડી. ની. પરીક્ષા આપી તેમાં હાજર રહેવા ઑગસ્ટની 7મીએ દિલ્હીથી મુંબઈ જવા નીકળ્યાં અને ઑગસ્ટની 9મીની વહેલી સવારે ગાંધીજી (પછી કસ્તૂરબા) સાથે તેમની પણ ધરપકડ થતાં તેમની સાથે આગાખાન મહેલમાં 1944ની 6ઠ્ઠી મે સુધી અટકાયતમાં રહ્યાં. અને તે દરમિયાન 1943ના નવેમ્બરથી આગાખાન મહેલમાં કસ્તૂરબા માંદાં પડતાં, 1944ના ફેબ્રુઆરીની 22મીએ તેમનું અવસાન થયું ત્યાં સુધી તેમની તબીબી સારવાર કરી.
ગાંધીજીએ 1946ના નવેમ્બરથી પૂર્વ બંગાળના નોઆખલી જિલ્લામાં કોમી વૈમનસ્યનો ભોગ બનેલા હિંદુઓને આશ્વાસન આપવા શાંતિયાત્રા શરૂ કરી ત્યારે સુશીલાબહેને નોઆખલીના એક ગામડામાં એકલાં રહીને કોમી સદભાવ કેળવવાનું કામ કર્યું હતું.
1948માં દિલ્હીમાં ગાંધીજીની હત્યા બાદ સુશીલા નાયર અમેરિકા ગયાં હતા, જ્યાં તેમણે જ્હોન હોપકિન્સ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાંથી જાહેર આરોગ્યમાં બે પદવીઓ મેળવી હતી. 1950માં પાછા ફર્યા બાદ, તેમણે ફરીદાબાદમાં ક્ષય રોગ સેનેટોરિયમની સ્થાપના કરી, જે દિલ્હીની બહારના વિસ્તારમાં આવેલી આદર્શ વસાહત હતી, જેની સ્થાપના તેમના સહયોગી ગાંધીવાદી કમલાદેવી ચટ્ટોપાધ્યાયે સહકારી ધોરણે કરી હતી. નાયર ગાંધી મેમોરિયલ લેપ્રોસી ફાઉન્ડેશનના વડા પણ હતાં.
રાજકીય ક્ષેત્રે તે 1952 થી 1956 સુધી દિલ્હી રાજ્ય વિધાનસભાનાં સભ્ય હતાં. અને તે ગાળા દરમિયાન દિલ્હી રાજ્યના સ્વાસ્થ્ય તથા આરોગ્ય, વાહનવ્યવહાર અને પુનર્વસવાટ ખાતાના પ્રધાન (1952-55) અને 1955-56 દરમિયાન દિલ્હી વિધાનસભાનાં અધ્યક્ષ (સ્પીકર) હતાં. 1956-57નાં બે વર્ષ તેમણે વિનોબા ભાવેની ભૂદાનપ્રવૃત્તિમાં જોડાઈને સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો. 1957થી 1971 સુધી અને તે પછી 1977થી 1979 સુધી સુશીલાબહેન લોકસભાનાં સભ્ય હતાં, અને 1962થી 1967 સુધી તેમણે કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્વાસ્થ્યમંત્રી તરીકે; સ્થાનિક સ્વરાજ, જનપદ અને નગરઆયોજન તથા કુટુંબનિયોજન ખાતાનાં પ્રધાન તરીકે સેવાઓ આપી હતી.
