નાયર, રાઘવન્ (જ. 1924, મધ્ય કેરળ; અ. 1985, મુંબઈ) : કથકલિ નૃત્યકાર, નૃત્યસંયોજક અને શિક્ષક. બાળપણથી જ અવારનવાર કથકલિના પ્રયોગો જોઈ તે શૈલીનો નાદ લાગ્યો હતો. આથી સાતમા ધોરણથી અભ્યાસ પડતો મૂકી કોટ્ટક્કલના પી. એસ. વારિયરની નાટ્યમંડળીમાં જોડાયા. મંડળીમાં શરૂઆતમાં નાનાં પાત્રોની ભજવણી કરી અને ધીમે ધીમે નાટ્યકળાની ખૂબીઓથી જાણકાર બન્યા. આમ શિક્ષણ અને રજૂઆત કરતાં કરતાં નૃત્ય સાથે કર્ણાટકી સંગીતની તાલીમ લેવી શરૂ કરી. સંસ્થાના જ ગાયકો શકુનિ નાયર અને માધવન્ નાયર પાસે 1933–40 દરમિયાન તાલીમ લીધી અને કચેરી-સંગીતના કાર્યક્રમમાં સારા ગાયક તરીકે કાર્યક્રમ આપી શકે તેવી ક્ષમતા હાંસલ કરી.
1940માં મુંબઈ આવી ‘સેવન આર્ટ્સ સેન્ટર’માં જોડાયા અને સંસ્થાની મંડળી સાથે દેશભરમાં નૃત્યપ્રયોગો રજૂ કર્યા. 1949માં ‘રૂપાયતન’ નામની નૃત્યસંસ્થામાં જોડાયા, પણ સાથે પોતાની ‘નૃત્યબોધિની’ નામની સંસ્થા સ્થાપી. આ અરસામાં તેમનું નામ એક અચ્છા કલાકાર તરીકે લેવાતું હતું. ‘રૂપાયતન’ અને ‘નાટ્યસંઘમ્’ જેવી સંસ્થાઓના ચુનંદા કલાકારો સાથે 1954 દરમિયાન અગ્નિ એશિયા તેમજ દૂર પૂર્વના દેશોમાં નૃત્યનાટિકાઓ રજૂ કરી. આ તેમની કારકિર્દીનો સુવર્ણકાળ ગણી શકાય. ઋતાદેવી જેવી મશહૂર નૃત્યાંગના વિવિધ શાસ્ત્રીય નૃત્યશૈલીઓ સર્જનાત્મક રીતે રજૂ કરી રહી હતી. તેમણે રાઘવન્ નાયરને આમંત્રણ આપી, 1959થી ’62 દરમિયાન યુરોપ ખાતે અનેક સફળ નૃત્યકાર્યક્રમો રજૂ કર્યા.
પડછંદ કાયા, સમર્થ પ્રતિભા અને સૌથી વધુ રંગમંચ વિશેની કોઠાસૂઝને કારણે હવે તેમને અનેક નૃત્ય-નાટિકાઓમાં પ્રમુખ ભૂમિકા ભજવવાનું આમંત્રણ મળવા માંડ્યું. નૃત્ય-સંયોજક યોગેન્દ્ર દેસાઈએ તેમની નૃત્યનાટિકાઓમાં ભાગ લેવા તેમને બોલાવ્યા. સિને કલાકાર નૃત્યાંગના આશા પારેખ સાથેની પ્રમુખ ભૂમિકામાં રાઘવન્ નાયરે નૃત્ય કરી સારી નામના મેળવી અને અનેક વિદેશપ્રવાસો ખેડ્યા.
આ દરમિયાન તેમની સંસ્થા ‘નૃત્યબોધિની’ પ્રગતિ કરી રહી હતી. 1959માં એ સંસ્થાની રજતજયંતીની ઉજવણી થઈ હતી.
1982માં તેમના ઉપર દસ્તાવેજી ‘લઘુચિત્ર’ તૈયાર થયું. તેમાં એમણે કથકલિ શૈલીમાં ‘નળદમયંતી’માં નળની મુખ્ય ભૂમિકા ભજવી હતી.
પ્રકૃતિ કાશ્યપ