નાયર, પ્યારેલાલ (જ. 1899, દિલ્હી; અ. 27 ઑક્ટોબર 1982, દિલ્હી) : સ્વાતંત્ર્યસંગ્રામના સૈનિક. ગાંધીજીના અંતેવાસી અને મંત્રી. માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે 1915 માં તેમના પિતાનું અવસાન થતાં કાકાની આજ્ઞાથી લાહોરમાં રહી ત્યાંની સરકારી કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં બી. એ.(ઑનર્સ)ની ઉપાધિ મેળવી અને એ જ કૉલેજમાં એમ. એ.નાં સત્ર ભરવા જોડાયા, પરંતુ એમ. એ. ફાઇનલની પરીક્ષા પહેલાં અસહકાર આંદોલનમાં જોડાયા.
પ્યારેલાલે પહેલી વાર ગાંધીજીને 1919ના ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન અમૃતસરમાં મળવાનું હતું ત્યાં જોયા, તે પછી 1920ના જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં ગાંધીજીને લાહોરમાં મળીને તેમણે મુલાકાત માગી. તે મુજબ 1920ના ફેબ્રુઆરીની 10મીના રોજ તેમને મળ્યા ત્યારે ગાંધીજીએ તેમને તેમનો એમ. એ.નો અભ્યાસ પૂરો કરવાની સલાહ આપી. પ્યારેલાલે તેમ ન કરતાં એમ.એ.નો અભ્યાસ અધૂરો છોડી 1920ના ઑગસ્ટની 8મીએ અમદાવાદ ગાંધીજીને સત્યાગ્રહ આશ્રમમાં મળ્યા ત્યારે ગાંધીજીએ તેમને ‘અસહકારનો સિદ્ધાંત અને તેનું આચરણ’ એ વિષય ઉપર નિબંધ લખવાની સૂચના આપી. પ્યારેલાલે એ વિષય ઉપર નિબંધ લખીને ગાંધીજીને દિલ્હીમાં 1920ના ઑક્ટોબરની 10મીએ આપ્યો. નિબંધ ગાંધીજીને પસંદ પડતાં પ્યારેલાલે તેમની સાથે જોડાવાનો નિર્ણય કર્યો અને એ નિર્ણય અનુસાર તેમણે 1948ના જાન્યુઆરીની ત્રીસમી સુધી પોતાનું જીવન ગાંધીજીની સેવામાં સમર્પિત કર્યું.
પ્યારેલાલ ગાંધીજીના શ્રીલંકાના (12થી 29 નવેમ્બર, 1927) અને બ્રહ્મદેશના (8થી 22મી માર્ચ, 1929) પ્રવાસ વેળા તેમની સાથે જોડાયા હતા. ગાંધીજીએ 1930ના માર્ચની બારમીએ દાંડીકૂચ શરૂ કરી ત્યારે એ કૂચમાં જોડાયેલા તેમના 78 સાથીઓમાં પ્યારેલાલ પણ હતા. તે પછી ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન ગયા (ઑગસ્ટ 29થી 5 ડિસેમ્બર, 1931) ત્યારે તેમના રહસ્યમંત્રી તરીકે મહાદેવ દેસાઈની સાથે પ્યારેલાલ પણ હતા અને મહાદેવ દેસાઈનું પુણેના આગાખાન મહેલમાં અવસાન થયું (1942ના ઑગસ્ટની 15) તે પછી પ્યારેલાલે ગાંધીજીની સાથે રહીને તેમના રહસ્યમંત્રી તરીકેની બધી જવાબદારીઓ ઉપાડી લીધી. સ્વાતંત્ર્યની લડત દરમિયાન પ્યારેલાલ 8 વાર જેલમાં ગયા હતા. 1946માં કોમી રમખાણો શરૂ થયાં ત્યારે બંગાળ, બિહાર અને બીજા વિસ્તારોમાં શાંતિ સ્થાપવાના ગાંધીજીના પ્રયત્નોમાં તેમના સાથી હતા અને 1946ના નવેમ્બરથી ગાંધીજીએ પૂર્વ બંગાળના નોઆખલી જિલ્લામાં કોમી હિંસાનો ભોગ બનેલા હિન્દુઓને આશ્વાસન આપવા એ જિલ્લાનાં ગામડાંઓમાં શાંતિયાત્રા શરૂ કરી ત્યારે પ્યારેલાલે પણ એક ગામડામાં એકલા રહી હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે સદભાવ કેળવવાનું કામ કર્યું હતું.
