નાયર, કુલદીપ (. 14 ઑગસ્ટ 1923, સિયાલકોટ; પાકિસ્તાન; . 23 ઑગસ્ટ 2018, નવી દિલ્હી) : ભારતના પત્રકાર અને લેખક. બી.એ. (ઑનર્સ), એલએલ.બી. તેમજ અમેરિકાના ઇવનસ્ટનમાંથી પત્રકારત્વમાં એમ.એસસી.કર્યું. 1985થી ‘બિટ્વીન ધ લાઇન્સ’ નામનું કૉલમ લખે છે. ભારત, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં 14 ઉપરાંત ભાષાઓમાં 70થી વધુ અખબારોમાં એ પ્રસિદ્ધ થાય છે.

સ્વ. ગોવિંદવલ્લભ પંત અને સ્વ. લાલબહાદુર શાસ્ત્રીના તેઓ પ્રેસ-ઑફિસર હતા. 1967થી 1975 સુધી દિલ્હીના ‘ધ સ્ટેટ્સમૅન’ના તંત્રી તેમજ યુ.એન.આઈ. સમાચારસંસ્થાના તંત્રી અને મૅનેજર તરીકે રહ્યા. 1975થી 1981 સુધી એક્સપ્રેસ જૂથ અખબારોના તંત્રી હતા. 1965થી 1990 સુધી લંડનના ‘ધ ટાઇમ્સ’ના દિલ્હી ખાતેના પ્રતિનિધિ હતા. 1971થી 1975 સુધી લંડનના ‘ધ સ્પેક્ટેટર’ અને વૉશિંગ્ટનના ‘ઇવનિંગ સ્ટાર’ના પ્રતિનિધિ પણ હતા. તેઓ સમાચારસંસ્થાઓની પુનર્રચના સમિતિના અધ્યક્ષ હતા. તેઓ રાષ્ટ્રીય અખંડિતતા પરિષદ, પ્રેસ કાઉન્સિલ તથા એડિટર્સ ગિલ્ડ ઑવ્ ઇન્ડિયાના સભ્ય, બ્રિટનની ‘જેમિની’ના વ્યવસ્થાપક મંડળના સભ્ય, ભારતીય સંસ્થા ‘સિટીઝન્સ ફૉર ડેમૉક્રસી’ના પ્રમુખ છે. 1975ના જૂનમાં કટોકટી દરમિયાન તેમણે કારાવાસ વેઠ્યો હતો. 1990માં માર્ચથી ડિસેમ્બર સુધી લંડન ખાતેના હાઈકમિશનર તરીકે પણ એ રહી ચૂક્યા છે.

કુલદીપ નાયર

પત્રકાર તરીકે એમણે અનેક સ્કૂપ લખ્યા છે. 1988-89માં પાકિસ્તાન પાસે અણુબૉંબ છે એ સમાચાર તેમણે આપ્યા હતા. અમેરિકાએ એનો ઇન્કાર કર્યો હતો, પરંતુ પાછળથી છૂપી પોલીસ ખાતા તેમજ ડૉ. એ. જી. ખાને એને સમર્થન આપ્યું હતું. સંશોધનાત્મક પત્રકારત્વ(ivestigative journalism)માં કુલદીપ નાયરનું મહત્વનું પ્રદાન છે. એમને 2003માં ઍસ્ટોર ઍવૉર્ડ મળ્યો છે તો એમના સમગ્ર જીવનનાં કાર્યોને અનુલક્ષીને 2007નો શહીદ નિયોગી મેમોરિયલ ઍવૉર્ડ પ્રદાન થયો છે.

‘બિયોન્ડ ધ લાઇન્સ’, ‘ઇન્ડિયા  ધ ક્રિટિકલ ઇયર્સ’, ‘ડિસ્ટન્ટ નેબર્સ’, ‘સપ્રેશન ઑવ્ જજિઝ’, ‘ઇન્ડિયા આફ્ટર નેહરુ’, ‘ધ જજમેન્ટ’, ‘ઇન જેલ’, ‘રિપોર્ટ ઑન અફઘાનિસ્તાન’, ‘ધ ટ્રૅજેડી ઑવ્ પંજાબ’, ‘ઇન્ડિયા હાઉસ’, ‘ધ માર્ટિર’, ‘વોલ એટ વાઘા’, ‘સ્કૂપ’, ‘વિધાઉટ ફિચર’, ‘ટેલ્સ ઑફ ટુ સીટીઝ’ વગેરે પુસ્તકો તેમણે લખ્યાં છે. એમને ક્રિટિક્સ કાઉન્સિલ, સંજય દાલમિયા, નૅશનલ અકાદમી, ઑલ ઇન્ડિયા આર્ટિસ્ટ્સ ઍસોસિયેશન તેમજ અન્ય સંસ્થાઓ તરફથી પારિતોષિકો મળ્યાં છે.

બળવંતરાય શાહ