નાયર, પી. કે. (ટિક્કોડિયન) (જ. 15 ફેબ્રુઆરી 1916, ટિક્કોડી, કોઝીકોડ, કેરળ; અ. 28 જાન્યુઆરી 2001, કોઝીકોડ, કેરળ) : મલયાળમ ભાષાના નાટ્યકાર અને નવલકથાકાર. એમનો જન્મ કેરાળના ટિક્કોડી ગામમાં થયો. ગામના નામ પરથી ‘ટિક્કોડિયન’ તખલ્લુસ રાખ્યું હતું. આનંદ ઉપનામથી એમણે લખવાનું શરૂ કરેલું. બાલ્યાવસ્થામાં એમનાં માતાપિતાનું અવસાન. 1942માં લગ્ન પછી પાંચમા વર્ષે પત્નીનું નિધન. સંતાનમાં એક માત્ર પુત્રી. અધ્યાપકમંડળમાં સક્રિય કાર્યકર. અધ્યાપકોએ ચલાવેલ આઝાદી માટેના આંદોલનમાં નેતૃત્વ લેવાને કારણે બ્રિટિશ સરકારે તેમને અધ્યાપનસેવામાંથી રુખસદ આપી હતી. જોકે આ પછી પણ તેઓ કાર્યરત રહ્યા. 1950–76 સુધી આકાશવાણી (All India Radio) માટે તેમણે સ્ક્રિપ્ટલેખક અને દિગ્દર્શક તરીકે કાર્ય કર્યું. આજ સુધીમાં તેમનાં ત્રીસ જેટલાં નાટકો અને પાંચ નવલકથાઓ પ્રકાશિત થયાં છે. આ ઉપરાંત તેમણે ખૂબ મોટી સંખ્યામાં રેડિયોનાટક લખ્યાં છે. કેરળ સાહિત્ય અકાદમી, ઓડક્કુઝલ વાયલાર અને ભારતીય ભાષા પરિષદ તરફથી પણ તેમને પુરસ્કારો મળ્યા છે.
જોકે તેમનાં તમામ સર્જનાત્મક લખાણોની યશકલગી તે તેમની આત્મકથા ‘અરંગુ કાણાત નટન’ છે. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1995નો ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. આ કૃતિને 1992નો કેરાળ સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો છે. 1995 આ આત્મકથાને વાયાલાર ઍવૉર્ડ અર્પણ થયેલો. આ કૃતિમાં એક એવા અભિનેતાની કેફિયત છે, જેણે કોઈ દિવસ રંગમંચ જોયો જ નથી. આ હૃદયંગમ આત્મકથાના સમાપનમાં લેખક જણાવે છે કે થોડે દૂર તેમનો રંગમંચ તૈયાર થઈ રહ્યો છે. દૃશ્ય પ્રકાશથી ભર્યુંભર્યું છે. પડદાની પાછળ શું છે ? પ્રકાશ કે અંધકાર ? એની એમને પોતાને કશી જ ખબર નથી. ઉતારચઢાવથી ભરપૂર જીવનની વાત કહેતી આ આત્મકથા સમકાલીન છિન્નભિન્ન સમયના ઇતિહાસની આરસી બની રહે છે. આત્મશ્લાઘામાં સરી ગયા સિવાય લેખકે લોકો તેમજ ઘટનાઓ વિશે સમતોલતા જાળવીને જે ઉદાત્ત અને વેધક વાણીમાં રજૂઆત કરી છે તે કારણે આ કથા ભારતીય આત્મકથાસાહિત્યમાં નોંધપાત્ર યોગદાન મનાય છે.
કેરાળા સાહિત્ય અકાદમીએ 2000માં એમને ફેલોશિપ આપેલી. કેરાળા સંગીત-નાટક અકાદમીએ રાજ્યનો ધંધાદારી નાટ્ય ઍવૉર્ડ આપેલો.
વિ. પ્ર. ત્રિવેદી