1950માં તેમણે બેલા નામની બંગાળી મહિલા સાથે લગ્ન કર્યાં.
પ્યારેલાલ એક ઊંચી કોટિના પત્રકાર હતા. ગાંધીજીનાં ‘યંગ ઇન્ડિયા’ તથા ‘હરિજન’ સાપ્તાહિકોમાં અવારનવાર લેખો લખતા અને તે સાથે ગાંધીજીના ‘હરિજનબંધુ’ ગુજરાતી સાપ્તાહિકમાં પ્રગટ થતાં લખાણોનો ‘હરિજન’માં અંગ્રેજી અનુવાદ પણ આપતા. તેમણે ગાંધીજીનાં જીવન અને ચિંતનના અધિકૃત ભાષ્ય તરીકે જે પુસ્તકો લખ્યાં છે તેમાં (1) ‘ધી એપિક ફાસ્ટ’, (2) ‘એ પિલ્ગ્રિમેજ ફૉર પીસ’, (3) ‘એ નૅશન બિલ્ડર ઍટ વર્ક’, (4) ‘ગાંધિયન ટૅકનિક્સ ઇન ધ મૉડર્ન વર્લ્ડ’, (5) ‘મહાત્મા ગાંધી – ધ લાસ્ટ ફેઈઝ’ ખંડ 1 અને 2, (6) ‘ટુવર્ડ્ઝ ન્યૂ હોરાઇઝન્સ’, (7) ‘મહાત્મા ગાંધી – ધી અર્લી ફેઈઝ’, (8) ‘મહાત્મા ગાંધી – ધ ડિસ્કવરી ઑવ્ સત્યાગ્રહ : ઓન ધ થ્રેશોલ્ડ’ એ મુખ્ય છે. તે ઉપરાંત તેમણે ગાંધીજીની દક્ષિણ આફ્રિકામાં 1902થી 1906 સુધીની પ્રવૃત્તિઓની નોંધો તૈયાર કરી રાખી હતી. તેનો પ્રથમ ખંડ ‘ડિસ્કવરી ઑવ્ સત્યાગ્રહ : ફ્રૉમ પિટિશનિંગ ટુ પૅસિવ રેઝિસ્ટન્સ’ તેમણે લખ્યો હતો, જ્યારે તેના બીજા ખંડનું તેમનાં બહેન સુશીલા નાયર અને જેમ્સ હન્ટે ‘મહાત્મા ગાંધી – ધ બર્થ ઑવ્ સત્યાગ્રહ : ફ્રૉમ પિટિશનિંગ ટુ પૅસિવ રેઝિસ્ટન્સ’ શીર્ષકથી સંપાદન કર્યું હતું.
વળી પ્યારેલાલે દેશી રાજાઓ વિશે એક પુસ્તક ‘ધ સ્ટેટસ ઑવ્ ઇન્ડિયન પ્રિન્સિઝ’ શીર્ષકથી અને ખાન અબ્દુલ ગફારખાનનું ‘થ્રોન ટુ ધ વુલ્વ્ઝ’ શીર્ષકથી જીવનચરિત્ર લખ્યાં હતાં. તેમણે ગાંધીજીના ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ પુસ્તકના પાંચમા ભાગનાં 29થી 43 સુધીનાં પ્રકરણોનો અંગ્રેજીમાં અનુવાદ પણ કર્યો હતો.
ર. લ. રાવળ