સંસ્થાકીય ક્ષેત્રે પણ સુશીલાબહેનની પ્રવૃત્તિઓ અનેકવિધ રહી હતી. તેમાં મુખ્યત્વે ‘ઍસોસિયેશન ફૉર સોશિયલ હેલ્થ’ નાં પ્રમુખ (1952-62), ‘ઇન્ડિયન વિમેન્સ લીગ ફોર પીસ ઍન્ડ ફ્રીડમ’નાં 1955થી પ્રમુખ, ‘વિમેન્સ ઇન્ટરનેશનલ લીગ ફોર પીસ ઍન્ડ ફીડમ’નાં આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા કારોબારીનાં સભ્ય, ‘ઇન્ડિયન કાઉન્સિલ ઑવ મેડિકલ રિસર્ચ’નાં પ્રમુખ (1962-67), ‘ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઑવ્ મેડિકલ સાયન્સીઝ’ નવી દિલ્હીનાં પ્રમુખ (1964-67), ‘નૅશનલ સોસાયટી ફોર પ્રિવેન્શન ઑવ્ બ્લાઇન્ડનેસ’નાં પ્રમુખ (1964-81), ‘કસ્તૂરબા હેલ્થ સોસાયટી’નાં પ્રમુખ (1964થી). ‘ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી’ના અધ્યક્ષ (1964–67), સેવાગ્રામમાં 1969ના ગાંધીજીના જન્મશતાબ્દીવર્ષમાં ‘ધ મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ સાયન્સીઝ’નાં સ્થાપક, નિયામક અને તે સંસ્થામાં સામાજિક તબીબી વિજ્ઞાનના પ્રાધ્યાપક, ‘પોસ્ટગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ મેડિકલ એજ્યુકેશન’, ચંડીગઢનાં પ્રમુખ (1977- 1979), 1988થી ‘કસ્તૂરબા ગાંધી નૅશનલ મેમોરિયલ ટ્રસ્ટ’, ઇન્દોરનાં પ્રમુખ, અને ‘એકેડેમિક કમિટી ઑવ્ ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ સાયન્સીઝ’ – નવી દિલ્હીનાં પ્રમુખ (1977થી 1979) તરીકેની કામગીરી ઉલ્લેખનીય છે.
સુશીલાબહેન નાયરનાં પ્રકાશનોમાં મુખ્ય (I) પુણેના આગાખાન મહેલમાં રાખેલી દૈનિક નોંધો ઉપરથી દિનવારી રૂપે 1950માં પ્રસિદ્ધ કરેલું અને 1952નું હિન્દી કૃતિઓનું રાષ્ટ્રપતિ પારિતોષિક પ્રાપ્ત કરનાર પુસ્તક ‘બાપૂ કી કારાવાસ કહાની’, (2) ‘મહાત્મા ગાંધી ધ બર્થ ઑવ્ સત્યાગ્રહ ફ્રોમ પિટિશનિંગ ટુ પૅસિવ રેઝિસ્ટન્સ’ – 1902-1906 (મોટા ભાઈ પ્યારેલાલે તૈયાર કરી રાખેલી નોંધો ઉપરથી જેમ્સ હન્ટ સાથે સંપાદિત, 1986), (3) ‘મહાત્મા ગાંધી : સત્યાગ્રહ ઍટ વર્ક’ – નવેમ્બર 1906થી 1914 (1988), (4) ‘મહાત્મા ગાંધી : ઇન્ડિયા અવેકન્ડ’ – 1914થી 1925 (1994) અને (5) ‘કસ્તૂરબા : વાઇફ ઑવ્ ગાંધી’ (અંગ્રેજી)એ છે.
આ ઉપરાંત એમની પાસેથી ‘ધ સ્ટોરી ઑફ બાપુઝ ઇમ્પ્રિસમેન્ટ (1944), ‘ કસ્તૂરબા : વાઇફ ઑફ ગાંધી’ (1948), ‘કસ્તૂરબા ગાંધી: અ પર્સનલ રિમેન્સીસ’ (1960), ‘ફેમિલી પ્લાનિંગ’ (1963), ‘રોલ ઑફ વુમન ઇન પ્રોહિબિશન’ (1977), ‘મહાત્મા ગાંધી : સત્યાગ્રહ એટ વર્ક’ (ખંડ-4) (1951), ‘મહાત્મા ગાંધી: ઇન્ડિયા અવેકડ’ (ખંડ-5), ‘મહાત્મા ગાંધી : સોલ્ટ સત્યાગ્રહ- ધ વૉટરશેડ’ (ખંડ-6), ‘મહાત્મા ગાંધી : પ્રીપેરીંગ ફોર સ્વરાજ’ (ખંડ-7), ‘મહાત્મા ગાંધી: ફાઇનલ ફાઈટ ફોર ફ્રીડમ’ (ખંડ-8) (1990), ‘મહાત્મા ગાંધી : ધ લાસ્ટ ફેઝ’ (નવજીવન પબ્લિશિંગ હાઉસ દ્વારા પ્રકાશિત ગાંધીજીના જીવનચરિત્રનો દસમો ગ્રંથ એમના ભાઈ પ્યારેલાલ માટે પૂરો કર્યો હતો.) પુસ્તકો પણ સાંપડે છે.
ચી. ના. પટેલ
દર્શના ધોળકિયા