નાયર, ગોપીનાથન્ : (જ. 1918, ત્રિવેન્દ્રમ્; અ. 1999) : મલયાળમ નાટકકાર. 1943માં ત્રિવેન્દ્રમ્ આર્ટ્સ કૉલેજમાંથી અંગ્રેજી તથા મલયાળમ વિષય લઈને બી.એ. પ્રથમ વર્ગમાં પાસ થયા અને સુવર્ણચન્દ્રક મેળવ્યો. તે પછી ‘મલયાળમ રાજ્યમ્’ દૈનિકના તંત્રી થયા. સાથે સાથે ‘સખી’ અને ‘વીરકેસરી’ માસિક પત્રિકા પણ એમણે શરૂ કરી. તે પછી ત્રિવેન્દ્રમ્ આકાશવાણીના નાટ્યવિભાગમાં નાટ્યલેખન અને નાટ્યપ્રસારણ અધિકારી તરીકેનો હોદ્દો સંભાળ્યો. તંત્રી હતા ત્યારથી જ નાટક લખવાની શરૂઆત કરેલી. એમનું ‘પરીક્ષા’ નાટક ખૂબ લોકપ્રિય બન્યું. એ નાટકને વિક્રમ નાયક પારિતોષિક માટે પસંદ કરવામાં આવ્યું. એમણે 40 નાટકો લખ્યાં છે, જે દૂરદર્શન પરથી પ્રસારિત થયાં છે. એમનું ‘અકાઉમ પુરાકુમ’ નાટક અત્યાર સુધીમાં 500 વાર ભજવાયું છે અને હજુ પણ એ ભજવાતું રહે છે. એ પોતે પણ નાટકનું દિગ્દર્શન અને તેમાં અભિનય કરે છે. ‘માનમનેલિન્નું’, ‘પ્રતિધ્વનિ’, ‘પરિવર્તનમ્’, ‘પુક્કાર’, ‘અમ્માવિન્નુ’, ‘વિટ્ટિબે વબ્બિ’ એમનાં લોકપ્રિય નાટકો છે. તેમનું નિરૂપણ મનોવૈજ્ઞાનિક હોય છે. મોટાભાગનાં સુખાન્ત હોય છે. એમાંનાં હાસ્યવ્યંગ્યને કારણે એ લોકપ્રિય બન્યાં છે. કેરળ સાહિત્ય એકૅડેમી તરફથી એમના ‘અકાઉમ પુરાકુમ’ નાટકને પુરસ્કાર મળ્યો છે. નાટકો ઉપરાંત એમણે કાવ્યસંગ્રહ ‘કાલિટ્ટોની’, વાર્તાસંગ્રહ ‘મલયુતેમેલા’, નવલકથા ‘તુલા’ તથા પાંચ એકાંકીસંગ્રહો આપ્યાં છે. તેઓે દૂરદર્શન માટે પણ કથાઓ લખે છે.
ચન્દ્રકાન્ત મહેતા